પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું એલાન, કુલ 679 બેઠકો પર 16.1 કરોડ લોકો કરશે મતદાન

ચૂંટણીપંચે સોમવારે 9મી ઑક્ટોબરે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધું છે.

આ પાંચ રાજ્યોમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમનો સમાવેશ થાય છે.

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું એલાન કરતા મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે જણાવ્યું કે, "2023માં થનારી ચૂંટણીઓમાં વિધાનસભાની 679 બેઠકો પર મતદાન થશે."

તેમણે વધુમાં કહ્યું કે,"મિઝોરમમાં 8.52 લાખ, છત્તીસગઢમાં 2.03 કરોડ, મધ્યપ્રદેશમાં 5.6 કરોડ, રાજસ્થાનમાં 5.25 કરોડ અને તેલંગણામાં 3.17 કરોડ મતદાતાઓ છે."

તેમના અનુસાર ,"8.2 કરોડ પુરુષ મતદારો અને 7.8 કરોડ મહિલા મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે. જ્યારે 60 લાખથી વધુ યુવા મતદારો એવા હશે કે જેઓ પહેલીવાર આ ચૂંટણીમાં મતદાન કરશે."

છત્તીસગઢમાં બે તબક્કામાં એટલે કે સાતમી અને 17મી નવેમ્બરે, મિઝોરમ અને મધ્યપ્રદેશમાં સાતમી નવેમ્બરે, રાજસ્થાનમાં 23 નવેમ્બરે અને તેલંગણામાં 30મી નવેમ્બરે મતદાન થશે.

પાંચેય રાજ્યોની ચૂંટણીનાં પરિણામો એકસાથે ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે.

તેલંગણા, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં પૂરો થવા જઈ રહ્યો છે જ્યારે મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે જ 17 ડિસેમ્બરે પૂરો થશે.

મધ્યપ્રદેશમાં ભાજપની જ્યારે છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાલમાં કૉંગ્રેસની સરકાર છે. તેલંગણામાં સ્થાનિક પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (હવે ભારત રાષ્ટ્ર સમિતિ)ની તો મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે.

2024ની લોકસભા ચૂંટણી પહેલાં યોજાનારી આ છેલ્લી વિધાનસભા ચૂંટણી હોવાને કારણે વિશ્લેષકો તેને સેમિફાઇનલ તરીકે જોઈ રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલાં સત્તાધારી પક્ષ ભાજપ અને આકાર લઈ રહેલા વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ માટે આ તેમની તાકાત સાબિત કરવાનો છેલ્લો મોકો હશે.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં 7મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે.

‘હિન્દી હાર્ટલૅન્ડ’ કહેવાતાં રાજ્યોમાં મધ્ય પ્રદેશ એક અગત્યનું રાજ્ય ગણાય છે. સત્તાધારી પક્ષ ભાજપ માટે પણ આ અતિશય અગત્યનું રાજ્ય છે.

2018ની વિધાનસભા ચૂંટણીમાં અહીં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી શકી ન હતી પરંતુ 230 સભ્યોની વિધાનસભામાં કૉંગ્રેસ 114 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી હતી. જ્યારે ભાજપને 109 બેઠકો પર વિજય મળ્યો હતો.

કૉંગ્રેસે બસપા, સપા અને અન્ય પક્ષોનો ટેકો લઇને સરકાર રચી હતી. રાજ્યમાં 15 વર્ષ પછી કૉંગ્રેસની સરકાર કમલનાથના નેતૃત્વમાં બની હતી.

પરંતુ લગભગ 15 મહિના પછી કૉંગ્રેસમાં બળવો થતા અનેક ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા. એ જ સમયે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ ગયા.

બળવાખોરીને કારણે રાજીનામાં અને અન્ય ત્રણ બેઠકો પર ધારાસભ્યોના નિધનને કારણે 28 બેઠકો પર પેટાચૂંટણી થઈ જેમાં ભાજપે 19 બેઠકો પર વિજય મેળવ્યો.

હાલમાં ભાજપ પાસે 128 બેઠકો છે અને મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે.

રાજ્યમાં લગભગ 19 વર્ષથી સત્તામાં રહેલા ભાજપે આ વખતે તેના કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને પણ વિધાનસભાની ચૂંટણી જીતવા મેદાનમાં ઊતાર્યા છે ત્યારે રોચક લડાઈની સંભાવના છે. કૉંગ્રેસ સાથે અહીં આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે.

રાજસ્થાન

રાજસ્થાનમાં 23મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે.

દર પાંચ વર્ષે સરકાર બદલવાનો નિયમ પાળતા રાજસ્થાનમાં આ વખતે શું થશે તેના પર સૌ કોઇની નજર છે.

200 બેઠકો ધરાવતી વિધાનસભામાં કૉંગ્રેસે 100 બેઠકો જીતી હતી. આ સિવાય અપક્ષોના ટેકાથી તે 122ના સંખ્યાબળ સાથે મુખ્ય મંત્રી અશોક ગેહલોતના નેતૃત્વમાં રાજ્યમાં મજબૂતીથી સરકાર ચલાવી રહી છે. ભાજપને ગત ચૂંટણીમાં 73 બેઠકો મળી હતી.

રાજ્યમાં સચીન પાઇલટ અને અશોક ગેહલોત વચ્ચેના આંતરિક સંઘર્ષના મામલા સતત સપાટી પર આવતા રહે છે તો બીજી બાજુ ભાજપના મુખ્ય નેતા ગણાતા વસુંધરા રાજેને પણ સતત સાઇડલાઇન કરાતાં હોવાના સમાચારો ચમકતા રહે છે.

ધારાસભ્યોની જૂથબંધી વચ્ચે પણ અશોક ગેહલોત પોતાની સરકાર ટકાવી રાખવામાં સફળ થયા છે.

500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર, હેલ્થ બિલ, ચૂંટણી ટાણે જ નવા ત્રણ જિલ્લાઓની જાહેરાત વગેરે જેવા નિર્ણયોથી તેઓ રાજ્ય સરકાર સામે ઉદ્ભભવતી કથિત એન્ટી-ઇન્કમબન્સીને કેટલી ટાળી શકે છે તે જોવાનું રહ્યું.

ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે અહીં પણ રસાકસીનો માહોલ જોવા મળશે એવું જાણકારો કહી રહ્યા છે. જો અશોક ગેહલોત રાજ્યમાં પોતાની સરકાર ટકાવી શકશે તો તેઓ ઇતિહાસ રચશે.

છત્તીસગઢ

છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે એમ બે તબક્કામાં મતદાન થશે.

2018માં ભાજપની સતત 15 વર્ષથી ચાલતી સરકારનો અંત કરીને ભારે બહુમતીથી કૉંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવી હતી.

90 બેઠકો ધરાવતી વિધાનસભામાં કૉંગ્રેસે 68 બેઠકો જીતીને ભારે બહુમતીથી સરકાર બનાવી હતી.

મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કૉંગ્રેસ ફરીથી રાજ્યમાં સત્તા મેળવવા તલપાપડ છે. જયારે છેલ્લી ચૂંટણીમાં માત્ર 15 બેઠકો મેળવનાર ભાજપ પણ પોતાની ખોવાયેલી મતબેન્ક પાછી મેળવવાનો ભરપૂર પ્રયત્ન કરશે.

રાજ્યની વસ્તીમાં લગભગ 70 ટકાથી વધુ ખેડૂતો હોવાથી ખેડૂતોના મુદ્દાઓ રાજ્યની ચૂંટણીમાં મોટો ભાગ ભજવશે. કૉંગ્રેસે ખેડૂતોની લોન માફીનો કરેલો વાયદો 2018ની ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થયો હતો.

ભૂપેશ બઘેલે આ વખતે 75 સીટો મેળવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે.

તેલંગણા

તેલંગણામાં 30મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે.

દક્ષિણ ભારતના આ રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્થાનિક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (પહેલા તેલંગણા રાષ્ટ્ર સમિતિનો ) દબદબો રહ્યો છે.

છેલ્લી ચૂંટણીમાં ભારત રાષ્ટ્ર સમિતિએ રાજ્યની 119 બેઠકોમાંથી 88 બેઠકો પર વિજય મેળવીને રાજ્યમાં સરકાર રચી હતી.

રાજ્યમાં ભારત રાષ્ટ્ર સમિતિના પ્રભુત્વને કારણે ગત ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર 21 સીટો સુધી જ સીમીત થઈ ગયું હતું.

જોકે, કર્ણાટકની ચૂંટણીમાં વિજેતા બનીને ઊભર્યા પછી કૉંગ્રેસ ઉત્સાહિત છે અને જાણકારોના મતે આ વખતે સીધી લડાઈ કૉંગ્રેસ અને ભારત રાષ્ટ્ર સમિતિ વચ્ચે જ મનાય છે.

મિઝોરમ

મિઝોરમમાં 7મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે.

મિઝોરમ રાજ્ય તરીકે 1987માં અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારથી જ અહીં એવો ઇતિહાસ રહ્યો છે કે દર બે ટર્મ પછી સરકાર બદલી નાખવી.

મોટેભાગે રાજ્યની રાજનીતિમાં સ્થાનિક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ અને કૉંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે.

ગત ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટે 40માંથી 26 બેઠકો મેળવી હતી જ્યારે કૉંગ્રેસે 5 અને ભાજપે 1 બેઠક પર વિજય મેળવ્યો હતો.

મુખ્ય મંત્રી ઝોરામથાંગાના નેતૃત્વમાં રાજ્યની સરકાર ચાલી રહી છે.

અન્ય એક પક્ષ ‘ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ’એ ગત ચૂંટણીમાં કૉંગ્રેસ કરતાં વધુ બેઠકો (8) મેળવીને તેની પાસેથી વિપક્ષની જગ્યા આંચકી લીધી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ઝોરામથાંગા પર મણિપુરના વિષયમાં પણ દખલગીરી કરવાનો આરોપ લાગતો રહ્યો છે જેના કારણે મણિપુર હિંસાનો મુદ્દો પણ આ ચૂંટણીમાં હાવી રહેશે તેવું મનાય છે.