પીએમ મોદીએ રાહુલ ગાંધી પર ‘બાળબુદ્ધિ’ કહીને નિશાન સાધ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે વિપક્ષ તરફથી સતત નારેબાજી થઈ.

પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષ તરફથી 'મણિપુરમાં ન્યાય, તાનાશાહી નહીં ચલેગી, ભારત જોડો...' જેવા નારાઓ લાગ્યા.

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં ચૂંટણી, ત્રીજી વખત સરકાર બનાવવાને અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ભાષણ તથા તુષ્ટીકરણ નીતિ, ભ્રષ્ટાચારને લઈને ઝીરો ટોલરન્સની નીતિ પર પોતાની સરકારની વાત મૂકી.

તેમણે વિપક્ષ પર ગૃહની ગરિમા ભંગ કરવાનો, અરાજકતા પેદા કરવાનો અને જુઠ્ઠું બોલવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે સ્પીકરને અપીલ કરતા કહ્યું કે દેશ સંકટ તરફ જઈ રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું, “કાલે જે થયું તેને ગંભીરતાથી લીધા વગર સંસદીય લોકતંત્ર સંરક્ષિત નહીં થઈ શકે. આ પ્રકારના વર્તનને 'બાળબુદ્ધિ' કહીને તેને અવગણવું ન જોઈએ. કારણકે તેની પાછળના ઇરાદા નેક નહીં પરંતુ ગંભીર ખતરો પેદા કરનારા છે.”

રાહુલ ગાંધી પર સ્પીકરનું વલણ

જ્યારે પીએમ મોદીએ તેમનું ભાષણ શરૂ કર્યું ત્યારે વિપક્ષ તરફથી શોર શરૂ થઈ ગયો.

પીએમ મોદીએ થોડીવાર પોતાનું ભાષણ રોક્યું ત્યારે સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષ નેતા રાહુલ ગાંધીને સંબોધીત કરતા કહ્યું, “તમે લોકોને વેલમાં આવવાનું કહો છો તે ગૃહની ગરિમાને અનુરુપ નથી.”

પીએમ મોદીએ ત્યારબાદ પોતાનું ભાષણ આગળ વધારતા કહ્યું, “દુનિયાના સૌથી મોટા ચૂંટણી અભિયાનમાં જનતાએ અમને ચૂંટી કાઢ્યા છે. હું કેટલાક લોકોની પીડા સમજી શકું છું. તેઓ સતત જુઠ્ઠું બોલ્યા છતાં તેમની પરાજય થઈ.”

ઓવૈસીની 'મોદીના બુલડોઝર' અને 'મૉબ લિંચિંગ' વિશેની ટિપ્પણી પર લોકસભામાં હંગામો

મંગળવારે એઆઈએમઆઈએમ પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની એક ટિપ્પણી પર લોકસભામાં હંગામો થયો.

તેમણે કહ્યું હતું, “ચાર જૂન બાદ દેશમાં છ મુસ્લિમોની લિંચિંગ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં એક મુસ્લિમની દુકાનને લૂંટવામાં આવી. વિપક્ષી પાર્ટીઓ પણ શાંત છે.”

તેની આ ટિપ્પણી બાદ સત્તાપક્ષના સાંસદોએ શોર મચાવવો શરૂ કરી દીધો.

શ્રમ અને રોજગારમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ હસ્તક્ષેપ કરતા 'મોદીના બુલડોઝર' અને 'મૉબ લિંચિંગ' શબ્દો પર વાંધો ઉઠાવ્યો. મનસુખ માડંવિયાએ ઓવૈસીને આ આરોપ સિદ્ધ કરવાનો પડકાર પણ ફેંક્યો.

મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ઓવૈસી બોલી રહ્યા હતા.

તેમણે કહ્યું, “ગૃહમાં ઓબીસીના એમપી હવે ઉચ્ચ જાતિના એમપી જેવા જ બની ચૂક્યા છે પરંતુ દેશની 14 ટકા મુસ્લિમ પ્રજાના માત્ર ચાર ટકા પ્રતિનિધિ જ સંસદમાં ચૂંટાઈને આવે છે.”

તેમણે કહ્યું, “આ તમામ માટે આત્મનિરીક્ષણનો વિષય છે કે મુસ્લિમોને યોગ્ય હિસ્સેદારી નથી મળતી ત્યારે શું અમે માત્ર વોટ નાખવા માટે જ છીએ?”

હિંડનબર્ગનો દાવો- અદાણીના શૅર શૉર્ટ કરવા માટે કોટક ગ્રૂપની કંપનીનો ઉપયોગ કરવામાં આવ્યો

અમેરિકાની શૉર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગે સેબીને કારણ બતાઓ નૉટિસનો જવાબ આપતા કહ્યું છે કે તેમણે અદાણી ગ્રૂપના શૅરને શૉર્ટ કરવા માટે પોતાના નિવેશકના એક ઑફ શોર ફંડ સ્ટ્રક્ચરનો ઉપયોગ કર્યો અને આ ફંડ સ્ટ્રક્ચર બનાવવા અને તેની દેખભાળ કરવાનું કામ કોટક મહિન્દ્રા બૅન્કનું હતું.

કોટક મહિંદ્રા બૅન્કના સ્થાપક ઉદય કોટક છે. તેઓ એક પ્રાઇવેટ બૅન્ક તથા બ્રોકરેજ ફાર્મ છે. જોકે હિંડનબર્ગે પોતાના નિવેશકનું નામ નહોતું લીધું.

હિંડનબર્ગને સેબીએ અદાણી ગ્રૂપ પર તેની રિપોર્ટને કારણે કારણ બતાઓ નૉટિસ ફટકારી હતી. આ નૉટિસને હિંડનબર્ગે અસંગત ગણાવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે નૉટિસના જવાબમાં હિંડનબર્ગે કહ્યું, “ભારતમાં સૌથી શક્તિશાળી લોકો તરફથી થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરનારા લોકોને ચૂપ કરવાનું અને તેમને ડરાવવાનું આ કામ છે.”

“અડાણી ગ્રૂપ અત્યારસુધી અમારા રિપોર્ટમાં લગાવેલા આરોપોનો જવાબ ન આપી શક્યું તેની જગ્યાએ તેમણે અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ સવાલોનું મીડિયામાં ખંડન કર્યું છે.”

“સેબીએ નૉટિસમાં સ્પષ્ટ નામ ન જણાવ્યું જેનો ભારત સાથે સંબંધ છે- કોટક બૅન્ક. જે ભારતની સૌથી મોટી બૅન્કો પૈકીની એક છે. આ કંપનીએ અમારા નિવેશક પાર્ટનર માટે એક ઑફ શોર ફંડ સ્ટ્રક્ચર બનાવ્યું અને તેની દેખભાળનું કામ કર્યું. આ સ્ટ્રક્ચરનો ઉપયોગ અમારા નિવેશક પાર્ટનરે અડાણી સામે બેટિંગમાં કર્યો. પરંતુ સેબીએ કોટકનું નામ ન લીધું. તેને માત્ર કે-ઇન્ડિયા ઑપોર્ચ્યુનિટીઝ ફંડ નામ આપવામાં આવ્યું અને કોટક નામને કેએમઆઈએલના શોર્ટફૉર્મથી છુપાવી દેવાયું.