કૅનેડાના વાનકુવર ટાપુ પર એક જ દિવસમાં 2000 વાર ભૂકંપ આવ્યો, પછી શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાનો વાનકુવર ટાપુ માર્ચ મહિનાની શરૂઆતમાં એક જ દિવસમાં ભૂકંપના લગભગ 2,000 જેટલા આંચકાથી હચમચી ગયો હતો.
વાનકુવર ટાપુના કાંઠાથી 240 કિલોમીટર દૂર ઇન્ડેવર નામની જગ્યા આવેલી છે. અહીંયાં એક જ દિવસમાં અસંખ્ય ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
આ ભૂકંપ જમીનથી 5 કિલોમીટર ઊંડે આવ્યો હતો.
આમ તો ભૂકંપથી દરિયાકાંઠાના વિસ્તારો તબાહ થઈ શકે છે, પરંતુ તેનાથી વિપરીત આ આંચકા પ્રમાણમાં નાના હતા, તેની તીવ્રતા મોટે ભાગે 1.0 રિક્ટર સ્કેલથી નીચે નોંધાઈ હતી.
ઝૉ ક્રાઉસ એન્ડેવર સેગમેન્ટ પરના તેમના કામના ભાગરૂપે ઓશન્સ નેટવર્ક કૅનેડાના ડેટાનો અભ્યાસ કરી રહ્યા છે.
ક્રાઉસ યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનમાં દરિયાઈ ભૂ-ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. કરી રહ્યા છે. તેઓ કહે છે કે, "સમુદ્રનાં ભૂમધ્ય શિખરો વાસ્તવમાં વધારે તીવ્રતાવાળા ભૂકંપ પેદા કરવામાં સક્ષમ નથી."
અને દરિયાકાંઠાની આસપાસ કેટલાંક ખોદકામથી જાણવા મળ્યું છે કે આ આંચકા ચિંતાનું કારણ નથી, બલકે આ ઊંડા સમુદ્રની ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયા છે જેમાં આ વિસ્તારમાં નવા સમુદ્રતળનો જન્મ થઈ રહ્યો છે.
આ ભૂકંપ લોકો માટે જોખમકારક નથી. તે એકંદરે નાના આંચકા છે અને તે ફક્ત એક નાના વિસ્તાર ઇન્ડેવર પૂરતા સીમિત રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આટલા બધા ભૂકંપ આવવાનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વાનકુવરમાં આવેલું આ ઇન્ડેવર મધ્ય મહાસાગરીય ડુંગરધાર પર આવેલું છે.
પૃથ્વીની સપાટી સાત મોટી અને આઠ નાની પ્લેટોમાં વહેંચાયેલી છે. સૌથી મોટી પ્લેટો ઍન્ટાર્કટિક, યુરેશિયન અને નૉર્થ અમેરિકન પ્લેટ્સ છે.
આ પ્લેટો સરેરાશ પૃથ્વી પરના પર્વતમાળાની નીચે મહત્તમ 125 કિલોમીટર જાડી હોય છે. મધ્ય મહાસાગરીય ડુંગરધાર ત્યારે બંને છે જ્યારે બે જમીનની અંદર બે પ્લેટ એકબીજાથી દૂર જાય.
હવે જેમ જેમ પ્લેટો એકબીજાથી અલગ થાય તેના કારણે પ્રચંડ જ્વાળામુખી ફાટી નીકળે છે. અને જ્યારે આ જ્વાળામુખી ઠંડો પડે છે અને ત્યાં જ ખડકો બનાવે છે ત્યારે તે મધ્ય મહાસાગરીય ડુંગરધાર બનાવે છે. આવી રીતે સમુદ્રની અંદર નવું પડ બને છે.
ઇન્ડેવર પ્રશાંત મહાસાગર અને જુઆન ડી ફુકા નામની પ્લેટો પર આવેલું છે.
ઇન્ડેવરમાં આવતા આંચકા એ દર્શાવે છે કે દરિયાનું તળ વિસ્તરી રહ્યું છે.
જેમ જેમ આ પ્લેટ્સ ખેંચાય છે, તેમ તે એક નિર્ણાયક બિંદુ સુધી પહોંચતા પહેલાં લગભગ 3.3 ફૂટ (એક મીટર) સુધી વિસ્તરે છે. પૃથ્વીના આ ખેંચાણથી જમીનમાં દબાણ આવે છે, જેને કારણે સમુદ્રની અંદર એક નવું સ્તર બને છે અને આ જ દબાણના કારણે ભૂકંપના આંચકા પણ આવે છે.
તાજેતરના ભૂકંપના આંચકા એ સૂચવે છે કે ઇન્ડેવરની નીચેનું સમુદ્રતળ એના મહત્તમ તળ સુધી ખેંચાઈ ચૂક્યું છે.
ક્રાઉસ મુજબ, હવે સંભવિત દૃશ્ય એ છે કે જ્વાળામુખીમાંથી નીકળેલો મેગ્મા હવે ખાલી જગ્યા ભરશે અને ત્યાં જ સુકાઈ જશે અને સમુદ્રના તળમાં એક નવો ભાગ ઉમેરાઈ જશે.
આ ભૂકંપ કેટલો જોખમી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડેવરની જમીન એ જગ્યા એ આવેલી છે જેની નીચે સમુદ્રનું તળ નવું બની રહ્યું છે.
ક્રાઉસે લાઈવ સાયન્સને કહ્યું હતું કે, "મધ્ય મહાસાગરીય ડુંગરધારો વાસ્તવમાં પાંચની તીવ્રતાથી વધુ મોટા ધરતીકંપો ઉત્પન્ન કરવા માટે સક્ષમ નથી. આનાથી એવું પણ નહીં થાય કે જમીનનો બહુ મોટો ભાગ ભૂગર્ભમાં નીચે ઊતરશે."
ક્રાઉસે જણાવ્યું હતું કે, ભૂકંપ વૈજ્ઞાનિક રીતે રસપ્રદ પ્રક્રિયા છે, કારણ કે તે કેવી રીતે સમુદ્રના તળિયાને અલગ કરે છે અને પૃથ્વીના નવા પોપડા બનાવે છે તે વિશે વિગતો જાહેર કરી શકે છે. ઇન્ડેવર સાઇટ પર, પેસિફિક પ્લેટ અને જુઆન ડી ફુકા પ્લેટ અલગ થઈ રહી છે.
આ ખેંચાણ લાંબી, રેખીય ફોલ્ટ લાઇન બનાવે છે અને પૃથ્વીના પોપડાને પાતળું કરે છે, જ્વાળામુખીના મેગ્માને ઉપર આવવા માટે સક્ષમ બનાવે છે.
જ્યારે આ મેગ્મા સપાટી પર પહોંચે છે ત્યારે તે ઠંડો થાય છે અને કઠણ બને છે, નવા સમુદ્ર પોપડા બને છે.
કૅનેડા ઓશન્સ નેટવર્ક્સ સંસ્થા દ્વારા સતત આ ઇન્ડેવર જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ક્રાઉસે જણાવ્યું હતું કે, 2018થી આ પ્રદેશ ધરતીકંપ મામલે વધુ સક્રિય બન્યો છે.
જોકે, 6 માર્ચે, દર કલાકે ઓછામાં ઓછા 200 નાના ધરતીકંપથી દરિયાનું તળ કંપી ઊઠ્યું હતું.
સંશોધકોએ તારવ્યું કે એક દિવસમાં કુલ 1850 ભૂકંપ નોંધાયા હતા.
સંશોધન ટીમ આ ભૂકંપનું નિરીક્ષણ કેવી રીતે કરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ક્રાઉસે જણાવ્યું હતું કે, 6 માર્ચથી ધરતીકંપના આંચકા થોડા ઓછા થયા છે.
ક્રાઉસ અહીંના ધરતીકંપનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે ભૂકંપનું સૌથી સંભવિત કારણ એ છે કે દરિયાઈ તળ તેની મહત્તમ હદ સુધી વિસ્તરેલું છે અને તે ખૂબ જ દબાણ પેદા કરે છે અને તેના લીધે ભૂકંપ આવ્યો છે.
ક્રાઉસે જણાવ્યું, આવો ભૂકંપ નિયમિત રીતે લગભગ 20 વર્ષના અંતરે આવે છે. છેલ્લી વખત 2005માં ઇન્ડેવરના આ વિસ્તારમાં આટલા બધા ધરતીકંપ આવ્યા હતા.
ઇન્ડેવર સાઇટનું સતત મૉનિટરિંગ 2011માં શરૂ થયું હતું, તેથી નિરીક્ષણ કરતી ટીમ પાસે તે પહેલાં જે ધરતીકંપ થયા તેનો રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ નથી.
તેમને મેગ્માના સ્રોત જે આખરે નવા પોપડાની રચના કરશે તેના સંદર્ભે પણ ઘણા સવાલો છે.
ક્રાઉસે કહ્યું, "પૃથ્વીના પોપડા કેવી રીતે રચાય છે, આ ઘટનાઓ કેમ બને છે અને મેગ્માનું અંદર આવવાનું કારણ શું છે?"
હાલ તો તેઓ અને તેમની ટીમ આગામી દિવસોમાં હવે શું થશે તેનું અવલોકન કરશે.












