વાવ પેટાચૂંટણી: એવું તો શું થયું કે અંતિમ બે રાઉન્ડમાં કૉંગ્રેસના હાથમાંથી આ બેઠક ભાજપે છીનવી લીધી?

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જીત હાંસલ કરનાર ભાજપના સ્વરૂપજી ઠાકોર
ઇમેજ કૅપ્શન, વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જીત હાંસલ કરનાર ભાજપના સ્વરૂપજી ઠાકોર
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરના રોજ ચુંટણી યોજાઇ હતી.

ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, અહીં લગભગ 70.5 ટકા જેટલા મતદારો મતદાન કર્યુ હતુ.

વાવ વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત હતા. ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર ઉમેદવાર હતા.

ભાજપના પૂર્વ નેતા માવજી પટેલે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીજંગમાં ઝંપલાવતા આ જંગ ત્રિપાંખિયો બન્યો હતો. આ બેઠક ઉપર કુલ 10 ઉમેદવાર ચૂંટણીમેદાનમાં હતા.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનાં પરિણામમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ જોવા મળ્યો હતો. સવારે 8 વાગે મતગણતરી શરૂ થઇ ત્યારથી 21મા રાઉન્ડની મતગણતરી સુધી કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળ્યા હતા. જોકે, ભાભર તાલુકાની મતપેટીઓ ખુલતા 15મા રાઉન્ડની મતગણતરી બાદ પરિણામમાં બદલાવ જોવા મળ્યો. છેલ્લા બે રાઉન્ડમાં પરિણામ બદલાઇ ગયું હતું.

વાવ વિધાનસભાનાં પરિણામમાં ભાભર તાલુકાના મતો નિર્ણાયક બન્યા. 14મા રાઉન્ડમાં કૉંગ્રેસની લીડ 14102 હતી જે 21મા રાઉન્ડમાં ઘટીને 585 મતોની લીડ જોવા મળી હતી. જ્યારે 22મા રાઉન્ડની મતગણતરીથી ભાજપને લીડ મળતી જોવા મળી હતી.

ચૂંટણીપંચ અનુંસાર અંતિમ રાઉન્ડની ગણતરી બાદ સ્વરૂપજી ઠાકોરે માત્ર 2442 મતથી જીત મેળવી હતી.

સ્વરૂપજી ઠાકોરને 92176 મતો મળ્યા હતા. કૉંગ્રેસ ઉમેદવાર 89734 મતો મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27195 મતો મળ્યા હતા.

આ વિસ્તારમાં ભાજપના નેતા શંકર ચૌધરી તથા કૉંગ્રેસનાં નેતા ગેનીબહેન ઠાકોરનો જબરદસ્ત પ્રભાવ હોવાથી પણ આ ચૂંટણીજંગ રોચક બન્યો હતો.

કૉંગ્રેસના ઉમેદવારે હારનું કારણ આપતા શું કહ્યું?

જીત બાદ સ્વરૂપજીનો ફોટો

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

ઇમેજ કૅપ્શન, વાવમાં જીત બાદ ભાજપનું વિજય સરઘસ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરિણામમાં બદલાવ દેખાતા કૉંગ્રેસના કાર્યકર્તાઓ મતદાનમથકથી બહાર નિકળવા લાગ્યા હતા. તેમજ ગુલાબસિંહ રાજપૂત પણ હાર સ્વિકારીને તેઓ નિકળી ગયા હતા.

ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સમક્ષ પોતાની હાર સ્વીકારતા જણાવ્યું હતું કે “લોકોનો ચુકાદો છે એને અમે સ્વીકારીએ છીએ. હાર અંગે ટૂંકસમયમાં સમીક્ષા કરીશું.”

ભાભર અંગે ગુલાબસિંહે જણાવ્યું હતું કે “અમે દરેક જગ્યાથી સારા એવા મતો મળ્યા છે. ભાભરમાં અમારી ગણતરી કરતાં વધારે મત બીજેપીને મળ્યા છે. આ સિવાય નોટાને અને અન્ય ઉમેદવારોને 10 હજાર જેટલા મત મળ્યા જેથી અમને નુકશાન થયું છે.”

ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સવારથી મતદાન મથક પર આવ્યા ન હતા. 22માં રાઉન્ડ બાદ લીડ વધતા તેઓ મતદાન મથક પર પહોચ્યા હતા. તેમજ ભાજપના કાર્યકરો પણ હર્ષોલ્લાસ સાથે મતદાન મથક પર પહોચ્યા હતા.

વાવ વિધાનસભાના જીતેલા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતું, “હું અઢારે આલમના લોકોનો આભાર માનું છું. જીત અપાવવા બદલ જનતાનો આભાર માનું છું.”

ક્યા પ્રશ્નોને પ્રાધાન્ય આપવામાં આવશે તે અંગે વાત કરતા સ્વરૂપજીએ ઠાકોરે જણાવ્યું હતું કે “સિંચાઇના પાણીના પ્રશ્નો તેમજ રોડ-રસ્તા તેમજ અન્ય કામો કરવામાં પ્રાધાન્ય આપવામાં આવશે.”

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જીત મેળવનાર સ્વરૂપજી ઠાકોર ખેડૂત છે અને ધંધો તથા સામાજિક કાર્યો કરે છે. તેઓ ઠાકોરસેનાના ઉપપ્રમુખ હતા. ઠાકોર અને ચૌધરી સમાજમાં એમનો ઘરોબો છે. 2022ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હતા અને ગેનીબહેન ઠાકોર સામે એ 13 હજાર મતોથી ચૂંટણી હારી ગયા હતા.

કયા મતો નિર્ણાયક?

મતગણતરી કેન્દ્રની બહાર કાર્યકર્તાઓનો ફોટો

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

ઇમેજ કૅપ્શન, મતગણતરી કેન્દ્રની બહાર કાર્યકર્તાઓ

વાવ વિધાનસભાની બેઠકને પંરપરાગત રીતે કૉંગ્રેસની બેઠક માનવામાં આવે છે.

જોકે 2007માં પ્રથમ વખત અને ત્યારબાદ 2012માં બીજી વખત ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલ અને શંકરભાઇ ચૌધરીની જીત થઈ હતી. વર્ષ 2012 બાદ વાવ વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા પરેશ પઢીયાર જણાવે છે, “વાવ તાલુકામાં કૉંગ્રેસ અને અપક્ષ ઉમેદવારને વધુ મત મળ્યા હતા. કારણ કે આ વિસ્તારમાં ચૌધરી, રાજપૂત અને દલિત સમાજના મતદારો વધારે છે. વાવ તાલુકામાં પહેલેથી જ કૉંગ્રેસનો દબદબો વધારે છે.”

ભાજપને જીત કેમ મળી તે અંગે વાત કરચા પરેશ પઢિયારે જણાવ્યું હતું, “ભાભર તાલુકામાં ઠાકોર સમાજ અને અન્ય સમાજોના મત વધારે છે. તેમજ તે શહેરી વિસ્તાર છે અને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાભર તાલુકાની મતપેટીઓ ખુલતા ગુલાબસિંહની લીડ ઓછી થવા લાગી હતી. અગાઉ પણ શંકરભાઇ અને ગેનીબહેનના સમયમાં પણ ભાભરથી બીજેપીને વધુ મત મળ્યા હતા.”

તેઓ વધુમાં જણાવે છે, “સ્વરૂપજી ઠાકોર ભાભરના વતની છે. તેમજ ગેનીબહેન પણ ભાભરના વતની છે. પરંતુ સ્વરૂપજી પોતે ચુંટણી લડી રહ્યા છે. જેને કારણે પણ તેમને વધુ મત મળ્યા હોવાનું લાગી રહ્યું છે.”

અપક્ષ ઉમેદવાર માવજીભાઇ અંગે વાત કરતા પરેશ પઢીયારે જણાવ્યું કે "માવજીભાઇ પટેલે ભાજપના મત તોડ્યા હોવાનું દેખાય છે. પરંતુ માવજીભાઇ અંગે જે હાઉ ઉભો કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે તેઓ અસર ઊભી કરી શક્યા નથી અને તેને કારણે ભાજપને નુકસાન ઓછું થયું."

ગેનીબહેનનો જાદુ ન ચાલ્યો?

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય ઉમટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે “ભારતમાં કોઇ પણ નેતાના નામે ચુંટણી લડો પરંતુ વાસ્તવિકતા એ છે કે અંતે તે કોમવાદ અને જાતિવાદના મુદ્દા પર જ લડાતી હોય છે.”

“વાવ વિધાનસભાએ તેનું જ ઉદાહરણ છે.1 થી 7 રાઉન્ડમાં ગુલાબસિંહ ધીરે-ધીરે આગળ વધ્યા. 7 થી 15 સુઇ ગામના મતવિસ્તાર હતા. વાવ અને સુઇમાં ગેનીબહેનનો જાદુ ચાલ્યો હતો.”

“16 થી 23 સુધીનાં ભાભરનાં ગામો છે. ભાભરમાં ઠાકોર જ્ઞાતીના મતો એક તરફી પડ્યા અને ધીમે-ધીમે લીડ ઘટવા લાગી. છેલ્લે એ જીતી ગયા. છેલ્લા બે રાઉન્ડમાં પરિણામ બદલાયું.”

અજય ઉમટ વધુમાં જણાવે છે કે “વર્ષ 2024માં લોકસભાની ચુંટણીમાં ગેનીબહેનને અન્ય વિસ્તારોમાં લીડ મળી હતી પોતાના જ મત વિસ્તારમાં તે માઇનસ હતા. પરંતુ વાવ વિસ્તારમાં તેમને લીડ મળી ન હતી. જ્યારે સ્વરૂપસિંહજી ભાભરના વતની છે અને તેમનું ઠાકોર મતદારોમાં પ્રભુત્વ છે. લોકસભાની ચુંટણીમાં ગેનીબહેન સામે રેખા ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. જેને કારણે ભાજપને નુકશાન થયું હતુ. મતોનું ધ્રુવીકરણ ન થાય એટલે ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી.”

જીત બાદ ભાજપે શું કહ્યું?

સ્વરૂપસિંહની જીત બાદ ભાજપના કાર્યકરોમાં ખુબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભાજપના કાર્યકર્તા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગેનીબહેનનો જે જુવાળ હતો તેવા સમયમાં ઠાકોર સમાજના લોકોએ સ્વરૂપજીને મત આપીને જીતાડ્યા છે. તેમજ અમારા વિસ્તારનાં રોડ-રસ્તા અને કૅનાલના પશ્નો છે જેનો નિકાલ આવશે તેવો અમને વિશ્વાસ છે.

ભાજપના કાર્યકર્તા દીનેશજી ઠાકોરે બીબીસીને જણાવ્યું હતું કે "જીત મહત્ત્વની છે પછી ભલે તે એક મતથી પણ થાય. આજે અમે દિવાળી અનુભવી રહ્યા છીએ."

વાવ વિધાનસભાનો ઇતિહાસ

વાવ વિધાનસભાના ઇતિહાસથી જાણવા મળે છે કે, આ બેઠક પર કૉંગ્રેસ હંમેશાથી મજબૂત રહી છે.

1990માં બિન-કૉંગ્રેસી ધારાસભ્ય ચૂંટાયા હતા, જે માવજીભાઈ પટેલ હતા. તેઓ હાલમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

તેઓ જનતાદળથી 1990ની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.

2002ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આખા ગુજરાતમાં ‘મોદી-વેવ’ હતું ત્યારે પણ વાવ વિધાનસભાએ કૉંગ્રેસના હેમાજી રાજપૂતને જીતાડીને ગાંધીનગર મોકલ્યા હતા.

હેમાજી રાજપૂતના જ પૌત્ર ગુલાબસિંહ રાજપૂત હાલમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

જોકે 2007માં પ્રથમ વખત અને ત્યારબાદ 2012માં બીજી વખત ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલ અને શંકરભાઇ ચૌધરીની જીત થઈ હતી.

જોકે ત્યારબાદ 2017 અને 2022માં અહીંથી ગેનીબહેન ઠાકોરનો કૉંગ્રેસના નેતા તરીકે ઉદય થયો હતો.

2022ની છેલ્લી વિધાનસભામાં ગેનીબહેન ઠાકોરને લગભગ 45 ટકા, જ્યારે બીજા નંબરના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને લગભગ 38 ટકા મતો મળ્યા હતા. ગેનીબહેનની સરસાઈ આશરે 13 હજાર મતોની હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.