ચૂંટણી પંચ મોદીનું હોય કે ન હોય, શેષનવાળું તો નથી

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી

અત્યાર સુધી દેશનો લોકશાહીમાં વિશ્વાસ જોવા મળી રહ્યો છે. કેમ કે ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને ચૂંટણી પ્રક્રિયાની સ્વતંત્રતાને લઈને લોકોનાં મનમાં કોઈ શંકા નથી.

આ વિશ્વાસ ચૂંટણી પંચના સારા ટ્રેક રેકોર્ડથી જળવાઈ રહ્યો છે. ખાસ કરીને વર્ષ 1990ના દાયકામાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રહી ચૂકેલા ટીએન શેષનની શિસ્તતાના કારણે.

પરંતુ ચૂંટણી પંચનું જે વલણ અત્યારે જોવા મળી રહ્યું છે તેના કારણે સવાલ ઊભા થઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં ચૂંટણી પંચ ઢીલ બતાવી રહ્યું છે. તેના કારણે એક નિષ્પક્ષ સંસ્થા તરીકે જાણીતા પંચની છબી પર કોઈ એક રાજકીય પક્ષની તરફેણ કરવાનો ધબ્બો લાગ્યો છે.

હવે તો કોંગ્રેસ આ મામલાને કોર્ટમાં લઈ ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિપક્ષને મુખ્ય ચૂંટણી કમિશનરના નિર્ણય પર સવાલ ઉઠાવવાનો કોઈ હક નથી.

પરંતુ તેઓ કદાચ ભૂલી ગયા છે કે તેમણે વર્ષ 2002માં તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનરનું આખું નામ મોટેથી બોલીને આરોપ લગાવ્યા હતા. એ પહેલા સુધી લોકો તેમને જે.એમ.લિંગ્દોહના નામથી ઓળખતા હતા.

ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ જેમ્સ માઈકલ લિંગ્દોહ પર આરોપ લગાવ્યા હતા કે તેઓ પોતે ખ્રિસ્તી છે તેના કારણે બીજી ખ્રિસ્તી સોનિયા ગાંધીની મદદ કરવા ગુજરાતની ચૂંટણી ટાળી રહ્યા છે.

આ આરોપ પર લિંગ્દોહે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, "કેટલાક તુચ્છ લોકો વાતો બનાવતા રહે છે જેમણે એથિસ્ટ (નાસ્તિક) શબ્દ નથી સાંભળ્યો."

ચૂંટણી પંચનું નિષ્પક્ષ હોવું જેટલું અગત્યનું છે, તેટલું જ જરૂરી છે તેનું રાજકીય દબાણથી મુક્ત દેખાવું.

નહીં તો લોકો વિશ્વાસ કેવી રીતે કરી શકશે કે સ્વાયત્ત સંસ્થા કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સરકારની સત્તામાં તેની ઓળખ યથાવત રાખવાના પ્રયાસમાં મદદરૂપ નહીં થાય.

EVM પર શંકા અને ચૂંટણી પંચ

આ વર્ષે માર્ચમાં લાગેલા EVM હેકિંગના આરોપો પર ચૂંટણી પંચનું વલણ જનતાના વિશ્વાસને મજબૂત કરવા વાળું જરા પણ માની નથી શકાતું.

ચૂંટણી પંચ મશીનની ગડબડ મામલે આશંકાને દૂર કરવાને બદલે વારંવાર એક જ વાત કહેતું રહ્યું કે EVMને હેક નથી કરી શકાતું.

તમને આ પણ વાંચવું ગમશે

આ તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે દિલ્હી વિધાનસભામાં EVMની પ્રતિકૃતિ જેવા મશીનને હેક કરીને બતાવ્યું હતું.

EVMમાં ગડબડ મામલે આ આરોપો નવા નથી. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ વર્ષ 2009માં EVMને લઈને આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે.

ભાજપના જ સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામી તો આ મામલે પંચને વર્ષ 2011માં કોર્ટમાં પણ પડકારી ચૂક્યા છે.

ચૂંટણી પંચે આ વર્ષે વિવાદને લાંબા સમય સુધી ચાલવા દીધો હતો. હેકીંગ કરીને બતાવવાના પડકારને સ્વીકારીને તેણે જે વલણ અપનાવ્યું છે તેનાથી શંકા વધતી ગઈ છે.

ચૂંટણી પંચે પારદર્શિતા અને સ્પષ્ટતાથી મામલાનો ઉકેલ લાવવાને બદલે પડકાર આપવા વાળા લોકોની સામે અલગ અલગ પ્રકારની શરતો લગાવી અને અડચળો ઊભી કરી.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ વિવાદ ઉઠ્યો હતો.

તેના બે મહિના બાદ 12 મેના રોજ તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદીએ કહ્યું કે હવે પછી યોજાનારી દરેક ચૂંટણીમાં વીવીપીએટી (વોટર વેરિફાઈડ પેપર ઑડિટ ટ્રેલ) નો ઉપયોગ થશે.

પરંતુ પોતાની છબી ખરડાય તે પહેલા તેમને આ વાત કહેતા કોણે રોક્યા હતા?

હેકીંગના આરોપ જો ખોટા હતા તો પણ ચૂંટણી પંચના વલણના કારણે તેમની છબી અને ચૂંટણી પ્રક્રિયા મામલે નિષ્પક્ષતા શંકાના દાયરામાં આવી ગઈ છે.

આ વાત દુનિયાના સૌથી મોટા લોકતંત્ર કહેવાતા દેશ માટે ખૂબ જ ખરાબ છે.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર પદે હોવું એ બંધારણીય છે. આ પદથી સરકાર કોઈને કમિશનરને મહાભિયોગ (ઇમ્પીચમેન્ટ)ની કાર્યવાહી વગર નથી હટાવી શકતી.

આ પ્રકારની જોગવાઈ એટલા માટે છે કેમ કે ચૂંટણી પંચ સરકારના દબાણથી મુક્ત રહીને કામ કરી શકે.

શેષન અને તેમનો વારસો

વર્ષ 1990માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમાયેલા ટીએન શેષન પહેલા એવા વ્યક્તિ હતા કે જેમણે ગડબડ કરવા વાળા લોકોના મનમાં ડરની ભાવના ઉત્પન્ન કરી હતી.

તેમણે ચૂંટણીમાં થનારા ખર્ચ પર કડક વલણ અપનાવ્યું. કડક અને અસરકારક પગલાં ઉઠાવવા સિવાય સૌથી મોટી વાત એ છે કે તેમને ચૂંટણી પંચની સ્વતંત્રતાના માપદંડ સ્થાપિત કર્યા.

શેષનના કાર્યકાળમાં વીપી સિંહ, ચંદ્રશેખર, નરસિંહ રાવ, અટલ બિહારી વાજપેયી અને એચડી દેવેગૌડાએ વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું.

પરંતુ શેષને કોઈ પક્ષ કે નેતા પ્રત્યે કોઈ પ્રકારનું નરમ વલણ અપનાવ્યું નહોતું.

તેમને લોકો આખાબોલા અને આક્રમક ગણાવતા હતા. પરંતુ ચૂંટણી પંચની સત્તા અને શક્તિઓનો વ્યવહારિક રૂપે ઉપયોગ કર્યો.

આ વર્ષે ઓગષ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને વિજેતા ઘોષિત કરતા પહેલા મોડી રાત સુધી ડ્રામા જોવા મળ્યો હતો.

ત્યારબાદ ચૂંટણી પંચે પોતાની નિષ્પક્ષતા બતાવતા સત્તાપક્ષના દબાણ છતાં વિપક્ષી ઉમેદવારની તથ્યો અને સાબિતીઓના આધારે જીતની ઘોષણા કરી હતી.

પરંતુ સાથે સાથે એ પણ જોવા મળ્યું કે ચૂંટણી પંચનો એવો રૂઆબ નથી જેવો શેષનના જમાનામાં હતો.

શેષને એ વાતને સમજી હતી કે ચૂંટણી પંચનું રૂઆબદાર થવું અને તેનું એવું દેખાવુ, લોકતંત્રના હિતમાં ખૂબ જરૂરી છે.

પણ હજુ તો પંચની આ સ્પષ્ટતા પર જ કોઈ વિશ્વાસ નથી કરી રહ્યું કે તેના પર સરકારે કોઈ દબાણ નથી કર્યું.

હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખ 12 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવી છે. પરંતુ ગુજરાત માટે કોઈ ઘોષણા ન થઈ.

જ્યારે થોડા દિવસ પહેલા એવી ચર્ચા ચાલી રહી હતી કે પંચ રાજ્યોની વિધાનસભાઓની અને લોકસભા ચૂંટણી એકસાથે કરાવી શકે છે.

વિપક્ષનો આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગરિક મતદારો માટે લોભામણી જાહેરાતો અને હારબંધ ઉદ્ઘાટન કરવાના હતા.

ચૂંટણીની તારીખની જાહેરાત થતા જ આચારસંહિતાના કારણે તેઓ એવું કંઈ ન કરી શકતા તેના માટે તેમણે ચૂંટણીની તારીખોની ઘોષણા ટાળી દીધી.

બીજી તરફ જય શાહ મામલે રાજ્યનું રાજકીય વાતાવરણ બીજેપીના પક્ષમાં નથી. તેના માટે પાર્ટી પરિસ્થિતિને સંભાળવા થોડો સમય ઇચ્છે છે.

ચૂંટણીનું એલાન થતા જ આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવે છે. એ શેષન જ હતા જેમણે પહેલી વખત આચારસંહિતાને કડકાઈ સાથે લાગુ કરી હતી.

ચૂંટણી પંચના તર્ક

ગુજરાત કેડરના IAS અધિકારી રહી ચૂકેલા મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતી વર્ષ 2013 સુધી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના મુખ્ય સચિવ રહ્યા હતા.

તે જ કારણ છે કે વિપક્ષના આક્ષેપને બળ મળ્યું છે. તેમણે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર ન કરવાના જે તર્ક રજૂ કર્યા છે તે પણ ખૂબ રસપ્રદ છે.

જોતીએ પહેલા કહ્યું હતું કે ગુજરાત અને હિમાચલની ભૌગોલિક સ્થિતિ અને હવામાન એકબીજાથી અલગ છે.

તેના કારણે આ બન્ને જગ્યાએ એકસાથે ચૂંટણી કરાવવાની વાતનો કોઈ મતલબ નથી.

પરંતુ લોકો પૂછી રહ્યા છે કે જ્યારે આ વર્ષે માર્ચમાં મણિપુર અને ગોવામાં એક સાથે ચૂંટણીનું આયોજન થયું હતું ત્યારે તેમની ભૌગોલિક સ્થિતિ અને હવામાન એક જેવા હતા?

મુખ્ય ચૂંટણી કમિશનરે સવાલોથી દૂર ન થવું જોઈએ જેવું પીએમ ઇચ્છે છે. તેમણે જરૂર છે કે તેઓ દરેક પ્રકારની શંકાથી દૂર રહે.

જો કે આ પહેલી વખત નથી, અને ચૂંટણી પંચ પણ પહેલી એવી સંસ્થા નથી જેની ધાક ઘટી હોય.

તમને યાદ હશે નોટબંધી મામલે રિઝર્વ બેંકે કેટલી બદનામીનો સામનો કરવો પડ્યો હતો.

વડાપ્રધાન મોદીને ઇતિહાસમાં ભલે ગમે તે રીતે લોકો યાદ રાખે. પરંતુ લોકતંત્ર માટે જરૂરી સંસ્થાઓ જેમ કે સંસદ, રિઝર્વ બેંક કે ચૂંટણી પંચને મજબૂત કરવા માટે તો તેમને યાદ નહીં જ કરવામાં આવે.

જો કે આ મામલે તેઓ ઇન્દિરા ગાંધી સાથે મુકાબલો કરી રહ્યા હોય તેવું લાગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો