ટી. એન. શેષન : એ ચૂંટણી કમિશનર જેમના નામ માત્રથી રીઢા રાજકારણીઓને પરસેવો છૂટી જતો

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાત

દેશની ચૂંટણી વ્યવસ્થામાં વ્યાપક સુધારા કરવાનો શ્રેય ટી. એન. શેષનને આપવામાં આવે છે.

1955 બૅચના આઈએએસ અધિકારી ટી. એન. શેષન 12 ડિસેમ્બર, 1990ના રોજ ભારતના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા.

પાછલા દાયકાઓમાં ટી. એન. શેષન કરતાં વધારે નામના કદાચ જ અન્ય કોઈ સરકારી અધિકારીએ મેળવી હશે.

આજે ટી.એન.શેષનનો 88મો જન્મદિવસ છે. 10 નવેમ્બર 2019ના દિવસે તેમનું નિધન થયું હતું.

90ના દાયકામાં તો મજાકમાં એવી વાતો પણ કરાતી ભારતીય રાજનેતાઓ કાં તો ઈશ્વર અથવા તો ટી. એન. શેષનથી જ ગભરાય છે અને આ ગભરાટનો ક્રમ આ પ્રમાણે જ હોય એ જરૂરી નહોતું!

શેષન પહેલાંના તમામ મુખ્ય ચૂંટણી કમિશનરો એક આજ્ઞાકારી અધિકારી તરીકે ફરજ બજાવતા, તેઓ સરકારની મરજી પ્રમાણે જ કામ કરતા.

શેષન પણ એક સારા પ્રબંધકની છબિના બળે જ ભારતીય નોકરશાહીના સર્વોચ્ચ પદ કૅબિનેટ સચિવના પદ સુધી પહોંચ્યા હતા.

તેમની પ્રસિદ્ધિનું એકમાત્ર કારણ જ એ હતું કે તેઓ જે મંત્રી સાથે કામ કરતા, તેમની છબિ પ્રજાની દૃષ્ટિમાં આપમેળે જ સુધરી જતી, પરંતુ 1990માં મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા બાદ શેષન મંત્રીઓથી દૂર રહેવા લાગ્યા.

તેમણે તો એવી જાહેરાત પણ કરી દીધી કે "આઈ ઈટ પૉલિટીશિયન્સ ફૉર બ્રેકફાસ્ટ." શેષને માત્ર આવી જાહેરાત જ ન કરી, એવું કરી પણ બતાવ્યું અને એટલે જ તેમનું બીજું નામ 'અલ્સેશિયન' પડી ગયું હતું.

ચૂંટણીસુધારાનું કામ

1992ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે તમામ જિલ્લા મૅજિસ્ટ્રેટ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને લગભગ 280 ચૂંટણી અધિકારીઓને એ સ્પષ્ટતા કરી દીધી કે ચૂંટણીના સમયગાળા દરમિયાન થયેલી તમામ ભૂલો માટે તેઓ તેમના પ્રત્યે જવાબદાર રહેશે.

એક રિટર્નિંગ અધિકારીએ ત્યારે જ એક મજેદાર ટિપ્પણી કરી હતી, "અમે એક દયાવિહીન માણસની દયા પર નિર્ભર છીએ." માત્ર ઉત્તર પ્રદેશમાં શેષને લગભગ 50 હજાર ગુનેગારોને આગોતરા જામીન લઈ લેવાની કે જાતને પોલીસ હવાલે કરી દેવાનો વિકલ્પ આપ્યો હતો.

હિમાચલ પ્રદેશની ચૂંટણીના દિવસે પણ પંજાબના મંત્રીઓના 18 બંદૂકધારીઓની રાજ્ય સીમા પાર કરતા ધરપકડ કરી લીધી હતી. ઉત્તર પ્રદેશ અને બિહાર સીમા પર તહેનાત નાગાલૅન્ડ પોલીસે બિહારના ધારાસભ્ય પપ્પુ યાદવને સીમા ઓળંગવા નહોતી દીધી.

શેષનના સૌથી મોટા રાજકીય શિકાર હિમાચલ પ્રદેશના તત્કાલીન રાજ્યપાલ ગુલશેર અહમદ બન્યા હતા. ચૂંટણીપંચ દ્વારા સતના ખાતેની ચૂંટણી સ્થગિત કરી દેવાયા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

ગુલશેર અહમદ પર આરોપ હતો કે તેમણે રાજ્યપાલના પદે હોવા છતાં પોતાના પુત્રના પક્ષમાં સતના ચૂંટણી ક્ષેત્રમાં પોતાના પુત્ર માટે પ્રચાર કર્યો હતો.

આવી જ રીતે રાજસ્થાનના તત્કાલીન રાજ્યપાલ બલિરામ ભગત પણ શેષનના શિકાર બન્યા હતા. તેમણે એક બિહારી અધિકારીને પોલીસ મહાનિદેશક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આવી જ રીતે પૂર્વી ઉત્તર પ્રદેશમાં પૂર્વ ખાદ્ય રાજ્ય મંત્રી કલ્પનાથ રાયને પણ ચૂંટણીપ્રચાર બંધ થઈ ગયા બાદ પોતાના ભત્રીજા માટે ચૂંટણીપ્રચાર કરતા પકડવામાં આવ્યા હતા. જિલ્લા મૅજિસ્ટ્રેટે તેમના ભાષણને અધવચ્ચે અટકાવીને તેમને ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેમણે ભાષણ ચાલુ રાખ્યું તો ચૂંટણીપંચ ચૂંટણી રદ્દ કરવાથી પાછું નહીં પડે.

સંતોષ માટે લખી આત્મકથા

ચૂંટણીપંચમાં તેમનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ મસૂરી ખાતેના લાલ બહાદુર શાસ્ત્રી અકાદમીએ તેમને આઈએએસ અધિકારીઓને ભાષણ આપવા માટે આમંત્રિત કર્યા હતા.

શેષનના ભાષણનું પ્રથમ વાક્ય એ હતું કે "તમારા કરતાં વધારે તો એક પાનવાળો કમાય છે." તેમના આખાબોલા સ્વભાવે તેમને ફરી ક્યારેય આવું આમંત્રણ ન પાઠવવામાં આવે એ સુનિશ્ચિત કરી દીધું.

શેષન પોતાની આત્મકથા લખી ચૂક્યા છે, પરંતુ તેઓ તે છપાવવા માટે તૈયાર નહોતા. કારણ કે તેમનું માનવું હતું કે આવું કરવાથી ઘણા લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે. તેમનું કહેવું હતું કે, "મેં આ આત્મકથા માત્ર મારા સંતોષ માટે જ લખી છે."

શેષન 1955ની બૅચના આઈએએસ ટૉપર હતા. ભારતીય નોકરશાહીનાં લગભગ તમામ પદો પર કામ કરવા છતાં તેઓ ચેન્નઈમાં વાહનવ્યવહાર કમિશનર તરીકે વીતાવેલાં 2 વર્ષોને પોતાની કારકિર્દીનો સોનેરી સમય માનતા હતા.

એ પોસ્ટિંગ સમયે 3 હજાર બસ અને 40 હજાર કર્મચારી તેમના નિયંત્રણમાં હતાં. એક વખત એક ડ્રાઇવરે શેષનને પૂછ્યું હતું કે 'જો તમે બસના એન્જિન વિશે નથી જાણતા અને એ પણ નથી જાણતા કે બસ કઈ રીતે ચલાવવી તો તમે ડ્રાઇવરોની સમસ્યાને કઈ રીતે સમજશો?'

શેષને આ વાત એક પડકાર માનીને સ્વીકારી લીધી. તેઓ ન માત્ર બસ ડ્રાઇવ કરતા શીખ્યા, પરંતુ બસ વર્કશોપમાં પણ ઘણો સમય પસાર કર્યો.

તેઓ કહેતા, "હું બસમાંથી એન્જિન કાઢીને ફરીથી તેમાં ફીટ કરી શકતો હતો." એક વાર તેમણે રસ્તા વચ્ચે એક બસડ્રાઇવરના સ્થાને જાતે મુસાફરોથી ભરેલી બસ 80 કિલોમિટર સુધી ચલાવી હતી.

શેષને જ ચૂંટણીમાં મત આપવા માટે ઓળખપત્ર આવશ્યક બનાવી દીધો હતો.

નેતાઓએ આ વાતનો વિરોધ કર્યો અને કહ્યું કે ભારત જેવા દેશ માટે આ યોજના અતિ ખર્ચાળ સાબિત થશે.

તેમના વિરોધનો જવાબ આપતા શેષને એ સમયે કહ્યું હતું કે જો મતદાર ઓળખપત્રો નહીં બનાવાય તો 1 જાન્યુઆરી, 1995 બાદ ભારતમાં કોઈ ચૂંટણી નહીં કરાવવામાં આવે.

ઘણી ચૂંટણીઓ માત્ર એટલા માટે સ્થગિત કરી દેવાઈ, કારણ કે એ રાજ્યના મતદારોના ઓળખપત્રો તૈયાર નહોતા.

તેમની અન્ય ઉપલબ્ધિ એ હતી કે તેમણે ઉમેદવારોના ચૂંટણીખર્ચમાં ઘટાડો કરી દીધો હતો. તેમને એક વાર એક પત્રકારે પૂછ્યું હતું કે, "તમે હંમેશાં ચાબુકનો ઉપયોગ કેમ કરવા માગો છો?"

શેષને આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, "હું એ જ કરી રહ્યો છું જે કાયદા દ્વારા અપેક્ષિત છે. તેનાથી કશું ઓછું કે વધારે હું નથી કરી રહ્યો. જો તમને કાયદો ન ગમતો હોય તો તેને બદલી નાખો, પરંતુ જ્યાં સુધી એ કાયદો છે હું તેને તૂટવા નહીં દઉં."

ટી. એન. શેષનને 1996માં રેમન મેગ્સેસે ઍવૉર્ડથી સન્માનિત કરાયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો