You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાંધીનગર : વિધવા બહેને પ્રેમલગ્ન કર્યાં તો બનેવી અને ત્રણ ભાણિયાંની હત્યા કરી, 32 વર્ષે આરોપી મામો ઝડપાયો
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત પોલીસે 32 વર્ષથી ભાગતાંફરતાં હત્યાના આરોપીની ધરપકડ કરી કરી છે.
ગુજરાતની ચૂંટણી નજીક આવતા ભાગેડુ ગુનેગારોને પકડવાની ઝુંબેશ ચાલતી હતી. સીઆઈડી ક્રાઇમના ઇન્સ્પેક્ટર ગુનેગારોની માહિતી ભેગી કરતા હતા, અને મોડી રાત્રે પોલીસને એવા ગુનેગારની માહિતી મળી, જેના પર ચાર-ચાર હત્યાના આરોપ છે. પોલીસે માટે આ વિગત મહત્ત્વની હતી, તે વર્ષોથી આ આરોપીને શોધતી હતી.
પોલીસે માટે ચૂંટણીનો સમય મહત્ત્વનો અને આરોપી માટે કપરો સાબિત થયો. આ આરોપીનું નામ છે ભમરસિંહ સોલંકી.
ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એબી બ્રહ્મભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ચૂંટણીમાં કોઈ અપ્રિય ઘટના ના બને એટલે પોલીસ ગુનેગારોને તો રાઉન્ડ અપ કરે જ છે, પણ નાસતાંફરતાં ભાગેડુ ગુનેગારોને પકડવાની કવાયત પણ તેજ કરી દે છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ આવા ગુનેગારોને શોધી રહી હતી.
પોલીસે જણાવ્યું કે "આરોપી ભમરસિંહ 32 વર્ષથી નાસતોફરતો હતો. 40 વર્ષ પહેલાં વિધવા થયેલી તેની બહેને ગામના એક જુવાન સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.
આખો કેસ શું છે?
આ આખાય કેસને એક વર્ષ અને આઠ મહિનાથી ફૉલો કરનાર સીઆઈડી ક્રાઇમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયકે ઝાલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હું મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં હતો ત્યારે મારા એક ખબરીએ મને લગભગ પોણા બે વર્ષ પહેલાં કહ્યું હતું કે બનાસકાંઠાના ગામમાં ચાર હત્યા કરીને જેલમાંથી નાસી છૂટેલો એક માણસ સંતાઈને બેઠો છે."
"મેં કેસની તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે 1987માં મહેસાણા જિલ્લાના માંકણજ ગામમાં જેનાજી ઠાકોરના પરિવારને ધમકી મળી હતી અને એ પરિવાર પાટણ ગયો હોવાની વાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી. પછી બીજી એક ફરિયાદ પાટણના બગવાના પાસેથી અપહરણ થયાની નોંધાઈ હતી. જેમાં એક જીપમાં જેનાજી ઠાકોરનું એની દીકરી કેસર અને બે દીકરા વિષ્ણુ અને સોમજી સાથે અપહરણ થયું હતું."
"ત્યાર બાદ એક વર્ષ પછી સંથાલ પોલીસ સ્ટેશનમાં જેનાજીની પત્ની રાજુલા ઠાકોરે પોતાના પતિ અને ત્રણ બાળકોનું એના ભાઈ ભમરસિંહ સોલંકી, એના પિતા લઘુજી સોલંકી સહિત સાત જણાએ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં બહાર આવ્યું કે ભમરસિંહ સોલંકીએ એના પિતા લઘુજી સોલંકી અને બીજા પાંચ જણાએ ભેગા થઈ અપહરણ કરીને જેનાજી અને એની દીકરી તથા બે દીકરાની હત્યા કરીને એમના મૃતદેહોને અર્ધ બળેલી હાલતમાં કંબોઈ ગામ પાસે બનાસ નદીના પટમાં દાટી દીધાની કબૂલાત કરી છે.
મતદાન કરવા આવ્યો અને ઝડપાઈ ગયો
પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયકે ઝાલા કહે છે કે "મહામહેનતે ચાર જિલ્લાની પોલીસ પાસેથી જૂની ફાઈલો ભેગી કરી હતી. મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. દરમ્યાન જેલમાંથી 6 માર્ચ, 1990ના દિવસે ભમરસિંહ સોલંકી પોલીસને થાપ આપીને નાસી ગયો હતો."
સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર એબી બ્રહ્મભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "દરમ્યાન ઝાલાએ બે વર્ષ સુધી તપાસ કરી હતી અને એમની બદલી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાંથી સીઆઈડીમાં થઈ, પણ એ આ કેસની સીલબંધ વિગતો સીઆઈડીમાં લાવ્યા હતા."
તેઓ કહે છે, "ચૂંટણી સમયે અમે રીઢા ગુનેગારોને શોધતા હતા. એ સમયે અમે મોડી રાત્રે ભમરસિંહની વિગતો મતદારયાદીમાં નાખી તો એના ગામના સરનામા પર ચૂંટણી કાર્ડમાં મતદાર તરીકે એનું નામ લખાયેલું હતું."
"અમને ઝાલાના બાતમીદારો મારફત ખબર પડી કે મતદાન કરવા એ (આરોપી) દરેક ચૂંટણીમાં ગામમાં આવે છે."
પોલીસે કેસની વિગત આપતા કહ્યું કે ભમરસિંહને પકડવા માટે સીઆઈડી ક્રાઇમની એક ટીમે બનાસકાંઠાના કાંકરેજ પાસેના કંબોઈ ગામમાં 20 દિવસ સુધી છુપા વેશે ધામા નાખ્યા હતા. પાંચમી ડિસેમ્બરે ભમરસિંહ સોલંકી મતદાન કરવા આવ્યો.
"પોલીસ માટે ચૂંટણી સમયે મતદાનમથક પર પકડવો મુશ્કેલ હતો, કારણ કે 32 વર્ષમાં એનો ચહેરો પણ ઘણો બદલાઈ ગયો હતો. અમે સુનિશ્ચિત કર્યું કે આ ભમરસિંહ સોલંકી જ છે, એ પછી અમે એને મોડી રાત્રે એના ઘરેથી પકડી લીધો."
બનેવી અને ભાણેજની હત્યાનો આરોપ
બ્રહ્મભટ્ટ વધુમાં કહે છે "એની (ભમરસિંહ) ધરપકડ બાદ એણે કરેલી કબૂલાતમાં કહ્યું કે એની બહેન રાજુલાનાં લગ્ન કેશુભા વાઘેલા સાથે થયાં હતાં. કેશુભા વાઘેલાનું ટીબીને કારણે અવસાન થયું હતું. એની વિધવા બહેન રાજુલા એમની સાથે કંબોઈ ગામમાં રહેતી હતી અને આ જ ગામમાં રહેતા જેનાજી ઠાકોર સાથે આંખ મળી ગઈ."
"પછી વિધવા બહેન રાજુલા જેનાજી સાથે ભાગી ગઈ. ભમરસિંહ સોલંકી એને આઠ વર્ષ સુધી શોધતો રહ્યો. 1987માં એને ખબર પડી કે જેનાજી અને એની બહેન મહેસાણાના માંકણજ ગામે રહે છે. જેનાજી સાથેનાં લગ્નથી બે દીકરા અને એક દીકરીને જન્મ આપ્યો છે."
"સમાજમાં વિધવા બહેનનાં પ્રેમલગ્નથી બદનામી થઈ હોવાથી એણે અને એના પિતાજી અને દોસ્તો સાથે મળી જેનાજીનું ત્રણ બાળક સાથે અપહરણ કરીને એમની હત્યા કરીને મૃતદેહો બનાસ નદીના પટમાં દાટી દીધા હતા."
પોલીસે કહે છે કે "હવે ભમરસિંહની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાશે, 32 વર્ષથી છુપાયેલા પોતાના સગા બનેવી અને બે ભાણિયા અને એક ભાણીની હત્યા કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે."