રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના : SIT કયા મુદ્દે અને શેની તપાસ કરશે?

ઇમેજ સ્રોત, PAWN JAISWAL/BBC
રાજકોટસ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાવહ આગને કારણે અત્યાર સુધીમાં 27 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. મૃત્યુઆંક હજુ પણ વધે તેવી સંભાવના છે.
દુર્ઘટનામાં આગને કારણે મૃત્યુ પામેલા લોકોના શરીર એટલા બળી ગયા છે કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
દુર્ઘટનાને કારણે રાજકોટના સ્થાનિક સત્તાવાળાઓ, ગેમ ઝોનના માલિકો, જવાબદાર અધિકારીઓથી લઈને ગુજરાત સરકાર સામે સવાલો ઊઠી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આટલી વિકરાળ આગ કેમ લાગી હતી.
રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે સીઆઈડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદીના અધ્યક્ષપદે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરી છે.
એસઆઈટીના બીજા ચાર સભ્યો બંછાનિધી પાની, એચ.પી. સંઘવી, જે.એન. ખડિયા અને એમ.બી.દેસાઈ છે.
એસઆઈટી શું તપાસ કરશે?

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC
રાજ્ય સરકારે નીમેલી આ એસઆઈટીને તપાસ કરીને 72 કલાકમાં સરકારને અહેવાલ આપવાનું કહેવાયું છે.
એસઆઈટી નીચે જણાવેલા મુદ્દાઓ વિશે તપાસ હાથ ધરશે.
- કયા સંજોગોમાં અને કયા કારણોસર આગનો બનાવ બન્યો હતો?
- ગેમિંગ ઝોનને મંજૂરી આપવામાં આવી હતી કે નહીં?
- ગેમિંગ ઝોનને મંજૂરી આપતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી?
- ગેમિંગ ઝોનનું બાંધકામ નિયમાનુસાર કરવામા આવ્યું હતું કે નહીં?
- ગેમિંગ ઝોન પાસે ફાયર વિભાગનું એનઓસી છે કે નહીં?
- ગેમિંગ ઝોનમાં ઇમરજન્સી ઍક્ઝિટ માટે શું વ્યવસ્થા હતી?
- ગેમિંગ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ કાર્ય માટે શું વ્યવસ્થા કરવામાં આવી હતી?
- આ બનાવમાં સ્થાનિક તંત્ર કે ગેમિંગ ઝોનના સંચાલકની બેદરકારી છે કે કેમ?
- ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે કેવાં પગલાં લેવાં જોઈએ?
આ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું, "આ દુખદ ઘટના છે. તેની તપાસ માટે જ આ એસઆઈટી બનાવાઈ છે. અમે આ મામલે તમામ સંલગ્ન વિભાગો અને લોકોની શું ભૂલ છે તે અંગેની તપાસ કરીશું. આ પ્રકારની ઘટના બીજીવાર ન થાય તે માટે અમે તેના મૂળ સુધી પહોંચીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે, “અમે સંપૂર્ણ નિષ્ઠા અને ઇમાનદારીથી આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકોને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
આગના કારણો વિશે શું જાણવા મળ્યું?

રાજકોટથી બીબીસી સહયોગી બિપીન ટંકારિયાએ આપેલી પ્રાથમિક માહિતી અનુસાર ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાં શોટ-સર્કિટની ઘટનાને પગલે આ આગ લાગી હોય તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
પોલીસ કમિશનરે બિપિન ટંકારીયાને જણાવ્યું હતું, "અમે અંદર જઈને આખા વિસ્તારનું નિરીક્ષણ કરીશું. અમે એફએસએલની ટીમને પણ બોલાવી છે. એફએસએલની ટીમ આવીને તેનું નિરીક્ષણ કરશે અને આગ લાગવા પાછળનું ચોક્ક્સ કારણ જાણવાની કોશિશ કરીશું.”
રાજકોટના જિલ્લા કલેક્ટર પ્રભાવ જોષીએ ટંકારીયાને આગની આ ઘટના અંગે અંગે જણાવ્યું હતું, "સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે. ફાયર-બ્રિગેડની ગાડીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી."
રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડીજીપી વિકાસ સહાય સહિતના લોકોએ આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.












