You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર બસમાં આગ, 25 મુસાફરોનાં મૃત્યુ
મહારાષ્ટ્રમાં મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે (સમૃદ્ધિ હાઇવે) પર એક ખાનગી બસમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતાં 25 લોકોનાં મૃત્યુ થયાં છે. બુલઢાણાના એસપી સુનીલ કડાસણેએ આ દુર્ઘટનામાં મૃતાંકની પુષ્ટી કરી છે.
મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે બસમાં 33 મુસાફરો સવાર હતા. 25 મુસાફરોનાં મૃત્યુ ઊંઘમાં જ થઈ ગયાં, જ્યારે અન્ય આઠ મુસાફરો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા.
બુલઢાણાના એસપી કુડાસણે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યા મુજબ દુર્ઘટના અંદાજે મધરાતે દોઢ વાગ્યે સર્જાઈ હતી. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
એક્સપ્રેસ વે પર આ ખાનગી બસ નાગપુરથી પુણે તરફ જઈ રહી હતી. તે દરમિયાન બુલઢાણા પાસે બસનું ટાયર ફાટી ગયું અને બસના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવી દીધું.
એ બાદ બસ થાંભલા સાથે ટકરાઈ અને આ ટક્કરમાં બસની ડીઝલ ટૅન્ક ફાટી ગઈ, જેના કારણે બસમાં આગ લાગી.
બસના કાચ તોડીને બહાર આવ્યા કેટલાક મુસાફરો
દુર્ઘટનામાં જીવતા બચેલા એક મુસાફરે જણાવ્યું છે કે બસ પલટાઈ ગઈ હતી અને એ બાદ તેમાં આગ લાગી હતી.
મુસાફરે જણાવ્યું, "હું છત્રપતિ સંભાજીનગર ઊતરવાનો હતો. મારું સ્ટેશન એક કલાકમાં આવવાનું હતું, ત્યારે જ બસ પલટાઈ ગઈ. એટલામાં હું અને મારો મિત્ર પડી ગયા. અમે જોયું કે કેટલાક પેસેન્જરો કાચ તોડીને બહાર નીકળી રહ્યા છે. તો અમે પણ તેની પાછળ જતા રહ્યા. અમે બસ કૂદીને બહાર નીકળવામાં સફળ રહ્યા."
તેમણે ઉમેર્યું, "અમે બહાર નીકળ્યા એ બાદ પણ કેટલાક મુસાફરો અમારી પાછળ આવ્યા. બસ પલટાતાં જ આગ લાગી અને આગ ધીરેધીરે વધતી ગઈ. અમે મુસાફરોની ચીસો સાંભળી. પણ અમે કંઈ જ કરી શકીએ તેમ નહતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસને મુસાફરો મારફતે દુર્ઘટનાની જાણકારી મળી હતી.
એસપી સુનિલ કડાસણેએ કહ્યું કે આ દુર્ઘટનામાં બચી ગયેલા કેટલાક મુસાફરો કાચ તોડીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ નથી થઈ. તે અંગે તપાસ કરાઈ રહી છે.
પોલીસે કહ્યું છે કે ઘાયલ મુસાફરોની સારવાર બુલઢાણાની હૉસ્પિટલમાં ચાલી રહી છે. દુર્ઘટના બાદ લાગેલી આગના કારણે બસ આખી બળી ગઈ હતી.