મૅકડોનાલ્ડનું બર્ગર ખાવાથી અમેરિકામાં લોકો બીમાર, એકનું મોત

બર્ગર, મૅક્ડોનાલ્ડ્સ, ફૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને દેશનાં 10 રાજ્યમાં 49 કેસ નોંધાયા હોવાની પુષ્ટિ કરી છે
    • લેેખક, નતાલી શેરમાન
    • પદ, બીબીસી ન્યૂઝ

જાણીતી ફૂડ ચેઇન મૅકડોનાલ્ડે તેના અમેરિકાના લગભગ 20 ટકા સ્ટૉર્સના મેનુમાંથી ક્વાર્ટર પાઉન્ડર્સ બર્ગર ઍન્ડ ફ્રૅશ તથા સિલ્વર્ડ ઑનિયનને હંગામી ધોરણે હઠાવી દીધાં છે. મળતી માહિતી પ્રમાણે, ઈ. કોલાઈનું પૉઇઝનિંગ થવાથી મૅકડોનાલ્ડે આ નિર્ણય લીધો છે.

સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને દેશનાં 10 રાજ્યમાં 49 કેસ નોંધાયા હોવાની પુષ્ટિ કરી છે. 10 કેસમાં દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

સીડીસીના જણાવ્યા પ્રમાણે, 49માંથી મોટા ભાગના કેસ કોલોરાડો તથા નબરાસ્કામાં ઈ. કોલાઈને કારણે પેટની સમસ્યાઓના કેસ નોંધાયા છે.

આરોગ્ય અધિકારીઓએ ઈ.કોલાઈ પૉઇઝનિંગના સ્રોતની તપાસ હાથ ધરી છે, છતાં મોટા ભાગની ખાદ્યાન્ન કંપનીઓએ મેનુમાંથી ડુંગળીને હઠાવવાની જાહેરાત કરી છે.

ઈ. કોલાઈ પૉઇઝનિંગના કેસ

બર્ગર, મૅક્ડોનાલ્ડ્સ, ફૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લગભગ ડઝનેક લોકોએ કહ્યું હતું કે તેમને બીમારી થઈ એ પહેલાં તેમણે મૅકડોનાલ્ડનું ક્વાર્ટર પાઉન્ડર બર્ગર ખાધું હતું (પ્રતીકાત્મક તસવીર)

સીડીસીના જણાવ્યા પ્રમાણે, કોલોરાડોમાં 26 લોકો બીમારી પડી ગયા હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. જે ઈ. કોલાઈને કારણે થયેલું એકમાત્ર મૃત્યુ છે.

સીડીસીના જણાવ્યા પ્રમાણે, એક બાળકને હિમૉલિટિક યુરેમિક સિન્ડ્રૉમથી પીડાતા બાળકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

ઉપલબ્ધ સાર્વજનિક માહિતી પ્રમાણે, તા. 27 સપ્ટેમ્બરના ઈ. કોલાઈનો ચેપ ફેલાવાનો પહેલો કિસ્સો નોંધાયો હતો. જોકે, મૅકડોનાલ્ડનું કહેવું છે કે આના વિશે તેને ગયા અઠવાડિયે જ જાણ કરવામાં આવી હતી.

બુધવારે લગભગ ડઝનેક લોકોએ કહ્યું હતું કે તેમને બીમારી થઈ એ પહેલાં તેમણે મૅકડોનાલ્ડનું ક્વાર્ટર પાઉન્ડર બર્ગર ખાધું હતું.

મૅકડોનાલ્ડે કોલોરાડો, કેન્સાસ, ઉતાહ, વ્યોમિંગ, ઇયોવા, મિસોરી, મૉન્ટાના, નબરસ્કા, નવાદા, ન્યૂ મૅક્સિકો તથા ઑક્લાહોમાના અમુક વિસ્તારોના સ્ટૉર્સના મેનુમાંથી પેટ્ટી તથા ડુંગળી હઠાવી દીધાં છે.

આ સિવાયની હૅમબર્ગર આઇટોમોને યથાવત્ રાખવામાં આવી છે.

બર્ગર કિંગે ગુરુવારે કહ્યું હતું કે જે સપ્લાયરને ત્યાંથી ઈ.કોલાઈ ફેલાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, એ સપ્લાયર તેમની લગભગ પાંચ ટકા રેસ્ટોરાંને પણ ડુંગળીઓ પૂરી પાડે છે.

બર્ગર કિંગનું કહેવું છે કે આ રેસ્ટોરાંમાં ભોજન લેનારને બીમારી થઈ હોય તેના વિશે કોઈ અહેવાલ નથી, છતાં ત્યાં રહેલા સ્ટૉકનો નિકાલ કરી દેવાયો છે.

ડુંગળી છે દોષિત?

બર્ગર, મૅક્ડોનાલ્ડ્સ, ફૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોટા ભાગની ખાદ્યાન્ન કંપનીઓએ મેનુમાંથી ડુંગળીને હઠાવવાની જાહેરાત કરી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૅકડોનાલ્ડના ક્વાર્ટર પાઉન્ડર બર્ગર ખૂબ જ લોકપ્રિય છે, જેમાં ડુંગળીનો વિશેષ ઉપયોગ થાય છે. તપાસકર્તાઓને લાગે છે કે ડુંગળીને કારણે ઈ.કોલાઈનો ચેપ ફેલાયો હશે.

સીડીસી તથા એફડીએએ મંગળવારે કહ્યું હતું કે ચેપ ફેલાવા માટે પેટ્ટી પણ જવાબદાર હોઈ શકે છે.

મૅકડોનાલ્ડનું કહેવું છે કે ઈ. કોલાઈના બૅક્ટેરિયા 160 ડિગ્રી તાપમાને નાશ પામે છે અને તે બર્ગરને 175 ડિગ્રી તાપમાને તૈયાર કરે છે.

મૅકડોનાલ્ડનું પણ કહેવું છે કે અલગ-અલગ સ્ટૉરમાંથી ખરીદી કરવામાં આવી છે. એટલે ખાવાનું બનાવવામાં કોઈ ચૂક થઈ હોવાની શક્યતા પણ રહેતી નથી.

કંપનીના કહેવા પ્રમાણે, આ સ્ટૉર્સમાં બીફ પેટ્ટી માટેનું માંસ અલગ-અલગ સપ્લાયર્સે પૂરું પાડ્યું હતું. જોકે, ડુંગળીનો સપ્લાયર એક છે. આ ડુંગળી કૅલિફોર્નિયાસ્થિત ટૅલર ફાર્મસ છે. જે વિશ્વના ટોચના વૅજિટેબલ પ્રોસેસર્સમાંથી એક છે.

ટૅલર ફાર્મ્સ દ્વારા યુએસ ફૂડ્સ જેવી કંપનીઓને પણ ખાદ્યપદાર્થો સપ્લાય કરે છે અને તેણે સાવચેતીના પગલારૂપે ડુંગળીના અમુક બૅચ પાછા મંગાવી લીધા છે.

ટૅલર ફાર્મ્સે સીબીએસ ન્યૂઝને નિવેદન આપ્યું છે, જે મુજબ તેણે ડુંગળીના "કાચા અને પાક્કા" ઉત્પાદનો પર પરીક્ષણ કર્યાં છે, પરંતુ તેમાં "ઈ કોલાઈના અંશ નથી મળ્યા."

ફાસ્ટ ફૂડની કંપની યમ બ્રાન્ડ્સે કહ્યું હતું કે ઈ. કોલાઈના ફેલાવા પર તેની નજર છે અને તેણે "અમેરિકામાં ટાકો બૅલ, પિત્ઝા હટ તથા કેએફસીના અમુક રેસ્ટોરાં"માંથી તાજી ડુંગળીઓને હઠાવી દેવાનો નિર્ણય લીધો છે.

જોકે, કેટલી જગ્યાના કેટલા સ્ટૉરને અસર પડશે, તેના વિશે કંપનીએ કોઈ ખુલાસો નથી કર્યો.

ઈ. કોલાઈ અને તેનાં લક્ષણ

ઈ. કોલાઈ માણસ તથા પશુઓનાં આંતરડાંમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે હાનિકારક હોતા નથી, પરંતુ અમુક પ્રકારના ઈ. કોલાઈ ઝેરી દ્રવ્યો પેદા કરે છે, જેના કારણે વ્યક્તિ બીમાર થઈ શકે છે.

ગંભીર પ્રકારના કેસમાં લોહીના ઝાડા, પેટમાં ચૂંક, ઊલટી અને તાવ પણ જોવા મળી શકે છે.

જો અમુક કેસમાં ચેપ વધુ ફેલાય જાય તો કિડની ફેલ થવા જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.

ઈ. કોલાઈના ચેપવાળો ખોરાક ખાવાના ત્રણથી નવ દિવસની અંદર તેનાં લક્ષણ જોવાં મળી શકે છે.

મુસીબતમાં મૅકડોનાલ્ડ

બર્ગર, મૅક્ડોનાલ્ડ્સ, ફૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૅકડોનાલ્ડનું કહેવું છે કે ઈ. કોલાઈના ફેલાવાને કારણે વેચાણને કેટલું નુકસાન થશે, એ કહેવું વહેલું હશે

મૅકડોનાલ્ડના ધૂમ વેચાતા બર્ગરમાં ઈ. કોલાઈના ચેપના સમાચાર બહાર આવ્યા એ પછી બુધવારે કંપનીના શૅરમાં સાતેક ટકા જેટલો કડાકો બોલી ગયો હતો.

મૅકડોનાલ્ડનું કહેવું છે કે ઈ. કોલાઈના ફેલાવાને કારણે વેચાણને કેટલું નુકસાન થશે, એ કહેવું વહેલું હશે.

મૅકડોનાલ્ડ્સનું કહેવું છે કે સપ્લાઈ ચેઇનમાં રહેલી ખામી તેણે 'કદાચ' દૂર કરી દીધી છે અને આગામી અઠવાડિયામાં તમામ સ્ટૉર ક્વાર્ટર પાઉન્ડ બર્ગર્સ ફરીથી ઉપલબ્ધ બની જશે.

છેલ્લા કેટલાક સમયથી લોકો ખાદ્યપદાર્થો પરનો ખર્ચ ઘટાડી રહ્યા હતા, જેના કારણે મૅકડોનાલ્ડ સહિતની અન્ય ક્વિક સર્વિસ રેસ્ટોરાં ચેઇનો ભારે દબાણ હેઠળ હતી.

મૅકડોનાલ્ડ ભારે ડિસ્કાઉન્ટ અને પ્રમોશનલ ઑફર્સ દ્વારા તેનો વકરો વધારવા માટે પ્રયાસરત્ હતું ત્યારે ઈ. કોલાઈના ફેલાવાને કારણે તેની મુશ્કેલીઓ વધી શકે છે.

ઍરિક સ્ટેલી નામના ફરિયાદીનું કહેવું છે કે કોલોરાડોના ગ્રિલી ખાતેના રેસ્ટોરાંમાં ભોજન લીધાના બે દિવસ બાદ તેઓ બીમાર પડ્યા હતા.

તબીબી તપાસ દરમિયાન તેમને ઈ. કોલાઈનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. ઍરિક સ્ટેલીના વકીલ રૉન સિમોને એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું, "દરેક પીડિતને થયેલા નુકસાનનું વળતર મળે તે અમે સુનિશ્ચિત કરીશું. જેના કારણસર ખાદ્યપદાર્થોમાં ઈ. કોલાઈનો ચેપ લાગ્યો, તેને મૅકડોનાલ્ડ તથા તેના સપ્લાયર્સ દૂર કરે એ પણ અમે સુનિશ્ચિત કરીશું."

અત્રે એ ઉલ્લેખનીય છે કે મૅકડોનાલ્ડ્સનું મુખ્યાલય શિકાગોમાં આવેલું છે તથા ત્યાં જ ઍરિકે કેસ દાખલ કર્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.