You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2024 વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર સામે આવ્યા ત્યારે શું થયું?
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી મૅચમાં કોલકત્તા નાઈટરાઇડર્સે (કેકેઆર) પીછો સાત વિકેટે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામે આસાન વિજય મેળવ્યો હતો.
કેકેઆરે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
આરસીબીએ પ્રથમ બૅટિંગ કરતા 20 ઑવરના અંતે છ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 83 રન બનાવ્યા હતા. તેમને 59 બૉલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 140.68ની સ્ટ્રાઇક રેટ સાથે 83 રન ફટકાર્યા. જોકે, તેમને બીજા કોઈ બૅટ્સમૅનનો સાથ ન મળ્યો. જ્યારે કેકેઆર તરફથી આન્દ્રે રસેલ અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ ઝડપી અને સુનિલ નારાયણને એક સફળતા મળી હતી.
કેકેઆરે 183 રનના ટાર્ગેટનો પીછો કરતા આક્રમક શરૂઆત કરી અને સુનિલ નારાયણે ઑપનિંગ કરતા 22 બૉલમાં પાંચ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 213.64ની સ્ટ્રાઇક રેટથી 47 રન ફટકાર્યા. આ ઉપરાંત વેંકટેશ ઐય્યરે પણ માત્ર 30 બૉલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારીને ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું.
તેની આક્રમક બૅટિંગ અને બૉલિંગમાં મળેલી સફળતાને લીધે સુનિલ નારાયણને 'પ્લેયર ઑફ ધી મૅચ'નો ખિતાબ એનાયત કરવામા આવ્યો હતો.
જોકે આ મુકાબલામાં ચાહકોની નજર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પર હતી.
ગયા વર્ષે રમાયેલી આઈપીએલ ટુર્નામેન્ટ દરમિયાન બન્ને વચ્ચે લાઇવ ટીવી પર મેદાનમાં એકબીજા સામે બોલાચાલી કરતા જોવા મળ્યા હતા. આઈપીએલે બન્નેને દંડ પણ ફટકાર્યો હતો.
ગઈકાલે રમાયેલી મૅચમાં બન્ને વચ્ચે એવું શું થયું કે સોશિયલ મીડિયા પર લોકો તેની ચર્ચા કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરસીબી અને કેકેઆર રમાયેલી મૅચ દરમિયાન લેવાયેલા પહેલા સ્ટ્રૅટેજિક ટાઇમ-આઉટ દરમિયાન ગંભીર અને કોહલી એકબીજાને ગળે મળતા અને હાથ મિલાવતા જોવા મળ્યા.
કોહલીએ તે દરમિયાન પોતાના આઈપીએલ કરિયરની 52મી અડધી સદી ફટકારી દીધી હતી.
આઈપીએલ 2023 દરમિયાન બન્ને વચ્ચે થયેલી બોલાચાલી પછી પ્રેક્ષકોએ આજે જે જોયું ત્યાર પછી બધા લોકોએ બન્ને દિગ્ગજો વચ્ચે થયેલા સમાધાન પર રાજીપો વ્યકત કર્યો.
ગયા વર્ષે આઈપીએલમાં શું થયું હતું?
ગયા વર્ષે 1 મેનાં રોજ આરસીબી અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે રમાયેલા મુકાબલા પછી ચર્ચા મૅચનાં પરિણામ વિશે ઓછી અને મેદાનમાં કોહલી અને ગંભીર વચ્ચે થયેલી બોલાચાલી વિશે થઈ હતી.
આરસીબીના કૅપ્ટન અને લખનઉનાં મૅન્ટર ગંભીર મેદાન પર એકબીજા સામે ઉગ્ર બોલાચાલી કરતા નજરે ચડ્યા.
બન્ને વચ્ચે શું થયું હતું તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. જોકે, આઈપીએલે બન્નેની 100 ટકા મૅચ ફીનો દંડ ફટકાર્યો હતો.
આઈપીએલના મૅનેજમૅન્ટે કહ્યું હતું કે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બન્નેએ આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપોનો સ્વીકાર કર્યો છે.
આ ઉપરાંત લખનઉ તરફથી રમી રહેલા અફઘાનિસ્તાનના ખેલાડી નવીવ-ઉલ-હક્ક પર પણ 50 ટકા મૅચ ફીનો દંડ ફટકાર્યો હતો.
તે દિવસે મૅચ પૂર્ણ થયા પછી કોહલી લખનઉનાં બૅટ્સમૅન કાઇલ માયર્સ સાથે ચાલતા નજરે જોવા મળ્યા હતા. વીડિયોમાં માયર્સ તેમને કંઈક કહેતા જોવા મળે છે અને કોહલી પણ તેનો જવાબ આપે છે.
આ દરમિયાન ગૌતમ ગંભીર ત્યાં આવે છે અને માયર્સનો હાથ પકડીને તેને લઈ જાય છે.
જોકે, થોડાક આગળ ચાલ્યા પછી ગૌતમ ગંભીર પાછળ ફરીને કંઈક કહેવાની કોશિશ કરવા લાગ્યા. ત્યારપછી તેઓ વિરાટ કોહલીની નજીક જઈને કંઈક બોલે છે. કોહલી તેમને (ગંભીરને) સમજાવા માટે તેમના ખભા પર હાથ રાખે છે.
ગંભીર અને કોહલી બન્ને બોલાચાલી કરતા નજરે આવે છે ત્યારે અમિત મિશ્રા વચ્ચે આવે છે અને બન્નેને અલગ કરવાની કોશિશ કરે છે.
આ બોલાચાલીના આ મૂળિયાં એ મૅચ દરમિયાન જ પડી ગયાં હતાં. લખનઉની ઇનિંગની 16મી ઑવર પછી નવીન-ઉલ-હક્ક અને કોહલી વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે અમિત મિશ્રા અને અંપાયરે મામલો શાંત પાડ્યો હતો.
ઘર્ષણનો ઇતિહાસ
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાનમાં બોલાચાલીનો ઇતિહાસ રહ્યો છે. બન્ને દિલ્હીની રણજી ટીમના ખેલાડી રહ્યા છે. પરંતુ આઈપીએલમાં વિરોધી ટીમનાં કૅપ્ટન અથવા ખેલાડીરૂપે એકબીજાની સામે રમતા રહ્યા છે.
આ બન્ને ખેલાડીઓ વચ્ચે 2013ની આઈપીએલ દરમિયાન બોલાચાલી થઈ હતી જ્યારે કોહલી આરસીબીના કૅપ્ટન હતા અને ગંભીક કેકેઆરની આગેવાની કરી રહ્યા હતા.
બન્ને વચ્ચે મૅચ દરમિયાન બોલાચાલી થઈ હતી અને એકબીજાને ધક્કો પણ આપ્યો હતો.
બન્નેને ટીમના અન્ય ખેલાડીઓએ છુટા પાડ્યા, પરંતુ ટીવી પર કરોડો પ્રેક્ષકોએ બે દિગ્ગજ ખેલાડીઓને બાળકોની જેમ ઝઘડતા જોયા.
ત્રણ વર્ષ પછી 2016માં કેકેઆરે આરસીબી સામે 183 રન ફટકાર્યા તેમ છતાં નવ વિકેટે હાર્યાં. કોહલી એ સિઝનમાં જબરદસ્ત ફૉર્મમાં હતા અને 900થી વધારે રન ફટકાર્યા હતા.
તે મૅચની 19મી ઑવર દરમિયાન ગંભીર એટલી હદે નિરાશ થઈ ગયા હતા કે બૅટ્સમૅને રન પૂરો કરી લીધો હોવા છતાં નૉન સ્ટ્રાઈકર તરફ તેમને બૉલ ફેંક્યો જ્યાં કોહલી ઊભા હતા. બન્ને વચ્ચે ફરી એકવખત બોલાચાલી થઈ હતી.
આ મૅચ દરમિયાન બન્ને ટીમના ખેલાડીઓ એકબીજા વિરુદ્ધ સ્લેજિંગ કરતા જોવા મળ્યા હતા.
જોકે ગંભીર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ કોહલીનું સમ્માન કરે છે અને તેઓ જાણે છે કે કોહલી મેદાન પર તેમની જેમ આક્રમક મિજાજ રાખે છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર મુફદ્દલ વોહરાએ ગઈકાલના મૅચની વાઇરલ તસવીર પોસ્ટ કરીને લખ્યું કે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ગળે મળ્યા.
જૉન્સે એ વિડિયો શેર કર્યો જેમાં બન્ને એકબીજાને ગળે મળતા અને વાત કરતા જોવા મળે છે.
અન્ય એક યૂઝર પરીએ લખ્યું કે મારા માટે આ સિનેમા છે.
જૉય ભટ્ટાચાર્યાએ લખ્યું, “મને લાગે છે કે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરે જે રીતે મેદાન પર ઉષ્માપૂર્ણ વ્યવહારનો પરિચય આપ્યો જે તેમના ચાહકો માટે સારો સંદેશ છે.”
સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝરોએ ગયા વર્ષની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.