You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બેંગ્લોરે દિલ્હીને કેવી રીતે હરાવ્યું અને સ્મૃતિ મંધાનાએ વિરાટ કોહલી માટે કેમ દબાણ વધારી દીધું?
રૉયલ ચેલન્જર્સ બેંગ્લોરની ટીમ તાતા વીમેન્સ પ્રિમિયર લીગના બીજા એડિશનમાં ચૅમ્પિયન બની ગઈ છે, જ્યારે પુરુષ ટીમ ગત 16 વર્ષમાં ચૅમ્પિન બની શકી નથી.
રવિવારે રમાયેલી ફાઇનલમાં બેંગ્લોરે દિલ્હીને આઠ વિકેટથી હરાવીને ટ્રૉફી પર કબજો કરી લીધો.
આ પહેલાં ક્રિકેટ પંડિતોએ દિલ્હીની ટીમને મજબૂત ગણાવી હતી અને દાવ પણ દિલ્હી કૅપિટલ્સ પર લાગેલો હતો. કેમ કે મૅગ લેનિંગની કરિશ્માઈ કૅપ્ટનશિપમાં દિલ્હીની ટીમ આઠ મૅચમાંથી બાર અંકો સાથે લીગ ટેબલમાં ટોચ પર હતી.
આ ઉપરાંત દિલ્હીની ટીમ ગત ચાર મુકાબલામાં આરસીબી સામે ક્યારેય હારી નહોતી.
બીજી તરફ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ઉતાર-ચઢાવવાળા પ્રદર્શન બાદ લીગ મુકાબલામાં ત્રીજા નંબરે રહી હતી. જોકે, સૌથી વધારે જરૂર પડી ત્યારે સ્મૃતિ મંધાનાની ટીમે નિરાશ ના કર્યા.
શુક્રવારે એલિમિનેટરમાં ગત ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને પાંચ રનથી હરાવી દીધું અને ફાઇનલમાં તમામ ક્રિકેટ પંડિતોને ખોટા સાબિત કરતાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખિતાબ પર પણ કબજો કરી લીધો.
દિલ્હી કેપિટલ્સની ટીમ ટુર્નામૅન્ટની પહેલી સિઝનમાં પણ ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ગત વખતે એ મુંબઈથી સાત વિકેટે હારી હતી.
દિલ્હીએ ટૉસ જીત્યો
દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ દર્શકોથી ખચોખચ ભરાયેલું હતું. દિલ્હી કૅપિટલ્સનાં કૅપ્ટન મૅગ લેનિંગે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં કૅપ્ટન સમૃતિ મંધાનાએ ટૉસ જીત્યા બાદ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે પણ પ્રથમ બેટિંગ જ કર્યું હોત.
મૅગ લેનિંગ અને શેફાલી વર્માએ દિલ્હીને સારી શરૂઆત અપાવી હતી. બન્નેએ પાવર પ્લેમાં 10.17ના રનરેટથી 61 રન ઉમેર્યા હતા.
એવું લાગ્યું કે આ વખતે સૌથી દમદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચેલી ટીમ એક મોટો સ્કોર ઊભો કરી લેશે.
સોફીની ખતરનાક ઓવર
જોકે, એ બાદ મૅચમાં વળાંક આવ્યો. સોફી મૉલિકનેક્સે એક જ ઓવરમાં ત્રણ વિકેટ લીધી અને દિલ્હીની બેટિંગ લાઇનની કમર તોડી નાખી. એ સાથે જ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મૅચમાં જબરદસ્ત વાપસી થઈ ગઈ.
ઇનિંગની આઠમી ઓવરમાં સોફીએ લેનિંગ અને શેફાલીની ખતરનાક બની રહેલી ભાગીદારીને તૂટી ગઈ.
શેફાલી વર્માએ 27 બૉલમાં 44 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. એક બૉલ બાદ સોફી અને જેમિમા રોડ્રિગ્સને શૂન્ય રને આઉટ કરી દીધાં અને એ પછીના બૉલ પર કેપ્સી પણ એમનો શિકાર બની ગયાં.
આ રીતે 64 રના સ્કોર પર ત્રણ વિકેટ જતી રહી અને પત્તાંના મહેલની માફક ઇનિંગ તૂટી ગઈ.
શ્રેયંકા પાટીલે કૅપ્ટન મૅગ લેનિંગને 23 પર પવેલિનય મોકલી દીધાં. આ રીતે દિલ્હી કૅપિટલની ઇનિંગ ડામાડોળ થવા લાગી અને આશા શોભનાએ એક જ ઓવરમાં ઑલરાઉન્ડર મારિઝેન કપ્પ અને જેસ જોનાસેનની વિકેટ લીધી.
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં બૉલરોએ દિલ્હીની ઇનિંગને 9 બૉલ રહેતાં માત્ર 113 રન પર સમેટી દીધી. નવ વિકેટ સ્પિનરોના હાથે આવી.
બેંગ્લોરની ઇનિંગ કેવી રહી?
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં કૅપ્ટન સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઇનને 114 રનની પીછો એકદમ સાવચેતી સાથે કર્યો. પાવર પ્લેમાં માત્ર 25 જ બની શક્યા પણ વિકેટ એક પણ ના પડી.
કીવી બૅટર સોફી ડિવાઇન અને રાધા યાદવે એક જ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સહિત 18 રન બનાવીને રનરેટ વધારવાનો પ્રયાસ કર્યો.
શિખા પાંડેએ દિલ્હી કૅપિટલને પ્રથમ અને મહત્ત્વની સફળતા અપાવી. ડિવાઇન 32 રન બનાવીને આઉટ થયાં. એ વખતે સ્કોર માત્ર 49 રન જ હતો.
ઍલિસ પેરી વિજયનાં નાયિકા
મંધાના અને ઑલરાઉન્ડર પેરીએ 33 રન જોડીને સ્કોર 82 સુધી પહોંચાડી દીધો. મિન્નુ માનીએ મંધાનાની મોટી વિકેટ હાંસલ કરીને મૅચમાં રોમાંચ લાવી દીધો. સ્મૃતિએ આઉટ થતાં પહેલાં 31 રન બનાવ્યાં.
ટીમને વિજય માટે હજુ પણ 30 બૉલ પર 32 રન બનાવવાના હતા. અનુભવી ઍલિસ પેરીએ ઋચા ઘોષ સાથે મળીને ત્રણ બૉલ બાકી હતા ત્યારે જ વિજય હાંસલ કરી લીધો.
ઑલ રાઉન્ડર ઍલિસ પેરીએ આરસીબીની સફળતામાં સૌથી મોટી ભૂમિકા ભજવી. ટુર્નામૅન્ટમાં સૌથી વધારે 347 રન બનાવવા ઉપરાંત આ ઑસ્ટ્રેલિયન ખેલાડીએ બૉલિંગથી પણ સૌને પ્રભાવિત કર્યા અને સાત વિકેટ લીધી.