You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વ્હિસ્કીથી લઈને કાર સુધી, બ્રિટન સાથેના કરારથી ભારતને શું ફાયદો થશે
- લેેખક, પ્રવીણ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે છ અબજ પાઉન્ડની ફ્રી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.
આ સમજૂતી હેઠળ ભારતમાં બ્રિટિશ કાર અને વ્હિસ્કી સસ્તી થશે. જ્યારે બ્રિટનમાં ભારતીય કપડાં અને જ્વેલરી સસ્તાં ભાવે મળી શકશે.
ભારત અને બ્રિટન બંનેએ આ વ્યાપાર સંધિથી ફાયદો થવાની આશા વ્યક્ત કરી છે.
પરંતુ સવાલ એ છે કે આ ડીલથી વધારે ફાયદો કોને થશે?
વડા પ્રધાન મોદીએ બ્રિટન સાથે ટ્રેડ ડીલની સરાહના કરી છે.
તેમણે કહ્યું કે આ ડીલની મદદથી ભારતીય કપડાં, પગરખાં, જ્વેલરી, સી ફૂડ અને એન્જિનિયરિંગને લગતી ચીજોને બ્રિટનનાં બજારમાં વધુ સારી પહોંચ મળશે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આ વ્યાપાર સંધિથી ભારતમાં બ્રિટનમાં બનેલાં ઉત્પાદનોની પહોંચ વધશે. ભારતમાં મેડિકલ ડિવાઇસ અને ઍરોસ્પેસ પાર્ટ્સ વધારે કિફાયતી ભાવે મળવાં લાગશે.
પીએમ સ્ટામર્રે પણ આ ડીલને બ્રિટન માટે જીત ગણાવી છે. તેમણે કહ્યું કે આનાથી બ્રિટનમાં 2200થી વધારે નોકરીઓ પેદા થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંને દેશોના વડા પ્રધાનોએ ડિફેન્સ, શિક્ષણ, જળવાયુ અને ટૅક્નૉલૉજી ક્ષેત્રમાં સહયોગ વધારવા પર સહમતિ દર્શાવી છે.
ભારતને કેટલો ફાયદો થશે?
આ અઠવાડિયાની શરૂઆતમાં જ મોદી કૅબિનેટે ભારત-બ્રિટનની ટ્રેડ ડીલને મંજૂરી આપી હતી.
પરંતુ આ ડીલને હજુ બ્રિટનની સંસદની મંજૂરી મળવાની બાકી છે. તેને અમલમાં આવતા એક વર્ષનો સમય લાગી શકે છે.
ભારત-બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલ કરવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો છે.
દિલ્હીસ્થિત થિંક ટૅન્ક રિસર્ચ ઍન્ડ ઇન્ફૉર્મેશન સિસ્ટમ ફૉર ડેવલપિંગ કન્ટ્રીઝ (આઈઆરએસ)ના ડાયરેક્ટર બિશ્વજીત ધરનું માનવું છે કે બીજા વિકસીત દેશોની તુલનામાં ભારત, બ્રિટનની સાથે બહુ ઝડપથી આ ટ્રેડ ડીલ કરવામાં સફળ રહ્યું છે.
આ સમજૂતી થવામાં ત્રણ વર્ષ કેમ લાગ્યાં તેનું કારણ આપતા બિશ્વજીત ધર કહે છે કે "ભારતમાં ઘણા નાના ખેડૂતો અને વેપારી છે. તેઓ આ પ્રકારની ડીલથી અસુરક્ષા અનુભવી શકે છે. સરકારને તેમને સમજાવવામાં અને મનાવવામાં વધુ સમય લાગે છે. તેથી ભારતને બીજા દેશો સાથે વ્યાપાર સંધિ કરવામાં સમય લાગે છે."
બિશ્વજીત ધરે જણાવ્યું કે "બીજા મોટા દેશો સાથે ટ્રેડ ડીલમાં જે સમય લાગે તેની તુલનામાં આ ડીલમાં ઘણો ઓછો સમય લાગ્યો છે. યુરોપિયન યુનિયન સાથે આપણે 18 વર્ષથી ટ્રેડ ડીલ માટે પ્રયાસ કરીએ છીએ. મોટા દેશો સાથે ડીલ કરવામાં આપણને ઘણો સમય લાગી રહ્યો છે."
જોકે, સમજૂતી પ્રમાણે ભારતમાં બ્રિટનથી આયાત થતાં ઘણાં ઉત્પાદનો પર ઓછો ટેરિફ લાગશે. તેમાં કપડાં અને જૂતા સામેલ છે.
આ ડીલના કારણે ભારતથી બ્રિટનમાં નિકાસ થતા ખાદ્યપદાર્થો અને ફ્રોઝન પ્રોન્સ પર લાગતો ટેરિફ પણ ઘટશે.
આ ઉપરાંત કારની નિકાસ પર ઓછો ટેરિફ લાગશે. આ ડીલના કારણે ભારતનાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને બ્રિટનનાં બજારમાં પ્રવેશ મળવાની આશા છે.
બ્રિટન ભારતમાંથી દર વર્ષે લગભગ 11 અબજ પાઉન્ડ (લગભગ 1285 કરોડ રૂપિયા)ના માલની આયાત કરે છે.
ટેરિફ ઘટવાથી બ્રિટનમાં ભારતીય નિકાસ સસ્તી પડશે. નિષ્ણાતો કહે છે કે ટ્રેડ ડીલ પછી બ્રિટનમાં ભારતથી આયાત વધી શકે છે.
ICRA લિમિટેડનાં ચીફ ઇકૉનૉમિસ્ટ અદિતિ નાયરના મતે, ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA)થી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાની અપેક્ષા છે.
તેમણે કહ્યું કે, "છેલ્લા દાયકામાં બ્રિટન સાથે ભારતનો વેપાર સરપ્લસ નજીવો વધ્યો છે. એફટીએથી કાપડ, ધાતુ, કૃષિ ઉત્પાદનો, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો, રમતગમતનાંં સામાન અને ચામડા સહિત વિવિધ ક્ષેત્રોમાં નિકાસની તકોમાં વધારો કરશે."
"ટેરિફમાં ઘટાડાથી ભારતીય ગ્રાહકોને ફાયદો થશે. મેટલ, ઑટોમોબાઈલ, ફાર્માસ્યૂટિકલ્સ, આલ્કોહૉલિક પીણાં અને કૉસ્મેટિક ક્ષેત્રો સાથે સંકળાયેલા ભારતીયોને પણ આનો ફાયદો થશે."
ભારતમાં રોજગારી વધશે?
ભારતમાંથી બ્રિટનમાં સોના-હીરાનાં ઝવેરાત, કપડાં અને ચામડાની ચીજવસ્તુઓની આયાત પર કોઈ ટેરિફ લગાવવામાં નહીં આવે. બ્રિટન ભારતીય બાસમતી ચોખા, ઝીંગા, મસાલા અને ચા પરની આયાત ડ્યૂટી પણ ઘટાડશે. આનાથી ભારતીય નિકાસકારોની બ્રિટિશ બજારોમાં પહોંચ વધશે.
બિશ્વજીત ધર કહે છે કે ભારત આ ટ્રેડ ડીલમાંથી ઘણા ફાયદાની આશા રાખે છે.
તેમણે કહ્યું કે, "બ્રિટને ભારત સાથેની નિકાસ લગભગ બંધ કરી દીધી છે. રમકડાં અને કપડાં સંબંધિત ક્ષેત્રોમાં ભારતને ફાયદો થવાની અપેક્ષા છે. આ ક્ષેત્રોમાં નિકાસ વધવાની અપેક્ષા છે. તેનાથી રોજગાર વધશે. આ આપણી સૌથી મોટી જરૂરિયાત છે. કારણ કે રોજગારી નહીં વધે ત્યાં સુધી આવકમાં વધારો નહીં થાય."
જોકે, અર્થશાસ્ત્રી શરદ કોહલી માને છે કે ભારતને આ ડીલથી કેટલો ફાયદો થશે તે કહેવું હજુ ઉતાવળું ગણાશે.
તેમણે કહ્યું, "આ સમજૂતી થઈ ગઈ છે. પરંતુ હવે તેને બ્રિટિશ સંસદમાં પસાર કરાવવી પડશે. ત્યાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાંનો વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે. બ્રિટિશ અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી. ત્યાં લોકો સામાન નથી ખરીદી રહ્યા, કારણ કે તેમની પાસે ખરીદી માટે નાણાં નથી."
સર્વિસ સેક્ટરમાં કેવી અસર પડશે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેડ ડીલથી બંને દેશોના સર્વિસ સેક્ટરને ફાયદો થવાની આશા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે, "આ સોદો બંને દેશોના સર્વિસ સેક્ટરને ફાયદો કરાવશે. ખાસ કરીને ટૅક્નૉલૉજી અને નાણાકીય ક્ષેત્રોમાં. આનાથી વેપાર સરળ બનશે અને વ્યવસાય કરવાનો ખર્ચ પણ ઘટશે. આ સમજૂતી બંને દેશોમાં રોકાણ વધારશે અને રોજગારની નવી તકો ઊભી કરશે."
અદિતી નાયર મુજબ ભારતને બ્રિટનના સર્વિસ સેક્ટર, ખાસ કરીને આઈટી અને એજ્યુકેશન સેક્ટરમાં ફાયદો મળશે. બ્રિટનની આ ક્ષેત્રોની પ્રતિબદ્ધતાથી ભારતને લાભ મળશે.
તેમણે કહ્યું કે, "ભારતીય શ્રમિકોને ત્રણ વર્ષ માટે સોશિયલ સિક્યૉરિટીની ચૂકવણીમાંથી છૂટ મળવાની આશા છે. આ ઉપરાંત આ ડીલથી બ્રિટનમાં ભારતીય કૉર્પોરેટ્સને પણ ઘણો ફાયદો થવાની આશા છે."
જ્યારે બિશ્વજીત ધર કહે છે કે "ભારતીય શ્રમિકોને ત્રણ વર્ષ માટે સોશિયલ સિક્યૉરિટીની ચૂકવણીમાં છૂટ મળવાથી તેમનો ખર્ચ ઘટશે. તેથી ત્યાં જનારા અથવા ત્યાં વસતા ભારતીયોને ફાયદો થઈ શકે છે."
"બ્રિટનનું સર્વિસ સેક્ટર ઘણું મોટું છે. બ્રિટન ઇચ્છે છે કે વધુ ભારતીયો ત્યાંના સર્વિસ સેક્ટરમાં કામ કરે. મને આશા છે કે ટ્રેડ ઍગ્રીમેન્ટથી ભારતીય યુવાનોને ત્યાં નોકરી મળશે."
શું બ્રિટનને ફાયદો થશે?
બ્રિટિશ સરકારને આશા છે કે ઘણાં વર્ષો પછી થયેલી આ ડીલથી યુકેના અર્થતંત્રને 4.8 અબજ પાઉન્ડ એટલે કે લગભગ 560 અબજ રૂપિયાનો ફાયદો થઈ શકે છે.
ભારત બ્રિટનથી થતી આયાત પર સરેરાશ 15 ટકા ટેરિફ વસુલતું હતું, જે આ સોદા પછી ઘટીને ત્રણ ટકા થશે. ટેરિફમાં ઘટાડાને કારણે, બ્રિટિશ કંપનીઓ માટે ભારતમાં વ્યવસાય કરવાની વધુ તકો ઊભી થશે.
અગાઉ, બ્રિટનથી ભારતમાં વ્હિસ્કીની આયાત પર 150 ટકા ટેરિફ હતો, જે હવે ઘટાડીને 75 ટકા કરવામાં આવશે. આનાથી બ્રિટિશ કંપનીઓને અન્ય વિદેશી કંપનીઓની તુલનામાં ભારતમાં વ્હિસ્કી વેચવામાં ફાયદો થઈ શકે છે.
આ વેપાર ડીલથી બ્રિટનને કેવી રીતે ફાયદો થશે તે સવાલના જવાબમાં વિશ્વજીત ધર કહે છે, "અર્થતંત્રની દૃષ્ટિએ, બ્રિટન ભારતથી પાછળ પડી ગયું છે. બ્રિટિશ અર્થતંત્રને આગળ વધારવું હોય તો તેને એક મોટા બજારની જરૂર છે."
તેઓ કહે છે, "ચીન સિવાય ભારત જેટલું મોટું બજાર કોઈ નથી. બ્રિટનને ઘણાં ક્ષેત્રોમાં ફાયદો થવાનો છે. આ ડીલથી બ્રિટનના ઑટોમોબાઇલ ક્ષેત્રને સૌથી વધુ ફાયદો થશે."
કોઈ ત્રીજા દેશને નુકસાન થશે?
આ વર્ષની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાનું રાષ્ટ્રપતિપદ સંભાળ્યું, ત્યારથી દુનિયામાં ટ્રેડ વૉરની શરૂઆત થઈ છે.
શરદ કોહલીનું માનવું છે કે ટ્રેડ વૉરના કારણે જ ભારત અને બ્રિટન વચ્ચે ઝડપથી ટ્રેડ ડીલ થઈ છે.
તેમણે કહ્યું કે, "ટ્રમ્પે ટ્રેડ વૉર શરૂ કર્યું તેનાથી દુનિયાના અર્થતંત્રમાં ઉથલપાથલ મચી ગઈ છે. પરંતુ તેનો ફાયદો એ થયો કે બાકીના દેશો પોતાની ડીલ ઝડપથી પૂરી કરી રહ્યા છે. દુનિયાના બાકીના દેશોને લાગે છે કે અમેરિકા જે ધમકીઓ આપે છે, તેનાથી તેમને જે નુકસાન થાય છે તેની ભરપાઈ માટે બીજા દેશો સાથે ડીલ કરી શકાશે."
જાણકારોના મતે ભારત અને બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલની અસર ચીન પર પડી શકે છે.
શરદ કોહલીનું કહેવું છે કે આ ટ્રેડ ડીલથી ભારત અને ચીનના વ્યાપાર સંબંધો પર કોઈ ખાસ અસર નહીં પડે. પરંતુ ચીનને બ્રિટન સાથે વ્યાપાર કરવામાં મુશ્કેલી નડી શકે છે.
તેમણે કહ્યું કે, "ભારત અને બ્રિટન વચ્ચે જે દ્વિપક્ષીય વ્યાપાર થાય છે, તેના કરતાં બમણો દ્વિપક્ષીય વ્યાપાર ચીન અને બ્રિટન વચ્ચે થાય છે. ચીનનો ઘણો સસ્તો માલ બ્રિટન જાય છે જેમાં કપડાં પણ સામેલ છે. પરંતુ ભારતથી કપડાં અને ફૂટવેર ત્યાં જશે તો તેના પર ટેરિફ નહીં લાગે. તેથી ચીન સામે પડકાર પેદા થવાનો છે."
"પરંતુ ભારત અને ચીન વચ્ચેના વ્યાપાર પર આની અસર નહીં થાય. ભારત અને ચીનનો વ્યાપાર સતત વધી રહ્યો છે. આ ડીલ થાય કે ન થાય, ભારત અને ચીન વચ્ચે ટ્રેડમાં વધારો થતો જોવા મળી રહ્યો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન