પ્રેમિકાની હત્યા કરીને મૃતદેહ પર સિમેન્ટથી ચણતર કરી દીધું, 'દૃશ્યમ' સ્ટાઇલનો ચોંકાવનારો કિસ્સો

- લેેખક, ભાગ્યશ્રી રાઉત
- પદ, બીબીસી મરાઠી માટે
નાગપુરમાં એક પ્રેમીએ ‘દૃશ્યમ’ ફિલ્મની શૈલીમાં તેની પ્રેમિકાની હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. સેનામાં કામ કરતા એક યુવકે તેની ગર્લફ્રેન્ડની હત્યા કરીને તેનો મૃતદેહ દાટી દીધો હતો અને પુરાવાનો નાશ કરવા માટે તેના પર સિમેન્ટ-કૉંક્રિટ વડે પ્લાસ્ટર કરી દીધું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
નાગપુરની બેલતરોડી પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તે હાલ પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ આ ઘટના કેવી રીતે બની હતી?
હત્યા કરવામાં આવી હતી તે યુવતીનું નામ જ્યોત્સના પ્રકાશ અકરે (ઉ.વ. 32) હતું અને આરોપીનું નામ અજય વાનખેડે (34) છે. નાગપુર પોલીસના જણાવ્યા મુજબ, જ્યોત્સના 28 ઑગસ્ટે તેના ઘરેથી ગાયબ થઈ ગયાં હતાં અને હવે 55 દિવસ પછી તેની હત્યા થયાનું બહાર આવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ બુટ્ટીબોરી વિસ્તારમાં રેલ્વે ટ્રૅક પાસેની ગીચ ઝાડીમાં મોટો ખાડો ખોદીને જ્યોત્સનાની લાશને દાટી દીધી હતી. એ પછી તેના પર પ્લાસ્ટિક નાખીને પથ્થર મુકવામાં આવ્યા હતા અને તેના પર સિમેન્ટ-કૉંક્રિટનું પ્લાસ્ટર પણ કરવામાં આવ્યું હતું.
પોલીસે ખાડામાંથી લાશ કાઢીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે, પરંતુ પોલીસે આ હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલ્યો?
કેવી રીતે ઉકેલાયું રહસ્ય?

ડૅપ્યુટી પોલીસ કમિશનર રશ્મિતા રાવે એક પત્રકાર પરિષદ યોજીને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમનાં જણાવ્યા મુજબ, 32 વર્ષની જ્યોત્સના કલમેશ્વરનાં વતની હતાં. તેઓ નાગપુરમાં એક સખી સાથે ભાડાના મકાનમાં રહેતાં હતાં અને એમઆઈડીસી ખાતે વાહનના શૉરૂમમાં કામ કરતાં હતાં.
જ્યોત્સના 28 ઑગસ્ટે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યાં હતાં, પરંતુ સવાર થવા છતાં પરત ફર્યાં ન હતાં. તેથી જ્યોત્સનાના ભાઈ રિદ્ધેશ્વર અકરેએ બેલતરોડી પોલીસ સ્ટેશનમાં પોતાનાં બહેન ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદને આધારે જ્યોત્સનાના મોબાઇલ ફોનનું લૉકેશન ચેક કર્યું હતું અને તે હૈદરાબાદમાં હોવાનું જાણવા મળ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણા દિવસ સુધી બહેનની કોઈ ભાળ ન મળવાથી રિદ્ધેશ્વર ફરી એકવાર પોલીસ સ્ટેશને ગયા હતા અને પોતાની બહેનની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી.
પોલીસે તપાસને વેગવંતી બનાવી હતી. જ્યોત્સનાના મોબાઇલ પર કોલ કર્યો હતો, જે એક ટ્રકચાલકે ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે તેને આ મોબાઇલ ટ્રકમાંથી મળી આવ્યો છે. પોલીસે ટ્રકચાલકને બેલતરોડી પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. તેણે મોબાઇલ પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસે તે મોબાઇલ ફોનના કોલ રેકૉર્ડની તપાસ કરી હતી અને તેમાંથી હત્યાનો ભેદ બહાર આવ્યો હતો.
'દૃશ્યમ સ્ટાઇલ'થી પોલીસને ગેરમાર્ગે દોરી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફિલ્મ ‘દૃશ્યમ’માં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મોબાઇલ ફોનને ટ્રકમાં ફેંકવામાં આવ્યો હોવાનું દર્શાવાયું હતું. તેથી એવું લાગતું હતું કે વ્યક્તિ મોબાઇલ ફોન સાથે મુસાફરી કરી રહી છે. જ્યોત્સનાના કેસમાં આરોપીઓએ પણ એવું જ કર્યું હોવાની શંકા પડી હતી.
પોલીસે મોબાઇલ ફોનનો કોલ રૅકૉર્ડ તપાસતાં જાણવા મળ્યું હતું કે અજય વાનખેડેએ જ્યોત્સનાને વારંવાર કોલ કર્યા હતા. તેમની વચ્ચે પૈસાનો વ્યવહાર થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
જ્યોત્સનાના મોબાઇલ ફોનનું છેલ્લું લૉકેશન અને આરોપીનું લૉકેશન પણ એક જ હોવાનું જાણવા મળ્યું હતું. એ ઉપરાંત પોલીસને તપાસ દરમિયાન બેસા ચોકમાંથી સીસીટીવી ફૂટેજ પણ મળ્યું હતું, જેમાં એક કાર જોવા મળી હતી. તેને કારણે પોલીસની શંકા દ્રઢ બની હતી અને પોલીસે એ દિશામાં તપાસ આગળ વધારી હતી.
ઘટનાના બે દિવસ બાદ આરોપી પૂણેની હૉસ્પિટલમાં ડાયાબિટીસની સારવાર લેવા ગયો હતો. પોલીસે હૉસ્પિટલમાં ફોન કરીને આરોપીને ડિસ્ચાર્જ ન આપવાની સૂચના આપી હતી. જોકે, આરોપી ફરાર થઈ ગયો હતો.
દરમિયાન આરોપીએ અટકાયત પૂર્વે જામીન મેળવવા માટે નાગપુર સેશન્સ કોર્ટમાં અરજી પણ કરી હતી, જેથી પોલીસની શંકા દ્રઢ બની હતી. કોર્ટે તેના જામીન નામંજૂર કર્યા હતા.
એ પછી ગત 18 ઑગસ્ટે આરોપીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કેસ નોંધ્યો હતો અને 21 ઑગસ્ટના રોજ, દફનાવી દેવામાં આવેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો.
અજયે જ્યોત્સનાની હત્યા શા માટે કરી?

અજય વાનખેડે નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભૂતપૂર્વ અધિકારીનો દીકરો છે અને તે છેલ્લાં 12 વર્ષથી સૈન્યમાં ફાર્માસિસ્ટ તરીકે કામ કરે છે. હાલ તે નાગાલૅન્ડમાં ફરજ બજાવે છે.
તેણે અગાઉ બે વાર લગ્ન કર્યાં હતાં અને તેના છૂટાછેડા થયા હતા. અજય ત્રીજા લગ્ન માટે છોકરી શોધી રહ્યો હતો. જ્યોત્સના સાથે તેની મુલાકાત મૅટ્રિમોની વૅબસાઇટ મારફત થઈ હતી.
જ્યોત્સનાના પણ છૂટાછેડા થઈ ગયા હતા. તે પણ લગ્ન માટે છોકરો શોધતી હતી. લગ્ન માટે જ્યોત્સનાના ઘરે મિટિંગ થઈ હતી, પરંતુ કેટલાક કારણોસર અજય અને જ્યોત્સના લગ્ન કરી શક્યા ન હતાં. એ પછી પણ બન્ને એકમેકના સંપર્કમાં હોવાનું કોલ રૅકૉર્ડ પરથી જાણવા મળ્યું છે.
દરમિયાન મેમાં અજયનાં ત્રીજા લગ્ન પણ થઈ ગયાં હતાં. ઘટનાને દિવસે પણ જ્યોત્સનાએ અજય સાથે વાત કરી હતી. તે અજયને મળવા માટે ઘરની બહાર નીકળી હોવાનું તેના મોબાઇલ લૉકેશન પરથી જાણવા મળ્યુ હતું.
ધરપકડ ટાળવા ધમપછાડાં

અજયને માત્ર જ્યોત્સના સાથે જ નહીં, પરંતુ અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ હતો. તેની અન્ય કેટલીક ગર્લફ્રેન્ડ્સ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસને શંકા છે કે અજયનું આ ચારિત્ર્ય જ જ્યોત્સનાની હત્યાનું કારણ છે.
જ્યોત્સનાનું મોત ચોક્કસ કેવી રીતે થયું હતું તેની તપાસ પોલીસ કરી રહી છે અને તેના મૃતદેહના અવશેષોને પૉસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
ડૅપ્યુટી પોલીસ કમિશનર રશ્મિતા રાવના જણાવ્યા મુજબ, જ્યોત્સનાની હત્યા પૂર્વયોજિત હોવાનું અત્યાર સુધીની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
આરોપી અજય વાનખેડે ડાયાબિટીસથી ગંભીર રીતે પીડાય છે. તેના રક્તમાં સ્યૂગરનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે બેભાન થઈ જાય છે. તેથી તપાસમાં અડચણ આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના કહેવા મુજબ, તેમણે અજયને પૂછ્યું હતું કે તમે હત્યા કરતા પહેલાં ‘દૃશ્યમ’ જોઈ હતી? ફિલ્મ જોયા પછી તમે હત્યા કરી હતી?
આરોપીએ ખાડો ખોદીને મૃતદેહને તેમાં દાટી દીધો હતો અને તેના પર સિમેન્ટ-કૉંક્રિટથી પ્લાસ્ટર કરીને પુરાવાનો નાશ કરવાના પ્રયાસ કર્યા હતા. આ કૃત્ય અજયે એકલા હાથે કર્યું છે કે તેમાં અન્ય લોકોની સંડોવણી છે તેની તપાસ પણ બેલતરોડી પોલીસ કરી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












