Election Result : મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી : વડા પ્રધાન મોદીએ ફરી કહ્યું કે 'એક હૈ, તો સેફ હૈ'
મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન મહાયુતિને જંગી બહુમતી મળી છે અને ઝારખંડમાં કૉંગ્રેસ તથા જેએમએમએ પોતાનું પ્રદર્શન સુધાર્યું છે. ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવારની જીત થઈ છે.
સારાંશ
મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો પર મતગણતરી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું
ઝારખંડમાં 81 બેઠકો પર મતગણતરી, કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચો સૌથી મોટી પાર્ટી બનીને ઊભર્યાં
વાવ વિધાનસભા : ઠાકોરસેનાથી ચર્ચામાં આવેલા અને
ધારાસભ્ય બનેલા ભાજપના સ્વરૂપજી ઠાકોર કોણ છે? વાંચવા માટે અહીં ક્લિક કરો.
મહારાષ્ટ્ર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિંદેને
હઠાવીને ફડણવીસને મુખ્ય મંત્રી બનાવશે કે અન્ય કોઈને? વાંચવા માટે અહીં ક્લિક કરો.
વાવ પેટાચૂંટણી: એવું તો શું થયું કે અંતિમ બે
રાઉન્ડમાં કૉંગ્રેસના હાથમાંથી આ બેઠક ભાજપે છીનવી લીધી? વાંચવા માટે અહીં ક્લિક કરો.
મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા?
ઇમેજ સ્રોત, @BJP4India
મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાનાં પરિણામ બાદ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપના મુખ્યાલય પરથી ભાજપના કાર્યકરોને
સંબોધન કર્યું હતું.
તેમણે મહારાષ્ટ્રના લોકોને આ પરિણામ માટે
અભિનંદન આપ્યાં હતાં અને કૉંગ્રેસ સહિત વિપક્ષ પર પ્રકાર કર્યા હતા.
તેમણે કહ્યું કે 'એક હૈ તો
સેફ હૈ', આજે દેશનો મહામંત્ર બની
ચૂક્યો છે.
તેમણે કહ્યું કે "ભાજપ અને મારા માટે છત્રપતિ શિવાજી મહારાજ
આરાધ્ય પુરુષ છે. ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજ આપણી પ્રેરણા છે."
"અમે હંમેશાં બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ફુલે-સાવિત્રીબાઈ ફુલે... તેમના સામાજિક
ન્યાયના વિચારને માન્યા છે, એ અમારા
આચારમાં છે, એ જ અમારામાં વ્યવહારમાં
છે."
"સંસ્કૃતિઓ અને ઇતિહાસનું સન્માન અમારા
સંસ્કારમાં છે, અમારા
સ્વભાવમાં છે."
તેમણે કહ્યું કે "કૉંગ્રેસે સતત દેશભરમાં
વીર સાવરકરનું અપમાન કર્યું છે. વીર સાવરકર માટે તેમના મોઢામાંથી એક પણ સત્ય બહાર
નીકળ્યું નથી. તેમની વાતોમાં કોઈ દમ નથી. તેમનો મકસદ વીર સાવરકરને બદનામ કરવાનો
છે."
"કૉંગ્રેસ અને તેમના સાથીઓને કહું છું કે
દુનિયાની કોઈ પણ તાકત હવે 370ને હવે કોઈ પણ પાછી નહીં લાવી શકે."
તેમણે વધુમાં કહ્યું કે "કૉંગ્રેસ હવે
વ્યક્તિગત રીતે સરકાર બનાવી શકે તેવી સ્થિતિ રહી નથી. મહારાષ્ટ્રમાં તેમનાં સૂપડાં
સાફ થઈ ગયાં છે. કૉંગ્રેસ હવે એક પરજીવી પાર્ટી બની ગઈ છે. તે પોતાના સાથીઓની
નાવડી પણ ડુબાડી રહી છે. આજે મહારાષ્ટ્રમાં પણ એ જ જોયું છે."
પીએમ મોદીએ અલગઅલગ રાજ્યોમાં થયેલી પેટાચૂંટણી
અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે "ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ભાજપને સારું સમર્થન
મળ્યું છે."
ઝારખંડનાં પરિણામો પર તેઓ બોલ્યા કે "હું
ઝારખંડના લોકોને નમન કરું છું. ઝારખંડના ઝડપી વિકાસ માટે અમે વધુ મહેનતથી કામ
કરશું."
ઝારખંડ: હેમંત સોરેન સહિતના મોટા નેતાઓ પોતાની બેઠકો જીત્યાં, કોની થઈ હાર?
ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી હેમંત સોરેન પાર્ટીમાં ભંગાણ છતાં પોતાની સત્તા બચાવવામાં સફળ થયા છે
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અને જેએમએમના
ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી છે.
અત્યાર સુધી કુલ 71 બેઠકોનાં પરિણામો જાહેર થયાં છે.
તેમાંથી ઝારખંડ મુક્તિ મોરચાએ 29 તથા કૉંગ્રેસે 15 બેઠકો પર વિજય મેળવ્યો છે.
બાકીની દસ બેઠકોની મતગણતરી શરૂ છે.
ઇમેજ કૅપ્શન, ભાજપ નેતા બાબુલાલ મરાંડી
મોટા નેતાઓનું શું થયું?
હેમંત સોરેન: બરહાઇતથી 39791 મતે જીત
કલ્પના સોરેન: ગાંડેયથી 16960 મતે આગળ, જીત નિશ્ચિત
ચંપાઈ સોરેન: સરાઇકેલાથી 20447 મતે જીત
ડૉ. અજોય કુમાર: જમશેદપુર ઇસ્ટથી 42871 મતે હાર
બાબુલાલ મરાંડી: ધનવારથી 27774 મતે જીત
સીતા સોરેન: જમતારાથી 43676 મતે હાર
મહારાષ્ટ્રમાં મોટા ચહેરાઓનું શું થયું, કોની થઈ જીત અને હાર?
મહારાષ્ટ્રની ચૂંટણીમાં સાંજે સાડા છ વાગ્યા સુધીમાં કુલ 196 બેઠકોનાં પરિણામો જાહેર થઈ ગયાં છે અને બાકીની બેઠકો પર મતગણતરી ચાલુ છે.
ઘણા મોટા ચહેરાઓની હાર થઈ છે, તો ઘણા મોટા નેતાઓનો દબદબો યથાવત્ રહ્યો છે.
ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીને પંજાબની ચારમાંથી ત્રણ બેઠકો પર પેટાચૂંટણીમાં વિજય મળ્યો છે.
પંજાબની ચાર બેઠકો પર શું થયું?
ડેરા બાબા નાનક- આમ આદમી પાર્ટીની જીત
ચબ્બેવાલ- આમ આદમી પાર્ટીની જીત
ગિદરબાહા- આમ આદમી પાર્ટીની જીત
બરનાલા- કૉંગ્રેસની જીત
રાજસ્થાનની ત્રણ બેઠકો પર શું થયું?
ખિંવસર- ભાજપની જીત
સલુમ્બર- ભાજપની જીત
ચોરાસી- ભારત આદિવાસી પાર્ટીની જીત
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, તૃણમૂલ કૉંગ્રેસને રાજ્યની તમામ છ બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં જીત મળી છે.
ઉત્તર પ્રદેશની નવ બેઠકો પર શું થયું?
મીરાપુર- રાષ્ટ્રીય લોકદળની જીત
કુંદરકી- ભાજપ આગળ, જીત નિશ્ચિત
ગાઝિયાબાદ- ભાજપની જીત
ખૈર- ભાજપની જીત
કરહલ- સમાજવાદી પાર્ટીની જીત
શીશામઉ- સમાજવાદી પાર્ટીની જીત
ફૂલપુર- ભાજપની જીત
કટેહરી- ભાજપની જીત
માઝાવાન- ભાજપની જીત
પશ્ચિમ બંગાળની છ બેઠકો પર શું થયું?
સિતાઈ- તૃણમૂલ કૉંગ્રેસ
મદારીહાટ- તૃણમૂલ કૉંગ્રેસ
નૈહાતી- તૃણમૂલ કૉંગ્રેસ
હરોઆ- તૃણમૂલ કૉંગ્રેસ
મેદિનીપુર- તૃણમૂલ કૉંગ્રેસ
તલડાંગરા- તૃણમૂલ કૉંગ્રેસ
આ સિવાય છત્તીસગઢની રાયપુર સિટી સાઉથ બેઠક પરથી ભાજપ, ગુજરાતની વાવ બેઠક પરથી ભાજપ, મેઘાલયની ગામ્બેગ્રે બેઠક પરથી એનપીપીનો વિજય થયો છે. સિક્કિમની બે બેઠકો પર તો ચૂંટણી વિના જ ઉમેદવારોનો વિજય થયો હતો.
અહીં વાંચો- વાવ વિધાનસભા: ઠાકોરસેનાથી ચર્ચામાં આવેલા અને ધારાસભ્ય બનેલા ભાજપના સ્વરૂપજી ઠાકોર કોણ છે?
પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
તેમણે મહારાષ્ટ્રમાં ભાજપના પ્રદર્શન પર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "વિકાસ જીત્યો, ગુડ ગવર્નેન્સ જીત્યું. એકજૂથ થઇને આપણે હજુ આગળ વધીશું. ખાસ કરીને રાજ્યના યુવાઓ અને મહિલાઓનો આભાર માનું છું, જેમણે એનડીએને ઐતિહાસિક જનાદેશ આપ્યો."
"હું જનતાને એ આશ્વાસન આપું છું કે, અમારું ગઠબંધન મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતું રહેશે. જય મહારાષ્ટ્ર."
પીએમ મોદીએ ઝારખંડમાં જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધનને તેમના પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે.
તેમણે લખ્યું હતું કે, "હું ઝારખંડના લોકોનો અમારા તરફના તેમના સમર્થન માટે આભાર માનું છું. અમે જનતાના મુદ્દાઓ ઉઠાવવામાં અને રાજ્ય માટે કામ કરવામાં હંમેશા અગ્રેસર રહીશું. હું જેએમએમના નેતૃત્ત્વવાળા ગઠબંધનને રાજ્યમાં તેમના પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવું છું. "
મહારાષ્ટ્ર ચૂંટણી: મહાયુતિ બહુમતી તરફ, ભાજપ સૌથી મોટો પક્ષ, કોણ બનશે મુખ્ય મંત્રી?- અહીં વાંચો
મહારાષ્ટ્ર: ચાર વાગ્યા સુધીમાં 97 બેઠકો પર વિજેતા જાહેર, બાકીની બેઠકો પર મતગણતરી શરૂ
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ અને તેનું મહાયુતિ ગઠબંધન કુલ 228 બેઠકો પર આગળ છે. જ્યારે મહાવિકાસ અઘાડીના ઉમેદવારો સતત પછડાટ ખાઈ રહ્યા છે.
ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર મહાવિકાસ અઘાડીમાં કૉંગ્રેસ માત્ર 16 બેઠકો પર આગળ છે, જ્યારે શરદ પવારની એનસીપી માત્ર 10 બેઠકો પર આગળ છે.
ભાજપ એકલે હાથે 132 બેઠકો પર આગળ છે અને બહુમતીની ખૂબ નજીક છે. તેના સાથી પક્ષો શિવસેના અને અજિત પવારની એનસીપીએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
વાવમાં કૉંગ્રેસની હાર બાદ ગેનીબહેન શું બોલ્યાં?
ઇમેજ કૅપ્શન, બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોર
વાવ પેટાચૂંટણીમાં કૉંગ્રેસની હાર બાદ ગેનીબહેને પ્રથમ વાર મીડિયા સમક્ષ વાતચીત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "વાવ વિધાનસભાના કૉંગ્રેસના કાર્યકર્તાઓનો તથા મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તેમણે અમને ખૂબ મત આપ્યા છે."
ગેનીબહેને કહ્યું હતું કે, "ક્યાંક અમારી કચાશ રહી ગઈ છે, તેને અમે દૂર કરવાનો પ્રયાસ કરીશું. અમે માત્ર થોડા મતોથી ચૂકી ગયા છીએ. લોકશાહીમાં લોકચુકાદો સર્વોપરી રહેતો હોય છે. અમે તેને માથા પર ચડાવીએ છીએ."
હું આશા રાખું છું કે ભાજપના ઉમેદવારે જે વાયદા આપ્યા તેને તે પૂર્ણ કરશે.
ગુજરાત : ગુલાબસિંહ રાજપૂતે વાવ વિધાનસભા બેઠક પર હારનું શું કારણ આપ્યું?
ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત
વાવ પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની અંતે હાર થઈ છે. 21 રાઉન્ડ સુધી ગણતરીમાં આગળ રહેલા ગુલાબસિંહ રાજપૂત અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સામે હારી ગયા હતા.
તેમણે હાર બાદ કહ્યું હતું કે, "લોકોનો ચુકાદો અમને સ્વીકાર્ય છે. ભાભરમાં અમારી ગણતરી કરતાં ભાજપને થોડા વધુ મત મળ્યા છે. દસેક હજાર મત નોટાને પણ મળ્યા છે, છેલ્લે પણ ઘણા મત નોટાના નીકળ્યા. "
તેમણે કહ્યું હતું કે, "અમે વિપક્ષમાં હોવા છતાં, આખુંય તંત્ર તેમને પડખે હોવા છતાં લોકોએ અમને ખૂબ સાથ-સહકાર આપ્યો છે. તમામ લોકોનો હું આભાર માનું છું."
વાવ બેઠક પર ભાજપની 2436 મતની લીડથી જીત થઈ છે.
વાવમાં છેલ્લે સુધી પાછળ ચાલી રહેલા સ્વરૂપજી અંતે કેવી રીતે જીત્યા? મહારાષ્ટ્રનું પરિણામ શું કહે છે?
મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના પરિણામો તથા ગુજરાતની વાવ બેઠકની પેટાચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ, પરિણામોનો અર્થ શું છે?
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યની વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સાથે વાતચીત
અણુશક્તિનગર બેઠક પરથી સના મલિક સામે ફહાદ અહમદ પાછળ, ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા
ઇમેજ સ્રોત, @ReallySwara/X
ઇમેજ કૅપ્શન, સ્વરા ભાસ્કર પતિ સાથે
મુંબઈની અણુશક્તિનગર વિધાનસભા બેઠક પરથી એનસીપી (શરદ પવાર)ના નેતા અને બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદ છેલ્લા રાઉન્ડની મતગણતરી બાદ લગભગ ત્રણ હજાર વોટથી પાછળ છે.
તેઓ નવાબ મલિકનાં પુત્રી અને એનસીપી (અજિત પવાર)નાં નેતા સના મલિકથી પાછળ છે. એમએનએસના આચાર્ય નવીન વિદ્યાધર ત્રીજા ક્રમે છે.
ત્યાર બાદ ફહાદ અહમદે ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેમણે ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે.
ઍક્સ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તેમણે કહ્યું, "ચૂંટણીપંચની વેબસાઇટ પર હું સતત આગળ ચાલી રહ્યો હતો. 17મા રાઉન્ડમાં પણ હું આગળ હતો. કુલ 19 રાઉન્ડ હતા."
ફહાદ મલિકે કહ્યું, "જે ઈવીએમ વોટિંગના દિવસે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું તેમાં 99 ટકા બૅટરી નીકળી હતી."
એનસીપી શરદ પવાર જૂથના નેતાએ ઈવીએમ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "99 ટકા બૅટરી જ્યાં-જ્યાં નીકળે છે તેમાં મારાં વિરોધી ઉમેદવાર સના મલિકને મારા કરતાં બે ગણા વોટ મળ્યા છે. જેમજ કોઈ ઈવીએમ ખૂલે છે જેમાં 99 ટકા બૅટરી છે તેમાં સના મલિકનું અંતર બે કે ત્રણ ગણું છે. આ ચિંતાનો વિષય છે."
ફહાદે કહ્યું કે, “હું ચૂંટણીપંચને ફરીથી ગણતરી માટે લખી રહ્યો છું. મને સંપૂર્ણ આશા છે કે ચૂંટણીપંચ આની પર તપાસ કરાવશે. તેની તપાસ પહેલાં કોઈ પણ પ્રકારનાં પરિણામ જાહેર કરવામાં નહીં આવે.”
ફહાદનાં પત્ની અને અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ ઍક્સ પર એક પોસ્ટમાં ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે.
સ્વરાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "આખો દિવસ મતદાન છતાં ઈવીએમ મશીન 99 ટકા કેવી રીતે ચાર્જ હોઈ શકે છે? ચૂંટણીપંચ જવાબ દે."
સ્વરાએ લખ્યું કે, "અણુશક્તિનગર વિધાનસભામાં જેમ જ 99 ટકા ચાર્જ મશીનો ખૂલ્યાં તેમાં ભાજપ સમર્થિત એનસીપીને મત મળવા લાગ્યા, આખરે કેવી રીતે?"
અણુશક્તિનગર બેઠક પર 19 રાઉન્ડની મતગણતરી પછી શું પરિસ્થિતિ છે
મહારાષ્ટ્રનાં ચૂંટણીપરિણામો પછી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, "મને એવું લાગે છે કે એક પ્રકારે લોકોએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. લોકોએ એકનાથ શિંદેની શિવસેનાને અસલી શિવસેના તથા અજિત પવારની એનસીપીને અસલી એનસીપી તરીકે સ્વીકારી લીધી છે."
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, ફડણવીસે કહ્યું હતું કે,"મૂળ શિવસેના એટલે કે બાળાસાહેબની કાયદેસરતા એ એકનાથ શિંદે પાસે છે."
તેમણે કહ્યું હતું કે, "હું મૉર્ડન અભિમન્યુ છું. મને ચક્રવ્યૂહને ભેદતા આવડે છે. તેમ છતાં મારું આ વિજયમાં ખૂબ ઓછું પ્રદાન છે. આ સમગ્ર ટીમનો વિજય છે."
ઇમેજ સ્રોત, Getty Images
તો બીજી તરફ ઝારખંડમાં જેએમએમ ગઠબંધનને મળેલી જીત બાદ હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેને કહ્યું હતું કે, "હું પ્રજાએ આપેલા પ્રેમ અને વિશ્વાસની આભારી છું. હું ગાંડેય, ગિરિડિહની જનતાનો ખાસ કરીને આભાર માનું છું."
તેમણે કહ્યું હતું કે, "પ્રજાએ વિકાસનો રસ્તો પસંદ કર્યો છે. ફરી એક વાર જનતાની સરકાર ચૂંટાઈને આવી છે."
ઝારખંડમાં જેએમએમ-કૉંગ્રેસના ગઠબંધનને ફરી એકવાર બહુમતી મળશે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે.
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, કલ્પના સોરેન
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં જીત બાદ હર્ષ સંઘવીએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, Harsh Sanghvi/X
વાવ પેટાચૂંટણીમાં ભાજપની જીત પછી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર હર્ષ સંઘવીએ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીત બદલ અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, "આ જીત એ ભાજપના વિઝન અને તેની નેતાગીરીને મળી રહેલા સમર્થનનું પ્રતિબિંબ છે."
તેમણે વધુ એક પોસ્ટમાં લખ્યું હતું કે, "ઘણા કૉંગ્રેસના સમર્થકો એ ગુજરાતની વાવ વિધાનસભાના પરિણામ અંગે મને પ્રશ્નો પૂછી રહ્યા હતા. પરિણામ બાદ તેઓ હવે ચૂપ છે અને ખોવાઈ ગયા છે. ઘણા લોકો સત્યને પચાવી શકતા નથી. "
અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતની વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરીમાં છેક 21મા રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર આગળ હતા, પરંતુ અંતે ભારે રસાકસી બાદ ભાજપની જીત થઈ હતી.
મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી કોણ બનશે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં સીએમની દોડમાં હાલ ત્રણ નામો આગળ છે. એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર
મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર થયેલી વિધાસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ ધરાવતી
મહાયુતિ ગઠબંધન 217 બેઠકો પર આગળ ચાલે છે. કૉંગ્રેસની આગેવાની ધરાવતા મહાવિકાસ
અઘાડીને 51 બેઠકો પર લીડ મળી છે.
જો આ વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે તો મહાયુતિની મોટી જીત હશે.
જોકે સવાલ એ છે કે જો મહાયુતિની સરકાર બને તો મુખ્ય મંત્રી કોણ બનશે?
મહારાષ્ટ્રની રાજનીતિ પર ચાંપતી નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્ર
દિક્ષીતે બીબીસીને જણાવ્યું કે મહાયુતિ ગઠબંધનમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને
ઉભર્યો છે. તેથી ભાજપના જ કોઈ નેતા મુખ્ય મંત્રી બનશે. સૌથી પહેલા નામ દેવેન્દ્ર
ફડણવીસનું આવે છે, જો તેઓ નહીં બને તો કોઈ નવું નામ આવી શકે છે.
તેમણે કહ્યું કે જે પ્રકારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જે પૅટર્ન
જોઈ તે પ્રમાણે કોઈ લો-પ્રોફાઇલ ચહેરો મુખ્ય મંત્રી તરીકે આવે તો નવાઈ નહીં.
જીતેન્દ્ર દિક્ષીતના મત પ્રમાણે સુધીર મુનગંટીવાર એક નવું નામ છે, જેઓ ઓબીસી ચહેરો
છે. વિદર્ભથી આવે છે. આ સિવાય વિનોદ તાવડે કે પંકજા મુંડે પણ ચર્ચામાં આવી શકે છે.
વાવ પેટાચૂંટણી: ભારે રસાકસી બાદ અંતે ભાજપના ઉમેદવારની જીત
ઇમેજ સ્રોત, FB
ઇમેજ કૅપ્શન, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર
વાવ પેટાચૂંટણીમાં તમામ 23 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. અંતિમ રાઉન્ડની
મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2436 મતોથી જીત મેળવી છે.
વાવથી બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ આ જીતની પુષ્ટિ કરી છે.
ચૂંટણીપંચની વેબસાઇટ પર 23 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવારને 92129 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવારને 89693 મત મળ્યા છે.
ત્રીજા ક્રમે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ રહ્યા હતા અને તેમને 27183 મત મળ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, મતગણતરી શરૂ થઈ ત્યારથી સતત 21 રાઉન્ડ સુધી કૉંગ્રેસના
ઉમેદવાર આગળ રહ્યા હતા. પરંતુ અંતે ભાજપના ઉમેદવારે બાજી મારી હતી.
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્ય મંત્રી, એકનાથ શિંદેએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતી ગઠબંધન 220 બેઠકો પર આગળ ચાલી રહી છે.
અત્યાર સુધીનાં વલણોમાં મહારાષ્ટ્રમાં મહાયુતીની સરકાર બનતી દેખાઈ રહી છે. આની પર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેના નેતા એકનાથ શિંદેએ રાજ્યના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.
તેમણે કહ્યું કે, "આજે હું મહારાષ્ટ્રના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું કારણ કે આ જીત ઐતિહાસિક છે. મેં કહ્યું હતું કે મહાયુતીને ભારે બહુમતી મળશે. હું પોતાની લાડકી બહેનો, લાડકા ખેડૂતો અને બધા વર્ગોનો આભાર વ્યક્ત કરું છું."
તેમણે આગળ કહ્યું, "મહાયુતીએ જે કામ કર્યું છે, જનતાએ તેની પર મત આપ્યા છે એટલે મહાયુતીને આટલી મોટી જીત મળી છે."
મુખ્ય મંત્રી કોણ બનશે, આ સવાલના જવાબમાં એકનાથ શિંદેએ કહ્યું કે, "પહેલાં અંતિમ આંકડા આવવા દો. ત્યાર બાદ ત્રણેય પાર્ટીઓના પ્રમુખ લોકો બેસશે. જેવી રીતે અમે ચૂંટણી લડી, એવી જ રીતે સાથે બેસીને આ નિર્ણય પણ કરીશું."