Delhi Election : ચૂંટણી પછીના ઍક્ઝિટ પોલ કેટલા ચોક્કસ હોય છે?

    • લેેખક, શાદાબ નાઝમી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનું શનિવારે મતદાન યોજાયું હતું.

દર વખતે મતદાન પૂર્ણ થયા બાદ ઍક્ઝિટ પોલ આવવાના શરૂ થાય છે.

ભારત અને વિશ્વના અન્ય દેશોમાં મતદાન વખતે સર્વે કરીને પછી મતદાન પૂર્ણ થાય ત્યારે તેમને બહાર પાડવામાં આવે છે. જેને ઍક્ઝિટ પોલ કહે છે.

ભારતમાં મોટા ભાગે ટીવી ચેનલો કોઈ સર્વે કરનારી સંસ્થા સાથે મળીને આવા ઍક્ઝિટ પોલ દર્શાવતી હોય છે.

શું ઍક્ઝિટ પોલ ચોક્કસ હોય છે કે માત્ર જાણકારી સાથેની ધારણા હોય છે?

આ સવાલોના જવાબ માટે બીબીસીએ વર્ષ 2014 અને વર્ષ 2018ના ઍક્ઝિટ પોલનું વિશ્લેષણ કર્યું.

મોટાભાગે ઍક્ઝિટ પોલની ધારણા વિજેતા બાબતે સાચી પડી છે, પણ જ્યારે બેઠકોની ધારણા કરવાની વાત આવે ત્યારે તે ચોક્કસ નથી રહ્યા.

ઍક્ઝિટ પોલમાં કાંટાની ટક્કર

વર્ષ 2017માં ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળશે એવા ઍક્ઝિટ પોલ હતા. સી-વૉટરે ભાજપને 111 બેઠક અને કૉંગ્રેસને 71 બેઠકની ધારણા કરી હતી જ્યારે ટુડેના ચાણક્યએ ભાજપને 135 અને કૉંગ્રેસને 47 બેઠક મળશે એવું કહ્યું હતું.

તમે ઍક્ઝિટ પોલની તમામ ધારણાઓનું સરેરાશ જુઓ તો ભાજપને 65 ટકા બેઠકો મળશે એવું તારણ હતું. પરંતુ ખરેખર પરિણામોમાં તેમાં 10 ટકાનો ઘટાડો હતો.

ધારણા મુજબ કૉંગ્રેસને 65-70 બેઠકો મળવાની ધારણા હતી જ્યારે તે 77 બેઠકો જીતી.

ઍક્ઝિટ પોલ્સ કૉંગ્રેસને મળનારી બેઠકો મામલે ધારણા કરવામાં મહદઅંશે સાચા રહ્યા પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિજેતા કોણ બનશે તે મામલે ચોક્કસાઈપૂર્વક ધારણા નહોતી કરી શક્યા.

વળી વર્ષ 2018ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પરિણામોના મહિના પહેલાં ઘણા રાજકીય વિશ્લેષકોની દલીલ હતી કે પરિણામની ધારણાની દૃષ્ટિએ આ ચૂંટણી સૌથી મુશ્કેલ રહેવાની છે.

એબીપી ન્યૂઝ - સી વૉટરે ભાજપને 110 બેઠકો અને કૉંગ્રેસને 88 બેઠકો મળશે એવી ધારણા કરી હતી. જ્યારે ઇન્ડિયા ટુડે-ઍક્સિસે ભાજપને ગત ચૂંટણી કરતાં વધુ બેઠકો મળવાની ધારણા કરી હતી.

પરંતુ જ્યારે ખરેખર પરિણામો આવ્યા ત્યારે ભાજપે 100 બેઠકો જીતી હતી અને તે સરકાર રચવામાં નિષ્ફળ રહ્યો કેમ કે કૉંગ્રેસે અન્ય રાજકીય પક્ષો સાથે ગઠબંધન કરીને બહુમતી પુરવાર કરી સરકાર રચી દીધી હતી.

આ એવા કેસ છે જેમાં ઍક્સિટ પોલ ખરેખર પરિણામોની શક્ય તેટલા નજીકના રહ્યા. એટલે કે તેમની ધારણા શક્ય તેટલી ચોક્કસ રહી.

જોકે ઍક્ઝિટ પોલ અને ચૂંટણીના ખરેખરના પરિણામો વચ્ચની ચોક્કસાઈનો દર નક્કી કરવો ખૂબ જ મુશ્કેલ છે. પણ એક બાબત સ્પષ્ટ છે કે કોને કેટલી બેઠકો મળશે તેની સાથે સરકાર કોણ રચશે તેની સાથે કોઈ સંબંધ નથી જોવા મળ્યો. તેમાં હંમેશાં ત્રુટિની શક્યતા રહી જાય છે.

વર્ષ 2015માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં ચાણક્યએ ભાજપને 155 બેઠકો અને મહાગઠબંધનને 83 બેઠકોની ધારણા આપી હતી. વળી અન્યોમાં નીલ્સન અને સિસેરોએ ભાજપને 100થી વધુ બેઠકો મળી રહી હોવાનું દર્શાવ્યું હતું પરંતુ ખરેખર જ્યારે પરિણામો આવ્યા ત્યારે તદ્દન તેનું ઊલટ હતું.

મહાગઠબંધન(નીતિશ કુમારની જેડી(યુ), લાલુ યાદવની આરએલડી અને કૉંગ્રેસનું જોડાણ)ને કુલ 243 બેઠકોમાંથી 178 બેઠકો મળી અને તે 73 ટકા બેઠકોની નજીક રહ્યું. આ વખતે વિજેતા અને રનર-અપ બન્ને નક્કી કરવામાં થયેલી ટકાવારી સંબંધિત ત્રુટિ ઘણી વધારે હતી.

ચોક્કસ ધારણા

વર્ષ 2016માં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ઍક્ઝિટ પોલની ધારણાની ચોક્કસાઈ મહદઅંશે પરિણામની સૌથી નજીકની રહી હતી.

જેમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસને ચાણક્યએ 210 બેઠકો મળી રહી હોવાની ધારણા કરી હતી જ્યારે ઇન્ડિયા ટુડે-ઍક્સિસ દ્વારા 243 બેઠકોની ધારણા બાંધવામાં આવી હતી.

રસપ્રદ વાત એ રહી કે સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો કરતા પણ વધુ બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી.

વળી પરિણામો પણ એ પ્રકારના જ આવ્યા જેમાં મમતા બેનર્જીની પાર્ટીએ કુલ 211 બેઠકો જીતી હતી.

જોકે એક વાર ફરી બેઠકોની સંખ્યા મામલે ઍક્ઝિટ પોલ ગોથું ગાઈ ગયા જેમાં રનરઅપને મળનારી બેઠકો મામલે આગાહી સાચી ન પડી.

ઇન્ડિયા ટુડે-ઍક્સિસ તમામ ઍક્ઝિટ પોલે ડાબેરી અને કૉંગ્રેસના ગઠબંધનને 100 બેઠકો મળી રહી હોવાની ધારણા બાંધી હતી પરંતુ તેમને માત્ર 44 બેઠકો જ મળી હતી.

તદુપરાંત વર્ષ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજક કરો તો, તમામ ઍક્ઝિટ પોલમાં ભાજપને જંગી વિજય મળી રહ્યો હોવાનું બતાવવામાં આવ્યું હતું.

ચાણક્યએ ભાજપને 285 બેઠકોની આગાહી કરી હતી અને ખરેખર પરિણામોમાં ભાજપને તેનાથી 7 બેઠકો વધુ મળી.

તેમાં સમાજવાદી પક્ષના ગઠબંધનને 88-112 બેઠકોની આગાહી કરી હતી. આ એક બીજી ઘટના હતી જેમાં ઍક્સિટ પોલ ખરેખર પરિણામોની એકદમ નજીક રહ્યા હતા.

પરંતુ રનર-અપને મળનારી બેઠકો મામલે એકદમ નિષ્ફળ રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો