ડૉ. બાબાસાહેબ આંબેડકર અને વાદળી રંગ વચ્ચેનો ખાસ સંબંધ શો છે?

    • લેેખક, તુષાર કુલકર્ણી
    • પદ, બીબીસી સંવાદદાતા

પ્રહલાદ શિંદેનું ‘રણશિંગે ફુંકલે તું જાળણ્યા ગુલામી, યા નિળ્યા સૈનિકાચી ઘે નિળી સલામી’ મરાઠી ગીત હોય કે પછી રાજસ્થાની ગાયક ‘રંગ જાઓ નિલા રંગ મેં, રંગ જાઓ બાબાસાહબ કે રંગ મે’ ગીત હોય. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અભિવાદન આ રંગમાં જ થતું જોવા મળે છે.

ડૉ. બાબાસાહેબના લાખો અનુયાયીઓ આ વાદળી રંગને આંબેડકરી ચળવળનો પર્યાય માને છે.

ડૉ. બાબાસાહેબની વિચારધારાને અનુસરતા પક્ષોએ પણ તેમના ધ્વજમાં વાદળી રંગ અપનાવ્યો છે, પરંતુ એ રાજકીય પક્ષો સાથે જોડાયેલા ન હોય તેવા ડૉ. બાબાસાહેબના અનુયાયીઓનો રંગ પણ વાદળી છે. તેને આંબેડકરના વિચારોનું પ્રતીક માનવામાં આવે છે.

વાદળી રંગ અને આંબેડકરી ચળવળ અતૂટ રીતે જોડાયેલા છે તે અનેક ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે.

બીબીસીએ “જય ભીમ નારો કોણે આપ્યો” એ વિશેનો લેખ પ્રકાશિત કર્યો પછી ઘણા લોકોએ માગણી કરી હતી કે આંબેડકરી ચળવળમાં વાદળી રંગ કેવી રીતે આવ્યો તેના વિશે પણ માહિતી આપો. તેથી આ લેખમાં તેની માહિતી આપવામાં આવી છે.

આંદોલનમાં વાદળી રંગ ક્યાંથી આવ્યો?

આ સવાલનો જવાબ બે શબ્દમાં આપી શકાય, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે તેની પાછળ લાંબો ઇતિહાસ છે.

બાબાસાહેબે સ્થાપેલા સમતા સૈનિક દળ અને રાજકીય પક્ષનો રંગ વાદળી હતો. સમતા દળની સ્થાપના 1927માં કરવામાં આવી હતી. સમતા દળના સૈનિકોની ટોપી વાદળી રંગની હતી. આજે પણ સમતા દળના સૈનિકો વાદળી ટોપી જ પહેરે છે.

આ રંગને ડૉ. આંબેડકરે આપેલા, તેમની પરંપરાને જીવંત રાખતા રંગ તરીકે વર્ણવી શકાય, પરંતુ તમને સવાલ થશે કે આંબેડકરી ચળવળમાં તેનો સંદર્ભ ક્યાં જોવા મળે છે?

‘ધ્વજનો અર્થ છે આપણા લક્ષ્ય માટે સંઘર્ષ’

ડૉ. આંબેડકરે 1936માં સ્વતંત્ર લેબર પાર્ટી એટલે કે સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી હતી. મુંબઈ કાઉન્સિલની ચૂંટણીમાં બાબાસાહેબ ઉમેદવાર બન્યા ત્યારે તેમનું પ્રતીક માણસ હતો. આગળ જતાં તેમણે અનુસૂચિત જાતિ ફેડરેશન (શેકાફે)ની સ્થાપના કરી હતી.

શેકાફેનું ચૂંટણી પ્રતીક હાથી હતો અને તેનો ધ્વજ વાદળી રંગનો હતો. ઑલ ઈન્ડિયા શેકાફેના બંધારણની કલમ ક્રમાંક 11માં ફેડરેશનનો ધ્વજ કેવો હશે તેનો ઉલ્લેખ છે. ફેડરેશનનો ધ્વજ “ત્રિકોણ આકારના વાદળી કપડા પર તારાઓ” ધરાવતો હશે.

કાનપુર ખાતે 1944ની 30 જાન્યુઆરીએ સમતા સૈનિક દળનું સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમાં ડૉ. આંબેડકરે પણ હાજરી આપી હતી. તેમાં કેટલાક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. એ પૈકીનો એક ઠરાવ સમતા સૈનિક દળના બંધારણ વિશેનો હતો.

તે બંધારણનો મુસદ્દો ડૉ. આંબેડકરને મોકલવામાં આવ્યો હતો અને તેમની મંજૂરી બાદ સમતા સૈનિક દળનું બંધારણ અમલી બન્યું હતું.

તેમાં સમતા સૈનિક દળનો ધ્વજ કેવો હશે તેનો ઉલ્લેખ છે.

“સમતા સૈનિક દળના ધ્વજની લંબાઈ ચાર ફૂટ અને પહોળાઈ અઢી ફૂટ હશે. ધ્વજની ડાબી બાજુએ સફેદ રંગના 11 તારા હશે અને સંપૂર્ણ ધ્વજનો રંગ વાદળી હશે. ધ્વજના કેન્દ્રમાં સૂર્યનું સફેદ રંગનું ચિત્ર હશે. તેની નીચે એસસીએફ અક્ષર હશે અને નીચે જમણી બાજુ એસએસડી અક્ષરો હશે. એ ધ્વજનો અર્થ સ્વાતંત્ર્ય, સમાનતા, બંધુત્વ અને આપણા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો સંઘર્ષ હશે,” એવું સમતા સૈનિક દળના બંધારણમાં લખવામાં આવ્યું હતું.

એ પછીના સમયમાં બાબાસાહેબે તેમની રાજકીય ભૂમિકા વિસ્તારી હતી અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયાની સ્થાપના કરી હતી.

‘રિપબ્લિકન પાર્ટી – રિયાલિટી ઍન્ડ મૂવમેન્ટ’ પુસ્તકની પ્રસ્તાવનામાં ડૉ. શરણકુમાર લિંબાળેએ લખ્યું છે કે “સમાન વિચારધારાવાળા લોકો સાથે મળી, નાતજાતથી ઉપર ઊઠીને શોષિતો માટેના રાજકારણના હેતુસર એક નવો પક્ષ રચવો જરૂરી છે એવું બાબાસાહેબે અનુભવ્યું હતું. આ ઉદ્દેશ સાથે બાબાસાહેબે રિપબ્લિકન પાર્ટીની રચનાનો વિચાર કર્યો હતો.”

પક્ષના બંધારણ, ધ્યેય, નીતિ અને ભવિષ્યની યોજનાની બ્લુ પ્રિન્ટ તેમણે તૈયાર કરી હતી, પરંતુ પક્ષની રચના થાય તે પહેલાં 1956ની છઠ્ઠી ડિસેમ્બરે બાબાસાહેબનું અવસાન થયું હતું.

તેમના સાથીઓએ 1957ની ત્રીજી ઑક્ટોબરે રિપબ્લિકન પક્ષની રચના કરી હતી અને ડૉ. આંબેડકરે આપેલો વાદળી રંગ જાળવી રાખ્યો હતો.

‘વાદળી ધ્વજ નીચે બધા લોકો આવી રહ્યા છે’

ડૉ. આંબેડકરના જીવનકાળમાં વાદળી રંગ ક્રાંતિનો પ્રતીક બની ગયો હતો. તેમનું નેતૃત્વ વાદળી રંગનો પર્યાય બની ગયું હતું. એ જ સમયે ઘણા લોકોએ, તેઓ ડૉ. આંબેડકરની સાથે છે એ દર્શાવવા માટે તેમના ભાષણોમાં પણ વાદળી રંગના પ્રતીકનો ઉપયોગ કર્યો હતો.

તેનું એક ઉદાહરણ કેન્દ્રીય સામાજિક અને ન્યાય મંત્રાલયે પ્રકાશિત કરેલા સમગ્ર ડૉ. આંબેડકર સાહિત્યના 17માં ખંડના ત્રીજા ભાગમાં છે.

ડૉ. બાબાસાહેબ ચૂંટણીપ્રચાર માટે નવેમ્બર, 1951માં મુંબઈ આવ્યા, ત્યારે હજારો સ્વયંસેવકોએ તેમનું સ્વાગત કર્યું હતું. એ પૈકીના અનેક લોકોના હાથમાં શેકાફેના વાદળી રંગના ઝંડા હતા.

આરજી ખરાતના અધ્યક્ષપદ હેઠળ મુંબઈના ભોઈવાડા વિસ્તારમાં ડૉ. આંબેડકરનું અભિવાદન કરવામાં આવ્યું હતું. શેકાફેની મુંબઈ શાખા દ્વારા તેમના સન્માનનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

એ વખતે કરેલા ભાષણમાં ખરાતે કહ્યું હતું કે, “ડૉ. આંબેડકરના નેતૃત્વમાં વાદળી રંગના ધ્વજ સાથે એક શક્તિશાળી સંગઠનની રચના કરવામાં આવી છે. અન્ય લોકો પણ વાદળી ઝંડા હેઠળ એકઠા થઈ રહ્યા છે.”

એ સમયના અખબારોએ આ ધ્વજ અને ટોપીના રંગનો ઉલ્લેખ કર્યો હતો.

ધ નેશનલ સ્ટાન્ડર્ડ અખબારના 1951ની 26 નવેમ્બરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, “ડૉ. આંબેડકરે 1951ની 25 નવેમ્બરે શિવાજી પાર્કમાં એક સભા યોજી હતી. તેમાં અંદાજે બે લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તારાવાળા ઝંડા લઈને તેમના સમર્થકો આવ્યા હતા અને વાદળી રંગની ટોપીમાં સજ્જ સ્વયંસેવકો ભીડ અને ટ્રાફિકને નિયંત્રિત કરતા હતા.”

‘સત્યમેવ જયતે’નું પ્રતીક

રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના ધ્વજમાં વચ્ચે અશોક ચક્ર છે.

એ બાબતે વાત કરતાં આંબેડકરી સાહિત્યના વિદ્વાન અને રિપબ્લિકન પાર્ટી (આઠવલે જૂથ)ના પ્રવક્તા અવિનાશ મહાટેકરે કહ્યું હતું કે, “રિપબ્લિકન પાર્ટીના વાદળી ધ્વજમાંનું અશોક ચક્ર ગતિશીલતાનું પ્રતીક છે. સત્યમેવ જયતેનું પ્રતીક છે. સમુદ્રનું વાદળી પાણી, તેની વિશાળતા, સર્વવ્યાપી આકાશ પણ વાદળી છે. તેથી તેનો ઉદ્દેશ આકાશની માફક સમાજમાં પણ વાદળી રંગ ફેલાવવાનો છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “ડૉ. બાબાસાહેબે બહુ વિચારીને વાદળી રંગ પસંદ કર્યો છે. બંધારણમાં પણ બાબાસાહેબે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનાં મૂલ્યોનો ઉલ્લેખ કર્યો છે. તેનું જ પ્રતીક વાદળી રંગ છે. સમુદ્ર સર્વસમાવેશકતાનું પ્રતીક છે.”

“ડૉ. બાબાસાહેબનું સપનું હતું કે વિશ્વની તમામ નદીઓ મહાસાગરમાં ભળે છે અને સમુદ્ર વાદળી થઈ જાય છે, તેમ તમામ પ્રવાહો રાષ્ટ્રમાં ભળી જાય અને વર્ગ, જાતિ, લિંગમુક્ત અખંડ ભારતીય સમાજનું નિર્માણ થાય,” એમ અવિનાશ મહાટેકરે કહ્યું હતું.

‘વાદળી રંગે લોકોને સલામતી કવચ આપ્યું’

વાદળી રંગનું મહત્ત્વ સમજાવતાં પીપલ્સ રિપબ્લિકન પાર્ટીના અધ્યક્ષ જોગેન્દ્ર કવાડેએ જણાવ્યું હતું કે વાદળી રંગ સાર્વત્રિકતાનું પ્રતીક છે. વાદળી ધ્વજ બાબાસાહેબનું પ્રતીક છે અને લોકો તેની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે.

તેનું એક ઉદાહરણ આપતાં જોગેન્દ્ર કવાડેએ કહ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં દુકાળ પડ્યો ત્યારે ગામડાના લોકો મુંબઈમાં વસવાટ માટે આવ્યા હતા. તેમણે જ્યાં જગ્યા મળી ત્યાં ઝૂંપડી બાંધી હતી. તેઓ ઝૂંપડીની બહાર પણ વાદળી ધ્વજ લગાવતા હતા. તેને કારણે તેમના મનમાં સલામતીની ભાવનાનું નિર્માણ થયું હતું.”

‘રાજકારણમાં પ્રતીકો મહત્ત્વનાં હોય છે’

રાજકારણમાં પ્રતીકો મહત્ત્વનાં હોય છે એ બાબાસાહેબ જાણતા હતા. તેથી જ તેમણે વિચારપૂર્વક ધ્વજની રચના કરી હતી, એવું અભ્યાસુઓ કહે છે.

વરિષ્ઠ લેખક અને પત્રકાર ઉત્તમ કાંબળેએ કહ્યું હતું કે, “પ્રતીક ઉપરાંત ડૉ. આંબેડકરે વ્યવહારુ દૃષ્ટિકોણથી પણ આ રંગ પસંદ કર્યો હશે.”

તેમણે ઉમેર્યું હતું કે, “શેકાફેની સ્થાપના પહેલાં હિંદુઓ પાસે ભગવો રંગ હતો, સામ્યવાદીઓ પાસે લાલ હતો, મુસ્લિમ લીગ પાસે લીલો હતો. તેથી સાત રંગમાંથી તેમના માટે વાદળી રંગ પસંદ કરવાનો વિકલ્પ હતો. તેની પસંદગી પાછળનું કારણ એ હોઈ શકે કે વાદળી રંગ અગ્રભાગમાં હોય તો પણ ઝળકે છે અને પૃષ્ઠભૂમિમાં હોય તો પણ એટલો જ ઝળકે છે. ”

“પ્રતીકના સંદર્ભમાં વાત કરીએ તો વાદળી રંગ વિશે કહેવાય છે કે તે પ્રકૃતિ છે, રંગ નથી. એટલે કે વાદળી રંગ વિના પ્રકૃતિ પૂર્ણ થઈ શકતી નથી. સમુદ્ર અને આકાશ બન્ને વાદળી છે. તે રંગ સર્વત્ર છે. આકાશ સિવાય બીજું કશું નહીં અને સમુદ્ર સિવાય બીજું કશું નહીં આ તેની પાછળનો વિચાર છે,” એમ ઉત્તમ કાંબળેએ કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે, “યશવંતરાવ ચવ્હાણના સમયમાં રિપબ્લિક પાર્ટી અને કૉંગ્રેસનું ગઠબંધન થયું, ત્યારે એવું કહેવામાં આવતું હતું કે સફેદ અને વાદળી ટોપીની યુતિ થઈ. વાદળી રંગને લોકોએ એટલો પ્રેમ કર્યો છે કે આંબેડકરી ચળવળ આ રંગ વિના અધૂરી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.