ગુજરાત સરકારે ખેડૂતો માટે રાહત પૅકેજ જાહેર કર્યું, સહાય કયા ખેડૂતોને મળશે?

- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
"મારી ઉમંર 64 વર્ષ છે. મારા 45 વર્ષના ખેતીના અનુભવમાં મેં આટલું ખરાબ વર્ષ જોયું નથી. અતિવૃષ્ટિમાં પણ કંઈક તો પાક થાય જ. પણ આ વર્ષે તો 100 ટકા પાક નિષ્ફળ છે."
આ શબ્દો છે ભરૂચ જિલ્લાના ખેડૂત મહેન્દ્ર કરમરીયાના. ગુજરાતમાં તેમના જેવા કેટલાય ખેડૂતો છે જેમની ખેતી પર કમોસમી વરસાદનો માર પડ્યો છે.
ખેડૂતોએ સરકારને રજૂઆતો કરી છે કે કેટલાક વિસ્તારોમાં તો અતિવૃષ્ટીને કારણે 100 ટકા પાક નિષ્ફળ ગયો છે.
સરકારે બુધવારે ઑગસ્ટ મહિનામાં વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે રાહત પૅકેજ જાહેર કર્યું છે. તેમજ ઑક્ટોબર મહિનામાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સરવેની કામગીરી શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.
સરકારે જાહેર કરેલી રાહતનો લાભ રાજ્યના 20 જિલ્લાના સાત લાખથી વધુ ખેડૂતોને મળશે તેવો દાવો કર્યો છે. સામે વિપક્ષે ખેડૂતોના નુકસાન સામે સહાય ખૂબ જ ઓછી હોવાનો આક્ષેપ કર્યો હતો.
કૉંગ્રેસે ખેડૂતોનું ધિરાણ માફ કરવાની માંગ કરી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ સરવેની કામગીરી વેબસાઇટ પર મૂકવાની માંગ કરી છે. ભાજપના પ્રવક્તાએ સરકારની રાહતની જાહેરાત નિયમ મુજબ હોવાની વાત કરી છે.
જોકે ખેડૂતોનું કહેવું છે કે આ સિઝન 100 ટકા નુકસાન છે. તેમજ સહાય માત્ર બે હેક્ટરની જ નહીં પરંતુ પૂરેપૂરી જમીનની મળે તેવી માંગ કરી છે.
સરકારે શું જાહેરાત કરી ?
સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ખેડૂતો માટેના પૅકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું,"રાજ્યના કેટલાક જિલ્લામાં ઑગસ્ટ 2024માં પડેલા વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનને સહાયરૂપ થવા સરકારે 1419.62 કરોડનું કૃષિ રાહત પૅકેજ જાહેર કર્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ સહાયમાં રૂપિયા 1097.31 કરોડ એસડીઆરએફ હેઠળ અને રાજ્ય બજેટમાંથી 322.33 કરોડ સહાય ચુકવાશે. સાત લાખ કરતાં વધારે ખેડૂતોને આ રાહત પૅકેજનો લાભ મળશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 1218 જેટલી ટીમો દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો હતો."
કયા જિલ્લાના ખેડૂતોને રાહત પૅકેજનો લાભ મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે પાકમાં નુકસાન થયું હોય તેવા પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર , દેવભૂમિ દ્વારકા , ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ, છોટા ઉદેપુર આમ કુલ 20 જિલ્લાઓના 136 તાલુકાનાં 6,812 ગામોને રાહત પૅકેજનો લાભ મળશે.
ઑક્ટોબર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ પડ્યો હતો જેના કારણે અનેક જિલ્લામાં ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું. જેને જોતાં રાહત પૅકેજમાં ઑક્ટોબર મહિનામાં થયેલા નુકસાનનો પણ સમાવેશ કરવામાં આવશે.
મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે ઑક્ટોબર મહિનામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેથી ઑક્ટોબરમાં કમોસમી વરસાદમાં થયેલા નુકસાન અંગે પણ સરકાર સહાય કરશે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી, છોટાઉદેપુર, નર્મદા, આણંદ,અમદાવાદ અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જેવા 18 જિલ્લાઓનો સમાવેશ થાય છે. મુખ્ય અસરગ્રસ્ત પાકો મગફળી, ડાંગર, કપાસ, સોયાબીન કઠોળ અને શાકભાજી છે.
ખેડૂતો શું કહે છે?

ભરૂચ જિલ્લાના ખેડૂત મહેન્દ્ર કરમરીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "મારી ઉમંર 64 વર્ષ છે. મારા 45 વર્ષના ખેતીના અનુભવમાં મેં આટલું ખરાબ વર્ષ જોયું નથી. અતિવૃષ્ટિમાં પણ કંઈક તો પાક થાય જ. પણ આ વર્ષે તો 100 ટકા પાક નિષ્ફળ છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "ઑગસ્ટ મહિનામાં 29 તારીખે અમારે ત્યાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડ્યો હતો. તેમજ ઑક્ટોબર મહિનામાં પણ 13 તારીખે ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. આ વરસાદે પાકનો સંપૂર્ણ નાશ કરી દીધો છે."
તેમની માંગ છે કે ખેડૂતની બધી જ જમીનમાં થયેલ નુકસાન સામે વળતર મળવું જોઈએ.
મહેન્દ્ર કરમરીયા કહે છે કે, "સરકાર બે હેક્ટર જમીન સુધી જ વળતર આપે છે. પણ ખેડૂતોને આ વખતે 100 ટકા નુકસાન છે."
ખેડૂતો પ્રમાણે "ભરૂચ જિલ્લામાં સોયાબીન, કપાસ, ડાંગર અને શાકભાજીમાં ખૂબ જ નુકસાન છે."
ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ખેડૂત સુરેશ ખોખરીયાએ જણાવ્યું હતું કે, "અમે મગફળી વાવી હતી. અમે નાના ખાતેદાર છીએ. વરસાદને કારણે અમારી મગફળી સાવ ફેલ છે. અમારા હાથમાં કંઈ આવે તેમ નથી."
તેમણે કહ્યું હતું કે, "અમારે પશુ છે. મગફળીનો પાલો અમે પશુઓને ખવડાવીએ છીએ. પશુને ખવડાવવા પણ પાલો નથી. સંપૂર્ણ પાક નાશ થઈ ગયો છે. સરકાર અમારી સામે જુએ અને અમને મદદ કરે તેવી અમારી સરકારને નમ્ર વિનંતી છે."
કૉંગ્રેસે રાહત પૅકેજની ટીકા કરતાં શુ કહ્યું?

ઇમેજ સ્રોત, Shaktisinh Gohil
ગુજરાત રાજ્ય કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાહત પૅકેજ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે ખેડૂતોનુંં ધિરાણ માફ કરવા તેમજ પિયત ખેડૂતોને રૂપિયા 44 હજારની સહાય કરવા અંગેની માગ કરી હતી.
શક્તિસિંહ ગોહિલે એક વીડિયા નિવેદનમાં કહ્યું કે, "સરકારે ખેડૂતો સાથે બનાવટ કરી છે. જે ખેડૂતોની પિયત જમીન હતી તેમને 44 હજાર રૂપિયા સહાય મળવી જોઈએ પરંતુ સરકારે તેમના ફૉર્મ સ્વીકાર્યાં નથી જેથી તેમને 22 હજારની સહાય મળશે. અમારી માંગ છે કે સરકાર આ અંગે ફેરવિચારણા કરે અને જે ખેડૂતોની પિયત જમીન હતી તેમનાં ફૉર્મ સ્વીકારી તેમને પિયતની સહાય ચૂકવે."
તેમણે ધિરાણ લેનાર ખેડૂતોનાં ધિરાણ માફ કરવાની માગ પણ કરી હતી.
શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો કે, "ખરેખર ખેડૂતોને રૂપિયા એક લાખ કરોડ કરતાં વધારેનું નુકસાન થયું છે ત્યારે યોગ્ય વળતરની જાહેરાત કરવાને બદલે આ સરકારે માત્ર નજીવી જાહેરાત કરી છે ત્યારે ખેડૂતોને પૂરો લાભ નહીં મળે. આ પણ સરકારે એટલા માટે જાહેરાત કરવી પડે છે કારણ કે ખેડૂતોમાં તેમના અંગે પુષ્કળ રોષ ઊભો થયો છે."
ખેડૂતોને 35 હજાર કરોડનું નુકસાન - આપ
આમ આદમી પાર્ટીના પ્રવક્તા સાગર રબારીએ સરકારે પાક નુકસાન માટે જાહેર કરેલા રાહત પૅકેજના આંકડા સત્યથી અડગા હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે ખેડૂતોને 35 હજાર કરોડનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો હતો. તેમણે પાક નુકસાન અંગે સરવે કરનાર 1,218 ટીમોના કર્મચારીઓની યાદી અને તેમના સરવેની નકલ સરકારની વેબસાઇટ ઉપર મૂકવાની માંગ કરી છે.
ખેડૂતોને થયેલા નુકસાનના આંકડા આપતા સાગર રબારીએ જણાવ્યું હતું કે, "ઍગ્રીકલ્ચર ડાયરેક્ટરના આંકડા પ્રમાણે ખરીફ સીઝનમાં મુખ્ય પાંચ પાકોનું કુલ વાવેતર 84,87,784 હેક્ટરમાં થયું છે. જેમાં કપાસનું વાવેતર 23,71,474 હેક્ટરમાં અને મગફળીનું વાવેતર 19,08,388 હેક્ટરમાં છે. આ બે પાક મળીને કુલ વાવેતર વિસ્તારના 50.42 ટકા થાય છે. આ ઉપરાંત ડાંગર- 8,86,779 હેકટર, મકાઈ -2,86,060 હેકટર, શાકભાજી - 2,69,742 હેકટર, આ ત્રણ પાક મળીને 14,42,581 હેકટર થાય છે."
ભાજપના પ્રવક્તા શું કહે છે?

વિપક્ષના આક્ષેપોને ફગાવતા ભાજપે સરકારના રાહત પૅકેજનો બચાવ કર્યો છે.
ભાજપના પ્રવક્તા સુરેશ માંગુકીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "મોટા ભાગે દર વર્ષે ચોમાસામાં કોઈ ને કોઈ જિલ્લામાં પાકને નુકસાન થતું હોય છે. જે માટે સરકાર પૅકેજ જાહેર કરતી હોય છે. સરકારે જે પૅકેજ જાહેર કર્યું છે તે ખેડૂતલક્ષી અને યોગ્ય જ છે."
"સરકારે બંધારણ મુજબ બજેટમાંથી ખેડૂતો માટે જાહેરાત કરે છે. વિરોધપક્ષ આંદોલનની ભૂમિકામાં હોય છે. વીમા કંપનીઓમાં નુકસાન અંગેની રકમ નક્કી જ હોય છે."
કયા ખેડૂતોને સહાય મળશે ?

ઇમેજ સ્રોત, Getty Images
કૃષિમંત્રી રાધવજી પટેલે કૃષિ રાહત પૅકેજ માટે રાજ્ય સરકારે નિયત કરેલાં ધોરણો અંગે માહિતી આપી હતી.(સહાય પ્રતિ હેક્ટરદીઠ ચુકવવામાં આવશે. મહત્તમ બે હેક્ટર સુધી સહાય ચુકવવામાં આવશે.)
2024-25 ખરીફ ઋતુના બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટરદીઠ SDRFના નિયમ મુજબ રૂપિયા 8500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 2500 સહાય મળી કુલ રૂપિયા 11 હજાર મળશે.
સરકારના રાહત પૅકેજની જોગવાઈ મુજબ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
વરસાદ આધારિત અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે હેક્ટર દીઠ એસડીઆરએફના નિયમો મુજબ રૂપિયા 17 હજાર તેમજ રાજ્ય બજેટ હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય મળી કુલ 22 હજાર રૂપિયા ખાતાદીઠ આપવામાં આવશે.
બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નિયમો મુજબ 22,500 રૂપિયાની સહાય ચુકવવામાં આવશે.
જે ખેડૂતોને તેમની જમીન ધારકતાના આધારે સહાયની રકમ 3500 રૂપિયા કરતાં ઓછી થતી હશે તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા 3500 રૂપિયાની રકમ ચુકવવામાં આવશે.
ગુજરાતમાં ખેડૂતો વળતર માટે કેવી રીતે અરજી કરી શકાશે?
ખેડૂતોને સહાય આપવા માટે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરશે.
સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












