મહારાષ્ટ્ર: ભાજપે છ મહિનામાં 'ગુજરાત કરતાં સારાં' પરિણામો કઈ રીતે મેળવ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં, ત્યારે ફરી એક વખત ઍક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા.
ઍક્ઝિટ પોલ્સ મહાયુતિને મહત્તમ સરેરાશ 170 જેટલી બેઠક આપી રહ્યા હતા, પરંતુ પરિણામ (અને વલણ) મુજબ તે 230 કરતાં વધુ બેઠકો પર જીત મેળવી છે. જે બહુમત માટે જરૂરી 145 કરતાં નિર્ણાયક રીતે વધુ છે.
એપ્રિલ-મે મહિના દરમિયાન મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી યોજાઈ ત્યારે મહાવિકાસ અઘાડીને 48માંથી 30 બેઠક મળી હતી અને મહાયુતિએ 17 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.
ત્યારે છ મહિનાના ગાળામાં એવું તે શું બન્યું કે મહારાષ્ટ્રની જનતાએ ગુજરાતની જેમ જ 'એકતરફી અને નિર્ણાયક' જનાદેશ આપ્યો. એટલું જ નહીં ભાજપનું પ્રદર્શન 'ગુજરાત કરતાં પણ સારું' રહેવા પામ્યું છે.
ગુજરાત, ગુજરાતીઓ, મરાઠી માણુસ અને મરાઠા જેવા મુદ્દા ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ વિરૂદ્ધ જશે એમ માનવામાં આવતું હતું, પરંતુ તેનો તોડ કાઢવામાં મહાયુતિ સફળ રહી હતી.

'લાડકી બહિણ'ના લાભાર્થીઓની હેતવર્ષા

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભાનાં ચૂંટણીપરિણામો બાદ એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારે 'લાડકી બહિણ' યોજનાની જાહેરાત કરી હતી. જે મુજબ જે પરિવારની વાર્ષિક આવક રૂ. અઢી લાખ કરતાં ઓછી હોય તેવા પરિવારની 18થી 60 વર્ષની મહિલાઓને રૂ. 1,500 આપવામાં આવે છે.
આદર્શ આચારસંહિતા લાગુ થઈ એ પહેલાં આ યોજનાના ત્રણથી ચાર હપ્તા લાભાર્થીઓના ખાતામાં સીધા જ જમા થઈ ગયા હતા.
બીબીસી મરાઠીના સંપાદક અભિજીત કાંબળેના મતે, "વિધાનસભાની ચૂંટણી પહેલાં 'લાડકી બહિણ' યોજના લાગુ કરી હતી. જે ગૅમ ચેન્જર સાબિત થઈ હોય તેમ જણાય આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મહિલાઓનાં ખાતાંમાં ઘરબેઠાં માસિક રૂ. એક હજાર 500 જમા થયા. જો ઘરમાં બે-ત્રણ મહિલા હોય, તો દરેકનાં ખાતાંમાં જમા થયાં. જેના કારણે તેમને યોજના ઉપર વિશ્વાસ બેઠો અને પરિણામો ઉપર તેની અસર જોવા મળી."
મહારાષ્ટ્રનાં ચૂંટણીપરિણામોને સમજવા માટે બીબીસી ગુજરાતીએ જે કોઈ રાજકીય વિશેષજ્ઞ સાથે વાત કરી, તેમણે એકમતે 'લાડકી બહિણ' યોજનાને મહાયુતિના વિજયને સુનિશ્ચિત કરનારો નિર્ણય ગણાવ્યો હતો.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક રાજેન્દ્ર સાંઢેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "આ વખતે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ઊંચું મતદાન નોંધાયું હતું અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો."
"મહિલાઓની ભાગીદારીને કારણે આ ટકાવારી ઊંચી ગઈ હતી અને તેનો લાભ મહાયુતિને થયો હોય તેવું પ્રથમદર્શીય જણાય છે."
રાજેન્દ્ર સાંઢે માને છે કે આ યોજનાનો પ્રચાર-પ્રસાર વ્યાપક રીતે કરવામાં આવ્યો હતો, જેનો મહાયુતિને લાભ થયો.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલાં તત્કાલીન મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 'લાડકી બહીન' યોજના ચાલુ કરી હતી અને શિંદેની યોજના તેના તર્જ પર જ હતી.
શરદ'ચંદ્ર'ને રાજકીય ગ્રહણ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગત વિધાસભા ચૂંટણી પછી મહારાષ્ટ્રના રાજકારણમાં બે મોટી ઘટનાઓ ઘટી. શિવસેનાની સ્થાપના કરનારા બાલાસાહેબ ઠાકરેના રાજકીય વારસદાર ઉદ્ધવ ઠાકરે પક્ષ ઉપર પ્રભુત્વ ન જાળવી શક્યા અને પાર્ટી ગુમાવી.
આવી જ રીતે મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય મનાતા શરદ પવારે પોતે સ્થાપેલી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) ગુમાવી. એ પછી તેમણે એનસીપી શરદચંદ્ર પવારની સ્થાપના કરી. લોકસભાની ચૂંટણી દરમિયાન પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તાજેતરનાં વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં તેમને રાજકીય ગ્રહણ લાગ્યું હતું.
અભિજીત કાંબળેના કહેવા પ્રમાણે, "લોકસભાની ચૂંટણી દરમિયાન બે-ત્રણ મુખ્ય નારૅટિવ હતાં, જેમાં એક મુદ્દો રાજકીય પક્ષોમાં ભંગાણનો હતો. આ મુદ્દે મરાઠી મતદાતાઓમાં આક્રોશ હતો, જે તેમણે લોકસભાની ચૂંટણી દરમિયાન વ્યક્ત કરી દીધો હતો."
"વિધાનસભાની ચૂંટણી દરમિયાન ધારહીન થઈ ગયો હતો. આ સિવાય અનામત અને બંધારણને બદલી દેવાશે, જેવા મુદ્દા હતા, પરંતુ જે આ વખતે અસરહીન થઈ ગયા હતા."
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક જીતેન્દ્ર દિક્ષીતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણી સમયે શરદ પવાર પ્રત્યે સહાનુભૂતિની લહેર હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણી દરમિયાન તે ઓસરી હોય તેમ લાગે છે.
શરદ પવાર મહાવિકાસ અઘાડીના ચાણક્ય હતા, પરંતુ તેમનો દાવ પાર નહોતો ઉતર્યો અને ભાજપને લગભગ 11 ગણાં કરતાં વધુ બેઠકો મળી હતી.
'ગુજરાતી' મોદી-શાહ નહીં, 'મરાઠી' મુદ્દે વાત

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેનના રાષ્ટ્રપતિ સાથે વડોદરા ખાતે ટાટાના સૈન્યવિમાનની ફેકટરીનું ઉદ્ઘાટન કર્યું. એ સમયે વ્યાપક ચર્ચા હતી કે મહારાષ્ટ્રના ભોગે ગુજરાતને રાજકીય પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે.
આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને ટાંકતા ગુજરાતીઓ દ્વારા પ્રભુત્વ સ્થાપવાના પ્રયાસ થતા હોવાના આરોપ લાગ્યા હતા.
રાજકીય વિશ્લેષક પ્રમોદ ચુંચૂવારે લગભગ ત્રણ દાયકાથી મહારાષ્ટ્રના રાજકારણ ઉપર નજર રાખે છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું,"મહારાષ્ટ્રની જનતાએ લોકસભાની ચૂંટણીમાં મોદીને જાકારો આપ્યો હતો. વિધાનસભાની ચૂંટણી દરમિયાન મોદીવિરોધી લહેરની અસર મહાયુતિ પર ન થાય તે માટે ભાજપે પૂરતી કાળજી લીધી હતી."
"ભાજપે ચૂંટણીલક્ષી મુદ્દા અને નેતાઓને સ્થાનિકસ્તરે મર્યાદિત રાખ્યા હતા. મોદી અને શાહની ચૂંટણીસભાઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી હતી. જેથી કરીને તેની અસર મહાયુતિની વિજયની સંભાવનાઓ પર ન થાય."
પ્રમોદ ચુંચૂવારે માને છે કે ગુજરાતને મોટા પ્રોજેક્ટ્સ જવાનો મુદ્દો 'મરાઠી માણુસ'ને અસર કરી શક્યો હોત, પરંતુ તેને અસરકાર રીતે ઉઠાવવામાં મહાવિકાસ અઘાડી નિષ્ફળ રહી હતી. મહારાષ્ટ્રમાં રોજગારની તકો અન્યમાં જાય તે મુદ્દો યુવાને આકર્ષી શકે તેવો હતો, પરંતુ એમ થયું ન હતું.
અભિજીત કાંબળે પણ માને છે કે ભાજપે વ્યૂહરચનાના ભાગરૂપે મોદી-શાહ કરતાં સ્થાનિક મુદ્દા ઉઠાવ્યા અને તેને પકડી રાખ્યા હતા. જેથી કરીને 'ગુજરાતી વિ. મરાઠી માણુસ'નો મુદ્દો ન બને.
જીતેન્દ્ર દિક્ષીત પણ આવી જ વાત અવલોકે છે.
યોગી, મોદી અને હિંદુત્વ

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ભગવાધારી મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે 'બટેંગે તો કટેંગે' એટલે કે 'વહેંચાશું, તો વેતરાશું'નો નારો આપ્યો હતો. એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને થોડો સુધારીને 'એક રહેંગે, તો સેફ રહેંગે' કર્યો હતો.
રાજકીય વિશ્લેષક રાજેન્દ્ર સાંઢેના કહેવા પ્રમાણે, "લોકસભાની ચૂંટણી દરમિયાન હિંદુઓએ અલગ-અલગ થઈને મતદાન કર્યું હતું, પરંતુ વિધાનસભા ચૂંટણી દરમિયાન રિવર્સ પૉલોરાઇઝેશન થયું અને એકજૂટ થઈને મતદાન કર્યું. જેના કારણે મરાઠા અનામતનો મુદ્દો પણ ગૌણ બની ગયો."
"ચૂંટણીઢંઢેરામાં મહાવિકાસ અઘાડી અને મહાયુતિના મુદ્દા લગભગ સરખા હતા, છતાં વિશ્વસનિયતા તથા કામ કરી દેખાડવાના મુદ્દે મહાયુતિનું પલડું ભારે રહ્યું હતું."
શિંદે સરકારે ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રની અલગ-અલગ ઓબીસી જાતિઓ માટે કૉર્પોરેશનોની જાહેરાત કરી હતી અને તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
અભિજિત કાંબળેના કહેવા પ્રમાણે, "ભાજપે સોશિયલ એંજિનિયરિંગ કરીને ઓબીસીના (અન્ય પછાત વર્ગ) મતોને એક કર્યા. મરાઠાઓએ પણ અનામતના મુદ્દાને અવગણીને હિંદુ તરીકે મતદાન કર્યું."
જીતેન્દ્ર દિક્ષીત માને છે કે આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાજપ માટે પુષ્કળ મહેનત કરી હતી. વિશેષ કરીને વિદર્ભના વિસ્તારમાં. પ્રચાર ગમે તેટલો સારો થયો હોય, પરંતુ સમર્થકોને મતદાન મથક સુધી લાવવાનું કામ સંઘની મશીનરી કરતી હોય, તે આ વિધાનસભા ચૂંટણી દરમિયાન જોવા મળ્યું હતું.
રાજેન્દ્ર સાંઢે માને છે કે ભાજપ દ્વારા દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રમાં લઈ જવામાં આવે અથવા પક્ષપ્રમુખ બનાવવામાં આવે તથા કોઈ મરાઠાને મુખ્ય મંત્રીપદ આપવામાં આવે એવું પણ બને. આ અંગેનો અંતિમ નિર્ણય દિલ્હીમાં શિર્ષસ્થ નેતૃત્વ લેશે.
ભાજપે ચૂંટણીપ્રચાર દરમિયાન મુસ્લિમ ધર્મગુરૂ સજ્જાદ નોમાનીના ભાષણની ક્લિપોનો પણ ઉપયોગ કર્યો હતો, જેના કારણે ધ્રુવીકરણ પ્રબળ થયું.
મુદ્દા અલગ, પરિણામ અલગ

ઇમેજ સ્રોત, ANI
હરિયાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન અપક્ષ અને બળવાખોર ઉમેદવારોએ સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. કંઈક આવું જ દૃશ્ય મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન જોવા મળ્યું હતું.
જીતેન્દ્ર દિક્ષીતના કહેવા પ્રમાણે, "મહાવિકાસ અઘાડીના 40 જેટલા નેતાઓ બળવાખોર થયા હતા, જેનું તેમને નુકસાન થયું. કથિત રીતે આ નેતાઓને ભાજપે પીઠબળ અને નાણાં પૂરાં પાડ્યાં હતાં."
આ સિવાય ચૂંટણી આવતા સુધીમાં મનોજ જરાંગે પાટિલનું મરાઠા અનામત આંદોલન ઠંડુ પડી ગયું હતું. પ્રમોદ ચુંચૂવારેના કહેવા પ્રમાણે, "ચૂંટણીના લગભગ એક મહિના પહેલાં મનોજ જરાંગે પાટિલ ઠંડા પડી ગયા. ચૂંટણી દરમિયાન તેમણે કોઈ સ્ટેન્ડ ન લીધું. જેના કારણે મહાવિકાસ અઘાડીને જે ફાયદો થવો જોઇતો હતો, તે ન થયો અને મહાયુતિને જે નુકસાન થનાર હતું, એ ન થયું."
છેલ્લી લગભગ પાંચેક ટર્મથી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી વચ્ચે છએક મહિનાનો ગાળો જ હોય છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મતદાતા લોકસભાની ચૂંટણીમાં જે રીતે મતદાન કરે, તેનાથી વિપરીત ઢબે વિધાનસભાની ચૂંટણી દરમિયાન વોટિંગ કરે એવું પણ જોવાયું છે.
અભિજીત કાંબળેના કહેવા પ્રમાણે, "લોકસભા અને વિધાનસભાના મુદ્દા અલગ-અલગ હતા. લોકસભાની ચૂંટણી સમયે ડુંગળીની સિઝન હતી અને તેની નિકાસ મુદ્દે ખેડૂતોમાં આક્રોશ હતો. જેને શાંત પાડવા શિંદે સરકારે પગલાં લીધા હતા. વિધાનસભાની ચૂંટણી દરમિયાન સોયાબીનના ભાવ મુદ્દો હતા, પરંતુ એ વ્યાપક ન હતા."
'ગુજરાત કરતાં સારાં' ચૂંટણીપરિણામો

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્ર વિધાનસભાનાં ચૂંટણીપરિણામોમાં ભાજપને સૌથી વધુ બેઠક મળી અને તેનો યુતિપક્ષ શિવસેના (શિંદે જૂથ) બીજાક્રમે રહ્યું.
શિવસેનાની બેઠક ભાજપ કરતાં અડધા જેટલી રહી, છતાં કૉંગ્રેસ, શરદ પવારની એનસીપી તથા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સરવાળા કરતાં તે વધુ હતી.
ઉલ્લેખનીય છે કે ભાજપે 288માંથી 149 બેઠક પર ચૂંટણી લડી હતી, જેમાંથી 131 પર (શનિવારે બપોરે ત્રણેક વાગ્યાની સ્થિતિ પ્રમાણે) વિજયી થયું છે કે આગળ છે.
ટકાવારીની દૃષ્ટિએ તે 87.92 ટકાની સ્ટ્રાઇકરૅટ સૂચવે છે. તે મહારાષ્ટ્રમાં અત્યારસુધીનું ભાજપનું અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે 182 બેઠક પર ચૂંટણી લડી હતી અને 156 પર વિજય મેળવ્યો હતો. ટકાવારીની દૃષ્ટિએ આ સફળતા 85.71 ટકા જેટલી રહેવા પામી હતી.
અલબત એ પછી યોજાયેલી પેટાચૂંટણીઓ અને શનિવારે વાવ વિધાનસભાના ચૂંટણીપરિણામ બાદ ગૃહમાં ભાજપના ધારાસભ્યોની સભ્યસંખ્યા 162 પર પહોંચી ગઈ છે.
વર્ષ 2014માં ભાજપ અને શિવસેનાએ અલગ-અલગ ચૂંટણી લડી હતી, પરંતુ ચૂંટણીપરિણામો બાદ એક થઈ ગયા હતા અને સરકાર બનાવી હતી, જેના પાંચ વર્ષ ચલાવી હતી.
વર્ષ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપ-શિવેસનાએ સાથે મળીને લડી હતી, પરંતુ પરિણામો બાદ અલગ થઈ ગયા હતા. ભાજપે અજીત પવારના ટેકાથી સરકાર બનાવી, પરંતુ રાજકીય અને કાયદાકીય દાવપેચ બાદ તે પાંચેક દિવસ માંડ ચાલી હતી.
એ પછી શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં અઢી વર્ષ સરકાર ચાલી. શિવસેનામાં ભંગાણ પડ્યું અને ભાજપના ટેકાથી એકનાથ શિંદે મુખ્ય મંત્રી તથા પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ નાયબમુખ્ય મંત્રી બન્યા.
લગભગ એક વર્ષ બાદ એનસીપીમાં પણ ભંગાણ પડ્યું અને શરદ પવારના ભત્રીજા અજીત પવાર નાયબમુખ્ય મંત્રી બન્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












