ફ્રાન્સ પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશનો દરજ્જો આપશે, અમેેરિકા અને ઇઝરાયલ નારાજ, આનાથી શું બદલાશે?

ગાઝામાં ભૂખમરાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફ્રાન્સે પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાની ઘોષણા કરતાં અન્ય પશ્ચિમી દેશો પર પણ ફ્રાન્સને પગલે ચાલવા દબાણ વધ્યું છે.

બ્રિટનની કિઅર સ્ટાર્મર સરકાર પર તેના જ સાંસદો તરફથી દબાણ વધ્યું છે. ઘણા લેબર પાર્ટીના સાંસદો પણ આમ જ ઇચ્છે છે અને શુક્રવારે સવારે વિદેશ બાબતોની કમિટીએ પણ પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશ તરીકેની તાત્કાલિક માન્યતા માટે અપીલ કરી છે.

બ્રિટિશ વડા પ્રધાને કહ્યું છે કે તેઓ ઇમેનુએલ મૅક્રોં અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે વાત કરશે. અહીં એ વાતનો સંકેત છે કે ગાઝાની પરિસ્થિતિ અંગે ચિંતા વધી રહી છે.

પરંતુ ઇઝરાયલના મુખ્ય સમર્થકો, અમેરિકા અને બ્રિટન સહિત તેના સાથી દેશોએ હજુ સુધી પેલેસ્ટાઇનને માન્યતા આપી નથી.

'આતંકવાદને ઇનામ'

ફ્રાન્સની તાજેતરની જાહેરાતનો ઇઝરાયલ અને અમેરિકાએ વિરોધ કર્યો છે.

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ પગલાંની ટીકા કરતાં કહ્યું કે આ જાહેરાત 'આતંકવાદને ઇનામ' આપવા જેવી છે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું , "સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની ઇમેન્યુએલ મૅક્રોંની યોજનાને અમેરિકા સખત રીતે નકારી કાઢે છે."

તેમણે લખ્યું, "આ બેજવાબદાર નિર્ણય હમાસના પ્રચારને પ્રોત્સાહન આપે છે અને અશાંતિમાં વધારો કરશે. આ નિર્ણય 7 ઑક્ટોબર હુમલાના પીડિતોનાં મોં પર એક લપડાક છે."

દરમિયાન, ફ્રાન્સમાં અમેરિકાના રાજદૂત ચાર્લ્સ કુશનરે ઍક્સ પર લખ્યું , "પેલેસ્ટાઇનને માન્યતા આપવાનો ફ્રાન્સનો નિર્ણય હમાસ માટે ભેટ છે અને શાંતિ પ્રક્રિયા માટે એક આંચકો છે. હું હમણાં જ અહીં આવ્યો છું અને ખૂબ જ નિરાશ છું. રાષ્ટ્રપતિ મૅક્રોં, મને આશા છે કે હું સપ્ટેમ્બર પહેલા તમારો અભિપ્રાય બદલી શકીશ. બંધકોને મુક્ત કરો. યુદ્ધવિરામ પર ધ્યાન આપો. કાયમી શાંતિનો આ એકમાત્ર રસ્તો છે."

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૅક્રોંએ શું કહ્યું?

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૅક્રોંએ કહ્યું છે કે તેમનો દેશ આ વર્ષે સપ્ટેમ્બરમાં પેલેસ્ટાઇનને સત્તાવાર રીતે માન્યતા આપશે.

"આજે સૌથી તાત્કાલિક જરૂરિયાત ગાઝામાં યુદ્ધનો અંત લાવવાની અને નાગરિકોને બચાવવાની છે, " રાષ્ટ્રપતિ મૅક્રોંએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું . "શાંતિ શક્ય છે. તાત્કાલિક યુદ્ધવિરામની, બધા બંધકોને મુક્ત કરવા અને ગાઝાના લોકોને મોટા પાયે માનવતાવાદી સહાયની જરૂર છે."

ગુરુવારે પોતાની પોસ્ટમાં, મૅક્રોંએ લખ્યું, "મધ્ય પૂર્વમાં ન્યાયપૂર્ણ અને સ્થાયી શાંતિ માટે મારી ઐતિહાસિક પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, મેં નિર્ણય લીધો છે કે ફ્રાન્સ પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે."

તેમણે કહ્યું, "આપણે હમાસનું અસૈન્યકરણ (હથિયારોથી મુક્ત), તેમજ ગાઝાની સુરક્ષા અને પુનર્નિર્માણ સુનિશ્ચિત કરવું જોઈએ."

જોકે, બીબીસી યુરોપના ડિજિટલ ઍડિટર પૉલ કિર્બીના જણાવ્યા અનુસાર, ફ્રાન્સના ડાબેરી અને મધ્યમપંથી પક્ષોએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે, જ્યારે જમણેરી પક્ષોએ કોઈ નિવેદન આપ્યું નથી.

પરંતુ જમણેરી નૅશનલ રૅલી પાર્ટીનાં નેતા મરીન લી પેને આ નિર્ણયને "રાજકીય અને નૈતિક ભૂલ" ગણાવી.

તેમણે કહ્યું, "હમાસને રાષ્ટ્ર તરીકે માન્યતા આપવી એ આતંકી રાષ્ટ્રને માન્યતા આપવા જેવું છે."

બીજી તરફ, પેલેસ્ટિનિયન અધિકારીઓએ મૅક્રોંના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

ફ્રાન્સ ની ઘોષણા કેમ મહત્ત્વની છે?

આવતા વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા મળશે, જ્યાં ફ્રાન્સ ઔપચારિક રીતે આ પગલું ભરશે.

ફ્રાન્સને આશા છે કે અન્ય શક્તિશાળી દેશો પણ તેનું અનુકરણ કરશે

યુરોપિયન યુનિયનમાં આવું પગલું ભરનાર ફ્રાન્સ સૌથી પ્રભાવશાળી દેશ છે.

જોકે, સ્વીડન, સ્પેન, આયર્લૅન્ડ અને સ્લોવેનિયા યુરોપિયન યુનિયનનો ભાગ રહીને પેલેસ્ટાઇનને માન્યતા આપી ચૂક્યાં છે.

કૉમ્યુનિસ્ટ શાસન હેઠળ પોલૅન્ડ અને હંગેરીએ 80ના દાયકામાં પેલેસ્ટાઇનને માન્યતા આપી હતી.

પેલેસ્ટાઇનને સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોમાંથી 140 થી વધુ દેશો દ્વારા માન્યતા આપવામાં આવી છે, જેમાં સ્પેન અને આયર્લૅન્ડ સહિત કેટલાક યુરોપિયન દેશો પણ સામેલ છે.

1988માં, ભારત પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપનારા પ્રથમ દેશોમાંનો એક બન્યો. 1996માં, ભારતે ગાઝામાં તેનું પ્રતિનિધિ કાર્યાલય ખોલ્યું, જે પાછળથી 2003માં રામલ્લાહ ખસેડવામાં આવ્યું.

પરંતુ ઇઝરાયલ, અમેરિકા અને બ્રિટન સહિત ઘણા પશ્ચિમી દેશોએ હજુ સુધી પેલેસ્ટાઈનને માન્યતા આપી નથી.

સ્પેન અને ઑસ્ટ્રેલિયા સમર્થનમાં, કતાર, સાઉદી અરેબિયાએ કરી અપીલ

સ્પેન, ઑસ્ટ્રેલિયા, કતાર, જોર્ડન અને સાઉદી અરેબિયાએ મૅક્રોંની જાહેરાતને ટેકો આપ્યો છે.

સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે ઍક્સ પર એક્સ પોસ્ટમાં લખ્યું, "ફ્રાન્સે માટે સ્પેન અને અન્ય યુરોપિયન દેશો સાથે જોડાઈને પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાનો નિર્ણય લીધો છે જેને હું આવકારું છું. નેતન્યાહૂ જે ઉકેલનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેનો આપણે સાથે મળીને બચાવ કરવો જોઈએ. દ્વિ-રાષ્ટ્ર સમાધાન જ એકમાત્ર રસ્તો છે,"

ગયા વર્ષે મે મહિનામાં, સ્પેન, આયર્લૅન્ડ અને નૉર્વેએ પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપી હતી.

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થોની અલ્બેનીઝે કહ્યું છે કે પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવી એ કાયમી શાંતિની એકમાત્ર ગૅરંટી છે.

ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, પીએમ અલ્બેનીઝે લખ્યું : "પેલેસ્ટિનિયન લોકોની પોતાની સ્વતંત્ર રાજ્યની કાયદેસરની આકાંક્ષાઓને માન્યતા આપવી એ ઑસ્ટ્રેલિયામાં લાંબા સમયથી એક ક્રૉસ-પાર્ટી સ્થિતિ રહી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વિ-રાષ્ટ્ર સમાધાનની માન્યતા આપે છે કારણ કે સ્થાયી શાંતિ તેના પર નિર્ભર છે."

"ઑસ્ટ્રેલિયા એવા ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે જ્યાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંનેના લોકો સુરક્ષિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સરહદોની અંદર શાંતિથી રહી શકે."

કતારે ફ્રાન્સની ઘોષણાનું સ્વાગત કર્યું છે અને અન્ય દેશોને પણ આ પગલું ભરવા અપીલ કરી છે.

કતારના વિદેશ મંત્રાલયે ઍક્સ પર એક નિવેદન બહાર પાડ્યું, જેમાં "જે દેશોએ હજુ સુધી પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપી નથી તેઓ ફ્રાન્સનું પાલન કરે અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને પેલેસ્ટિનિયન લોકોના તેમની ભૂમિ પરના અધિકારોના સમર્થનમાં આવે."

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું, "સાઉદી અરેબિયા ફ્રાન્સના આ ઐતિહાસિક નિર્ણયની પ્રશંસા કરે છે, જે પેલેસ્ટિનિયન લોકોના સ્વ-નિર્ણયના અધિકાર અને 1967ની સરહદોના આધારે પૂર્વ જેરુસલેમ સાથે એક સ્વતંત્ર રાષ્ટ્ર સ્થાપિત કરવાના તેમના અધિકાર પર આંતરરાષ્ટ્રીય સમુદાયની સર્વસંમતિને પુષ્ટિ આપે છે."

પેલેસ્ટાઇનને માન્યતા આપવાથી શું બદલાશે?

શું સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનને માન્યતા આપવાના રાષ્ટ્રપતિ મૅક્રોંના નિર્ણયથી કોઈ મોટો ફેરફાર થશે?

બીબીસીના આંતરરાષ્ટ્રીય સંપાદક જૅરેમી બોવેનના મતે, કદાચ તેઓ માને છે કે તેને કારણે 'દ્વિ-રાષ્ટ્ર સમાધાન'ના મુદ્દાને વધુ વેગ મળી શકે છે.

ઇઝરાયલે સ્પષ્ટપણે કહ્યું છે કે તે ક્યારેય પેલેસ્ટિનિયન રાજ્યને સ્વીકારશે નહીં.

વડા પ્રધાન નેતન્યાહૂનું વલણ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે પેલેસ્ટિનિયન રાજ્ય ઇઝરાયલના વિનાશ માટે લૉન્ચપેડ બનશે.

નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ જેવા અલ્ટ્રા-રાષ્ટ્રવાદી જમણેરી પક્ષના નેતાઓ, વર્તમાન પરિસ્થિતિનો ઉપયોગ એક નવું અભિયાન શરૂ કરવા માટે કરી રહ્યા છે, જેને તેઓ "એકપક્ષીય દબાણ સામે યહૂદી રાષ્ટ્રવાદી પ્રતિભાવ" તરીકે વર્ણવે છે.

સ્મોટ્રિચ માટે, આનો અર્થ એ છે કે ઇઝરાયલ જેને "જોડિયા અને સમરિયા" કહે છે તેના પર ઇઝરાયલી સાર્વભૌમત્વનો વિસ્તાર કરવો - જે આંતરરાષ્ટ્રીય સ્તરે વેસ્ટ બૅન્ક તરીકે ઓળખાય છે.

ઇઝરાયલના કટ્ટરપંથી જમણેરી નેતાઓ કબજા હેઠળના વેસ્ટ બૅન્કને ઇઝરાયલમાં ભેળવી દેવા માંગે છે.

સ્મોટ્રિચ અને તેમના સમર્થકો ઇચ્છે છે કે કબજા હેઠળના પ્રદેશોમાંથી પેલેસ્ટિનિયનોને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવે અને સમગ્ર પ્રદેશને યહૂદીઓ માટે ઇઝરાયલી સાર્વભૌમત્વ હેઠળ લાવવામાં આવે.

ગાઝામાં ભૂખમરાની સ્થિતિ

ગાઝામાં હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે કુપોષણને કારણે મરનારા લોકોની સંખ્યા મામલે એક નિવેદન જાહેર કર્યું છે.

હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અકાલ અને કુપોષણથી વધુ 9 મોત થઈ છે.

આ સાથે ભોજનની અછતને કારણે મરનારાં બાળકોની સંખ્યા 88 થઈ છે.

આ સપ્તાહના આરંભમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે 'ગાઝાની 21 લાખની વસ્તીમાં જરૂરી ચીજવસ્તુઓની આપૂર્તિની ગંભીરર કમી છે. કુપોષણ વધી રહ્યું છે અને ગાઝામાં ભૂખમરી દરેક દરવાજે મોં ફાડીને ઊભી છે.'

સંયુક્ત રાષ્ટ્ર પેલેસ્ટિનિયન શરણાર્થી એજન્સી (UNRWA)એ ચેતવણી આપી છે કે ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે.

એજન્સીએ જણાવ્યું હતું કે ગાઝામાં પાંચમાંથી એક બાળક કુપોષિત છે.

એજન્સીના વડા, ફેલિપ લાઝારિનીએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમારી ટીમે તપાસેલાં મોટાભાગનાં બાળકો પાતળાં અને નબળાં છે અને જો તેમને સારવાર ન મળે તો તેમનાં પર મૃત્યુનું જોખમ છે."

100 થી વધુ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી જૂથોએ ગાઝામાં વ્યાપક સ્તરે ભૂખમરાની ચેતવણી આપી છે. બુધવારે, વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું હતું કે ગાઝાની મોટી વસ્તી ભૂખમરાથી પીડાઈ રહી છે.

લાઝારિનીએ જણાવ્યું હતું કે, "જોર્ડન અને ઇજિપ્તમાં એજન્સી પાસે 6,000 ટ્રક ભરાઈ જાય એટલો ખોરાક અને મેડિકલ પુરવઠો છે, જેને ગાઝા મોકલવાની રાહ છે."

દરમિયાન, ઇઝરાયલે હમાસ સાથે યુદ્ધવિરામ પર વાટાઘાટ કરી રહેલી ટીમને પાછી બોલાવી લીધી છે અને થોડા દિવસો પહેલા જ દેઇર અલ-બલાહમાં જમીની કાર્યવાહી શરૂ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન