નીતીશકુમારે જ્યારે મોદીના વડપણવાળી ગુજરાત સરકારને સહાયનો પાંચ કરોડનો ચેક પરત કરી દીધો

બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ એક તરફ જ્યાં કહેવાતા ચૂંટણી નિષ્ણાતોને ચોંકાવી દીધો તો બીજી તરફ દસમી વખત બિહારના મુખ્ય મંત્રી તરીકેના શપથગ્રહણ કરીને નીતીશકુમારે રાજ્યમાં એક નવો ઇતિહાસ રચી દીધો.

ચૂંટણીપરિણામોમાં ભાજપ અને નીતીશના પક્ષ જનતા દળ (યુનાઇટેડ)ના દેખાવથી ભાજપ અને જેડીયુ તેમજ નરેન્દ્ર મોદી અને નીતીશકુમારની જુગલબંધી અને તેના ઇતિહાસની પણ ચર્ચા થવા માંડી.

નોંધનીય છે કે તાજેતરમાં જ સંપન્ન થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીને ઘણા આ વખત આ જોડી માટે 'કપરાં ચઢાણ' ગણાવી રહ્યા હતા. પરંતુ આ જોડીની આગેવાનીમાં નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ (એનડીએ)ને કુલ 243 બેઠકોમાંથી 202 બેઠક પર જીત મળી. ભાજપ અને જનતા દળ (યુનાઇટેડ)ને અનુક્રમે 89 અને 85 બેઠકો મળી. આ ઉપરાંત એનડીએના ઘટક દળ એવી લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને 19 બેઠકો મળી છે.

જ્યારે સામેની બાજુએ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કૉંગ્રેસ માટે આ ચૂંટણી પરિણામો ઘણી ખરી હદે 'નિરાશાજનક' રહ્યાં હતાં. મહાગઠબંધનની આ બંને ટોચની પાર્ટીઓને અનુક્રમે 25 અને છ બેઠકો પર જ વિજય પ્રાપ્ત થયો હતો.

આ જંગી જીત બાદ જ્યારે નીતીશકુમાર ફરીથી બિહારના મુખ્ય મંત્રી બન્યા છે ત્યારે ઘણા 2010નો એ સમયગાળો પણ યાદ કરી રહ્યા છે, જ્યારે નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર વચ્ચે 'બધું ઠીક' નહોતું.

આ એ જ સમય હતો જ્યારે નીતીશકુમારે નરેન્દ્ર મોદી સહિતના ભાજપના મોટા નેતાઓને આપેલું ડિનરનું આમંત્રણ રદ કરી દીધું હતું.

આખરે શું હતો એ વિવાદ અને એ સમયે આ બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે ખરેખર શું બન્યું હતું?

બીબીસી ગુજરાતીએ રાષ્ટ્રીય રાજકારણની આ દુર્લભ ઘટનાના સાક્ષી રહેલા વરિષ્ઠ રાજકીય પત્રકારો સાથે વાત કરી હતી.

નીતીશકુમાર અને નરેન્દ્ર મોદીના સંબંધોમાં પ્રારંભિક ઉતાર-ચઢાવ

વર્ષ 2001માં નીતીશ ભારત સરકારના રેલમંત્રી બન્યા હતા. આ કાર્યકાળ દરમિયાન ડિસેમ્બર 2003માં તેઓ ગુજરાતના કચ્છ ખાતે રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. એ દરમિયાન નીતીશે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં તેમને ભાવિ રાષ્ટ્રીય નેતા ગણાવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીએ પોતાની આધિકારિક યૂટ્યૂબ ચૅનલ પર પર એ ભાષણનો વીડિયો મૂક્યો છે. તેમાં નીતીશ કહેતા સંભળાય છે, "મને પૂરી આશા છે કે નરેન્દ્રભાઈ ઝાઝા દિવસો સુધી ગુજરાત સુધી સમેટાયેલા નહીં રહે, દેશને તેમની સેવા મળશે."

પરંતુ જ્યારે નરેન્દ્ર મોદી બાદમાં ખરેખર રાષ્ટ્રીય રાજકારણની ફલક પર ઊભરવા લાગ્યા, ત્યારે એવો સમય આવ્યો કે નીતીશે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો.

એ બાદ 2005ની બિહાર વિધાનસભાની ચૂંટણી ભાજપ અને જેડીયુએ એક સાથે મળી સરકાર રચી અને નીતીશકુમાર મુખ્ય મંત્રી બન્યા.

બંને પાર્ટીઓમાં થોડાં વર્ષ બધું ઠીક ચાલ્યું. વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી જણાવે છે કે, "2010 સુધી નીતીશકુમારને ભાવિ વડા પ્રધાન તરીકે જોવામાં આવતા હતા. એવું કહેવાતું કે તેમનામાં ક્ષમતા છે. તેમને સુશાસનબાબુ કહેવામાં આવતા. તેઓ સાંપ્રદાયિક સંતુલન જાળવી રાખતા. મેં બિહારમાં ફરીને જોયું છે કે એનડીએમાં હોવા છતાં મુસ્લિમો તેમને ખૂબ પસંદ કરતા હતા."

એ બાદ વર્ષ 2010માં કંઈક એવું બન્યું કે પહેલી વાર એ વાતનો અહેસાસ થયો કે નીતીશકુમાર અને ભાજપ વચ્ચે બધું ઠીક નથી.

જૂન 2010માં બિહારના પટણામાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક હતી. નીતીશકુમારે એનડીએનાં સહયોગી દળોના વરિષ્ઠ નેતાઓને આ પ્રસંગે ડિનર માટે આમંત્રિત કર્યા હતા, પરંતુ બાદ તેને રદ કરી દેવાયું.

નીરજા ચૌધરી જણાવે છે કે, "2010માં આ બેઠકમાં ભાગ લેવા આવેલા વરિષ્ઠ નેતાઓને મોકલાવેલું આમંત્રણ પાછું ખેંચી લેવાયું હતું, કારણ કે તેમાં નરેન્દ્ર મોદીનું નામ પણ હતું એક મુખ્ય મંત્રી દ્વારા આવું થવું એ એ સમયે મોટી વાત હતી."

આ ડિનર રદ થવા પાછળનું કારણ એ દિવસે પટણાનાં સ્થાનિક અખબારોમાં છપાયેલી એક જાહેરાત મનાય છે, જેમાં વર્ષ 2008માં બિહારની કોશી નદીમાં આવેલા પૂરથી થયેલી તારાજી બાદ ગુજરાત સરકારે કરેલી આર્થિક મદદ માટે નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો હતો.

આ જાહેરાતમાં નીતીશકુમાર અને નરેન્દ્ર મોદીની એક તસવીર હતી, જેમાં બંને એકબીજાના હાથ પકડેલા દેખાઈ રહ્યા હતા.

જોકે, બંને વચ્ચે મિત્રતા બતાવતી આ તસવીર વર્ષ 2009ની લોકસભા ચૂંટણી પહેલાંના પ્રચારની હતી, જ્યારે પંજાબના લુધિયાણામાં એનડીએનાં ઘટક દળોના આ બંને નેતા હાજર હતા.

નીતીશકુમાર આ વાતથી ખૂબ નારાજ થયા અને તેમણે ગુજરાત સરકાર તરફથી અપાયેલી પાંચ કરોડ રૂ.ની સહાય પણ પરત કરી દીધી હતી.

નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું, "આપત્તિ સમયે કરાયેલી આવી મદદનો જશ લેવો એ ભારતીય સંસ્કૃતિ અને નૈતિકતા વિરુદ્ધ છે. આ જાહેરાત મારી પરવાનગી વગર છપાઈ છે."

મંજૂરી વગર પોતાની તસવીરનો ઉપયોગ કરવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

જ્યારે ચૂંટણીપ્રચાર શરૂ થયો ત્યારે બિહાર ભાજપમાં સ્ટારપ્રચારક તરીકે નરેન્દ્ર મોદીની વ્યાપક માગ હતી, પરંતુ ગુજરાતના મુખ્ય મંત્રીને બિહારમાં ચૂંટણીપ્રચાર ન કરવા દેવા માટે નીતીશ મક્કમ હતા અને તેમને બિહારમાં આવવા દીધા નહોતા.

અલબત્ત, અન્ય એક મોદીએ રાજ્યમાં એનડીએની સરકાર બને તે માટે સખત મહેનત કરી. આ નેતા એટલે સુશીલકુમાર મોદી, જેઓ નીતીશકુમારની સરકારમાં નાયબ મુખ્ય મંત્રી હતા.

2010ની ઘટના બાદ બિહારના રાજકારણમાં કેવા પડઘા પડ્યા?

બિહારના વરિષ્ઠ પત્રકાર ફૈઝાન અહમદ જણાવે છે કે, "2010 સુધીમાં રાષ્ટ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદીનું કદ વધવાની શરૂઆત થઈ ગઈ હતી. એ સમયે ભાજપની બેઠકમાં નરેન્દ્ર મોદી પણ આવેલા હતા, પણ નીતીશકુમાર નરેન્દ્ર મોદીને એટલા પસંદ નહોતા કરતા."

તેઓ આગળ કહે છે કે, "આ અણગમાનું ખરું કારણ તો નીતીશકુમાર જ જણાવી શકે. તેમણે આ ડિનર રદ કરવા પાછળનું ખરું કારણ ખૂલીને ક્યારેય જણાવ્યું જ નહીં."

ફૈઝાન અહમદ જણાવે છે કે આ ઘટના બાદથી ભાજપ અને જેડીયુના સંબંધોમાં ખૂબ કડવાશ આવી ગઈ હતી.

"જોકે, બંને પક્ષોએ આ ઘટના છતાં એકબીજાની સાથે ચૂંટણી લડી અને સરકાર બનાવી. તેમના સંબંધો ખતમ થવામાં હજુ થોડાં વર્ષોની વાર હતી."

તેઓ આ ઘટનાની બિહારના અને રાષ્ટ્રીય રાજકારણમાં કેવી ચર્ચા હતી એ અંગે યાદ કરતાં કહે છે કે, "ભાજપના લોકોમાં ઘટના બાદ ઘણી નારાજગી જોવા મળી હતી, કારણ કે તેમના એક મોટા નેતાના નામને કારણે આ ડિનર રદ કરી દેવાયું હતું. એ સમયે આ ખૂબ ચર્ચાનો વિષય હતો."

ફૈઝાન અહમદ કહે છે કે આ ઘટના બાદ ભાજપના કાર્યકરોની નારાજગી બાદ ઘટનાને થાળે પાડવા માટે બિહારના ઉપમુખ્ય મંત્રી અને ભાજપના મોટા નેતા સુશીલકુમાર મોદી સહિતના નેતાઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રયાસોના કારણે ભાજપ અને જેડીયુના સંબંધોમાં થોડાં વર્ષો સુધી કોઈ અવરોધ નહોતો સર્જાયો.

નીતીશકુમાર અને નરેન્દ્ર મોદીના સંબંધો કેવી રીતે સુધર્યા?

નીતીશ અને નરેન્દ્ર મોદીના સંબંધોમાં ખટાશ પેદા થયા બાદ આખરે બંનેના સંબંધ કેવી રીતે સુધર્યા એ અંગે વાત કરતાં ફૈઝાન અહમદ કહે છે : "વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં નીતીશ ભાજપથી અલગ ચૂંટણી લડ્યા. જોકે, તેમની પાર્ટીને ઝાઝી બેઠકો ન મળી. એ બાદની રાજ્ય વિધાનસભાની ચૂંટણી તેમણે રાજદ અને કૉંગ્રેસ સાથે મળીને લડી અને જીત મેળવી."

"પરંતુ એ બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી સાથે નીતીશના વાંધાઓનો નિકાલ લાવવામાં સુશીલકુમાર મોદીએ મોટી ભૂમિકા ભજવી, બંને પક્ષો વચ્ચેનું અંતર સમાપ્ત કરવાનું કામ જેડીયુ તરફથી સંજય ઝાએ કર્યું. સંજય ઝા અને સુશીલકુમાર મોદી સહિતના નેતાઓએ નીતીશકુમારને ધીરે ધીરે નરેન્દ્ર મોદીની નિકટ લાવવામાં ભૂમિકા ભજવી અને હવે તો સ્થિતિ કંઈક એવી છે કે નીતીશ નરેન્દ્ર મોદીને સાવ નમીને પ્રણામ કરવા લાગે છે."

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે, "નીતીશકુમારે જ્યારે પહેલી વાર ભાજપ સાથે છેડો ફાડી જ્યારે રાજદ સાથે મળીને સરકાર રચી ત્યારે લાલુપ્રસાદ યાદવ તેમની ટેવ પ્રમાણે ઘણી વખત સુપર બૉસ બનવાનો પ્રયાસ કરતા રહેતા. જેનાથી લોકોમાં એવો મૅસેજ જતો કે મુખ્ય મંત્રી ભલે નીતીશ હોય, પણ સરકારીની ચોટલી લાલુના જ હાથમાં છે."

"2015ની વિધાનસભાની ચૂંટણી બાદ રચાયેલી બિહાર સરકારમાં તેજસ્વી યાદવ નાયબ મુખ્ય મત્રી હતા. એ સમયે રાજ્ય સરકારની કેટલીક યોજનાઓનો જશ તેજસ્વી યાદવ અને તેમની પાર્ટી લેતી રહેતી. બીજી તરફ ભ્રષ્ટાચાર અને ગુનાખોરીનું પ્રમાણ પણ રાજ્યમાં વધવા લાગ્યું હતું. એ સમયે નીતીશકુમાર તેજસ્વી યાદવ અને લાલુપ્રસાદ યાદવની સતત દખલગીરીને કારણે ગૂંગળામણ અનુભવતા હતા."

તેઓ આગળ કહે છે કે આ બધાં કારણોને લીધે નીતીશને લાગવા માંડ્યું કે લાલુપ્રસાદ અને તેજસ્વી સાથે સરકાર ચલાવવી એના કરતાં નરેન્દ્ર મોદી સાથે સમાધાન કરીને રાજ્યની સરકાર સારી રીતે ચલાવવી જોઈએ. તેમજ સામે પક્ષે ભાજપનું પણ આમાં પોતાનું હિત હતું.

"ભાજપને એક એવા રાજ્યમાં જ્યાં તેની સરકાર નથી, ત્યાં સરકારમાં પ્રતિનિધિત્વ મળી રહ્યું હતું. તેમજ તેને એ પણ ખબર હતી કે આવા આંતરિક ઝઘડાને કારણે અંતે તો રાજદ અને જેડીયુને નુકસાન જશે, અને તેનો ફાયદો ભાજપને થશે. જે આ વખત ભાજપે સાબિત પણ કર્યું છે."

જગદીશ આચાર્ય આગળ કહે છે કે, "નીતીશે જેટલી વખત ગઠબંધન જોડ્યું-તોડ્યું તેમાં તેણે દરેક વખત પોતાનું હિત જાળવ્યું છે. આમ, નીતીશ અને નરેન્દ્ર મોદીના સંબંધો સુધરવા પાછળ પણ બંને પક્ષોનાં પોતપોતાનાં રાજકીય હિતો અને ગણિત જ હતાં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન