વિશ્વમાં દેશો માટે સમૃદ્ધિનું ‘પ્રતીક’ મનાતા ઑઇલનો ઉદ્ભવ કેવી રીતે થયો અને તે શેમાંથી બન્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડ્રાફ્ટિંગ
- પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
તે આજના સમાજનું ઇંજિન છે, યુદ્ધોનું કારણ છે અને હવામાનમાં થતા ફેરફાર માટે મુખ્યત્વે તે જ જવાબદાર છે.
વિશ્વમાં રોજ આઠ કરોડ બેરલ ઑઇલનું ઉત્પાદન થાય છે અને તેનું નામ એક લૅટિન શબ્દ પરથી પડ્યું હતું, જેનો અર્થ છે : સ્ટોન ઑઇલ.
‘કાળા સોના’ તરીકે ઓળખાતું આ ચીકણું પ્રવાહી હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે. તેના પરમાણુ બંધારણમાં મુખ્યત્વે કાર્બન અને હાઇડ્રોજન હોય છે.
આ ઑઇલ લાખો વર્ષોથી ચાલતી રહેલી પરિવર્તનની પ્રક્રિયાની નીપજ છે, પરંતુ તેની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? મોટા ભાગના વિજ્ઞાનીઓ એક થિયરીની તરફેણ કરે છે અને કહે છે કે ઑઇલની ઉત્પત્તિ “સારી રીતે સમજી શકાય તેવી છે.” તેમ છતાં ઑઇલ વિશેની કેટલીક ગેરસમજને નિવારી શકાઈ નથી.

ડાયનોસોરની દંતકથા

ઇમેજ સ્રોત, Getty Images
આજના ક્રૂડ ઑઇલના લગભગ 70 ટકા ભંડાર મેસોઝોઈક યુગમાં રચાયા હતા અને મેસોઝોઈક યુગ 252થી 66 મિલિયન વર્ષો સુધી ચાલ્યો હતો.
મેસોઝોઈક યુગમાં ટ્રાયસિક, જુરાસિક અને ક્રેટેસિયસ સમયગાળાનો સમાવેશ થાય છે. તેને સરિસૃપ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાયનોસોર તે યુગની પરાકાષ્ઠા હતાં.
આ હકીકત કદાચ એ સમજાવી શકે કે ઑઇલનાં મૂળ બાબતે આટલી ગેરસમજ શા માટે પ્રવર્તે છે.
ઓસ્લો યુનિવર્સિટીમાં ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્યરત રેઈડર મ્યુલરે કહ્યું હતું કે, “ઑઇલ ડાયનાસોરમાંથી આવે છે તે વિચાર કેટલાંક વિચિત્ર કારણોસર લોકોનાં મનમાં ઘર કરી ગયો છે, પરંતુ ઑઇલ અબજો નાના શેવાળ અને પ્લાન્કસ્ટોન(મહાસાગર, મોટાં સરોવર કે મોટી નદીઓમાં તરતો સેન્દ્રીય પદાર્થનો સમૂહ)માંથી સર્જાય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ દંતકથાનો જન્મ કેવી રીતે થયો તે કોઈ ખાતરીપૂર્વક જાણતું નથી, પરંતુ લૅટિન અમેરિકામાં તે વ્યાપકપણે ફેલાયેલી છે. બીબીસી મુંડોએ મૅક્સિકોના બે નિષ્ણાતને પૂછ્યું હતું કે તેઓ આ માન્યતાથી વાકેફ છે કે કેમ.
મૅક્સિકોની નેશનલ સ્વાયત્ત યુનિવર્સિટી ઉનામ ખાતેના પૃથ્વી વિજ્ઞાનવિભાગમાં ઇજનેરી ફેકલ્ટીના પ્રોફસર તરીકે કાર્યરત ડેરિયો સોલાનો અને ઇઝા કેનાલેસે કહ્યું હતું કે, “હા. તે એક સર્વસાધારણ ગેરસમજ છે.”
સોલાનોએ કહ્યું હતું કે, “હાઇડ્રોકાર્બન્સ પેદા કરતા ઘણા ખડકો જુરાસિક સ્તરમાં જોવા મળે છે તે અમે ખાતરીપૂર્વક કહી શકીએ તેમ છીએ. તે એવો ભૂસ્તરશાસ્ત્રીય સમયગાળો છે, જેને ઘણી વાર ડાયનોસોર સાથે સાંકળવામાં આવે છે. આ સંબંધને કારણે ઑઇલનું મૂળ તેમાં હોવાની માન્યતાને બળ મળ્યું છે.”
કેનાલેસે ઉમેર્યું હતું કે, “આ દંતકથાઓને ખોટી સાબિત કરવી જરૂરી છે. તેનાથી વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા આ પદાર્થ વિશેનું સમાજમાં ફેલાયેલું અજ્ઞાન દૂર કરવામાં મદદ મળશે. ટૂંકમાં એ સાંસ્કૃતિક રીતે મહત્ત્વનું છે. એ ઉપરાંત આ સંસાધનની ઉત્પત્તિ વિશે વધારે સમજ કેળવાશે તો નવી તકનીકો અથવા તેના ઉપયોગની દિશામાં આગળ વધવાનું શક્ય બનશે.”ધારે સમજ કેળવાશે તો નવી તકનીકો અથવા તેના ઉપયોગની દિશામાં આગળ વધવાનું શક્ય બનશે.”

કેવી રીતે બને છે ઓઇલ?

ઇમેજ સ્રોત, Getty Images
ઑઇલની ઉત્પત્તિની કથાના નાયકો મોટા સરિસૃપ નહીં, પરંતુ નાનકડા જીવો છે. ઑઇલની ઉત્પત્તિ વિશેનો સૌથી વધુ સ્વીકૃત સિદ્ધાંત કાર્બનિક છે. એ મુજબ, સમુદ્રો તથા ખારા પાણીના સરોવરોના તળીયે એકઠા થયેલા પ્રાણીઓના અવશેષો અને માઇક્રોસ્કોપિક શેવાળના વિઘટનથી ઑઇલની ઉત્પત્તિ થઈ છે.
આ થિયરી સૂચવે છે કે ઝીણો કાંપ અને કાર્બનિક અવશેષો, ખાસ કરીને પાર્થિવ અથવા દરિયાઈ વનસ્પતિ તટપ્રદેશમાં જમા થાય છે. અમુક પ્રક્રિયા પછી કેરોજેન રચાય છે, જે આ કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. લાંબા સમય પછી દબાણ અને તાપમાન વધે છે. આખરે હાઇડ્રોકાર્બને ચેઇન રચાય છે, એવું ઉનામના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું.
કાર્બનિક પદાર્થોના સંચયની ટોચ પર એકઠા થયેલા અન્ય ભૂસ્તરશાસ્ત્રીય સ્તરો દબાણ અને ઉષ્ણતામાનની સ્થિતિ સર્જે છે, જે ઑર્ગેનિક પદાર્થને ધીમેધીમે હાઇડ્રોકાર્બન્સમાં પરિવર્તિત કરવાની એનારોબિક બૅક્ટેરિયાની ક્રિયામાં મદદ કરે છે.
મૅક્સિકોના નિષ્ણાતોએ કહ્યું હતું કે, “આ પ્રક્રિયાને સરળ રીતે સમજીએ. ધારો કે આપણે સામગ્રીના મિશ્રણને ચોક્કસ દબાણ અને તાપમાન પર પકાવવા માટે એટલે કે મૂળ પદાર્થ કાર્બન તથા હાઇડ્રોજનની ચેઇનમાં વિભાજિત ન થાય ત્યાં સુધી ચૂલા પર ચડાવીએ છીએ. પૃથ્વીના પેટાળમાં પણ આવી જ કંઈક પ્રક્રિયા થાય છે. પછી એ સામગ્રીનું સ્થળાંતર થાય છે અને આખરે તે ખડકોમાં સંગ્રહિત થાય છે.”
આ થિયરી સૌથી વધુ સ્વીકૃત છે, કારણ કે ઑઇલના તમામ ભંડાર કાંપવાળા ભૂપ્રદેશમાંથી મળી આવ્યા છે. એ ઉપરાંત પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષો પણ મળી આવ્યા છે.

ઓઇલમાં ઊર્જા ક્યાંથી આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાચીન જંગલોમાં કાર્બનિક પદાર્થોના પરિવર્તનથી પણ ઑઇલ મળી શકે છે.
મૅક્સિકન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, કાર્બનિક થિયરીની વાત કરીએ તો એ સમજી શકાય કે તેમાં તમામ પ્રકારની કાર્બનિક સામગ્રી હોઇ શકે. વાસ્તવમાં, પાર્થિવ વનસ્પતિ પદાર્થથી સમૃદ્ધ કેરોજેન્સમાંથી મેળવવામાં આવતો એક પ્રકારનો હાઇડ્રોકાર્બન ગૅસના સંચય સાથે સંકળાયેલો છે.
હવે બીજી દંતકથા બાબતે સમજ મેળવીએ. ઑઇલમાંની ઊર્જા વનસ્પતિ સજીવો (ફાયટોપ્લાંક્ટોન) દ્વારા પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કેપ્ચર થતી સૂર્ય ઊર્જા છે અને તે પ્રાણી સજીવો(ઝૂપ્લાંક્ટન)માં ટ્રાન્સફર થાય છે?
“ના. આ ગેરસમજ છે,” એમ કહેતાં કેનાલ્સે ઉમેર્યું હતું કે, “આપણે ઑઇલમાંથી આજે જે ઊર્જા મેળવીએ છીએ તે હાઇડ્રોજન અને કાર્બન ચેઇન્સ ઓક્સિડેશન(દહન)માંથી પ્રાપ્ત કરવામાં આવે છે.”
આ વાત આગળ વધારતાં સોલાનોએ કહ્યું હતું કે, “ઊર્જા અને દ્રવ્ય વિનિમયક્ષમ છે તે સાચી વાત છે, પરંતુ એવું કહેવું તે ફાયટોપ્લાંક્ટન અને ઝૂપ્લાંક્ટનને સોલર બૅટરી કહેવા જેવું છે. તેના બદલે તેને એનાલોક તરીકે વિચારી શકાય. જેમ કે માણસ અનેક વસ્તુનો આહાર કરી શકે છે. શરીર એ આહારનું આપણા પાચનતંત્રમાં પાચનપ્રક્રિયા મારફત વિભાજન થાય છે અને આપણું શરીર કોષીય સ્તરે તે સરળ ઘટકોનો લાભ પામે છે.”

વૈકલ્પિક સિદ્ધાંતો

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક વિજ્ઞાનીઓએ ભૂતકાળમાં એવી દલીલ કરી હતી કે ઑઇલનું મૂળ અકાર્બનિક છે અને તે જીવંત સજીવોના અવશેષોની જરૂરિયાત વિના પૃથ્વીના પેટાળમાં આકાર પામે છે.
આ પૈકીના ઘણા સિદ્ધાંતો 19મી સદીની શરૂઆતમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. દાખલા તરીકે રશિયન રસાયણશાસ્ત્રી દિમિત્રી મેન્ડોલીવે ઍલિમૅન્ટનું સૌપ્રથમ પીરિયોડિક ટેબલ પ્રકાશિત કર્યું હતું.
ઇનઑર્ગેનિક થિયરીમાં એવું માનવામાં આવે છે કે કાર્બન પૃથ્વીના આવરણમાં હાઇડ્રોકાર્બન પરમાણુ, મુખ્યત્વે મિથેન તરીકે અસ્તિત્વ ધરાવે છે અને પેટ્રોલિયમમાં જોવા મળતું હાઇડ્રોકાર્બનનું મોટું પ્રમાણ એવી પ્રક્રિયા દ્વારા પેદા કરી શકાય છે. એ માટે કાર્બનિક અવશેષોની જરૂર નથી.
આ હાઇડ્રોકાર્બન, સપાટી પર ન પહોંચી જાય અથવા અભેદ્ય સ્તરમાં રહી શકે ત્યાં સુધી પૃથ્વીના પોપડામાં પહોંચી શકે છે અને ઑઇલના ભંડાર સર્જે છે.
આ થિયરીનું એક સંસ્કરણ કોર્નેલ યુનિવર્સિટી ખાતે પ્રોફેસર તરીકે સેવા આપી ચૂકેલા ઑસ્ટ્રેલિયન ખગોળશાસ્ત્રી થોમસ ગોલ્ડ(1920-2004)એ પ્રસ્તુત કર્યું હતું.
થોમસ ગોલ્ડનો એક અભ્યાસ અમેરિકન એકેડમી ઑફ સાયન્સીસના જર્નલ પીએનએએસમાં 1992માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. બાદમાં તેમણે તેની સમજ ‘ડીપ હોટ બાયોસ્ફીયર’ શીર્ષક ધરાવતા પુસ્તકમાં આપી હતી.
થોમસ ગોલ્ડ માનતા હતા કે પૃથ્વી પરનું હાઇડ્રોકાર્બન અશ્મિભૂત ઈંધણની આડપેદાશ નથી, પરંતુ સાડા ચાર અબજ વર્ષો પહેલાં પૃથ્વી જેમાંથી આકાર પામી હતી તે સામગ્રીનો સામાન્ય ઘટક છે. સોવિયેત વિજ્ઞાનીઓ પણ 1950ના દાયકામાં આવું માનતા હોવાનું થોમસ ગોલ્ડે સ્વીકાર્યું હતું.
પેટ્રોલિયમના અકાર્બનિક મૂળનો સિદ્ધાંત મોટા ભાગના વિજ્ઞાનીઓ સ્વીકારતા નથી.
ઉનામના નિષ્ણાતોએ કહ્યું હતું કે, “અમે શિક્ષણ તથા વિજ્ઞાન ક્ષેત્રે કાર્યરત અમારા સાથીદારોને હિંમતપૂર્વક જણાવીએ છીએ કે ઑઇલના અકાર્બનિક મૂળ વિશેની થિયરીઓની સફળ ચકાસણી કરવામાં આવી નથી અને એ થિયરી મુજબ પ્રયોગશાળામાં હાઇડ્રોકાર્બનનું ઉત્પાદન કરી શકાયું નથી.”

એક છેલ્લો સવાલ
પેટ્રોલિયમની ઉત્પત્તિની કાર્બનિક થિયરી સૌથી વધુ સ્વીકૃત હોવાથી કેટલાક વાચકો તેમની જાતને આ સવાલ કદાચ પૂછી શકે.
મેસોઝોઇકમાં ઑઇલનું સર્જન થયું એ જ સમયે ડાયનાસોર જીવંત હોય તો એવું બની શકે કે ડાયનાસોરના અવશેષો, તેમના કાર્બનિક પદાર્થો સમુદ્ર અથવા ખારા પાણીના સરોવરોને તળિયે પહોંચ્યા હોય, તેમના પર સંકોચન તથા રૂપાંતરની પ્રક્રિયા થઈ હોય અને તેમાંથી ઑઇલ બન્યું હોય.
ઉનામના નિષ્ણાતોએ કહ્યું હતું કે, “ઑઇલની ઉત્પત્તિમાં અનેક કાર્બનિક પદાર્થ સંકળાયેલા હોઈ શકે એવું અમે નિશ્ચિત રીતે કહી શકીએ. અલબત્ત, તેની સાથે એ ઉલ્લેખ પણ જરૂરી છે કે ઑઇલની ઉત્પત્તિ બહુ નાજુક પ્રક્રિયા છે અને તેમાં બહુ મોટા પ્રમાણમાં દ્રવ્યની જરૂર પડે છે. તે સમુદ્રમાંના પ્લાન્કટોનના જંગી જથ્થાને કારણે જ શક્ય હતું. તેથી ઑઇલની ઉત્પત્તિ વિશેની અન્ય થિયરીઓ ખાસ મહત્ત્વની નથી.”














