મહારાષ્ટ્ર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિંદેને હઠાવીને ફડણવીસને મુખ્ય મંત્રી બનાવશે કે અન્ય કોઈને?

મહારાષ્ટ્ર ચૂંટણી: મહાયુતિ બહુમતી તરફ, ભાજપ સૌથી મોટો પક્ષ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?
ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિ બહુમતિ તરફ (ફાઇલ ફોટો)
    • લેેખક, સુમંતસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો અને વલણોમાં ભાજપની આગેવાની હેઠળ ગઠબંધન મહાયુતિ આગળ છે. અત્યારે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે.

288 બેઠકોની મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકાર બનાવવા માટે 145 બેઠકોની જરૂર પડશે. આ વખતે ભાજપે 149 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

ચૂંટણીપંચની વેબસાઈટ મુજબ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે. એકનાથ શિંદેની શિવસેના બીજા સ્થાને અને અજિત પવારની એનસીપી ત્રીજા સ્થાને છે. એટલે કે મહાયુતિ પૂર્ણ બહુમત મેળવવા તરફ આગળ વધી રહી છે.

ભાજપના ઘણા મોટા નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, 'હવે એકનાથ શિંદે અમારા મુખ્ય મંત્રી છે.'

આવા સંજોગોમાં મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળે ત્યારે મુખ્ય મંત્રી કોણ હશે તેવો સવાલ ઉઠી રહ્યો છે.

ભાજપ આ વખતે એકનાથ શિંદેને મુખ્ય મંત્રી બનાવશે કે કેમ તે અંગે શંકા છે. શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે સામે બળવો થયો ત્યારે ભાજપે શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને આ બળવા માટે તેમને સત્તાનું વળતર મળ્યું. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

એવું કહેવામાં આવે છે કે આ વખતે ભાજપ પોતાના મુખ્ય મંત્રી બનાવી શકે છે. પરંતુ ભાજપમાંથી મુખ્યમંત્રી કોણ બનશે?

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે, પરંતુ શિંદે સરકારમાં તેઓ નાયબમુખ્ય મંત્રી છે. ફડણવીસને અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વફાદાર ગણવામાં આવે છે. પરંતુ ભાજપે તાજેતરમાં કેટલાંય રાજ્યોમાં મુખ્ય મંત્રીઓ અંગેનાં લીધેલાં નિર્ણયોથી સૌને આશ્ચર્ય થયું છે.

નવા મુખ્ય મંત્રી કોણ?

મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી કોણ બનશે તેની ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી કોણ બનશે તેની ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એવું કહેવાય છે કે આ વખતે ફડણવીસના બદલે ભાજપ કોઈ ઓબીસી ચહેરા પર દાવ લગાવી શકે છે. ફડણવીસ વિદર્ભના બ્રાહ્મણ ચહેરા તરીકે ઓળખાય છે.

આ વખતની ચૂંટણી ઘણી રીતે મહત્ત્વની હતી. સૌ પ્રથમ, આ પહેલી વિધાનસભા ચૂંટણી છે જેમાં શિવસેના અને એનસીપી બે જૂથોમાં વિભાજિત થયા પછી અલગથી ચૂંટણી લડી હતી. બીજું, ચૂંટણી દરમિયાન કોઈ પણ ગઠબંધન કે પક્ષે મુખ્ય મંત્રીપદના ચહેરાની જાહેરાત કરી નથી.

તેની પાછળ રાજકીય પક્ષોની કદાચ એવી રણનીતિ રહી હશે કે બેઠકોની સંખ્યાના આધારે તેઓ મુખ્ય મંત્રી પદનો દાવો કરી શકશે.

અત્યાર સુધીના પરિણામોથી સ્પષ્ટ છે કે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવશે. તેના કારણે મુખ્ય મંત્રીના પદના મામલે ભાજપ ક્યાંકને ક્યાંક મજબૂત સ્થિતિમાં દેખાય છે.

જોકે, મહાયુતિના નેતાઓ હજુ સુધી જાહેરમાં કોઈ નિવેદન આપતા નથી.

મીડિયાથી વાત કરતા મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું, "અંતિમ આંકડા આવે ત્યાર પછી ત્રણેય પક્ષ બેસીને કોઈ નિર્ણય લેશે."

તેમણે કહ્યું કે, "ત્રણેય પક્ષોના વરિષ્ઠ નેતાઓ બેસીને વાતચીત કરશે. જે રીતે અમે એક થઈને ચૂંટણી લડ્યા છીએ તેવી જ રીતે અમે સાથે મળીને નિર્ણય લઈશું."

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ તાવડેએ કહ્યું, "એકનાથ શિંદે જી, દેવેન્દ્ર ફડણવીસ જી, અજિત દાદા પવાર અને ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ સાથે મળીને આ અંગે નિર્ણય કરશે અને જાણ કરશે."

મહારાષ્ટ્રની રાજનીતિના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર જિતેન્દ્ર દિક્ષીત બીબીસીને કહે છે, "ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે, તેથી આવી સ્થિતિમાં ભાજપના કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે."

તેમણે કહ્યું, "સૌથી પહેલાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૂઝે છે. જો તેઓ સીએમ નહીં બને તો કોઈ આશ્ચર્યજનક નામ પણ સામે આવી શકે છે."

તેમણે કહ્યું કે, "આપણે છેલ્લી ચૂંટણીઓમાં અન્ય રાજ્યોમાં આવો ટ્રૅન્ડ જોયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં અચાનક એક લો-પ્રોફાઇલ ચહેરાને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. ભાજપ અહીં પણ આવી પૅટર્નને અનુસરશે તો ફડણવીસને બદલે અન્ય કોઈને મુખ્ય મંત્રી બનાવવામાં આવી શકાય છે."

દીક્ષિત કહે છે, "ફડણવીસ સિવાય વિનોદ તાવડેનું નામ પણ છે. સુધીર મુનગંટીવાર એક મોટું નામ છે જેઓ ઓબીસી ચહેરો છે અને વિદર્ભમાંથી આવે છે. તેઓ પણ એક દાવેદાર હોઈ શકે છે."

"તેમના સિવાય પંકજા મુંડે પણ હોઈ શકે છે. અન્ય કેટલાંક નામો પણ હોઈ શકે છે. જોકે તેમાં પહેલું નામ ફડણવીસનું છે, પરંતુ જો તેઓ મુખ્યમંત્રી ન બને તો આ નામો હોઈ શકે છે અને તેના સિવાયના અન્ય નામો પણ હોઈ શકે છે."

શું શિંદેને ફરીથી મળશે તક?

એકનાથ શિંદે બાદ અજિત પવારે પણ એનસીપીમાં બગાવત કરીને સરકારમાં સામેલ થયા હતા અને ઉપમુખ્ય મંત્રી બન્યા હતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એકનાથ શિંદેએ કરેલા શિવસેનામાં બળવા બાદ અજિત પવારે પણ એનસીપીમાં બગાવત કરીને સરકારમાં સામેલ થયા હતા અને ઉપમુખ્ય મંત્રી બન્યા હતા

છેલ્લી વિધાનસભા ચૂંટણી (2019)માં નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ (એનડીએ) ને બહુમતી મળી હતી. તે વખતે ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યા હતા.

એનડીએને 161 બેઠકો પર વિજય મળ્યો હતે જેમાં ભાજપે 105 અને શિવસેનાએ 56 બેઠકો પર જીત મેળવી હતી.

પરંતુ તે સમયે બંને પક્ષો વચ્ચે મુખ્ય મંત્રી પદને લઈને ખેંચતાણ હતી અને અંતે ગઠબંધન તૂટી ગયું હતું. ત્યાર પછી શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી અને ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા હતા.

જોકે, તે સરકાર લાંબો સમય ન ચાલી અને શિવસેનાના એકનાથ શિંદેએ બળવો કર્યો અને ભાજપ સાથે સરકાર બનાવી લીધી.

સરકાર બનાવવા માટે ભાજપે મુખ્ય મંત્રી પદ સાથે સમાધાન કરવું પડ્યું અને દેવેન્દ્ર ફડણવીસે નાયબમુખ્ય મંત્રીપદથી સંતોષ માનવો પડ્યો હતો.

પરંતુ આ વખતની સ્થિતિ અલગ છે. આ વખતે ભાજપ આગળ દેખાય છે. ગયા વખતે ભાજપને વિપક્ષમાંથી સત્તા પર આવવું હતું, જેના કારણે તેણે મુખ્ય મંત્રીપદ પર સમાધાન કર્યું હતું.

પરંતુ આ વખતે મુખ્ય મંત્રીના પદ માટે સમાધાન કરવા ભાજપ સહમત થાય તેવું લાગતું નથી.

એક થિયરી એ પણ છે કે ભાજપ સહયોગી પક્ષને પણ મુખ્ય મંત્રીપદ આપી શકે છે, જેવું તેમણે બિહારમાં કર્યું હતું.

ભાજપ સૌથી મોટો પક્ષ હોવા છતાં આવું કરવાનો તેનો રેકૉર્ડ છે.

જોકે, આવી સ્થિતિમાં તે ડેપ્યુટી મુખ્ય મંત્રીનું પદ પોતાની પાસે રાખે છે અને સરકારમાં પ્રભાવ જાળવી રાખે છે.

ફડનવીસ આગામી મુખ્ય મંત્રી?

મનાય છે કે જો ભાજપ પોતાનો સીએમ નક્કી કરે તો દેવેન્દ્ર ફડણવીસનું નામ મોખરે હશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનાય છે કે જો ભાજપ પોતાનો સીએમ નક્કી કરે તો દેવેન્દ્ર ફડણવીસનું નામ મોખરે હશે

2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી ત્યાંના રાજકારણમાં દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન, 'હું સમુદ્ર છું, પાછો આવીશ' એ ખૂબ લોકપ્રિય બન્યું હતું.

તેમણે કહેવી વાત કોઈને કોઈ રીતે સાચી સાબિત થઈ. પરંતુ તેઓ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેમને સીએમની ખુરશી ન મળી અને ડેપ્યુટી મુખ્ય મંત્રીના પદથી સંતોષ માનવો પડ્યો.

મહારાષ્ટ્ર ભાજપમાં દેવેન્દ્ર ફડણવીસનું કદ એ વાત પણ સ્પષ્ટ કરે છે કે તેઓ મુખ્ય મંત્રી બનવાની રેસમાં ઘણા આગળ છે.

દેવેન્દ્ર ફડણવીસ 2014માં પહેલી વખત મહારાષ્ટ્રમાં સત્તા પર આવ્યા હતા. તે સમયે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ રહીને તેમણે પાર્ટીને જીત તરફ દોરી હતી.

તેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો અને 2019માં પક્ષને વિજય અપાવ્યો. પરંતુ ગઠબંધન તૂટવાના કારણે તેઓ ફરીથી મુખ્ય મંત્રી ન બની શક્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.