વડોદરા : 'કામવાળી બાઈ' બની એકલવાયા વૃદ્ધ પર બળાત્કારનો આરોપ મૂકીને 10 લાખ માગવાના કેસમાં મહિલાની ધરપકડ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારો દીકરો વિદેશમાં રહે છે. મારી પત્ની ગુજરી ગઈ છે. હું મારી જીવનભરની બચતના વ્યાજમાંથી ઘર ચલાવું છું."

"મારાં નસીબ ફૂટેલા કે મેં ઘરકામ માટે છાપાંમાં 'કામવાળી બહેન જોઈએ છે' એવી જાહેરાત આપી. હું લુટાયો તો ખરો જ પણ જોડે જોડે મારી આબરૂ પણ ધૂળ ધાણી થઈ..."

આ શબ્દો વડોદરાના 76 વર્ષીય વૃદ્ધના છે અને તેમણે એક મહિલા પર તેમને ખોટી રીતે ફસાવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રાજેશભાઈનો (બદલેલું નામ) એકનો એક દીકરો વિદેશમાં સ્થાયી થયો છે. એના વિદેશ ગયા પછી રાજેશભાઈનાં પત્નીનું બીમારીને કારણે નિધન થયું.

થોડો સમય રાજેશભાઈ એમના દીકરા સાથે વિદેશ રહેવા ગયા, પણ એમને પરદેશનું વાતાવરણ માફક ન આવતા ભારત પરત આવી ગયા હતા.

તેઓ એમના વડોદરામાં આવેલા બંગલામાં એકલા રહે છે. ઠીકઠાક બચતથી ઘર ચાલે છે.

રાજેશભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારી ઉંમરને કારણે ઘરકામમાં તકલીફ થતી હતી. આથી મેં સ્થાનિક છાપાંમાં જાહેરાત આપી કે 'કામવાળી બહેન જોઈએ છે'."

"પછી ઘરકામ માટે બહેનોની અરજી આવી અને એમાંથી મેં ઇન્ટરવ્યૂ લઈને એક બહેનને કામ પર રાખ્યાં."

"ત્યારબાદ અન્ય એક બહેન મારી પાસે આવ્યાં અને મને ઘરકામ માટે રાખવા વિનંતી કરી, પણ મેં કામવાળી બહેન રાખી લીધી હતી એટલે એમને ના પાડી."

"જોકે તેમ છતાં એમણે મને વિનંતી કરી કે કોઈ કામ હોય તો એ ઘરકામ કરવા આવશે. એ મારા ઘરથી નજીક રહેતાં હોવાનું એડ્રેસ આપ્યું અને ફોનનંબર પણ આપ્યો હતો."

વૃદ્ધ પર મહિલાના જાતીય શોષણનો આરોપ

રાજેશભાઈ કહે છે કે "મારે ત્યાં કામ કરતાં બહેન એક દિવસ બીમાર પડ્યાં અને લાંબા સમય સુધી આવી શકે એમ નહોતાં. એટલે મેં મારા ઘરની નજીક રહેતાં બહેનને ફોન કરીને કામ પર બોલાવ્યાં."

"પહેલા દિવસે એમણે બરાબર કામ કર્યું. પણ બીજા દિવસે બપોરે એ ઘરકામ કરી રહ્યાં હતાં ત્યાં અચાનક જ ઘરનો ડોરબેલ વાગ્યો. મેં દરવાજો ખોલ્યો તો એક પુરુષ અને બે છોકરીઓ દરવાજે ઊભાં હતાં."

તેમનો દાવો છે, "એ મને ધમકાવવા લાગ્યા કે 'ઘરકામ માટે બહેનો જોઈએ છે એવી છાપાંમાં જાહેરાત આપીને મહિલાઓનું જાતીય શોષણ કરો છો.' એટલું જ નહીં, ઘરકામ પર આવેલી બહેને મારી પાછળ આવીને અડધાં કપડાં ઉતારીને રોવાનું શરૂ કર્યું."

"આથી હું ગભરાઈ ગયો હતો. એ લોકોએ મારી પાસે દસ લાખ રૂપિયા માગ્યા અને જો પૈસા ન આપું તો મને સોશિયલ મીડિયામાં બદનામ કરી દેશે અને મારી આવી હરકતોની મારા દીકરાને જાણ કરી દેશે એવી ધમકી આપી."

તેઓ વધુમાં કહે છે કે "હું બચત કરેલી મૂડીના વ્યાજમાંથી ઘર ચલાવું છું. મારી પાસે દસ લાખ રૂપિયા નહોતા. મેં પૈસા આપવાની ના પાડી તો દોઢ લાખ રૂપિયામાં સોદો કરવાનું કહ્યું."

"મારી પાસે એ વખતે 50 હજાર હતા અને મેં એમને આપી દીધા, પણ એ લોકોના વધુ પૈસા માટે ફોન આવતા હતા."

"મેં છેવટે મારા અંગત મિત્ર પાસેથી પૈસા ઉધાર માગ્યા."

'કામવાળી બાઈએ કપડાં ઉતારી નાટક કર્યું'

રાજેશભાઈના અંગત મિત્રે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હું તેમને વર્ષોથી ઓળખું છું. એમણે કોઈ પાસે ઉધાર પૈસા નથી લીધા. એમનો દીકરો પરદેશમાં સારું કમાતો હોવા છતાં પરદેશથી પૈસા નથી મંગાવ્યા. તો એ પૈસા કેમ માગે?"

"હું એ દિવસે એમના ઘરે ગયો ત્યારે મારી હાજરીમાં એ લોકો પૈસાની ઉઘરાણી કરવા આવ્યા અને પૈસા આપવા માટે ધમકી આપીને જતા રહ્યા હતા."

"મેં અનેક વાર પૂછ્યું તો એમણે (રાજેશભાઈ) મને કહ્યું કે કામવાળીના રૂપમાં આવેલી બાઈએ કપડાં ઉતારીને આ નાટક કર્યાં છે, ત્યારે મેં એને પોલીસમાં ફરિયાદ કરવાની હિંમત આપી અને પોલીસમાં ફરિયાદ થતા જ પોલીસ દ્વારા મહિલાની ધરપકડ કરવામાં આવી છે."

પોલીસનું શું કહેવું છે?

વડોદરા એ ડિવિઝનના એસીપી ડી.જે. ચાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે સિનિયર સિટીઝનની ફરિયાદને આધારે તપાસ કરી, પોલીસની એક ટીમ મોકલી વૃદ્ધને સાંત્વના આપી છે. એમને એમની સોસાયટીમાં બદનામી થયાનો આઘાત લાગ્યો હતો."

"એમનું અમે કાઉન્સેલિંગ કર્યું અને ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી પૈસા પડાવનાર ગૅંગની મુખ્ય સૂત્રધાર મહિલા અને અન્ય એક બહેનની ધરપકડ કરી છે. તેમજ એક પુરુષની ધરપકડ બાકી છે."

પોલીસના જણાવ્યા અનુસાર, પૈસા માટે તેમણે (આરોપીઓ) વૃદ્ધને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને 50 હજાર પડાવ્યા છે.

આ ટોળકીએ અગાઉ આવા કેટલા એકલવાયા વૃદ્ધને લૂંટ્યા છે એની તપાસ પોલીસ કરી રહી છે.

હાલ બંને મહિલાના રિમાન્ડ પૂરા થતાં તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે.