ડીંગુચાના પરિવારના થીજીને થયેલાં મૃત્યુ માટે બે શખ્સો દોષિત ઠર્યા, મોતના દિવસે શું થયું હતું?

- લેેખક, નાદીન યુસૂફ
- પદ, બીબીસી ન્યૂઝ, ટૉરેન્ટો
જાન્યુઆરી-2022માં ગુજરાતી પટેલ પરિવારના ચાર સભ્યો ગેરકાયદેસર રીતે કૅનેડામાંથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે સરહદ પર બરફમાં થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાનાં ત્રણ વર્ષ બાદ મિનેસોટાની જ્યૂરીએ ઘૂસણખોરીમાં મદદ કરનાર હર્ષકુમાર રમણલાલ પટેલ તથા સ્ટીવ ઍન્થોની શેન્ડને દોષિત માન્યા છે.
બંનેનું કહેવું છે કે તેઓ કસૂરવાર નથી. બંનેને હવે પછી સજા જાહેર થશે. આ કેસમાં જ્યૂરીએ એક સહપ્રવાસી તથા માનવતસ્કરીમાં દોષિત શખ્સની જુબાનીને પણ ધ્યાને લીધી હતી.
સરકારી પક્ષે પોતાની દલીલમાં કહ્યું હતું કે જીવલેણ ઠંડી હોવા છતાં બંને આરોપીઓએ પૂરતાં પગલાં લીધા ન હતા અને માનવજીવ કરતાં નફાને મહત્ત્વ આપ્યું હતું.
આ ઘટનાને કારણે કૅનેડા-અમેરિકાની સરહદ ઉપર ચાલતી ગેરકાયદેસર ઘૂસણખોરીની પ્રવૃત્તિ તથા આ સમસ્યા તરફ દુનિયાનું ધ્યાન ખેંચાયું હતું.
જ્યૂરીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, RCMP MANITOBA
શુક્રવારે મિનેસોટાની જ્યૂરી મળી હતી, જેણે કલાકો સુધી ચર્ચા કરી હતી અને પટેલ પરિવારના ચાર સભ્યોનાં મૃત્યુના કેસમાં હર્ષકુમાર રમણલાલ પટેલ (મૃતકના સંબંધી નહીં) અને સ્ટીવ ઍન્થોની શેન્ડને માનવતસ્કરી, ગુનાહિત કાવતરું ઘડવાના તથા સદોષ માનવવધના દોષિત ઠેરવ્યા છે.
જો બંને દોષિત ઠરશે તો તેમને 55-55 વર્ષની જેલની સજા થઈ શકે છે.
આ અંગે સ્થાનિક સમય મુજબ સોમવારે સુનાવણી શરૂ થઈ હતી. જેમાં દોષિત ઠરેલા અન્ય એક માનવતસ્કર તથા પટેલ પરિવાર જે સમૂહ સાથે મુસાફરી કરી રહ્યો હતો, તેવા અન્ય એક શખ્સની જુબાની પણ લેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બંને આરોપીઓ વચ્ચે અઠવાડિયાંથી ટૅક્સ્ટ મૅસેજની આપ-લે ચાલી રહી હતી, જે પટેલ પરિવારના મૃત્યુના દિવસ પર્યંત ચાલુ રહેવા પામી હતી. આ મૅસેજ પણ જ્યૂરીના સભ્યોને દેખાડવામાં આવ્યા હતા.
આ મૅસેજમાં તેમણે માઇગ્રન્ટની મુસાફરીની વ્યવસ્થા વિશે ચર્ચા કરી હતી. એટલે સુધી કે ડીંગુચાના પરિવારે જે દિવસે જીવલેણ પ્રવાસ ખેડ્યો, તે દિવસે અત્યંત ઠંડી હોવાની વાત પણ બંને વચ્ચે ચર્ચાઈ હતી.
સત્તાધીશોનું કહેવું છે કે હર્ષ પટેલ પર ઘૂસણખોરીના માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે. ડીંગુચાના પરિવાર સહિતના માઇગ્રન્ટ્સ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશે એટલે સ્ટીવ પોતાની વૅનમાં તેમને અન્યત્ર લઈ જવાના હતા.
આસિસ્ટન્ટ ઍટર્ની માઇકલ મૅકબ્રાઇડે તેમની દલીલોના સમાપનમાં કહ્યું હતું, "જ્યારે થીજી જવાય એવી ઠંડીમાં પટેલ પરિવાર ધીમે-ધીમે મૃત્યુ પામી રહ્યો હતો, ત્યારે સ્ટીવ શેન્ડ વૅનની ગરમીમાં બેઠા હતા અને તેમણે મદદ આપવા માટે કશું ન કર્યું."
બીજી બાજુ, 'હર્ષકુમાર પટેલ ફ્લૉરિડામાંથી મૅસેજ કરતા હતા અને તેમણે પણ મદદ મળે તે માટે કંઈ ન કર્યું.'
'અઠવાડિયાંથી બંનેને ખબર હતી કે જીવલેણ ઠંડી પડવાની છે, પરંતુ તેમણે માનવજીવન કરતાં પોતાના નફાને વધુ મહત્ત્વ આપ્યું.'
સ્ટીવના વકીલોનું કહેવું છે કે પટેલે તેમને કામ સોંપ્યું હતું અને તેઓ માનવતસ્કરીમાં "અજાણતા જ ભાગીદાર" બની ગયા હતા. વકીલોનું કહેવું છે કે તેમના અસીલ "કોઈ ગુનામાં સામેલ થવા તૈયાર ન હતા."
બચાવપક્ષે જ્યૂરી સમક્ષ રજૂઆત કરી હતી કે પ્રત્યક્ષદર્શીઓની જુબાનીને વિવેચનાત્મક રીતે સાંભળવામાં આવે તથા પટેલ પરિવારનાં મૃત્યુમાં અન્ય કોઈનો દોષ છે કે કેમ અને છે તો કેટલો, એ બાબત પણ ધ્યાને લે.
આ કેસમાં રાજીન્દર પાલ સિંહે પણ જુબાની આપી હતી. તેઓ માનવતસ્કરીના આરોપમાં દોષિત ઠર્યા છે. તેઓ ગેરકાયદેસર ઘૂસણખોરોને કૅનેડાના બ્રિટિશ કોલંબિયાથી અમેરિકાના વૉશિંગ્ટનમાં ઘૂસણખોરી કરવા માટે મદદ કરતા.
સિંહે જુબાની આપી હતી કે મૃતક પટેલ પરિવાર ટૉરેન્ટોમાં રહેતા ફેનિલ પટેલના (મૃતક સાથે સંબંધિત નહીં) સંપર્કમાં હતા. ગુજરાત પોલીસે ફેનિલ પર માનવતસ્કરીનો આરોપ મૂક્યો છે.
તેણે ડીંગુચાના પટેલ પરિવારને કૅનેડાના વિઝાની વ્યવસ્થા કરી આપી હતી, જેના આધારે તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાના હતા.
23 વર્ષીય યશ પટેલ (મૃત પરિવાર સાથે સંબંધિત નહીં) પણ ડીંગુચાના પટેલ પરિવાર સાથે સફર કરી રહ્યા હતા અને અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં હતાં.
યશની જુબાની પ્રમાણે, મનિટોબામાં ભારે હિમપ્રપાતની વચ્ચે તેમને તથા અન્ય માઇગ્રન્ટ્સને નોધારા મૂકી દેવાયા હતા.
જ્યાર સુધી તેમને બીજી કાર ન દેખાઈ, ત્યાર સુધી તેમણે હીમવર્ષામાં ચાલવું પડ્યું હતું. આ દરમિયાન સમૂહના સભ્યો વિખૂટા પડી ગયા હતા.
યશે મિનેસોટાની અદાલતને જણાવ્યું હતું કે "હું ખૂબ જ ડરી ગયો હતો."
"મને કોઈકની મદદ જોઈતી હતી, પરંતુ ત્યાં આવીને મદદ કરે એવું કોઈ ન હતું."
ડીંગુચાના પટેલ પરિવારની દાસ્તાન

જાન્યુઆરી-2022માં કૅનેડાના મૅનિટોબામાં કૅનેડાના બૉર્ડર ફિલ્ડ એજન્ટને 'તાજા પગલાં'નાં નિશાન જોવાં મળ્યાં હતાં. જેના આધારે તેમણે તપાસ હાથ ધરતા 39 ફૂટના બરફના થરની નીચે ડીંગુચાના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી ગયેલા મૃતદેહ મળી આવ્યા હતા.
તેમની ઓળખ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની જગદીશભાઈ (39 વર્ષ), વૈશાલીબહેન (37 વર્ષ), વિહાંગી (ઉં.વ. 11) અને ધાર્મિક (ઉં.વ.3) તરીકે થઈ હતી.
સત્તાધીશોનું માનવું છે કે તેઓ વિઝિટર વિઝા ઉપર કૅનેડાના ટૉરેન્ટો પહોંચ્યાં હતાં, જ્યાંથી તેમણે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભયંકર હિમપ્રપાતમાં સપડાઈ ગયાં હતાં. એ દિવસે તાપમાન માઇનસ 35 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
એમની સાથે અન્ય લોકોએ પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ડીંગુચાનો પટેલ પરિવાર નોખો પડી ગયો હતો.
આ ટ્રાયલને પગલે વિદેશી નાગરિકોને કૅનેડામાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસાડવાનું નેટવર્ક કેવી રીતે ચાલે છે તેના પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાયું હતું અને હવે ટ્રાયલ દરમિયાન વધુ વિગતો બહાર આવશે એવું માનવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













