You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મયંક યાદવ : પહેલી જ મૅચમાં 150 કિમી.થી વધુ ઝડપે બૉલિંગ કરી તરખાટ મચાવ્યો અને પંજાબને હરાવ્યું
આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ અને પંજાબ કિંગ્સ વચ્ચે શનિવારે રમાયેલી મૅચમાં એક સમયે લાગતું હતું કે, કેએલ રાહુલના બદલે નિકોલસ પૂરનની કૅપ્ટનશીપમાં ઊતરેલી ટીમે જીત માટે શિખર ધવનની ટીમને આપેલું 200 રનનું ટાર્ગેટ ઓછું પડશે.
કારણ કે પંજાબ કિંગ્સની ઓપનિંગ જોડી કૅપ્ટન શિખર ધવન અને જોની બૈરસ્ટોએ મૅચની પહેલી 11 ઓવરમાં જ 102 રનની ભાગીદારી નોંધાવી દીધી હતી. પણ એવું ન થયું.
લખનઉના ફાસ્ટ બૉલર મયંક યાદવે મૅચમાં 3 વિકેટો ખેરવવાની સાથે સાથે એક-બે નહીં પણ નવ વખત કલાકના 150 કિલોમીટર કરતાં વધુ ઝડપથી બૉલ નાખ્યા, જેનો પંજાબના બૅટ્સમૅનોએ અંદાજો પણ નહીં લગાવ્યો હોય.
મંયકે આ મૅચમાં તેમની બીજી ઓવરનો પહેલો બૉલ 155.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. જે આઈપીએલની આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઝડપી બૉલ તરીકે નોંધાઈ ગયો.
મયંક યાદવની 150+ની ઝડપથી બૉલિંગ
મયંક યાદવ વર્ષ 2023ની આઈપીએલની સમગ્ર સિઝન ઈજાને કારણે ચૂકી ગયા હતા. પરંતુ તેમણે વર્ષ 2024ની સિઝન એવી રીતે શરૂ કરી કે આ સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ ઝડપથી ફેંકવામાં આવેલા બૉલનો રેકર્ડ તેમના નામે લખાઈ ગયો છે.
મયંક યાદવે તેમની આ પ્રથમ મૅચમાં સરેરાશ 148 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી બૉલિંગ કરી હતી. તેમણ ફેંકેલા સૌથી ઝડપી બૉલની ગતિ 155.8 કિલોમીટર પ્રતિ કલાક અને સૌથી ધીમા બૉલની ગતિ 141 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.
તેમણે પોતાની પહેલી ઓવરનો ત્રીજો બૉલ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો અને બીજી ઓવરના પહેલા બે બૉલ અનુક્રમે 155.8 અને 150 કિલોમીટર પ્રતિ કલાકે ફેંક્યા. બીજ ઓવરમાં મયંકે પંજાબની જામી ગયેલી ઓપનિંગ જોડીને તોડતા બૈરસ્ટોને એક ઝડપી શોર્ટ ઑફ લેન્થ બૉલ નાખીને કૅચ આઉટ કરાવ્યા.
તેમણે ત્રીજી ઓવરમાં પહેલા બે બૉલ અનુક્રમે 152 અને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યા અને ત્રીજા બૉલે પ્રભસિમરનસિંહને આઉટ કર્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાની ચોથી અને છેલ્લી ઓવરમાં મયંકે ફરી એક વખત પહેલા બે બૉલ અનુક્રમે 152 અને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યા અને ચોથા બોલે તેમણે જીતેશ શર્માને આઉટ કર્યા.
લખનઉ સુપર જાયન્ટ્સનું જોરદાર પ્રદર્શન
30મી માર્ચે લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં ટૉસ જીતીને લખનઉ સુપર જાયન્ટ્સે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને આઠ વિકેટે 9.95ની સરેરાશથી 20 ઓવરમાં 199 રન બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સના બૉલરો નિયમિત અંતરાલે લખનઉના બૅટ્સમૅનોની વિકેટો લેવામાં કામયાબ જરૂર રહ્યા પરંતુ ડૅપ્થ ધરાવતી લખનઉની બેટિંગ લાઇનઅપને રન બનાવવાથી ન રોકી શક્યા.
શરૂઆતની નવ ઓવરોમાં કે.એલ રાહુલ (9 બૉલમાં 15 રન), દેવદત્ત પડ્ડિકલ (6 બૉલમાં 9 રન) અને માર્કસ સ્ટોઇનિસ (12 બૉલમાં 19 રન)ને આઉટ કરવામાં અર્શદીપસિંહ, સેમ કરન અને રાહુલ ચહર પોતાનો ફાળો આપ્યો. જોકે આ ત્રણે બૉલરો એટલા જ ખર્ચાળ પણ સાબિત થયા.
અર્શદીપસિંહે ઓપનિંગમાં આવીને ક્રીઝ પર જામી ગયેલા બૅટ્સમૅન ક્વિન્ટન ડી કૉકને (38 બૉલમાં 54 રન) આઉટ કરીને કુલ બે વિકેટો ઝડપી પરંતુ તેમણે ત્રણ ઓવરમાં 30 આપ્યા. સેમ કરને દેવદત્ત પડ્ડિકલ, આયુષ બડોની અને રવિ બિશ્નોઈને આઉટ કરીને કુલ ત્રણ વિકેટો લીધી અને ચાર ઓવરમાં 28 રન આપ્યા.
જોકે, માર્કસ સ્ટૉઇનિસ આઉટ કરનારા રાહુલ ચહરે ત્રણ ઓવરમાં 42 રન આપ્યા અને મૅચમાં ખૂબ જ ખર્ચાળ બૉલર સાબિત થયા. આ ઉપરાંત હર્ષલ પટેલે પણ ચાર ઓવરમાં 45 રન આપ્યા અને તેમને કોઈ વિકેટ પણ ન મળી.
વેસ્ટ ઇન્ડિઝના બૅટ્સમૅન નિકોલસ પૂરન આ મૅચમાં લખનઉના કૅપ્ટન હતા. તેમણે ટૉસ જીત્યા બાદ જણાવ્યું હતું કે કે. એલ. રાહુલ પણ તેમને થયેલી ઈજામાંથી બહાર આવીને હવે ફરીથી ક્રિકેટ રમી રહ્યા છે એટલે ટીમ તેમને વધારે તણાવ આપવા નથી ઇચ્છતી અને તેમને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મૅચમાં રમાડવામાં આવશે.
ઝડપથી ત્રણ વિકેટો ગુમાવી બેઠેલી ટીમમાં પાંચમા ક્રમે બેટિંગ માટે ઊતરેલા પૂરને 21 બૉલમાં 42 રન (3 ચોગ્ગા અને 3 છગ્ગા) ફટકારીને મિડલ ઓર્ડરમાં અસરકારક બેટિંગ કરીને મૅચને સંભાળી. જોકે, તેમના આઉટ થયા બાદ મેદાનમાં ઊતરેલા કૃણાલ પંડ્યાએ નોટઆઉટ રહીને મૅચની અંતિમ ઓવરોમાં 22 બૉલમાં 43 રન ફટકારીને પોતાની ઓલરાઉન્ડર તરીકેની ઉપયોગિતા સાબિત કરી. કૃણાલે ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથે પોતાનો સ્કોર કર્યો હતો.
પંજાબની મજબૂત શરૂઆત વિજય સુધી ન પહોંચી શકી
પંજાબ કિંગ્સે પોતાની બેટિંગની શરૂઆત ખૂબ જ મજબૂત રીતે કરી પરંતુ ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન અને જોની બૈરસ્ટોની વિકેટો પડ્યા બાદ ટીમના કોઈ બૅટસમૅન 200નું લક્ષ્ય પૂરું કરવા માટે પોતાનું અસરકારક પ્રદર્શન ન કરી શક્યા.
બૈરસ્ટોએ કૅપ્ટન શિખર ધવન સાથે બેટિંગ કરતા 29 બૉલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 42 રન બનાવ્યા અને 102 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી. જ્યારે શિખર ધવને પણ 50 બૉલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 70 બનાવ્યા. તેઓ 17મી ઓવર સુધી રમતા રહ્યા પરંતુ લખનઉના બૉલરોએ તેમની સાથે આવેલા કોઈ બૅટ્સમૅનોને ટકવા ન દીધા.
મોહસિન ખાને ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટો ઝડપી જ્યારે આ મૅચથી આઈપીએલમાં લખનઉ તરફથી પોતાની કારકિર્દી શરૂ કરનારા 21 વર્ષીય ફાસ્ટ બૉલર મયંક યાદવે ચાર ઓવરમાં 27 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી.
લખનઉ તરફથી પ્રભસિમરનસિંહે (7 બૉલમાં 19રન) અને જીતેશ શર્માએ (9 બૉલમાં 6 રન)નોંધાવ્યા. લિઆમ લિવિંગસ્ટોન 17 બૉલમાં 28 રન બનાવીને નોટઆઉટ રહ્યા અને શશાંકસિંહ પણ સાત બૉલમાં નવ રન બનાવીને નોટઆઉટ રહ્યા.