દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટના : વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા, સવાલ કર્યો કે મોતના જવાબદાર કોણ? ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચંદન જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
ઉત્તર પ્રદેશનાં આંબેડકરનગરનાં શ્રેયા યાદવ લગભગ દોઢ વર્ષ પહેલાં દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં રહેવા આવ્યાં હતાં.
શ્રેયા અહીં એક ખાનગી કોચિંગ સંસ્થામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હતાં. તેમના પિતા ખેડૂત છે, જે ખેતી ઉપરાંત પશુપાલનનું કામ કરે છે. તેમનાં માતા ગૃહિણી છે.
વરસાદને કારણે દિલ્હીના રસ્તા પર ભરાયેલા પાણીએ શનિવારે સાંજે તેમનાં માતા-પિતાની બધી જ આશાઓને એક જ ઝટકે વહાવી દીધી.
કોચિંગ સેન્ટરની બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાણી ભરાવાથી શ્રેયાનું મૃત્યુ થયું. આ દુર્ઘટનામાં શ્રેયાની સાથે બીજા બે વિદ્યાર્થીનાં પણ મોત થયાં છે.
આ દુર્ઘટનામાં તાન્યા સોની નામની એક વિદ્યાર્થિની અને નેવિન ડેલ્વિન નામના એક વિદ્યાર્થીનું પણ મોત નીપજ્યું છે. તાન્યાનો પરિવાર તેલંગણામાં રહે છે, જ્યારે નેવિન કેરળના એર્નાકુલમના રહેવાસી હતા.
તાન્યાનો પરિવાર મૂળરૂપે બિહારનો રહેવાસી છે, પરંતુ તેમના પિતા તેલંગણામાં નોકરી કરે છે.
નેવિન ડેલ્વિનના પિતા કેરળના ત્રિવેન્દ્રમમાં રહે છે. તેઓ નિવૃત્ત એસીપી છે અને તેમનાં માતા કલાડીમાં પ્રોફેસર છે.
શ્રેયાના મૃતદેહને ઘરે લઈ જવા માટે દિલ્હીની રામમનોહર લોહિયા હૉસ્પિટલમાં શ્રેયાના કાકા ધર્મેન્દ્ર યાદવ પોતે હાજર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું, “માતા-પિતાએ શ્રેયાને પોતાનાં સપનાં પૂરાં કરવાં માટે દિલ્હી મોકલ્યાં હતાં. તેઓ અહીં કેવી રીતે આવી શકે? હું તેમના મૃતદેહને લઈ જવા માટે આવ્યો છું.”
“શ્રેયાના પિતા ખેતી કરે છે, થોડાંક પશુ રાખ્યાં છે. શ્રેયાએ ક્યારેય જણાવ્યું નહીં કે તેમને દિલ્હીમાં મુશ્કેલી પડી રહી છે.”

વિદ્યાર્થીઓનાં મોત કેવી રીતે થયાં?

ઇમેજ સ્રોત, RAJAN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શનિવારની સાંજે દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં એક બિલ્ડિંગના બેઝમેન્ટમાં બનાવેલા હૉલમાં કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતાં અથવા ટેસ્ટ આપી રહ્યાં હતાં. આ બિલ્ડિંગ સિવિલ સર્વિસ માટે તૈયારી કરાવનાર એક ખાનગી કોચિંગ સંસ્થાની છે.
સાંજે ભારે વરસાદને કારણે અહીં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. અચાનક જ રસ્તાઓ પર ભરાયેલું પાણી ઝડપથી કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ભરાવા લાગ્યું. થોડીક જ વારમાં આખા બેઝમેન્ટમાં કેટલાક ફૂટ પાણી ભરાઈ ગયું.
આ કારણે કોચિંગ સેન્ટરમાં હાજર લગભગ 18 વિદ્યાર્થીઓ અને કામ કરનારા કર્મચારીઓ ફસાઈ ગયા. આ દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.
આ કોચિંગ સંસ્થામાં અભ્યાસ કરતા રાજન નામના એક વિદ્યાર્થીએ બીબીસીને જણાવ્યું કે બેઝમેન્ટના હૉલમાં વિદ્યાર્થીઓ ટેસ્ટ આપવા માટે આવે છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ હૉલમાં બેસીને અભ્યાસ પણ કરે છે.
તેમણે ઉમેર્યું, “પહેલાં અહીં સામાન્ય દરવાજો હતો. જોકે, થોડાક દિવસો પહેલાં જ એ દરવાજાને હટાવીને બાયોમેટ્રિક સિસ્ટમવાળો દરવાજો લગાડવામાં આવ્યો હતો. એવું લાગે છે કે પાણી ભરાઈ જવાથી બાયોમેટ્રિક સિસ્ટમ ખરાબ થઈ ગઈ અને લોકો બહાર નીકળી શક્યા નહીં.”
કોચિંગ સેન્ટરની સામે હાજર વિદ્યાર્થીઓ અને દુકાનદારોનું કહેવું છે કે સામાન્ય રીતે આ વિસ્તારમાં વરસાદમાં રસ્તા પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ જાય છે. તેમનું કહેવું છે કે ફરિયાદ કરવા છતાં પણ કોઈ કામ થતું નથી.
આ કોચિંગ સેન્ટરની એકદમ સામે પરોઠાંની દુકાન લગાવનાર આશા દેવીએ જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરવા માટે આવે છે તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ તેમની દુકાન પર જમે છે.
શનિવારે જ્યારે આ ઘટના બની ત્યારે આશા દેવી ત્યાં હાજર હતાં.
તેમણે કહ્યું, “અહીં ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું. કોઈ મોટી ગાડી અહીંથી નીકળી, જેને કારણે પાણી કોચિંગ સેન્ટરના બેઝમેન્ટ તરફ જવા લાગ્યું.”
તેમણે ઉમેર્યું, “કહે છે કે કોઈ ડ્રૅનેજ સિસ્ટમ પણ તૂટી ગઈ, જેને કારણે અચાનક વધારે પ્રમાણમાં પાણી બેઝમેન્ટમાં ઘૂસી ગયું હતું.”
કોચિંગ સેન્ટરોનું કેન્દ્ર?

દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં પહોંચતાંની સાથે જ રસ્તાની બંને તરફ સિવિલ સર્વિસની તૈયારી કરાવતી ડઝનેક કોચિંગ સંસ્થાની લાઇન જોવા મળે છે.
કોચિંગ સેન્ટરની સાથે આ વિસ્તાર પુસ્તકોની દુકાનો, હોટલ અને બીજા વેપારનું મોટું કેન્દ્ર બની ગયો છે.
આ વિસ્તારમાં થાંભલાથી લઈને દીવાલો સુધી આઈએએસ અને આઈપીએસની તૈયારી સાથે જોડાયેલા કોચિંગ સંસ્થાઓનાં દાવા અને જાહેરાતો નજરે ચડે છે.
ગલીઓમાં લટકતા વીજળીના તાર અને તૂટેલા રસ્તાઓ વચ્ચે આંખોમાં સપનાં લઈને આવતા હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અહીંની ઓળખ બની ગઈ છે.
આ વિદ્યાર્થીઓનું સપનું છે કે એક દિવસ ભારતની સૌથી મોટી પરીક્ષા પાસ કરીને સરકારી અધિકારીની નોકરી માટે પસંદગી પામવું.
જોકે, શનિવારની સાંજે ત્રણ વિદ્યાર્થીનાં સપનાં કાયમ માટે ઊંઘી ગયાં.
કોચિંગ માટે આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભાડા પર રહેવાનું પસંદ કરે છે. આ કારણે સ્થાનિક મકાનમાલિકોને ભાડાપેટે સારી કમાણી થઈ રહી છે.
અહીં ગલીઓમાં ગંદગી અને જ્યાં-ત્યાં ફેંકેલા કચરા ઉપરાતં લટકતા વીજળીના તારો ઘણા ભયજનક દેખાઈ છે.
ઉત્તર પ્રદેશના મેરઠથી રાજેન્દ્રનગર આવેલી એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે આ વિસ્તારની સૌથી મોટી તકલીફ એ છે કે અહીં રૂમ લેવા માટે પ્રોપર્ટી એજન્ટ અથવા બ્રોકરને કમિશન આપવું પડે છે.
તેમણે જણાવ્યું, “નાના-નાના રૂમમાં લગાડેલા એક બૅડ માટે અમારી પાસેથી 20 હજાર રૂપિયા સુધીનું ભાડું લેવામાં આવે છે, નહીંતર રહેવાની જગ્યા મળતી નથી. રહેઠાણની જગ્યાનો કૉમર્શિયલ ઉપયોગ કરવામાં આવે છે.”
“અમારી પાસેથી કૉમર્શિયલ દરે વીજળી અને પાણીનું બિલ લેવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે કંઈ મળતું નથી.”
જવાબદાર કોણ?

આ દુર્ઘટના પછી આ વિસ્તારમાં વિદ્યાર્થીઓમાં ભારે ગુસ્સો છે. તેમણે રવિવારે આખો દિવસ પ્રદર્શન પણ કર્યું. વિદ્યાર્થીઓની માગણી છે કે આ ઘટના પાછળ જવાબદાર લોકોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
અમે અહીં વિદ્યાર્થી સાથે વાત કરી તો સાંભળ્યું કે તેમની ફરિયાદો અને ગુસ્સામાં કેટલાક સવાલો છે.
અહીં ચારે તરફથી એક જ અવાજ સંભળાય છે કે આ મૃત્યુ માટે “જવાબદાર કોણ છે?”
વિક્રમ નામના એક વિદ્યાર્થીએ કહ્યું, “અમે કોચિંગ સંસ્થાઓને મોટી ફી આપીએ છીએ. અમારે આ સિવાય રહેવા માટે પણ વધારે ખર્ચો કરવો પડે છે અને અમને શું સુવિધા મળે છે. સિવિલ સર્વિસ માટે પસંદગી થવી પછીની વાત છે, પરંતુ તમે અમને શું આપી રહ્યા છો... મોત.”
દિલ્હીમાં કોચિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે દુર્ઘટનાનો આ પહેલો મામલો નથી. થોડાક દિવસો પહેલાં રાજેન્દ્રનગરની બાજુમાં આવેલા પટેલનગરમાં એક વિદ્યાર્થીનું કરંટ લાગવાથી મોત થયું હતું.
ગયા વર્ષે મુખરજીનગરમાં પણ આવી જ એક દુર્ઘટના ઘટી હતી. મુખરજીનગર દિલ્હીમાં સિવિલ સર્વિસની તૈયારી માટે દિલ્હીનું સૌથી મોટું કેન્દ્ર છે.
ગયા વર્ષે જૂન મહિનામાં ત્યાં એક કોચિંગ સંસ્થાની બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ કારણે કેટલાક વિદ્યાર્થીઓ વીજળીના તારની મદદ વડે નીચે ઊતરવું પડ્યું હતું. કેટલાક લોકોએ છત પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ ઘટનાની તસવીરો એ સમયે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.
રાજેન્દ્રનગરની ઘટના પછી પોલીસે કોચિંગ સેન્ટર અને બિલ્ડિંગના મૅનેજમૅન્ટ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.
દિલ્હી પોલીસના ડીસીપી (સૅન્ટ્રલ) એમ હર્ષવર્ધને આપેલી માહિતી પ્રમાણે, “આ મામલામાં કોચિંગ સેન્ટરના માલિક અને સેન્ટરના સંયોજકની અટકાયત કરવામાં આવી છે. તપાસમાં જે લોકો દોષિત જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”












