વાવ વિધાનસભા પેટાચૂંટણી: આ ફૅક્ટર ભાજપ અને કૉંગ્રેસના સમીકરણ વિખેરી નાખશે?

ઇમેજ સ્રોત, BBC/BJP4Gujarat
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં યોજાનારી બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત અને ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે.
ગેનીબહેન ઠાકોર લોકસભા ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યાં હતાં. ત્યારબાદ ખાલી પડેલી વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.
ગેનીબહેન ઠાકોર લોકસભામાં ગુજરાતમાંથી કૉંગ્રેસનાં એકમાત્ર સાંસદ છે.
બનાસકાંઠાની આ બેઠક ભાજપ અને કૉંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે.
આ બેઠક પર અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા બંને પક્ષના નેતાઓ ચૂંટણી જીતવાની રણનીતિ ઘડવાની સાથે સાથે અપક્ષ ઉમેદવારોને માનવવાની કવાયતમાં લાગી ગયા છે.
રાજકીય પંડિતોના મતે આ બેઠક પર અપક્ષ ઉમેદવારો ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારોની જીતના રસ્તામાં અવરોધ ઊભા શકે એમાં છે.
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર કેવાં છે સમીકરણો?

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR/FB
વાવ બેઠકનો ઇતિહાસ જોઈએ તો અહીં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે. ત્યારબાદ દલિત અને ત્રીજા સ્થાને ચૌધરી અને માલધારી સમાજ આવે છે.
ભાજપના ઉમેદવાર ઠાકોર સમાજના છે અને કૉંગ્રેસના ઉમેદવાર રાજપૂત સમાજના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રફુલ ત્રિવેદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ વખતે વાવની પેટાચૂંટણી ભાજપ અને કૉંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, કારણ કે બંને પક્ષમાં આંતરિક અસંતોષ દેખાઈ રહ્યો છે, એટલે જ બંને પક્ષે છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કર્યા છે."
"કૉંગ્રેસના અહીં ઠાકરશી રબારી, કે.પી. ગઢવી નારાજ છે અને ગેનીબહેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોર અહીંથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે."
"તો બીજી તરફ રામજી ચૌધરી અને ભાજપના દિગ્ગ્જ નેતા શંકર ચૌધરીના સાથી જામાભાઈ ચૌધરી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. અલબત્ત, 30 તારીખ સુધીમાં કેટલા અપક્ષને મનાવી ફૉર્મ પાછું ખેંચાય છે એની ઉપર મદાર છે."
વાવ બેઠકનો ઇતિહાસ જોઈએ તો અપક્ષ ઉમેદવારોએ રાષ્ટ્રીય અને પ્રાદેશિકપક્ષોના જીતના સમીકરણ બગાડી નાખ્યા છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પણ અપક્ષોનું મહત્ત્વ છતું થયું હતું.
તો જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઊભા રાખ્યા છે, તો કૉંગ્રેસે રાજપૂત ઉમેદવાર ઊભા રાખ્યા છે. છેલ્લી ઘડીએ આપને અહીંથી ચૂંટણી નહીં લડવા માટે માનવવામાં કૉંગ્રેસ સફળ રહી છે, પણ કૉંગ્રેસે ઠાકોર, દલિત, માલધારી અને અન્ય નાની જ્ઞાતિઓનું સોશિયલ એન્જિનિયરિંગ કરવું પડશે."
"કારણ કે લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા બેઠકમાં કૉંગ્રેસની પરંપરાગત વોટબૅન્કમાં ગાબડું પડ્યું છે, ત્યારે હરિયાણાની ચૂંટણીમાં અપક્ષની ભૂમિકાને ભૂલવી ના જોઈએ."
બનાસકાંઠાસ્થિત પત્રકાર નીતિન પટેલ બે દાયકા કરતાં વધુ સમયથી વાવ અને ઉત્તર ગુજરાતના રાજકારણ ઉપર નજર રાખે છે. તેમના કહેવા પ્રમાણે, "વાવની બેઠક ઉપર રાજપૂતો સંખ્યાબળની દૃષ્ટિએ ઓછા છે, પરંતુ ગુલાબસિંહ સ્થાનિક રાજકારણ ઉપર પ્રભુત્વ ધરાવે છે. તેમને રાજકારણ વારસામાં મળ્યું છે. આ બેઠક વાવ-થરાદ તરીકે ઓળખાતી ત્યારે તેઓ અહીંથી ચૂંટણી જીત્યા હતા."
"તેઓ થરાદની બેઠક ઉપરથી શંકર ચૌધરી સામે ચૂંટણી લડ્યા હતા. એટલે આ બેઠક ઉપર ચૌધરીઓના મત તેમના સમીકરણ બગાડી શકે છે. સામા પક્ષના ઉમેદવારના આધારે પોતાના જ્ઞાતિ-જાતિના સમીકરણ બેસાડી શકાય એટલા માટે ભાજપ કે કૉંગ્રેસે છેક છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવાર જાહેર નહોતા કર્યા."
"છેલ્લા દિવસે કૉંગ્રેસે ઉતાવળ કરી દીધી અને ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર જાહેર કર્યા, એટલે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી. "
પટેલના આકલન પ્રમાણે, બંને પક્ષોમાં અનેક દાવેદાર હતા, એટલે જે પક્ષ આંતરિક અસંતોષને શાંત કરી શકશે, તેના માટે શક્યતા વધી જશે.
કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે ભાજપના સ્વરૂપજી ઠાકોર
ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. એમના દાદા હેમાજી રાજપૂત નવા સીમાંકન થયા એ પહેલા કૉંગ્રેસની બેઠક પરથી જીતતા આવ્યા છે.
ગુજરાત યુનિવર્સિટી 2005થી 2008 સુધી સૅનેટના સભ્ય રહી ચૂક્યા છે. ત્યારબાદ કૉંગ્રેસના એનએસયુઆઈના અધ્યક્ષ અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સૅનેટ મેમ્બર રહી ચૂક્યા છે.
2019માં થરાદના ધારાસભ્ય પરબત પટેલ સાંસદ થાય ત્યારે યોજાયેલી પેટાચૂંટણીમાં થરાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ગુલાબસિંહ રાજપૂતે બીબીસી સાથેની વાતચીતમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે , "થરાદ અને વાવનો એક નાતો છે, એટલે આ બેઠકના મતદારો મતે અજાણ્યો નથી. આ ઉપરાંત અહીંની પાણી વીજળી ઉપરાંત પ્રાથમિક સમસ્યાઓને ભાજપ સરકારે ઉકેલી નથી એ મારો મુખ્ય મુદ્દો હશે, એમાં લોકો મને સાથ આપશે."
તો ભાજપના સ્વરૂપજી ઠાકોર ખેડૂત છે અને ધંધો તથા સામાજિક કર્યો કરે છે. ઠાકોર અને ચૌધરી સમાજમાં એમનો ઘરોબો છે. 2022ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હતા અને ગેનીબહેન ઠાકોર સામે એ ચૂંટણી હારી ગયા હતા.
બીબીસી સાથેની વાતચીતમાં સ્વરૂપજી ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે "ભાજપે મારામાં બીજી વાર વિશ્વાસ મૂક્યો છે , ત્યારે હું આ વિસ્તારમાં નર્મદાનાં પાણી, રસ્તાઓના વિકાસ લોકોનાં જીવનધોરણ સુધારવામાં મતે ભાજપે કરેલાં કાર્યો મારા પ્રચારનો મુખ્ય મુદ્દો રહેશે."
ભાજપ-કૉંગ્રેસના જીતના દાવા

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે લોકસભાની ચૂંટણી પતી ત્યારથી પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અમે લોકશાહી ઢબે તમામ કાર્યકર્તાની લાગણીને ધ્યાનમાં રાખીને ઉમેદવાર નક્કી કર્યા છે."
"લોકસભાની ચૂંટણીમાં ભાજપે વાવની બેઠક પર લીડ મેળવી હતી અને લોકસભાનાં પરિણામો મુજબ તો અમે પહેલેથી વાવની બેઠક પર આગળ છીએ. ઉપરાંત અમારું સંગઠન અને પેજપ્રમુખોની કામગીરી અમને જતાડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. રહી વાત અસંતોષની તો ભાજપમાં કોઈ અસંતોષ નથી."
કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "લોકશાહીમાં ટિકિટ માગવાનો દરેકને અધિકાર છે, એટલે કૉંગ્રેસમાં અસંતોષ છે એમ કહેવું વધુ પડતું ગણાશે. અમે જીતવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ઉમેદવાર નક્કી કર્યા છે."
"રહી વાત લોકસભાની ચૂંટણીમાં વાવની બેઠક પર ભાજપને લીડ મળવાની તો લોકસભાની બેઠકમાં સાત વિધાનસભા આવે છે. ગેનીબહેને પોતાનો મતવિસ્તાર હોવાથી ત્યાં થોડી ઓછી મહેનત કરી હતી એટલે ભાજપને ત્યાં લીડ મળી છે, પણ એનો અર્થ એવો નથી કે ભાજપ અહીંથી જીતે છે."
"અમારી અલગ રણનીતિ છે. અમે દરેક જ્ઞાતિનું સોશિયલ એન્જિનિયરિંગ કરીને ચૂંટણી લડવાના છીએ. અલબત્ત, ભાજપ આ બેઠક જીતવા માટે સત્તાનો ઉપયોગ કરશે પણ અમે સર્વ જ્ઞાતિમાં સ્વીકૃત હોય એવા સ્ટાર પ્રચારક ઉતારીશું, 2019ની જેમ જ 2024ની પેટાચૂંટણી ગુલાબસિંહ જીતશે."
વાવ વિધાનસભા બેઠકનો ઇતિહાસ

વાવની ચૂંટણીઓનો ઇતિહાસ જોઈએ તો 1990 સુધી કૉંગ્રેસ તરફ રહેલી આ બેઠક પરથી 1990માં જનતાદળ જીત્યું હતું. 1995માં અપક્ષ અને ત્યારબાદ 1998 અને 2002 કૉંગ્રેસ જીતી હતી.
2007ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલે સારા વોટ મેળવ્યા હતા અને કૉંગ્રેસ ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ હતી.
તો 2012માં એનસીપી (આઈ)ના ચંદુલાલ ઠક્કરને સારા વોટ મળ્યા હતા અને ભાજપની જીત થઈ હતી.
2017માં ભાજપ કૉંગ્રેસની સીધી ટક્કર હતી, પણ 2022માં અપક્ષ ઉમેદવાર અમીરભાઈએ મેળવેલા 27 હજાર વોટના કારણે કૉંગ્રેસની જીત આસાન થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













