1962થી ગુમ થયેલાં મહિલા 'સ્વસ્થ' અવસ્થામાં કેવી રીતે મળી આવ્યાં?

    • લેેખક, માઈક વેન્ડલિંગ
    • પદ, બીબીસી ન્યૂઝ, શિકાગોથી

અમેરિકાના વિસ્કૉન્સિન રાજ્યની પોલીસે જણાવ્યું હતું કે લગભગ 63 વર્ષથી ગુમ થયેલાં એક મહિલા જીવંત અને સ્વસ્થ અવસ્થામાં મળી આવ્યાં છે.

ઑડ્રે બૅકબર્ગ નામનાં આ મહિલા 20 વર્ષની વયે રીડ્સબર્ગ નામના નાના શહેરમાંથી 1962ની સાતમી જુલાઈએ ગુમ થઈ ગયાં હતાં.

સૌક કાઉન્ટી શેરિફ ચિપ મિસ્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઑડ્રે બૅકબર્ગ "કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે ભેદી કારણસર નહીં, પરંતુ તેમની મરજીથી ગુમ થયાં હતાં."

ઑડ્રે બૅકબર્ગ વિસ્કૉન્સિનની બહાર રહેતાં હતાં, એમ શેરિફે જણાવ્યું હતું, પરંતુ બીજી કોઈ વિગત આપી ન હતી.

વિસ્કૉન્સિન મિસિંગ પર્સન્સ ઍડવોકસી નામના એક સ્વયંસેવી સંગઠનના જણાવ્યા મુજબ, ઑડ્રે બૅકબર્ગ પરિણીત હતાં અને ગુમ થયાં ત્યારે તેમને બે સંતાન હતાં.

હાલ 82 વર્ષનાં ઑડ્રે બૅકબર્ગે તેઓ ગુમ થયાના થોડા દિવસ પહેલાં તેમના પતિ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તેઓ 15 વર્ષનાં હતાં ત્યારે તેમણે એ પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે પતિએ ઑડ્રેને માર માર્યો હતો અને તેમને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ઑડ્રે બૅકબર્ગ એક વૂલન મિલમાં કામ કરતાં હતાં અને ગુમ થયાં એ દિવસે તેઓ મિલમાંથી પોતાનો પગાર લેવા ઘરેથી નીકળ્યાં હતાં.

આ દંપતીનાં સંતાનોની સંભાળ રાખતી 14 વર્ષની એક છોકરીએ પોલીસને જણાવ્યું હતું કે તે તથા ઑડ્રે બૅકબર્ગ વિસ્કૉન્સિન રાજ્યની રાજધાની મેડિસન ગયાં હતાં અને ત્યાંથી આશરે 480 કિલોમીટર દૂર આવેલા ઇન્ડિયાનાપોલીસ જવા માટે બસ પકડી હતી.

એ પછી 14 વર્ષની છોકરી ગભરાઈ ગઈ હતી. એ ઘરે પાછી ફરવા ઇચ્છતી હતી, પરંતુ ઑડ્રે બૅકબર્ગે ઇનકાર કર્યો હતો. છેલ્લે તેઓ ચાલીને બસ સ્ટૉપથી દૂર જતા જોવા મળ્યાં હતાં.

સૌક કાઉન્ટી શેરિફ ઑફિસે જણાવ્યું હતું કે આ કેસમાં તપાસકર્તાઓએ અસંખ્ય કડીઓના તાણાવાણા જોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ કેસને અભેરાઈ પર ચડાવી દેવામાં આવ્યો હતો. પ્રસ્તુત કેસની વ્યાપક સમીક્ષા આ વર્ષની શરૂઆતમાં હાથ ધરવામાં આવી હતી.

ડિટેક્ટિવ આઇઝેક હેન્સે ઑડ્રે બૅકબર્ગના ગુમ થવાનો ભેદ ઉકેલ્યો હતો. આઇઝેક હૅન્સને સ્થાનિક ન્યૂઝ સ્ટેશન ડબલ્યુઆઈએસએનને જણાવ્યું હતું કે ઑડ્રે બૅકબર્ગને શોધવામાં તેમનાં બહેનનું ઑનલાઇન વંશાવળી અકાઉન્ટ મહત્ત્વપૂર્ણ સાબિત થયું હતું.

આઇઝેક હૅન્સને જણાવ્યું હતું કે ઑડ્રે બૅકબર્ગ હાલ જ્યાં રહે છે તે વિસ્તારના શેરિફનો તેમણે સંપર્ક કર્યો હતો અને શ્રીમતી બૅકબર્ગ સાથે ફોન પર 45 મિનિટ સુધી વાત કરી હતી.

આઇઝેક હૅન્સને ડબલ્યુઆઈએસએનને કહ્યું હતું, "મને લાગે છે કે શ્રીમતી બૅકબર્ગે તેમની જૂની ઓળખ લગભગ ખતમ કરી નાખી હતી. જૂની ઓળખને ભૂલીને આગળ વધી ગયાં હતાં અને પોતાની રીતે જીવન જીવતાં હતાં. તેઓ ખુશ દેખાતા હતાં. તેમને તેમના નિર્ણય પર ભરોસો હતો. કોઈ અફસોસ ન હતો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન