અમદાવાદ પ્લેન ક્રૅશ: પરિવારજનોને 'ખોટા મૃતદેહ' યુકે મોકલાયા હોવાનો દાવો, ભારતે શું કહ્યું?

બ્રિટનના અખબાર ડેઇલી મેલએ પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે અમદાવાદ ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ બ્રિટન મોકલવામાં આવેલા મૃતદેહોની ઓળખ ખોટી થઈ છે.

રિપોર્ટ પ્રમાણે કેટલાક મૃતદેહોને બદલે અજાણ્યા લોકોના અવશેષ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

બ્રિટનના ટૅબલૉઇડ અખબાર ડેઇલી મેલમાં આ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બધા મૃતદેહોને પૂરતી તકેદારી રાખીને અને સંવેદનશીલતા અને સન્માન સાથે સંભાળ કરવામાં આવી છે. આ મામલે ઊભી થયેલી ચિંતા દૂર કરવા માટે બ્રિટનના અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ વિવાદ એ સમયે સામે આવ્યો છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની યાત્રા પર છે.

અગાઉ તારીખ 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશમાં 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ ઘટનામાં વિશ્વાસ કુમાર રમેશ નામના એક બ્રિટિશ યાત્રી સુરક્ષિત બચી ગયા હતા.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

અમદાવાદ ઍર ઇન્ડિયા ક્રૅશ પર ડેઇલી મેલના રિપોર્ટ મામલે પૂછાયેલા સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, "જ્યારે આ મામલો અમારા ધ્યાનમાં આવ્યો ત્યારે આ રિપોર્ટ અમે જોયો હતો, અમે બ્રિટનના અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ."

"ઘટના બાદ, નિયમો અને તકનીકી પ્રોસેસ અનુસાર પીડિતોની ઓળખ કરવામાં આવી હતી. બધા મૃતદેહોને પૂરી સંવેદનશીલતા અને સન્માન સાથે સંભાળવામાં આવ્યા હતા. આ મામલે જોડાયેલી કોઈ પણ ચિંતાને દૂર કરવા માટે અમે બ્રિટનની એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ."

તારીખ 12 જૂનના રોજ બોઇંગ 787-B વિમાન ક્રૅશ થયું હતું. જેમાં ક્રૂ મેમ્બર અને યાત્રિકો સહિત કુલ 242 લોકો સવાર હતા. જેમાં 169 ભારતીય નાગરિક, 53 બ્રિટિશ નાગરિક, એક કૅનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સામેલ હતા.

આ ઘટનામાં માત્ર એક બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ જ બચી ગયા હતા.

આ ઘટનાનો તપાસ રિપોર્ટ આ મહીને જ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં વિમાન દુર્ઘટનાના મુખ્ય કારણ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ રિપોર્ટ ભારતના વિમાન દુર્ઘટના તપાસ કરતી એજન્સી (એએઆઈબી)એ જાહેર કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે વિમાનના બંને ફ્યૂલ કંટ્રોલ સ્વિચ, વિમાન ટેક ઑફ થતા જ કટ ઑફ પોઝિશનમાં ચાલ્યા ગયા હતા.

અખબારના રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો?

ડેઇલી મેલના અહેવાલમાં હેડલાઇન હતી: "યુકેમાં ઍર ઇન્ડિયા પીડિતોના પરિવારોને ખોટા મૃતદેહો મોકલવામાં આવ્યા: શોકગ્રસ્ત સંબંધીઓને અજાણ્યા મુસાફરોના મૃતદેહોવાળી શબપેટીઓ મોકલવામાં આવી."

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતદેહોને ઓળખવામાં ગડબડ થઈ છે. જ્યારે કૉફિનમાં અલગ મૃતદેહ હોવાની જાણ થઈ ત્યારે એક પરિવારે અંતિમ સંસ્કારની વિધિ રદ કરી હતી.

રિપોર્ટમાં વધુ એક મામલાનો પણ ઉલ્લેખ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘટનામાં માર્યા ગયેલા એકથી વધુ વ્યક્તિના મિશ્રિત અવશેષો ભૂલથી એક જ કૉફિનમાં રાખી દેવામાં આવ્યા હતા.

આ અવશેષોને અંતિમ સંસ્કાર પહેલાં અલગ કરવા પડ્યા જેથી અંતિમ વિધિ પૂરી થઈ શકે.

રિપોર્ટ પ્રમાણે જ્યારે ઇનર વેસ્ટ લંડનના કોરોનર ડૉ. ફિયોના વિલકૉક્સે ડીએનએ નમૂનાના આધારે મૃતદેહોના ઓળખની પુષ્ટી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ ગડબડની જાણ થઈ હતી.

બીબીસીને શું જાણકારી મળી છે?

ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાના પુત્રએ બીબીસીને જણાવ્યું કે જ્યારે તેમનાં માતાનો મૃતદેહ બ્રિટન પરત આવ્યો ત્યારે કૉફિનમાં 'અન્ય અવશેષ' પણ મળ્યા હતા.

મિતેન પટેલ કે જેમના પિતા પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે એમનું કહેવું છે કે કોરોનરે (તપાસ અધિકારી) અવશેષોની ઓળખ કરી ત્યારે અમે ચિંતામાં મુકાયા કે કોફીનમાં અન્ય કોના અવશેષ હોઈ શકે છે?

12 જૂનના રોજ, અશોક અને શોભના પટેલ તેમના પુત્રો અને પૌત્રોને મળવા ભારતથી બ્રિટન જઈ રહ્યા હતા.

આ દરમિયાન ગેટવિક ઍરપૉર્ટ માટે રવાના થયેલું વિમાન અમદાવાદમાં ક્રૅશ થયું.

મિતેનનો પરિવાર એવા પહેલા પીડિતોમાંનો હતો જેમના મૃતદેહ બ્રિટન પરત કરવામાં આવ્યા હતા.

મિતેને કહ્યું કે આ ભૂલ "અત્યંત દુઃખદ અને પરેશાન કરનારી" હતી.

જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે "આવી ઘટનાઓમાં ભૂલો થઈ શકે છે."

તેમણે કહ્યું, "લોકો થાકી ગયા હતા અને તેમના પર ઘણું દબાણ હતું. પરંતુ સાચા મૃતદેહોને બ્રિટન મોકલવાની જવાબદારી બને છે."

"હું કેવી રીતે માની શકું કે તેમની (માતાની) શબપેટીમાં કોઈ અન્ય અવશેષો નહોતા?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન