You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન ચૂંટણી: ભાજપ અને ભૂતપૂર્વ રાજવી પરિવારો વચ્ચેની નિકટતાનું કારણ શું છે?
- લેેખક, ત્રિભુવન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
આઝાદી પછી લોકશાહીનું પ્રભાત ઉઘડ્યું અને હિલોળા લેવા માંડ્યું ત્યારે રાજસ્થાનની સોનેરી ધરતી પર આકાશને ગર્વભેર પકડીને ઊભેલી સદીઓ જૂની રાજાશાહીના ચહેરાઓ નિસ્તેજ થઈ ગયા એટલું જ નહીં, પણ તેમના અસ્તિત્વના પાયા ખળભળી ઉઠ્યા હતા.
તેમ છતાં તેઓ હાર્યા ન હતા. તેમણે પ્રદેશમાં અંકુરિત થઈ રહેલા રાજકારણના રથના અશ્વોની લગામ પોતાના હાથમાં રાખવાના ભરપૂર પ્રયાસ કુશળતાપૂર્વક કર્યા હતા.
રાજસ્થાનની રચના બાદ પ્રદેશના પહેલા મુખ્યપ્રધાનનું નામ, જયપુરના મહારાજાની પ્રશંસા તથા ભલામણ બાદ દેશના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સિટી પેલેસમાં નક્કી કર્યું હતું. એ હીરાલાલ શાસ્ત્રી હતા.
પ્રદેશમાં ત્રણ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી અને એ પહેલાં અહીં લોકતંત્રની કૂંપળ કોઈ જાહેર સ્થળે નહીં, પરંતુ એક એવા રાજમહેલમાં ફૂટી હતી જે છેલ્લાં 217 વર્ષથી રાજતંત્રનું શક્તિ કેન્દ્ર ગણાતો હતો.
રાજસ્થાન નામનું રાજ્ય સિટી પેલેસના દરબાર હોલમાં 1949ની 30 માર્ચે આકાર લઈ રહ્યું હતું અને તેમાં પદ-નામિત મુખ્ય મંત્રી હીરાલાલ શાસ્ત્રી એક આશ્ચર્યજનક દૃશ્યના સર્જક બની રહ્યા હતા.
સ્વાતંત્ર્યની લડાઈ લડેલા જયનારાયણ વ્યાસ, માણિક્યલાલ વર્મા અને ગોકુલભાઈ ભટ્ટ જેવા યોદ્ધાઓ સહિતના અનેક નેતાઓ માટે બેઠક વ્યવસ્થા સુદ્ધાં કરવામાં આવી ન હતી.
સમારંભની અગ્રીમ હરોળોમાં રાજા-મહારાજા, જાગીરદારો અને નવાબોની સાથે મોટા અમલદારો તેમજ અભિજાતવર્ગના લોકોને સ્થાન આપવામાં આવ્યું હતું.
એ જોઈને કૉંગ્રેસના અને સ્વતંત્રતા આંદોલનમાં મોખરે રહેલા નેતાઓ સમારંભનો બહિષ્કાર કરીને ચાલ્યા ગયા હતા. આઝાદીના આંદોલનમાં ભાગીદાર બનેલા તે નાયકોને મનાવવાનો, રોકવાનો કે પાછા લાવવાનો પ્રયાસ કોઈએ કર્યો ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આશ્ચર્યની વાત એ છે કે દેશના નાયબ વડા પ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પણ ત્યાં હાજર હતા.
રાજસ્થાનનાં રાજકારણમાં રાજવી પરિવારો
સૌપ્રથમ મુખ્ય મંત્રીપદ અને પછી પ્રધાનમંડળની રચના બાબતે 1949માં કૉંગ્રેસના નેતાઓની કટુતા તથા વિવાદનો સિલસિલો 2023 સુધી સતત ચાલતો રહ્યો છે.
એ કલહને કારણે હીરાલાલ શાસ્ત્રીએ મુખ્ય મંત્રીપદ છોડવું પડ્યું હતું અને 1951ની 20 જાન્યુઆરીએ જયનારાયણ વ્યાસને નવા મુખ્ય મંત્રી બનાવવાનું નક્કી થયું હતું. તેમણે 1951ની 26 એપ્રિલે હોદ્દાના સોગંદ લીધા હતા.
એ જ વર્ષે 160 બેઠકોવાળી રાજ્ય વિધાનસભાની ચૂંટણી નક્કી થઈ હતી, જે 1952માં પૂર્ણ થઈ હતી.
સતત આંતરિક વિરોધ તથા કલહથી ગ્રસ્ત કૉંગ્રેસ એ ચૂંટણીમાં હારતા-હારતા બચી હતી અને તેને 82 બેઠકો મળી હતી.
સ્પષ્ટ બહુમતિ માટે 81 બેઠકોની જરૂર હતી. એ ચૂંટણીમાં રજવાડાં પણ લડ્યાં હતાં. તેમની પસંદ રામ રાજ્ય પરિષદ હતી, જેને 24 બેઠક મળી હતી.
એ ચૂંટણીમાં સૌથી વધુ રસપ્રદ ઘટના મુખ્ય મંત્રી જયનારાયણ વ્યાસની બે રજવાડા સામે ખરાબ રીતે થયેલી હાર હતી. તેઓ બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બન્ને બેઠક પરથી ભૂતપૂર્વ રાજવી પરિવારના પ્રતિનિધિઓ સામે હાર્યા હતા.
જોધપુરમાં મહારાજા હનુવંત સિંહ અને જાલોર-એ બેઠક પરથી તેઓ માધોસિંહ સામે હાર્યા હતા. હનુવંત સિંહ અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા, જ્યારે માધોસિંહ રામ રાજ્ય પરિષદના ઉમેદવાર તરીકે લડ્યા હતા.
પ્રદેશના લોકતાંત્રિક રાજકારણને રાજવી પરિવારોનો આ પ્રારંભિક પડકાર અને ચેતવણી હતી.
રાજસ્થાનની ધમનીઓમાં લોકતંત્રનો રાગ છેડાયો હતો. રજવાડાઓની ભૃકુટી સતત તંગ રહેતી હતી. જાગીરદારોએ સરકારી વહીવટનું કામકાજ પણ મુશ્કેલ બનાવી દીધું હતું.
એ પરિસ્થિતિને પંડિત જવાહરલાલ નેહરુના કે લાલ બહાદૂર શાસ્ત્રીના કાર્યકાળમાં કોઈ સમજ્યું ન હતું.
ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં ત્યારે તેમણે ચાર મહત્ત્વના કાયદા વડે મોટું પરિવર્તન લાવીને રાજાશાહીના ઊંચા સિંહાસનને સંપૂર્ણપણે સમતળ કરી નાખ્યાં હતાં અને એ રાજાઓ સામાન્ય માણસ જેવા બની ગયા હતા.
ઇન્દિરા ગાંધીએ પ્રીવિપર્સ કાયદા વડે રાજવી પરિવારોને મળતા પૈસા તથા વિશેષ સન્માન પર પૂર્ણવિરામ મૂક્યું હતું. સીલિંગ ઍક્ટ મારફત તેમની જમીનો ભૂમિહીન લોકોને આપી દીધી હતી. વૅપન ઍક્ટ મારફત રાજવી પરિવારોના લોકોનું હથિયારોથી સજ્જ રહેવાનું બંધ કરી દીધું હતું અને ગોલ્ડ ઍક્ટ વડે તેમની પરંપરાગત સંપન્નતા પર લગામ તાણી દીધી હતી.
રાજવી પરિવારો ભાજપ પ્રત્યે મોહિત કેમ છે? એ સવાલ આજકાલ મહત્ત્વનો છે. તેનો સહજ જવાબ એ છે કે ઇન્દિરા ગાંધી નવા ફેરફારોના માધ્યમથી રાજસ્થાનનાં રાજવીઓને ધરતી પર લાવ્યાં હતાં.
તેમનો વૈભવ તથા ભવ્યતા ઝંખવાયાં હતાં. તેઓ સામાન્ય નાગરિક બની ગયા હતા. આ વાત રજવાડાઓને આજે પણ ખટકે છે.
રાજસ્થાનના રાજવી પરિવારો અને ભાજપ
ઇતિહાસકાર અને રજવાડાંઓના રાજકારણના જાણકાર ડૉ. રાજેન્દ્રસિંહ ખંગારોત કહે છે, “જેનો વિશેષાધિકાર છીનવાઈ જાય તે સત્તાવિરોધી બની જાય છે. રાજસ્થાનના રાજવી પરિવારોની બાબતમાં પણ આવું જ છે.”
“કૉંગ્રેસના કાર્યકાળમાં તેમના વિશેષાધિકાર છીનવાઈ ગયા એટલે તેમણે તેમના અધિકારોનું રક્ષણ નહીં, પરંતુ કમસેકમ તેને છીનવે નહીં, એવા પક્ષ સાથે ગોઠવણ કરવાનું શરૂ કર્યું હતું.”
રાજવીઓ પહેલાં રામ રાજ્ય પરિષદ અને પછી સ્વતંત્ર પાર્ટી સાથે જોડાયા હતા. સ્વતંત્ર પાર્ટીનો વિલય થયો પછી ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સાથેનું તેમનું જોડાણ સહજ થયું ગયું. કેટલાક રાજવી પરિવારો કૉંગ્રેસમાં પણ ભળ્યા હતા.
રાજસ્થાનમાં કોઈ પણ રાજવી પરિવારના વૃદ્ધ વ્યક્તિને મળીએ તો તેઓ સ્પષ્ટ કહે છે કે કૉંગ્રેસે પહેલાં તેમનું રાજ છીનવી લીધું, પછી જાગીરો છીનવી લીધી. પ્રીવિપર્સ ખતમ કર્યાં, ખેતીની વિશાળ જમીન તેમની પાસેથી લઈ લીધી, શસ્ત્રહીન કરી દીધા. એ પછી પણ કૉંગ્રેસ રોકાઈ નહોતી, તેમણે અમારા સોના, ચાંદી, હીરાવાળાં બહુમૂલ્ય આભૂષણો પણ લઈ લીધાં.
કેટલાક લોકો આને સમાજવાદની આંધી કહે છે અને કેટલાક તેને આઝાદી પછીની સમતા.
આ પરિસ્થિતિ પછી રાજસ્થાનની રાજકીય ધરતી પર રાજાશાહીના કેટલાંક ફૂલ કરમાઈ ગયાં, કેટલાંક સુકાઈને ખરી પડ્યાં અને કેટલાંક પોતપોતાના અસ્તિત્વ માટે ખીલેલાં રહેવાનો પ્રયાસ કરતાં રહ્યાં.
તેમના ફરી ઊભા થવાનો સમય ભૈરોસિંહ શેખાવત અને વસુંધરા રાજેના કાર્યકાળમાં આવ્યો હતો.
ભૈરોસિંહ શેખાવત જનસંઘના પ્રારંભિક નેતાઓમાં એવા એકમાત્ર નેતા હતા, જેમણે જાગીરદારી પ્રથા હટાવવામાં જાગીરદારોનો વિરોધ અને લોકતાંત્રિક અધિકારોનું સમર્થન કર્યું હતું.
પહેલી ચૂંટણી પછી હનુવંતસિંહનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું અને સત્તાપ્રાપ્તિનું રજવાડાંઓનું સપનું તૂટી ગયું હતું.
અલબત, કરૌલીથી પ્રિન્સ બ્રજેન્દ્રપાલ, કુમ્હેરથી રાજા માનસિંહ, નવલઢથી ભીમસિંહ, ઠિકાના ઉનિયારાથી રાવ રાજા સરદારસિંહ, આમેર-બી પરથી મહારાવલ સંગ્રામસિંહ, જેસલમેરથી હડવંતસિંહ, સિરોહીથી જવાનસિંહ, બાલીથી લક્ષ્મણસિંહ, જાલોર-એ પરથી માધોસિંહ, જોધપુર શહેર-બી પરથી હનવંતસિંહ, અટરુથી રાજા હિમ્મતસિંહ અને બનેડાથી રાજા ધીરજ અમરસિંહ જેવા લોકોનો વિજય થયો હતો.
રાજસ્થાનમાં રાજવી પરિવારોનું પ્રારંભિક પરિદૃશ્ય જણાવે છે કે પ્રદેશના રાજકારણમાં આજે સૌથી ચર્ચિત અને મોટાં નામોએ પોતાનું સ્થાન લોકસભામાં પહોંચીને બનાવ્યું છે, તે ભલે જયપુરના રાજવી પરિવારના લોકો હોય કે અલવર-ભરતપુરના.
જયપુરના રાજવી પરિવારના કોઈ સભ્યએ વિધાનસભા ચૂંટણીમાં વિદ્યાધરનગરની બેઠક પરથી પહેલીવાર ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
તેમનું નામ દીયાકુમારી છે. ભાજપના મોખરાના સ્થાપકો પૈકીના એક અને પ્રદેશના રાજકારણનું શક્તિ કેન્દ્ર બની રહેલા ભૈરોસિંહ શેખાવતના જમાઈની ટિકિટ કાપવામાં આવી છે.
એક અન્ય કિસ્સો ઉમેદવારનું નામ જાહેર કરવાના સમયનો છે.
જયપુરના પરકોટે વિસ્તારમાં પુસ્તકોની એક દુકાનમાં મારી મુલાકાત એક શાણા કૉલેજ શિક્ષક સાથે થઈ હતી. ચૂંટણીની વાત નીકળી ત્યારે જયપુરના વાતાવરણના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે આ વખતે દીયાકુમારીને ટિકિટ આપવામાં આવી છે. તેઓ રાજવી પરિવારનાં છે.
તેમણે એક શેર સંભળાવ્યો હતોઃ “શાહઝાદી તુઝે કૌન બતાએ તેરે ચરાગ-એ-કદ તક, કિતની મહેરાબેં પડતી હૈ, કિતને દર આતે હૈં.”
પુસ્તક વિક્રેતા તેમને ટોકતાં કહ્યું હતું, “સાહેબ, તમારો શેર તો સુંદર છે, પરંતુ દીયાકુમારીને તો પહેલેથી જ લોકસમર્થન મળી રહ્યું છે.”
જયપુરના ભૂતપૂર્વ મહારાજા બ્રિગેડિયર ભવાનીસિંહ અને પદ્મનીદેવીનાં એકમાત્ર પુત્રી દીયાસિંહ રાજસમંદથી લોકસભાનાં સભ્ય છે. એ પહેલાં તેઓ સવાઈ માધોપુરથી ભાજપનાં વિધાનસભ્ય હતાં.
મહારાણી ગાયત્રી દેવીનો ઇન્દિરા ગાંધીને પડકાર
દીયાકુમારીનાં દાદી મહારાણી ગાયત્રીદેવી 1962, 1967 અને 1971 એમ ત્રણ વખત સ્વતંત્ર પાર્ટી તરફથી જયપુરનાં સંસદસભ્ય બન્યાં હતાં. ગાયત્રી દેવીનો સમાવેશ, ઇન્દિરા ગાંધી સામે જેમણે સીધી ટક્કર લીધી હતી, એવા દિગ્ગજોમાં થાય છે.
ગાયત્રીદેવીના પુત્ર પૃથ્વીરાજ સિંહ 1962માં દૌસા બેઠક પરથી સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભા માટે ચૂંટાયા હતા. એટલે કે એ વર્ષે માતા અને પુત્ર બન્ને લોકસભામાં હતાં.
ગાયત્રીદેવી 1967માં ટોંક જિલ્લાની માલપુરા બેઠક પરથી સ્વતંત્ર પાર્ટીનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં અને કૉંગ્રેસના દામોદરલાલ વ્યાસ સામે હાર્યાં હતાં.
રાજસ્થાનના રાજકારણના જૂના જાણકારો માને છે કે ગાયત્રીદેવી એ ચૂંટણી ન હાર્યાં હોત તો રાજસ્થાનનાં બિન-કૉંગ્રેસી રાજકારણની લગામ તેમના હાથમાં હોત અને શેખાવતને બદલે 1977માં તેમણે ભાજપનું નેતૃત્વ કર્યું હોત.
સૌંદર્ય અને સાહસની મૂર્તિ જેવાં ગાયત્રીદેવીએ તેમના અંતિમ દિવસોમાં સામાન્ય લોકોની સમસ્યા સંબંધે ભાજપનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજે સામે ઘરણાં સુદ્ધાં કર્યાં હતાં.
તેઓ ઇન્દિરા ગાંધી સાથે પણ લડ્યાં હતાં. ઇન્દિરા ગાંધીને તેઓ એટલી હદે ગમતાં નહોતાં કે તેમણે ટૅક્સ સંબંધી કેટલાક કેસમાં ગાયત્રીદેવીને અનેક મહિના સુધી જેલમાં ગોંધી દીધાં હતાં.
અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જોન એફ કેનેડીનાં પત્ની જેક્લીન કેનેડી માર્ચ, 1962માં અનેક દિવસ સુધી ગાયત્રીદેવીને ત્યાં રોકાયાં હતાં, તેમણે જયપુરમાં હાથીની સવારી કરી હતી, પોલો મૅચ નિહાળી હતી, માર્કેટમાં ફર્યાં હતાં અને તેમનાં અંગત મહેમાન બન્યાં હતાં. ઇન્દિરા ગાંધીના મનમાં ત્યારથી ગાયત્રીદેવી પ્રત્યે ખાર હતો એવું રાજસ્થાનના રાજવી પરિવારોમાં માનવામાં આવે છે.
વસુંધરા રાજેની એક જૂની મુલાકાત મુજબ, રાજમાતા વિજયારાજે સિંધિયા માનતાં હતાં કે ગાયત્રીદેવી તેમના સમયમાં વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓ પૈકીનાં એક હતાં.
ગાયત્રીદેવીના પુત્ર બ્રિગેડિયર ભવાની સિંહ 1989માં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને ભાજપના એક સાધારણ કાર્યકર ગિરધારીલાલ ભાર્ગવે હરાવ્યા હતા.
મેવાડના ચૂંટણી જંગમાં કેટલા રાજવી પરિવાર
જયપુરની માફક નાથદ્વારા પર નજર કરો. ત્યાં કૉંગ્રેસના પ્રખર નેતા અને પોલિટિકલ સાયન્સના મર્મજ્ઞ ડૉ. સી. પી. જોશી મેવાડના રાજવી પરિવારના યુવાન વિશ્વરાજસિંહ મેવાડ સામે લડી રહ્યા છે.
વિધાનસભાના અધ્યક્ષ રહેલા જોશી વર્ષોથી લોકોની વચ્ચે કાર્યરત્ છે અને વિશ્વરાજસિંહ પહેલીવાર ડગલું માંડી રહ્યા છે, પરંતુ ટક્કર જોરદાર છે.
રાજસ્થાન વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં અનેક બેઠકો પર, રાજવી પરિવાર સાથે જોડાયેલા લોકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યાં, ઓછાવત્તા અંશે આવી જ પરિસ્થિતિ છે.
ભાજપે આ વખતે ઉદયપુરના ભૂતપૂર્વ રાજવી પરિવાર સાથે જોડાયેલા લક્ષ્યરાજસિંહને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ રાજકારણથી દૂર રહ્યા એટલે ભાજપ વિશ્વરાજસિંહને લાવ્યો.
વિશ્વરાજસિંહ ચિત્તોડગઢના ભૂતપૂર્વ સંસદસભ્ય મહારાજા મહેન્દ્રસિંહના પુત્ર છે, જ્યારે લક્ષ્યરાજસિંહ મેવાડના મહેન્દ્રસિંહના નાના ભાઈ અરવિંદસિંહ મેવાડના પુત્ર છે. વારસા અને સંપત્તિ બાબતે બન્ને પરિવારોમાં મતભેદ છે, પરંતુ સિટી પેલેસનો કબજો અરવિંદસિંહ પાસે છે.
રાજસ્થાનમાં બે રાજવી પરિવારો જાટ છે. તે ભરતપુર અને ધૌલપુરના પરિવારો છે.
ધૌલપુરના જાટ રાજવી પરિવારનાં પુત્રવધુ વસુંધરા રાજે ઝાલાવાડના ઝાલરાપટન બેઠક પરથી 2003થી સતત ચૂંટણી જીતતાં રહ્યાં છે, જ્યારે તેમના પુત્ર દુષ્યંતસિંહ ઝાલાવાડ-બારાંની લોકસભા બેઠક પરથી 2004થી સંસદસભ્ય છે.
વસુંધરા રાજેની રાજકીય સફર
વસુંધરા રાજે પ્રથમ ક્રમાંકે છે. તેઓ પહેલીવાર ભાજપની ટિકિટ પર ધૌલપુર બેઠક પરથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયાં હતાં. તેઓ ઝાલાવાડથી 1991, 1996, 1998 અને 1999 સુધી લોકસભાનાં સભ્ય હતાં.
પ્રાદેશિક રાજકારણમાં સૌથી વધુ પ્રભાવ અને સક્રિયતાની બાબતમાં ભરતપુરનો રાજવી પરિવાર સૌથી પાછળ છે.
આ પરિવારના વિશ્વેન્દ્રસિંહ ડીગ કુમ્હેર બેઠક પરથી 2013થી કૉંગ્રેસના વિધાનસભ્ય તરીકે સતત ચૂંટાતા રહ્યા છે. તેઓ રાજસ્થાન સરકારમાં પ્રધાન પણ છે. તેઓ 1989માં જનતા દળ તરફથી સંસદસભ્ય બન્યા હતા અને 1999 તથા 2004માં ભાજપ તરફથી સંસદસભ્ય બન્યા હતા.
વિશ્વેન્દ્રસિંહ 1993માં નદબઈ બેઠક પરથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમનાં પત્ની મહારાણી દિવ્યાસિંહ એક વખત વિધાનસભ્ય અને એક વખત સંસદસભ્ય બન્યાં હતાં.
વિશ્વેન્દ્રસિંહના પિતા મહારાજા બ્રિજેન્દ્રસિંહ 1962માં લોકસભા અને 1972માં વિધાનસભાના સભ્ય હતા.
આ રાજવી પરિવાર સાથે સંકળાયેલા રાજા માનસિંહ ડીગ કુમ્હેર અને વૈરથી અલગ-અલગ સમયે 1952થી 1980 સુધી સાત વખત વિધાનસભ્ય બન્યા હતા. 1985ની બહુચર્ચિત ચૂંટણી દરમિયાન પોલીસ ગોળીબારમાં તેઓ માર્યા ગયા હતા.
રાજા માનસિંહનાં પુત્રી કૃષ્ણેન્દ્રકૌર દીપા 1985, 1990, 2003, 2008 અને 2013માં વિધાનસભ્ય બન્યાં હતાં. આ વખતે ભાજપે તેમને ટિકિટ આપી નથી. તેઓ 1991માં લોકસભાનાં સભ્ય તરીકે પણ ચૂંટાયા હતાં.
આ રાજવી પરિવારના અરુણસિંહ 1991થી 2003 સુધી સતત ચાર વખત વિધાનસભ્ય બન્યા હતા.
ભરતપુરના રાજવી પરિવારના ગિરિરાજશરણસિંહ ઉર્ફે બચ્ચુસિંહ લોકસભાની પ્રથમ ચૂંટણીમાં સવાઈ માધોપુરથી વિજેતા બન્યા હતા.
મહારાજા કરણીસિંહ બિકાનેરથી 1952થી 1972 સુધી ચૂંટણીમાં લોકસભાના સભ્ય તરીકે સતત ચૂંટાતા રહ્યા છે. હવે તેમના પૌત્રી સિદ્ધિકુમારી બિકાનેર પૂર્વનાં વિધાનસભ્ય છે. તેઓ આ વખતે પણ ચૂંટણી લડી રહ્યાં છે.
અલવરનો રાજવી પરિવાર પણ મોખરે રહ્યો છે. ભંવર જિતેન્દ્રસિંહ આજે પણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને રાહુલ ગાંધીની અત્યંત નજીક છે. તેઓ બે વખત વિધાનસભ્ય અને એક વખત સંસદસભ્ય બન્યા છે. વડાપ્રધાન મનમોહન સિંહની સરકારમાં તેઓ કેન્દ્રીય પ્રધાન પણ હતા. તેમનાં માતા યુવરાની મહેન્દ્રાકુમારી ભાજપનાં સંસદસભ્ય હતાં.
જોધપુરનો રાજવી પરિવાર શરૂઆતમાં બહુ પ્રભાવશાળી હતો.
હનુવંતસિંહ વિધાનસભા અને લોકસભા બન્નેની ચૂંટણી જીત્યા હતા. તેમનાં પત્ની રાજમાતા કૃષ્ણા કુમારી 1972થી 1977 સુધી જોધપુરથી લોકસભાનાં સભ્ય હતાં. હનુવંતસિંહ અને કૃષ્ણાકુમારીના પુત્ર ગજસિંહ ભાજપના ટેકાથી 1990ની પેટા-ચૂંટણીમાં રાજ્યસભામાં પણ પહોંચ્યા હતા.
કૃષ્ણાકુમારી અને હનુવંતસિંહનાં પુત્રી તથા હિમાચલ પ્રદેશ કૉંગ્રેસનાં નેતા ચંદ્રેશકુમારી જોધપુરથી સંસદસભ્ય તરીકે ચૂંટાયાં હતાં.
કોટાના ભૂતપૂર્વ મહારાજા બૃજરાજસિંહ 1962માં કૉંગ્રેસ અને 1967 તથા 1972માં ઝાલાવાડથી ભારતીય જનસંઘના ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયા હતા. તેઓ 1977 અને 1980માં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા.
બૃજરાજસિંહના પુત્ર ઇજ્જેરાજસિંહ 2009માં કોટા લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા, પરંતુ 2014માં લોકસભાના વર્તમાન સ્પીકર ઓમ બિરલા સામે હારી ગયા હતા. એ પછી ઇજ્જેરાજ સિંહ અને તેમનાં પત્ની કલ્પનાદેવી ભાજપમાં જોડાઈ ગયા હતા. કલ્પનાદેવી 2018માં લાડુપુરા બેઠક પરથી વિધાનસભ્ય બન્યાં હતાં અને તેઓ ફરી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.
કરૌલીનો રાજવી પરિવાર પણ રાજકારણમાં સક્રિય રહ્યો છે. બ્રજેન્દ્રપાલસિંહ 1952 અને 1957 તથા 1962, 1967 તેમજ 1972માં વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.
તેઓ શરૂઆતમાં અને છેલ્લે અપક્ષ ઉમેદવાર હતા, પરંતુ વચ્ચેની બે ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા. આ રાજવી પરિવારના રોહિણીકુમારી 2008માં ભાજપના વિધાનસભ્ય તરીકે ચૂંટાયાં હતાં.
ગાયત્રી દેવી અને લક્ષ્મણ સિંહ વચ્ચેની ખેંચતાણ
એ દરમિયાન 1958થી રાજાધિરાજ સરદારસિંહ ખેતડી, મહારાવલ લક્ષ્મણસિંહ, કુંવર જસવંતસિંહ દાઉદસર જેવા લોકો પણ રાજ્યસભામાં પહોંચ્યા હતા.
1977માં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો ત્યારે શાહી રાજકારણમાં સૌથી રસપ્રદ વળાંક આવ્યો હતો. એ સમયે મહારાવલ લક્ષ્મણસિંહના નેતૃત્વ હેઠળ લગભગ તમામ રાજવી પરિવારો એક થયા હતા, પરંતુ જીત પછી મહારાણી ગાયત્રીદેવી અને લક્ષ્મણસિંહ વચ્ચે ખેંચતાણ ચાલતી રહી હતી.
વિવાદ વકર્યો ત્યારે, પહેલેથી જ તક શોધી રહેલા ભૈરોંસિહ શેખાવત સક્રિય થયા હતા. તેમણે રાજકીય સમજદારી તથા પોતાની કુશળતાથી નેતૃત્વ હાંસલ કર્યું હતું અને મુખ્ય મંત્રી બની ગયા હતા.
રાજવી પરિવારોની શક્તિશાળી ચહેરાઓની વચ્ચે એક સાધારણ રાજપૂત તરીકે શેખાવતે મુખ્ય મંત્રી બનીને દેખાડી દીધું હતું કે લોકતંત્રનું આકાશ હવે રાજવી પરિવારોને બદલે લોકઆકાંક્ષાઓની પાંપણો પર ઝૂકી ગયું છે.
શેખાવતે બેઠકો માટે સિટી પેલેસમાં જવાનો ઇનકાર કર્યો હતો અને શાહી ઠાઠમાઠવાળા રાજવી પરિવારોના પ્રતિનિધિઓ હાંસિયા પર આવી ગયા હતા.
મહારાવલ લક્ષ્મણ સિંહને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જ્યારે ગાયત્રીદેવીને તેમના દરજ્જા અનુસાર આરટીડીસીનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતાં. આ નિગમની રચના ખાસ તેમના માટે કરવામાં આવી હતી.
એ પછી પ્રદેશનાં રાજકારણમાં ઝડપી પરિવર્તન આવ્યું હતું અને રાજવી પરિવારોની ભવ્યતાથી વિપરીત સામાન્ય રાજપૂત નેતાઓની પ્રભાવશાળી હરોળ તૈયાર થઈ હતી.
તેમાં જસવંતસિંહ જસોલ, કલ્યાણસિંહકાલવી, તનસિંહ, દેવીસિંહ ભાટી, નરપતસિંહ રાજવી, સુરેન્દ્રસિંહ રાઠોડ અને રાજેન્દ્રસિંહ રાઠોડ જેવા કેટલાય નેતાઓ આગળ આવ્યા હતા.
તેનાથી રાજવી પરિવારોનું રાજકારણ અકળામણ અનુભવવા લાગ્યું હતું.
રાજસ્થાનનું રાજકારણ સાંકડી સુરંગમાંથી પસાર થઈને 1987 સુધી પહોંચ્યું ત્યારે રાજવી પરિવારોએ જોયું તો દેશના રાજકીય પરિદૃશ્ય પર વિશ્વનાથ પ્રતાપસિંહ છવાઈ રહ્યા હતા.
પરિવર્તન લાવનાર શેખાવત
વિશ્વનાથ પ્રતાપસિંહે તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીને પડકાર્યા ત્યારે મોટા રાજવી પરિવારોને તેમની સાથે પોતાનું ભવિષ્ય બહેતર જણાયું હતું.
વાસ્તવમાં વિશ્વનાથ પ્રતાપસિંહ રાજસ્થાનના દેવગઢના જમાઈ હતા. આ રીતે 1993ની ચૂંટણીમાં રાજપૂત રાજવી પરિવારો અને જાગીરદારોના લોકોને અનેક ટિકિટ્સ આપવામાં આવી હતી. પરાક્રમસિંહ બનેડા અને વી પી સિંહ બદનૌર જેવા નેતા આગળ આવ્યા હતા.
શેખાવતની સરકાર બની ત્યારે 1993થી 1998 દરમિયાન કિલ્લાઓ તથા જોવાલાયક સ્થળોનું નસીબ ઊઘડ્યું હતું અને નવી પ્રવાસન નીતિને કારણે નવી વસંત આવી હતી.
જે વેરાન કિલ્લાઓની વિશાળ કમાનો પર કબૂતરો બેસતાં હતાં ત્યાં આ નીતિ પછી સરકારી મદદ અને માર્ગદર્શનને લીધે વિદેશી પ્રવાસીઓ આવવા લાગ્યા હતા.
ક્યારેક રણની રેતીમાં નહાતા સૂમસામ કિલ્લાઓ, ચાંદનીમાં સ્નાન કરવા લાગ્યા હતા અને રણમાં સંપન્નતાના ઝરણાં ખળખળ વહેવા લાગ્યાં હતાં.
ચૂંટણી આવી ત્યારે એવા આક્ષેપ થયા હતા કે શેખાવતે આખો ખજાનો રાજમહેલો અને રાજવી પરિવારો પર લૂંટાવી દીધો છે. તેનું પરિણામ એ આવ્યું કે ભાજપ 200માંથી 33 બેઠકો પર પહોંચી ગયો હતો અને કૉંગ્રેસને 153 બેઠકો મળી હતી.
1998માં અશોક ગેહલોતના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર બની અને 2003માં ચૂંટણી યોજાઈ ત્યારે મહારાણી વસુંધરા રાજે સિંધિયા આંધી બનીને છવાઈ ગયાં હતાં. કૉંગ્રેસને માત્ર 56 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 120 બેઠકો મળી હતી.
ભાજપને પહેલીવાર સંપૂર્ણ બહુમતી મળી હતી. વસુંધરા રાજે પરિવર્તન યાત્રા પર નીકળ્યાં હતાં અને પ્રદેશમાં જ્યાં પણ કોઈ રાજવી પરિવાર કે રાજપૂત પરિવારમાં રાજકારણની સંભાવના જોવા મળી ત્યાં, ખૂણેખૂણે ફરી વળ્યાં હતાં. તેમણે તેને આગળ વધાર્યું હતું.
હવે ઉત્તર-વસુંધરા કાળમાં ભાજપના નેતૃત્વએ ફરી એકવાર રાજવી પરિવારો માટે ખભા પહોળા કર્યા છે અને હાથ ખોલી દીધા છે.
પ્રોફેસર ખંગારોત કહે છે, “રાજસ્થાનના તમામ રાજવી પરિવારો જુલમી ન હતા, પરંતુ હકીકત એ છે કે સત્તાનું ચરિત્ર ક્યારેય બદલાતું નથી. રાજાઓ-નવાબો માટે પહેલાં જે લાલ જાજમ બિછાવવામાં આવતી હતી તેના પર હવે ચૂંટાયેલા સત્તાધીશો ચાલે છે અને મરજી મુજબ નિર્ણયો કરે છે.”
તેમના આવા નિર્ણયોને લીધે જ રાજકીય પક્ષોના સામાન્ય કાર્યકરો સાદડીઓ પાથરતા રહે છે, સૂત્રોચ્ચાર કરતા રહે છે અને ટિકિટો રાજમહેલમાં પહોંચી જાય છે.