કૅનેડામાં ભણવા જવા ઇચ્છતા ગુજરાતી વિદ્યાર્થીઓની અરજીઓ શા માટે નકારાઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગુરજોત સિંહ
- પદ, બીબીસી પંજાબી
કૅનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે જવા માગતા વિદ્યાર્થીઓની અરજીઓને મોટા પાયે નકારવામાં આવી રહી છે. કૅનેડાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે બીબીસીને આપેલા ડેટાના અભ્યાસ પરથી આ વાત બહાર આવી છે.
ઑગસ્ટ-2025માં 74 ટકા સ્ટુડન્ટ વિઝા અરજીઓ નકારવામાં આવી હતી. વર્ષ 2023 (27%) તથા વર્ષ 2024 (23%) કરતાં રિજેક્શનનો દર લગભગ ત્રણ ગણો વધારે છે.
વર્ષ 2023માં બે લાખ 22 હજાર 540 ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. વર્ષ 2024માં આ આંકડો ઘટીને 94 હજાર 590 ઉપર આવી ગયો હતો. વર્ષ 2025ના પ્રથમ આઠ મહિના દરમિયાન નવ હજાર 955 ભારતીયોની કૅનેડામાં ઉચ્ચ અભ્યાસ માટેની અરજી મંજૂર રાખવામાં આવી હતી.
કૅનેડાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ક્વૉટા ઘટાડ્યો છે તથા ભારતીય વિદ્યાર્થીઓ ઉપરનાં નિયંત્રણો સઘન બનાવ્યાં છે, જેના કારણે આ અસર થઈ હોવાનું માનવામાં આવે છે.
ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ, ઑગસ્ટ-2023માં 19 હજાર 175 અરજીઓ આવી હતી, જેની સરખામણીમાં ઑગસ્ટ-2025માં માત્ર ત્રણ હજાર 920 ભારતીયોએ જ અરજી કરી હતી.
વર્ષ 2025માં ઑગસ્ટ માસ સુધીમાં (છેલ્લી ઉપલબ્ધ માહિતી) વિઝા નકારનો દર સરેરાશ 71 ટકા જેટલો રહ્યો હતો, તેની સામે વૈશ્વિક સરેરાશ 58 ટકા જેટલી હતી. આ ગાળા દરમિયાન 87 હજાર 995 વિઝા ઇશ્યુ કરવામાં આવ્યા હતા, જેમાંથી નવ હજાર 995 ભારતીય હતા.
વર્ષ 2023માં આ સરેરાશ 40 ટકા જેટલી હતી, જે વર્ષ 2024માં 52 ટકા ઉપર પહોંચી હતી. કૅનેડા દ્વારા વર્ષ 2023માં પાંચ લાખ 15 હજાર 475 સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા, જેમાંથી બે લાખ 22 હજાર 540 ભારતીય અરજદારો હતા.
શા માટે ભારતીય વિદ્યાર્થીઓના વિઝા નકારાઈ રહ્યા છે?

બીબીસીએ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા નકારાવા વિશે કૅનેડાના ઇમિગ્રેશન વિભાગને પૂછ્યું હતું. જેના જવાબમાં ડિપાર્ટમેન્ટે જણાવ્યું, "ગત બે વર્ષ દરમિયાન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામમાં સુધાર લાવવામાં આવ્યા છે, જેના કારણે મંજૂરીની ટકાવારી ઘટી હોઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ ફેરફારોમાં આઈઆરસીસી દ્વારા કૉલેજોના સ્ટુડન્ટ એક્સેપ્ટન્સ લેટરની ખરાઈ તથા કૅનેડામાં આવવા માટે વિદ્યાર્થીની આર્થિક સધ્ધરતામાં વૃદ્ધિનો પણ સમાવેશ થાય છે."
ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, વર્ષ 2024માં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) યોજના બંધ કરી દેવામાં આવી હતી, જેથી કરીને પણ આ ગાળા દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓની અરજીનો નકાર-દર વધ્યો હોઈ શકે છે.
ડેટામાં જણાવ્યા મુજબ, નવેમ્બર-2024માં ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી નકારાવાની ટકાવારી 31 ટકા જેટલી હતી. જે ડિસેમ્બર-2024માં 56 ટકા તથા જાન્યુઆરી-2025માં 71% ઉપર પહોંચી ગઈ હતી.
ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, 'અરજદારના દેશ ઉપર ધ્યાન આપ્યા વગર, સ્ટુડન્ટ વિઝાની દરેક અરજીની સમાન રીતે સમીક્ષા કરવામાં આવે છે.'
અન્ય કેટલાંક કારણો પણ જવાબદાર
ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે વર્ષ 2025 દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓની સ્ટુડન્ટ વિઝા અરજીઓને નકારવા માટે અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે છે, જેમ કે:
- R216(1)(b) હેઠળ કૅનેડા આવવા માટેના હેતુમાં અસ્પષ્ટતા
- સેક્શન R216 હેઠળ ન આવતા હોય તેવાં અન્ય કારણો
- R220(a) હેઠળ અરજદાર પાસે પૂરતું ફંડ ન હોવું
ઉલ્લેખનીય છે કે ઇમિગ્રેશન ઍન્ડ રેફ્યૂજી પ્રોટેક્શન રેગ્યુલેશનની કલમ કૅનેડામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ સંબંધિત છે.
કૅનેડા અને ભારતીય વિદ્યાર્થિઓ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ગુજરાત, પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે મોટી સંખ્યામાં કૅનેડા ગયા છે. એ સમયે અન્ય દેશોની સરખામણીમાં કૅનેડામાં અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે કૅનેડામાં કાયમી રહેણાક મેળવવું સરળ હતું.
કૅનેડાએ તાજેતરના મહિનાઓમાં ઇમિગ્રેશનના નિયમોમાં કડકાઈ લાવી છે. એપ્રિલ-2025માં કૅનેડામાં સામાન્ય ચૂંટણી યોજાઈ, એ દરમિયાન પણ ઇમિગ્રેશનનો મુદ્દો સમગ્ર ચૂંટણીપ્રચાર દરમિયાન છવાયેલો રહ્યો હતો.
તા. પાંચમી નવેમ્બરના કૅનેડા દ્વારા ઇમિગ્રેશન ટાર્ગેટ રિલીઝ કરવામાં આવ્યા હતા. જે મુજબ, વર્ષ 2026 માટે સ્ટુડન્ટ ક્વૉટાને ત્રણ લાખ છ હજારથી ઘટાડીને એક લાખ 55 હજાર કરી દેવામાં આવ્યો છે.
કૅનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા નકારવા અંગે ભારતીય હાઈ કમિશને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું: "ભારતીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા નકારવાની ઘટના હાઈ કમિશનના ધ્યાને આવી છે. વિઝા આપવા એ કૅનેડાની સરકારનું અધિકારક્ષેત્ર છે અને હાઈ કમિશને આના વિશે કોઈ ટિપ્પણી કરવાની નથી થતી."
ભારત અને કૅનેડા વચ્ચેના કૂટનીતિક સંબંધોને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે, એવામાં કૅનેડાએ તેના ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર કર્યો છે.
ઑક્ટોબર-2025માં કૅનેડાનાં વિદેશ મંત્રી અનિતા આનંદ ભારત આવ્યાં હતાં, એ પછી ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર કૅનેડા ગયા હતા.
સપ્ટેમ્બર-2023માં કૅનેડાના તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ મૂક્યો હતો કે ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હતો. ભારત સરકારે આ આરોપોને પાયાવિહોણા જણાવીને નકારી કાઢ્યા હતા. એ પછી બંને દેશો વચ્ચેના કૂટનીતિક સંબંધો કથળવા લાગ્યા હતા.
'ઠગાઈના કેસોને કારણે નિયમોમાં કડકાઈ'
ટૉરન્ટો મેટ્રોપોલિટિન યુનિવર્સિટી ખાતે સમાજકાર્યના પ્રાધ્યાપક ઉષા જ્યૉર્જે ઇમિગ્રન્ટ્સ સંબંધિત મુદ્દાઓ અંગે ઊંડો અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે કૅનેડાએ તેના સ્ટુડન્ટ વિઝા નિયમોને કડક બનાવ્યા છે, જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી નકારવાની ટકાવારી વધી છે.
પ્રો. ઉષા જ્યૉર્જ કહે છે, "હું કૂટનીતિક તણાવ તથા સ્ટુડન્ટ વિઝાને સમાંતર ગણીશ. તેમની વચ્ચે અમુક અંશે સંબંધ હોઈ શકે છે. છતાં ઇમિગ્રેશન નીતિ સ્વતંત્ર રીતે કામ કરે છે."
પ્રો. ઉષા જ્યૉર્જ કહે છે, "અગાઉ કૅનેડામાં ભણવા અને રહેવા માટે લોકોને આમંત્રિત કરવામાં આવતા હતા. હવે ઇમિગ્રેશનનો હેતુ હંગામી રહીશો વધારવાનો, ફ્રોડ અટકાવવાનો તથા ઇમિગ્રેશન વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ટકાવી રાખવાનો છે."
કૅનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સફર

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાની ફ્રાસર વેલી યુનિવર્સિટીના પ્રોફેસર તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઉથ એશિયન સ્ટડીઝનાં પૂર્વ ડાયરેક્ટર સતવિંદરકોર બેઇન્સનું કહેવું છે કે કૅનેડા તેની ઇમિગ્રેશન નીતિમાં "સુધારાઓ" કરી રહ્યું છે.
પ્રો. બેઇન્સ કહે છે કે 20 વર્ષ અગાઉ સ્ટુડન્ટ વિઝા એ કૅનેડામાં કાયદેસર રીતે આવવાનો રસ્તો હતો.
તેમના જણાવ્યા અનુસાર, "ગુજરાત અને પંજાબથી પહોંચેલી પેઢીના લોકોમાંથી ઘણા અહીં કોઈને ઓળખતા ન હતા અને તેમને મદદ કરી શકે તેવું કોઈ ન હતું. અહીં તેમણે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા તથા વંશવાદ સામે સંઘર્ષ કરવો પડ્યો."
"મોટા ભાગના વિદ્યાર્થીઓએ ડિગ્રી કોર્સ પસંદ કરવાના બદલે એક કે બે વર્ષના કોર્સ પસંદ કર્યા. તેના માટે યુનિવર્સિટીઓ દ્વારા જંગી ફી વસૂલવામાં આવતી હતી. જોકે, આ વિદ્યાર્થીઓ માટે કૅનેડામાં કાયદેસર રીતે પ્રવેશવાનો રસ્તો હતો."
પ્રો. સતવિંદરકોર બેઇન્સ કહે છે, "કૅનેડામાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવ્યા. જેમને ગુણવત્તાસભર શિક્ષણ નહોતું મળ્યું, એટલે આના માટે ઇમિગ્રેશન પોલિસી ઉપરાંત યુનિવર્સિટીઓ પણ જવાબદાર છે."
કૅનેડાની નીતિઓમાં આવેલું પરિવર્તન સમજાવતાં પ્રો. કોર કહે છે કે, કૅનેડામાં એવું માનવામાં આવતું હતું કે વિદ્યાર્થીઓની સંખ્યાની બાબતમાં તે ભારતની ઉપર નિર્ભર છે, એટલે તેણે સમાનતા લાવવા માટે પણ અન્ય દેશોમાંથી આવતાં વિદ્યાર્થીઓની હિસ્સેદારી વધારી છે.
તેઓ ઉમેરે છે કે વિદ્યાર્થીઓ માટે અગાઉ કૅનેડામાં જેવી તકો હતી, તેવી તાજેતરનાં વર્ષોમાં નથી રહી. કૅનેડાનું અર્થતંત્ર અગાઉ જેટલા વિદ્યાર્થીઓને ઉન્નત જીવનધોરણ પૂરું પાડતું હતું, તેટલું હવે પાડી શકે તેમ નથી.
કૅનેડા માટે ઇમિગ્રેશન ક્ષેત્રે કામ કરતા રતનદીપસિંહનું કહેવું છે, "આટલો જંગી નકાર-દર ચિંતાજનક છે, જે ન કેવળ ભારતીય, પરંતુ અન્યત્રથી પણ કૅનેડા આવવા માગતા વિદ્યાર્થીઓને હતાશ કરી દેશે."
રતનદીપ સિંહ કહે છે કે ભારત અને કૅનેડામાં સ્ટુડન્ટ વિઝાની આસપાસ એક અર્થતંત્ર ધમધમતું હતું, પરંતુ તાજેતરના ઘટાડાથી તેને પણ ફટકો પડ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













