ગુજરાતની એ બેઠકો જેનાં પરિણામો સૌને ચોંકાવી શકે એમ છે

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભાજપે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર પાંચ લાખની લીડનો લક્ષયાંક આપ્યો હતો પણ રાજકીય પંડિતોનું માનવું છે કે ઓછા મતદાનથી ભાજપની લીડમાં ઘટાડો થઈ શકે અને કેટલીક બેઠકો પર કૉંગ્રેસ ટક્કર આપી શકે છે. જોકે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે બે દાયકા પહેલાં કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં કરેલો ચમત્કાર ફરી થાય એમ દેખાતું નથી.

સાત મેના દિવસે ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન થયું હતું અને સુરત લોકસભા બેઠક પર મતદાન થાય એ પહેલાં જ કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, ગુજરાતમાં સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે.

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગુજરાતની વોટિંગ પૅટર્ન જોતાં ભાજપની લીડમાં ઘટાડો થશે. અલબત્ત 2014ની લોકસભા ચૂંટણીમાં સ્થાનિક વ્યક્તિનો વડા પ્રધાનના પદ માટે ચહેરો હતો, 2019માં રાષ્ટ્રવાદ મુદ્દો હતો અને આ વખતની ચૂંટણીમાં એવો કોઈ મુદ્દો નથી."

જોકે તેમનું માનવું છે કે ગુજરાતમાં વોટિંગ પૅટર્ન થોડી જુદી છે.

ઘનશ્યામ શાહ કહે છે કે, "સામાન્ય રીતે વધુ વોટિંગ સત્તધારી પક્ષના વિરુદ્ધમાં થાય છે પણ અહીં સીમાંકન બાદ બદલાયેલા ચિત્રમાં 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વધુ વોટિંગ થયું અને ભાજપ સત્તા પર આવ્યો હતો. 2017માં વોટિંગ ઘટ્યું હતું અને ભાજપ માંડ-માંડ સત્તા સુધી પહોંચ્યો."

તેઓ કહે છે કે, "એનું કારણ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં થયેલાં પટેલ આંદોલન ઉપરાંત ઓબીસી અને દલિત આંદોલન હતાં. આ વખતે ક્ષત્રિય આંદોલન થયું છે પણ ક્ષત્રિય પટેલ જેટલી મોટી વોટબૅન્ક ધરાવતા નથી અને એમનામાં પટેલ જેટલી એકતા પણ નથી પણ એટલું ખરું કે આ વખતે ભાજપમાં આંતરિક વિખવાદ અને ક્ષત્રિય આંદોલન, હાલના તબક્કે છ બેઠકો પર ટક્કર આપશે એવું લાગે છે."

રાજકોટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે આપેલા નિવેદનને કારણે ક્ષત્રિયોએ તેમનો વિરોધ કર્યો હતો. આ સિવાય ગુજરાતમાં વડોદરા અને સાબરકાંઠા બેઠકો પર ભાજપમાં આંતરિક વિરોધને કારણે ઉમેદવાર બદલવાનો વારો આવ્યો હતો.

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાનું માનવું છે કે, "પહેલાં ક્ષત્રિય અને પછી કોળી આંદોલનને કારણે આણંદ, સુરેન્દ્રનગરની બેઠકો પર ભાજપના ગણિતો અવળા પડે તો એવી પરિસ્થિતિમાં જામનગરમાં મોટા પાયે લીડમાં ઘટાડો થઈ શકે છે."

જયારે રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈ માને છે કે, "ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં ભાજપને મોટો ઝાટકો લાગશે અને સાબરકાંઠામાં ભાજપનો આંતરિક વિરોધ તેને જ નુકસાન પહોંચાડશે."

ભાજપને નુકસાન પહોંચાડી શકે એવી છ બેઠકોનું ગણિત શું છે?

જામનગરની બેઠક પરથી ભાજપ ગઈ ચૂંટણીમાં બે લાખ 37 હજારથી વધુ વોટથી જીત્યો હતો. ગુજરાત સરકારના વસ્તી ગણતરીના આંકડા મુજબ અહીં સૌથી વધુ મતદારો પટેલ છે, ત્યાર બાદ મુસ્લિમ, આહીર, દલિત અને પછી ક્ષત્રિય મતદારો છે.

તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ મતદારો કોળી, બીજા સ્થાને ક્ષત્રિય ત્રીજા સ્થાને દલિત ત્યારબાદ માલધારી અને પટેલ તથા ચોથા સ્થાને મુસ્લિમ મતદાતા છે .

કૌશિક મહેતા કહે છે કે, "જામનગરમાં ક્ષત્રિય સમાજની નારાજગી વધુ હતી. નરેન્દ્ર મોદીની સભા બાદ થયેલી ક્ષત્રિયોની બેઠકમાં ભાજપ વિરુદ્ધ મતદાનની વાત થઈ હતી. જામનગર લોકસભા વિસ્તારમાં આવતી દ્વારકા વિધાનસભા બેઠક પર લાંબા સમય પછી પટેલ ઉમેદવારને તક મળી છે અને દ્વારકામાં દરગાહો તૂટ્યા પછી મુસ્લિમોની નારાજગી પણ છે જેના કારણે કાઠિયાવાડી ભાષામાં કહીયે તો આ બેઠક ભરેલા નારિયેળ જેવી છે, તો સુરેન્દ્રનગરમાં ભાજપના પ્રધાને કોળી અંગે કરેલા નિવેદનથી બળતામાં ઘી હોમાયું હતું.

તેઓ આગળ કહે છે કે,"અહીં પહેલેથી ચુવાળિયા અને તળપદા કોળીનો વિવાદ હતો, એમાં ક્ષત્રિય આંદોલન પ્રભાવી હતું. આ બંને બેઠકો પર ક્ષત્રિય અસ્મિતા સેનાએ વોટિંગ કરાવ્યું છે, જેના કારણે ભાજપની ઘણી બધી ગણતરીઓ અવળી પડે એમ છે."

ઉત્તર ગુજરાતની કઈ બેઠકનું ગણિત શું છે?

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં સૌથી વધુ મતદારો ઠાકોર છે ત્યાર બાદ ચૌધરી, દલિત અને રબારી છે અને પાંચમા ક્રમે ક્ષત્રિય મતદારો છે. સાબરકાંઠામાં સૌથી વધુ મતદાર ઠાકોર ત્યાર બાદ આદિવાસી પછી દલિત મુસ્લિમ અને ક્ષત્રિય મતદારો છે .

એકમાત્ર બનાસકાંઠાની બેઠક ઉપર ગત લોકસભા ચૂંટણીની સરખામણીમાં વધુ મતદાન થયું છે. વર્ષ 2019માં યોજાયેલી ચૂંટણીમાં અહીં 64.93 ટકા મતદાન થયું હતું, જેની સામે આ વખતે 69.62 ટકા મતદાન થયું છે.

હરિ દેસાઈ કહે છે કે, "બનાસકાંઠામાં ગેનીબહેન ઠાકોરે ચૂંટણીમાં સૌથી પહેલાં ક્રાઉડફંડિંગ શરૂ કર્યું. તેના કારણે જનસમર્થન પ્રસ્થાપિત થવા ઉપરાંત આર્થિક બૉન્ડિંગ અગત્યનું બની ગયું હતું. આ ઉપરાંત 2022ની વિધાનસભાની દરેક ચૂંટણી પ્રમાણે લોકસભામાં આવતી સાત બેઠકોમાં ભજપ સામે આપ અને કૉંગ્રેસના વોટનો સરવાળો કરીએ તો 95 હજારની આસપાસ થાય છે. અહીં કેટલાક ચૌધરી આગેવાનો પણ ગેનીબહેનની તરફેણમાં હતા."

તેઓ આગળ કહે છે કે, "ત્યારે ઠાકોરની બહુમતીવાળા વિસ્તારમાં ગણતરી કરીએ તો ગેનીબહેન ડાર્ક હૉર્સ ગણાય. સાબરકાંઠામાં ભાજપનો આંતરિક વિરોધ ઘણો છે. અહીં ભાજપે ઉમેદવારને બદલવા પડ્યા છે. નવા ઉમેદવારને ટિકિટ આપી છે ઠાકોર અને આદિવાસીનું કૉમ્બિનેશન, ભાજપના અસંતોષ ઉપરાંત રામનવમીમાં થયેલી હિંસા પછી ફરેલા બુલડોઝરને કારણે મુસ્લિમોની નારાજગીને કૉંગ્રેસ જીતમાં પરિવર્તિત કરી શકી હોય તો ચોંકાવનારું પરિણામ આવી શકે."

આણંદની બેઠક પર સૌથી વધુ મતદારો ક્ષત્રિયો છે ત્યારબાદ મોટા પ્રમાણમાં પટેલ પછી મુસ્લિમ છે.

અહીંના ગુજરાત સમાચારના બ્યુરો ચીફ હેમંત વ્યાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અહીં ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી હતી. આ ઉપરાંત મુસ્લિમ મતદાતા પણ નિર્ણાયક રહ્યા છે, અહીં ખંભાતમાં થયેલી હિંસા અને ઉંઢેલામાં બનેલા બનાવની છાપ પણ જોવા મળે છે."

તેઓ વધુમાં કહે છે કે, "આ ઉપરાંત અહીં વિધાનસભાની 2022ની ચૂંટણીની સાત બેઠકોને જોઈએ તો જીતનું માર્જિન માત્ર 97 હજાર જેવું રહે છે."

વિપક્ષના યુવા આદિવાસી ચહેરાઓ ભાજપને હંફાવી શક્યા?

હેમંત વ્યાસ કહે છે કે, વલસાડમાં આદિવાસીઓની પેટાજ્ઞાતિઓ ઢોલિયા, કુકણા, વારલી નાયક અને ભીલ છે. ત્યાર બાદ ઓબીસી અને ઉચ્ચ જ્ઞાતિઓના મતદારો આવે છે.

લોકસભા ચૂંટણીમાં ભરૂચની બેઠક પર પણ સૌની નજર રહી છે. અહીં ભાજપના મનસુખ વસાવાની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે. કૉંગ્રેસે આપ સાથેના ગઠબંધનમાં આ બેઠક આપને આપી હતી.

ભરૂચમાં સૌથી વધુ આદિવાસી, મુસ્લિમ અને ઓબીસી તથા દલિત જ્ઞાતિના મતદારો આવે છે.

વલસાડમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અહીંની સૌથી વધુ મતદારો ધરાવતી ઢોલિયા આદિવાસી જ્ઞાતિમાંથી આવે છે એમની સામે પક્ષમાં આંતરિક વિવાદ હતો જયારે ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા અનંત પટેલની છાપ લડાયક આદિવાસી નેતા તરીકેની છે. તેઓ તાપી દમણ ગંગા સાગરમાળા પ્રોજેક્ટની વિરુદ્ધ આંદોલન ચલાવી આદિવાસીઓમાં ખૂબ લોકપ્રિય થયા હતા.

હેમંત વ્યાસ જણાવે છે કે, "2022ના ઑક્ટોબરમાં એમના પર થયેલા હુમલાને કારણે આદિવાસીઓમાં સહાનુભૂતિ છે."

ભરૂચમાં ચૈતર વસાવાને આદિવાસી ડાર્ક હૉર્સ ગણવામાં આવે છે.

વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "વલસાડમાં ભલે મતદાનને જોતા ભાજપને તેના સ્ટ્રૉંગ હોલ્ડવાળા વિસ્તાર પારડી, ઉમરગામમાં ફાયદો થઈ શકે. તો કૉંગ્રેસને ધરમપુર, વાંસદામાં ફાયદો થઈ શકે. જયારે કપરાડા અને ડાંગમાં ભાજપના પ્રયાસોને જોતાં ભાજપ જોતા અહીં ભાજપને ઓછી સરસાઈ મળે એમ છે આ ઉપરાંત ભાજપનાં સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવેલી શાળાઓને કારણે આદિવાસી મહિલા અને પ્રથમ વખતના મતદારોનો એ તરફ ઝૂકાવ રહી શકે પણ ભાજપની જીત થાય તો પણ મોટી સરસાઈથી નહીં થાય, પણ ભરૂચમાં ચોક્કસ રીતે ભાજપને ચૈતર વસાવા મોટી ટક્કર આપી શકશે."

તેઓ આગળ કહે છે કે, "પહેલાં કૉંગ્રેસ અને આપમાં પહેલાં અસંતોષ હતો ત્યાર બાદ સમાધાન થયું છે. સુરતથી આપના કાર્યકરોએ ભરૂચમાં જઈ બૂથ મૅનેજમેન્ટ કર્યું છે. અહીં મુસ્લિમ અને આદિવાસીઓનું કૉમ્બિનેશન થયું છે ડેડિયાપાડા, કરજણ,જંબુસર અને વાગરામાં ચૈતર વસાવાને સમર્થન મળ્યું હોય એવું દેખાય છે."

આ વખતે છોટુ વસાવાના પુત્ર અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. એનાથી ગઈ ચૂંટણી જેવો કોઈ મોટો ફેર નહીં પડે. છોટુ વસાવાના બીજા દીકરાને ભાજપમાં લેવાથી ભાજપના કાર્યકારોની નારાજગી પણ ભાજપને નુકસાન પહોંચાડી શકે એમ છે, આ જોતાં અહીં ચોંકાવનારું પરિણામ આવે તો નવાઈ નહીં.