ગુલાબસિંહે કહ્યું, "લોકોનો ચુકાદો સ્વીકાર્ય, ક્યાં ખામી રહી ગઈ એ જોઇશું"

ગુજરાતમાં વિધાનસભાની વાવ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે.
વાવ પેટાચૂંટણીમાં તમામ 23 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. અંતિમ રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે.
વાવથી બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ આ જીતની પુષ્ટિ કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, મતગણતરી શરૂ થઈ ત્યારથી સતત 21 રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર આગળ રહ્યા હતા. ત્રીજા ક્રમે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ રહ્યા હતા.
ગુલાબસિંહ રાજપૂતે હાર બાદ કહ્યું હતું કે, "લોકોનો ચુકાદો અમને સ્વીકાર્ય છે. ભાભરમાં અમારી ગણતરી કરતાં ભાજપને થોડા વધુ મત મળ્યા છે. દસેક હજાર મત નોટાને પણ મળ્યા છે, છેલ્લે પણ ઘણા મત નોટાના નીકળ્યા. "
તેમણે કહ્યું હતું કે, "અમે વિપક્ષમાં હોવા છતાં, આખુંય તંત્ર તેમને પડખે હોવા છતાં લોકોએ અમને ખૂબ સાથ-સહકાર આપ્યો છે. તમામ લોકોનો હું આભાર માનું છું."
વાવ બેઠક પર ભાજપની 2436 મતે જીત થઈ છે.
સામાન્ય રીતે આ બેઠક પર ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે જંગ જામતો હોય છે, પરંતુ ભાજપના નેતા માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી કરતા ચૂંટણીજંગ ત્રિપાંખિયો બન્યો હતો. તમામ ઉમેદવારો પોતાના વિજય માટે આશાવાદી હતા. પણ સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી કૉંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ભાજપના સ્વરૂપસિંહ ઠાકોરથી આગળ ચાલી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, FB
અહીં તા. 13મી નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી, જેમાં લગભગ 70.5 ટકા જેટલા મતદારોએ તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ બેઠક ઉપર રાજપૂત, પટેલ અને ઠાકોર સહિત કુલ 10 ઉમેદવાર ચૂંટણીમેદાનમાં ઊતર્યા છે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાંથી કૉંગ્રેસ પક્ષનાં ગેનીબહેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતાં, પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેઓ સંસદસભ્યપદે ચૂંટાઈ આવતાં, તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
ગેનીબહેને શું કહ્યું?

વાવ પેટાચૂંટણીમાં કૉંગ્રેસની હાર બાદ ગેનીબહેને પ્રથમ વાર મીડિયા સમક્ષ વાતચીત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "વાવ વિધાનસભાના કૉંગ્રેસના કાર્યકર્તાઓનો તથા મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તેમણે અમને ખૂબ મત આપ્યા છે."
ગેનીબહેને કહ્યું હતું કે, "ક્યાંક અમારી કચાશ રહી ગઈ છે, તેને અમે દૂર કરવાનો પ્રયાસ કરીશું. અમે માત્ર થોડા મતોથી ચૂકી ગયા છીએ. લોકશાહીમાં લોકચુકાદો સર્વોપરી રહેતો હોય છે. અમે તેને માથા પર ચડાવીએ છીએ."
હું આશા રાખું છું કે ભાજપના ઉમેદવારે જે વાયદા આપ્યા તેને તે પૂર્ણ કરશે.
માવજીભાઈ ત્રીજા ક્રમે રહ્યા

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC
મતગણતરીના વલણ મુજબ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ ત્રીજા ક્રમે રહ્યા છે, પરંતુ તેમને મળેલા મતોએ ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવાર વચ્ચેના માર્જિનના મતોથી વધારે છે.
જે દર્શાવે છે કે ચૂંટણીના પરિણામો પર તેમની ઉમેદવારીની અસર થઈ છે.
ચૌધરી-પટેલ સમાજના માવજીભાઈ પટેલે ભાજપ પાસેથી ટિકિટની માગ કરી હતી, પરંતુ ભાજપે વર્ષ 2022માં કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર સામે પરાજિત થયેલા સ્વરૂપજી ઠાકોર ઉપર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નારાજ થયેલા માવજીભાઈએ અપક્ષ ઉમેદવારી કરી હતી. તેમને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ થયા હતા અને તેઓ ચૂંટણીજંગમાં ટકી રહ્યા હતા.
એ પછી ભાજપે મતદાન પૂર્વે માવજીભાઈ પટેલ સહિત પાંચ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












