'મારો પુત્ર મરી ગયો છે, હવે તેના વીર્યથી અમારે પૌત્ર-પૌત્રી પેદાં કરવાં છે'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
ભારતમાં એક યુવાનના મૃત્યુ પછી તેમનાં માતાપિતાએ તેના ફ્રોઝન વીર્યનું સૅમ્પલ મેળવવા માટે હૉસ્પિટલ સામે કાનૂની લડત આપવી પડી છે.
અદાલતના આદેશ પછી તેમનો વિજય થયો છે. હવે હૉસ્પિટલ તેમને તેમના પુત્રનું વીર્ય સોંપશે અને તેની મદદથી આ દંપતી પોતાનો વંશવેલો આગળ વધારી શકશે.
દિલ્હી હાઈકોર્ટે આ દંપતીના મૃત પુત્રના થીજવેલાં વીર્યના નમૂના સોંપવા માટે હૉસ્પિટલને આદેશ આપ્યો છે. દંપતીએ કહ્યું કે આ ચુકાદાથી તેમને "આનંદ" થયો છે. હવે તેઓ સરોગેસી દ્વારા પૌત્ર મેળવી શકશે.
ચાર વર્ષની કાનૂની લડાઈ બાદ દિલ્હી હાઈકોર્ટે આ મામલે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે.
યુવાનનાં માતા હરબીરકૌરે બીબીસીને જણાવ્યું કે, "અમે ખૂબ કમનસીબ હતાં, અમે અમારો પુત્ર ગુમાવ્યો. પરંતુ કોર્ટે અમને ખૂબ જ કિંમતી ભેટ આપી છે. અમે હવે અમારો પુત્ર પાછો મેળવી શકીશું."
હરબીરકૌર અને તેમના પતિ ગુરવિન્દર સિંહે તેમના પુત્રના મૃત્યુ પછી દિલ્હીની ગંગારામ હૉસ્પિટલમાંથી તેમના પુત્રના વીર્યનું સૅમ્પલ મેળવવા પ્રયાસ કર્યો હતો. તેમના પુત્રનું વીર્ય હૉસ્પિટલની ફર્ટિલિટી લેબમાં સંગ્રહિત હતું. પરંતુ હૉસ્પિટલે સૅમ્પલ સોંપવાનો ઇનકાર કરી દીધો. ત્યાર પછી ડિસેમ્બર 2020માં તેઓ કોર્ટમાં ગયા હતા.
આ દંપતીના 30 વર્ષીય પુત્ર પ્રીત ઇન્દર સિંહને જૂન 2020માં નૉન-હોજકિન્સ લિમ્ફોમા, એટલે કે એક પ્રકારના બ્લડ કૅન્સરનું નિદાન થયું હતું. તેને સારવાર માટે આ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુરવિન્દર સિંહે બીબીસીને જણાવ્યું કે, "મારા પુત્રની કિમોથેરેપી શરૂ કરતા પહેલાં હૉસ્પિટલે તેમને તેમના વીર્યને સંગ્રહિત કરવાની સલાહ આપી હતી કારણ કે કિમોથેરેપીથી તેમના વીર્યની ગુણવત્તાને અસર થઈ શકે તેમ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રીત ઇન્દર સિંહ અપરિણીત હતા અને તેઓ વીર્યનું સૅમ્પલ આપવા માટે સહમત થયા. 27 જૂન 2020ના રોજ વીર્યનું સૅમ્પલ ફ્રીઝ કરવામાં આવ્યું. પ્રીત ઇન્દર સિંહને બચાવી ન શકાયા અને તે જ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેમનું અવસાન થયું.
થોડા મહિના પછી તેમનાં માતાપિતાએ પોતાના પુત્રનું થીજાવેલું વીર્ય મેળવવા માગણી કરી, ત્યારે હૉસ્પિટલે તેમની વિનંતીને નકારી કાઢી. ત્યાર બાદ દંપતીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.
60 વર્ષની ઉંમર વટાવી ગયેલા દંપતીએ કોર્ટમાં કહ્યું કે તેઓ પોતાના પુત્રનાં વીર્યના નમૂનાનો ઉપયોગ કરીને સરોગેસીથી બાળક મેળવશે અને તેને ઉછેરશે. તેમની પુત્રીઓએ કોર્ટમાં બાંહેધરી આપી છે કે તેમનાં માતાપિતાનું મૃત્યુ થશે તો તેઓ બાળકના ઉછેરની સંપૂર્ણ જવાબદારી લેશે.
ગયા અઠવાડિયે જસ્ટિસ પ્રતિભા સિંહે પોતાના આદેશમાં કહ્યું કે, "સ્પર્મ (વીર્ય)ના માલિકે મંજૂરી આપી હોય તો ભારતીય કાયદા હેઠળ મરણોત્તર પ્રજનન સામે કોઈ પ્રતિબંધ નથી."
તેમણે જણાવ્યું કે મૃત યુવાનનાં માતા-પિતા આ સૅમ્પલ મેળવવા માટે હકદાર હતાં કારણ કે પત્ની અથવા બાળકોની ગેરહાજરીમાં તેઓ હિન્દુ વારસા ધારા હેઠળ તેના કાયદેસરના વારસદાર બન્યાં હતાં.
દંપતીનું કહેવું છે કે તેઓ પોતાનો વારસો આગળ વધારવા માગે છે તેથી તેઓ કોર્ટમાં ગયાં હતાં. કોર્ટના ચુકાદાથી તેઓ તેની સાથે જોડાણ જાળવી શકશે અને પરિવારનું નામ ચાલુ રહેશે.
હરબીરકૌરે કહ્યું કે, "મારો પુત્ર તેની બહેનોને પ્રેમ કરતો હતો અને તેના મિત્રો પણ તેને પ્રેમ કરતા હતા. મારા ફોન પર તેનું સ્ક્રીનસેવર છે. હું દરરોજ સવારે તેમના ચહેરાને જોઈને મારા દિવસની શરૂઆત કરું છું." ગોપનીયતાના કારણે તેમણે બીબીસી સાથે પોતાના પુત્રનો ફોટો શેર કર્યો ન હતો.
હરબીરકૌરે જણાવ્યું કે તેમનો પરિવાર સરોગેસીમાં તેના વીર્યનો ઉપયોગ કરવાનું વિચારે છે. તેની એક પુત્રી સરોગેટ માતા બનવા માટે સહમત થઈ છે. તેઓ કહે છે, "અમે તેને પરિવારમાં રાખીશું."
આવો કેસ ભાગ્યે જ બને છે: વકીલ

ઇમેજ સ્રોત, Getty Images
તેમનાં વકીલ સુરુચિ અગ્રવાલે બીબીસીને જણાવ્યું હતું કે આવો કેસ ભાગ્યે જ બને છે, પરંતુ આ અભૂતપૂર્વ કેસ નથી.
તેમણે અદાલતમાં દલીલ કરતી વખતે પૂણેની એક મહિલાના 2018ના કેસને ટાંક્યો હતો જેણે જર્મનીમાં મગજના કૅન્સરથી મૃત્યુ પામેલા પોતાના 27 વર્ષના પુત્રના વીર્યનો ઉપયોગ કરીને સરોગેસી દ્વારા જોડિયા પૌત્રો મેળવ્યા હતા.
તેમનો પુત્ર પણ અપરિણીત હતો. તેણે પોતાના મૃત્યુ પછી તેમનાં માતા અને બહેનને તેના વીર્યનો ઉપયોગ કરવા માટે ઑથોરિટી આપી હતી. આ કેસમાં જર્મનીની હૉસ્પિટલે તેના વીર્યના સૅમ્પલ સોંપ્યા હતા.
સુરુચિ અગ્રવાલે 2019નો એક કેસ પણ ટાંક્યો હતો, જેમાં ન્યૂ યૉર્કની સુપ્રીમ કોર્ટે સ્કીઇંગ ઍક્સિડન્ટમાં માર્યા ગયેલા એક 21 વર્ષીય લશ્કરી જવાનનાં માતાપિતાને પૌત્ર-પૌત્રી મેળવવા માટે તેના થીજાવેલાં વીર્યનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
જસ્ટિસ સિંહે પોતાના આદેશમાં એવા ઘણા કેસ ટાંક્યા હતા જેમાં મૃત્યુ પછી સંતાન મેળવવામાં આવ્યું હોય. તેમાં ઇઝરાયેલનો 2002નો કેસ પણ સામેલ છે જેમાં ગાઝામાં માર્યા ગયેલા 19 વર્ષના સૈનિકનાં માતા-પિતાએ પોતાના પુત્રના વીર્યનો ઉપયોગ કરીને સરોગેટ માતા થકી બાળક પેદા કરવા માટે કાયદેસરની પરવાનગી મેળવી હતી.
પરંતુ ભૂતકાળમાં પણ આવું બનેલું હોય તો પછી હૉસ્પિટલે ભારતીય દંપતીની વિનંતી કેમ નકારી કાઢી?
જસ્ટિસ સિંહે પોતાના આદેશમાં જણાવ્યું છે તેમ આ મામલે કોઈ આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ નથી.
અમેરિકા, યુકે, જાપાન, ચેક રિપબ્લિક અને કેટલાક અન્ય દેશોમાં લેખિત સહમતી હોય તો મૃત્યુ પછી વીર્યના ઉપયોગ દ્વારા સંતાનપ્રાપ્તિ કરી શકાય છે. ઑસ્ટ્રેલિયામાં મૃત્યુ પછી એક વર્ષની રાહ જોવાની શરત હોય છે, જેથી લાગણીઓ સ્થિર થઈ શકે.
પરંતુ ઘણા દેશોમાં આ રીતના પ્રજનનની મનાઈ છે. જેમ કે ઇટાલી, સ્વીડન, સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ, મલેશિયા, પાકિસ્તાન, હંગેરી અને સ્લોવેનિયા જેવા સંખ્યાબંધ દેશોમાં તેના પર પ્રતિબંધ છે. ભારતના મોટાભાગના દક્ષિણ એશિયન પડોશી દેશો શ્રીલંકા, નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશમાં આ વિશે કોઈ માર્ગદર્શિકા નથી.
બીજા દેશોમાં શું કાયદો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા દેશોમાં મૃત્યુ પછી વીર્યનો ઉપયોગ કરીને બાળક મેળવવાના કાયદા છે. પરંતુ તે પતિ-પત્નીના કેસમાં જ લાગુ થાય છે જેમાં ગર્ભ ધારણ કરવા માટે થીજાવેલાં સ્થિર ઇંડા અથવા વીર્યનો ઉપયોગ કરી શકાય છે.
પોતાના પુત્રને ગુમાવનાર માતાપિતા તેના સ્પર્મ મેળવવા ઈચ્છતા હોય તેવા કેસ ઈઝરાયલમાં વધ્યા છે. તેવી જ રીતે રશિયા સાથેના યુદ્ધના કારણે યુક્રેનમાં સૈનિકો વિનામૂલ્યે પોતાનું વીર્ય ફ્રીઝ કરાવી શકે છે. પરંતુ ભારતમાં આવા કેસ બહુ ઓછા છે.
ગંગારામ હોસ્પિટલે કોર્ટમાં કહ્યું કે કાયદાકીય રીતે તે માત્ર મૃતકના જીવનસાથીને જ સેમ્પલ આપી શકે. તેમણે કહ્યું કે અપરિણિત પુરૂષના વીર્યના નમૂના તેના માતા-પિતા અથવા કાનૂની વારસદારોને આપવા માટે કોઈ સ્પષ્ટ કાયદા અથવા માર્ગદર્શિકા નથી.
ભારત સરકારે પણ આ દંપતીની અરજીનો વિરોધ કરતા કહ્યું કે ભારતમાં સરોગસીના કાયદાનો હેતુ નિઃસંતાન દંપતીઓ અથવા મહિલાઓને મદદ કરવા માટે છે. પૌત્ર-પૌત્રી મેળવવા માંગતા લોકો માટે આ કાયદા નહીં.
ઑથોરિટીએ એમ પણ કહ્યું કે પ્રીત ઇન્દર અપરિણિત હતા. ભારતના આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજી (ART) ઍક્ટ 2021 હેઠળ સિંગલ વ્યક્તિ સરોગેસી દ્વારા બાળક મેળવી ન શકે. આ ઉપરાંત તેણે થીજાવેલાં વીર્યના ઉપયોગ માટે કોઈ લેખિત કે મૌખિક સંમતિ આપી ન હતી. જેથી તેનાં માતાપિતાને તેનો ઉપયોગ કરવાનો આપોઆપ અધિકાર મળતો ન હતો.
જ્યારે દંપતીના વકીલ સુરુચિ અગ્રવાલે કોર્ટમાં દલીલ કરી હતી કે પોતાના વીર્યને સંગ્રહિત કરવાનું ફૉર્મ ભરતી વખતે જ પ્રીત ઇન્દરે સ્પષ્ટ કર્યું હતું કે તે આઈવીએફના હેતુ માટે હતું.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે બીબીસીને જણાવ્યું કે ફૉર્મમાં પિતા અને પુત્ર બંનેના મોબાઇલ નંબર હતા. એટલે કે સહમતિ હતી. આ સૅમ્પલને જાળવવા માટે તેના પિતા લેબોરેટરીને નાણાં ચૂકવતા હતા.
તેમણે જણાવ્યું કે શોકગ્રસ્ત માતાપિતાની વ્યક્તિગત સ્વતંત્રતાનું હનન કરવા માટે નહીં, પરંતુ સરોગેસીના વ્યવસાયિક ઉપયોગને રોકવા અને ક્લિનિક્સનું નિયમન કરવા માટે એઆરટી ઍક્ટ લાવવામાં આવ્યો હતો.
જસ્ટિસ સિંહ પણ વકીલ સુરુચિ અગ્રવાલની દલીલ સાથે સહમત થયા કે પ્રીત ઇન્દરે સ્વયં પોતાના વીર્યનો ઉપયોગ બાળકના હેતુ માટે કરવાની સંમતિ આપી હતી.
"તેઓ પરિણીત નહોતા અને તેમના કોઈ જીવનસાથી પણ ન હતા. તેમણે બાળક પેદા કરવા માટે સૅમ્પલ આપ્યું હતું. તેમનું અવસાન થયું ત્યારે તેમનાં માતા-પિતા તેમના વારસદાર ગણાય. વીર્યના નમૂના આનુવંશિક સામગ્રી હોવાથી તે તેમની મિલકત છે અને તેને રિલીઝ કરાવવાનો તેમને અધિકાર છે."
કોર્ટે કહ્યું કે આવા સંજોગોમાં તેઓ દંપતીને પોતાના પુત્રના વીર્યના સૅમ્પલ મેળવતા અટકાવી શકે નહીં.
હરબીરકૌરે કહ્યું કે કોર્ટના આદેશથી તેમના માટે "આશાનું એક કિરણ" પેદા થયું છે કે "અમે અમારા પુત્રને પાછો લાવી શકીશું".
તેઓ કહે છે, "મારા પુત્રની બધી અધૂરી ઇચ્છાઓ પૂરી કરવા મેં દરરોજ પ્રાર્થના કરી છે. ચાર વર્ષ લાગી ગયા. પરંતુ મારી પ્રાર્થના સાંભળવામાં આવી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












