You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ આકરી ગરમી કેમ પડવા લાગી?
ગુજરાતમાં આ વખતે શિયાળામાં કાતિલ ઠંડી અનુભવાઈ નથી પરંતુ ઉનાળાની શરૂઆત થતા જ આકરો તાપ પડી રહ્યો છે.
મંગળવારે 11 માર્ચે અમદાવાદનું તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું અને ભારતના સૌથી ગરમ શહેરો પૈકી એક બન્યું હતું. જોકે, સુરેન્દ્રનગર તેના કરતા પણ એક ડિગ્રી વધારે ગરમ હતું.
આ સમયગાળામાં અમદાવાદનું જે તાપમાન હોવું જોઈએ તેના કરતા 7 ડિગ્રી ઊંચું તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ મુજબ મંગળવારે સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં અમદાવાદનું તાપમન 40.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું જે સામાન્ય કરતા 6.2 ડિગ્રી વધારે હતું.
માત્ર અમદાવાદ જ નહીં પણ ગુજરાતના મોટાભાગનાં શહેરોમાં આ સપ્તાહથી તાપમાનમાં તીવ્ર વધારો થયો છે.
જેમ કે 11 માર્ચ મંગળવારે સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન સૌથી વધુ 42.8 ડિગ્રી સેલ્સિયસ હતું. આ સિવાય ભુજનું તાપમાન 42.4 ડિગ્રી, રાજકોટમાં 42.3 ડિગ્રી, કેશોદમાં 41.9 ડિગ્રી, અમરેલીમાં તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સમુદ્રકિનારે આવેલા સુરતમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
પોરબંદર, વડોદરા, કંડલા, નલિયા, ગાંધીનગર, ડીસા જેવાં શહેરોમાં પણ મંગળવારે તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે નોંધાયું હતું.
હવામાન વિભાગે ગરમી અંગે કેવી આગાહી કરી?
હવામાન ખાતાના બુલેટિન પ્રમાણે ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં 12 માર્ચે હિટવેવથી લઈને તીવ્ર હિટવેવ અનુભવાઈ શકે છે.
બુલેટિનમાં જણાવાયું હતું કે 10 માર્ચે ભુજમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જે આખા દેશમાં સૌથી વધુ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત માટે જણાવાયું છે કે ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે બુધવારે અને ગુરુવારે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યાર પછી મહત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે.
આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્ર અને કચ્છ ગરમ રહેશે. ખાસ કરીને મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્ર નગર અને સુરતમાં હિટવેવની રેડ વૉર્નિંગ આપવામાં આવી છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રાતના સમયે તાપમાન સામાન્ય કરતા 4.5 ડિગ્રી કરતા વધુ શક્યતા છે.
હવામાન વિભાગે બુધવારે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને કચ્છ માટે 'ઓરેન્જ એલર્ટ'ની જાહેરાત કરી છે.
આ સાથે સાબરકાંઠા, પોરબંદર અને ભાવનગર જિલ્લા માટે 'યલો એલર્ટ'ની જાહેરાત કરી છે.
આગામી એકથી બે દિવસ સુધી મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રીની રેન્જમાં રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ગુરુવાર પછી પવનની દિશા બદલાવાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે.
ઉનાળો આવતા જ અસહ્ય ગરમી કેમ પડવા લાગી?
સવાલ એ થાય છે કે ગુજરાતમાં ઉનાળો બેસતાની સાથે જ ગરમીમાં આટલો તીવ્ર ઉછાળો કેમ આવ્યો
ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ ખાતે હવામાન નિષ્ણાત મહેશ પલાવતે બીબીસીને જણાવ્યું કે, "આ વખતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના પણ વધારે ગરમ હતા અને અત્યારે પણ સામાન્ય કરતા વધારે ઊંચું તાપમાન છે."
તેમણે કહ્યું કે, "પવનની બદલાયેલી દિશા આ હિટવેવનું કારણ છે. તાજેતરમાં ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં ઝડપી પવન ફૂંકાતા હતા અને તાપમાન પણ નીચે ગયું હતું. હવે એ પવન બંધ થયા છે. હાલમાં જમીન પરના ઇનલૅન્ડ પવનો આવી રહ્યા છે જે સાઉથ મધ્ય પ્રદેશ અને મરાઠવાડાથી આવી રહ્યા છે. અત્યારે સમુદ્રી પવનનો ગાળો ઓછો થયો છે."
સ્કાયમેટ ખાતે મૅટ્રોલૉજીના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પલાવતે જણાવ્યું કે, "બેથી ત્રણ દિવસ સુધી આ હિટવેવ રહેશે. ત્યાર પછી તાપમાન થોડું ઘટશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવશે. રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે."
તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "જોકે, હવે શિયાળો પૂરો થયો છે તેથી તાપમાનમાં મોટો ઘટાડો નહીં થાય."
આકરી ગરમીથી બચવા શું કરવું અને શું ન કરવું?
ભારતીય હવામાન ખાતાએ એક ટ્વીટ કરીને લોકોને જણાવ્યું છે કે આકરી ગરમીમાં સુરક્ષિત રહેવા માટે શું કરવું અને શું ન કરવું જોઈએ.
સખત ગરમીમાં શું કરવું?
- હવામાન ખાતાની સલાહ પ્રમાણે ગરમીમાં શરીરમાં પાણી ઘટે નહીં તે વાતનો ખ્યાલ રાખવો જોઈએ. તેથી થોડા-થોડા સમયે સતત પાણી પીતા રહેવું જોઈએ.
- સીધા સૂર્યપ્રકાશમાં આવવાનું ટાળવું જોઈએ.
- બહાર નીકળો ત્યારે આખું શરીર ઢંકાય તેવાં કપડાં પહેરો. ઉનાળામાં હળવા રંગનાં, ઢીલાં અને આરામદાયક કપડાં પહેરો. શક્ય હોય તો સુતરાઉ કપડાં પહેરો જે પરસેવો શોષી શકે.
- બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન શક્ય હોત તો ઇનડોર રહો અને બહાર નીકળવાનું ટાળો.
- ગરમીના દિવસોમાં તમે ઓઆરએસ પાઉડર સાથે રાખી શકો અને તેનું પાણી પી શકો છો.
- લીંબુવાળું પાણી, છાશ અને નાળિયેર પાણી પીવાની પણ સલાહ આપવામાં આવે છે.
- તડકામાં બહાર જાવ ત્યારે ચહેરો ઢાંકો, સનગ્લાસિસ પહેરો.
આકરા તાપમાં શું ન કરવું જોઈએ?
- બપોરના 12થી 4 વાગ્યા દરમિયાન શક્ય હોય તો બહાર ન જાવ.
- બપોરે બે વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન રસોઈ બનાવવાનું ટાળો.
- બાળકો અને પાલતુ પ્રાણીને વાહનમાં બંધ કરી ન રાખો.
- શરાબ, ગરમ પીણાં, વધારે પડતા ગળ્યાં પીણાં ન પીવો.
- વધારે પડતી ચા, કૉફી કે કેફિનયુક્ત પીણા ન પીવો જેનાથી તમારા શરીરમાં પાણી ઘટી શકે છે.
- આ ઉપરાંત મસાલેદાર અને વધુ પડતું તેલવાળું તથા વાસી ભોજન ન ખાવાની સલાહ અપાય છે.
- આકરી ગરમીમાં મોટી ઉંમરના લોકોની ખાસ કાળજી રાખો. ખાસ કરીને હાઈ બ્લડપ્રેશર હોય તેવા લોકોએ તડકામાં જવાનું ટાળવું જોઈએ.
- વધારે પ્રમાણમાં કાર્બોનેટેડ પીણાં પીવાનું ટાળો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન