ભારતે ધાર્મિક સ્વતંત્રતાના મામલે આવેલા અમેરિકન રિપોર્ટનો શો જવાબ આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે ધાર્મિક સ્વતંત્રતા પર જાહેર કરાયેલા અમેરિકન રિપોર્ટ પર આકરી પ્રતિક્રિયા આપી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને 'પક્ષપાતપૂર્ણ' ગણાવ્યો છે.
દુનિયાભરમાં ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકન વિદેશ મંત્રાલયે વર્ષ 2023નો પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં ભારતમાં ધર્માંતરવિરોધી કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટમાં દર્શાવાયું હતું કે વર્ષ 2023માં ભારતમાં હેટ સ્પીચ, ધાર્મિક લઘુમતી સમુદાયનાં ઘર અને પૂજાસ્થળોને ધ્વંસ્ત કરવાના કિસ્સાઓ વધ્યા છે.
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પરનો વાર્ષિક રિપોર્ટ જાહેર કરતા અમેરિકન વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકને કહ્યું હતું કે વિશ્વભરના લોકો એના રક્ષણ માટે સખત મહેનત કરી રહ્યા છે.
અગાઉ પણ જાહેર થયેલા રિપોર્ટમાં આવી જ વાતો કહેવાઈ હતી.
જોકે ભારત આ પ્રકારના રિપોર્ટને ફગાવતું રહ્યું છે. અગાઉ પણ પોતાના નિવેદનમાં ભારતના વિદેશ મંત્રાલયે આ રિપોર્ટ પ્રકાશિત કરનાર આયોગને પક્ષપાતી ગણાવ્યું હતું.
ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે વાર્ષિક રિપોર્ટમાં ભારત મુદ્દે દુષ્પ્રચાર કરાઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતે શું કહ્યું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે આ રિપોર્ટને ફગાવી દીધો છે.
તેમણે જણાવ્યું, "પહેલાંની માફક જ આ રિપોર્ટ સંપૂર્ણ રીતે પક્ષપાતપૂર્ણ છે. આમાં ભારતના સામાજિક તાણાવાણાની સમજનો અભાવ છે અને સ્પષ્ટ રીતે વોટ બૅન્કને ધ્યાને રાખીને એને તૈયાર કરવામાં આવ્યો છે. એટલે અમે એને ફગાવી દઈએ છીએ."
જાયસવાલે કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં નિવેદનોને ખોટી રીતે અને તથ્યોનો પોતાની સુવિધાના હિસાબે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વાતોનો સ્રોત નિષ્પક્ષ નથી અને સાથે જ મુદ્દાને એકતરફો પણ બનાવે છે.
એમણે એવું પણ કહ્યું કે રિપોર્ટમાં ભારતીય બંધારણ અને કાયદા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં પહેલાંથી જ તૈયાર નૅરેટિવને કેટલાક મનપસંદ કિસ્સાઓ થકી મજબૂત કરવાનો પ્રયાસ કરાયો છે.
જાયસવાલે જણાવ્યું કે આ રિપોર્ટ ભારતીય કોર્ટ દ્વારા અપાયેલા કાયદાકીય નિર્ણયનોને પણ પડકારતો જણાય છે.
તેમના મતે રિપોર્ટને એ નિયમોને પણ નિશાન બનાવાયા છે, જે ભારતમાં પૈસાના દુરુપયોગની દેખરેખ રાખે છે. જ્યારે અમેરિકા પાસે આ સંબંધ ક્યાંય આકરા કાયદા છે. જોકે, એ પોતાના માટે એવાં સૂચનો નથી આપતું જે આપણને અપાઈ રહ્યાં છે.
અમેરિકન વિદેશ મંત્રાલયના રિપોર્ટમાં ભાજપ પર આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ 2023માં પણ ધાર્મિક સ્વતંત્રતાની પરિસ્થિતિઓ સતત ખરાબ રહી છે. તેમાં કહેવાયું કે ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી સરકારે ભેદભાવપૂર્ણ રાષ્ટ્રવાદી નીતિઓને પ્રબલન આપવાનું કામ કર્યું, જેણે સમાજમાં ઘૃણા વધારવાનં કામ કર્યું છે.
રિપોર્ટ કહે છે કે મુસલમાનો, ઈસાઈઓ, શીખો, દલિતો, યહૂદીઓ અને આદિવાસીઓની વિરુદ્ધ થઈ રહેલી સાંપ્રદાયિક હિંસાને રોકવામાં ભાજપ નિષ્ફળ રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં યુએપીએ, એફસીઆરએ, સીએએ, ધર્માંતરણવિરોધી અને ગોહત્યાના જે કાયદા છે, તેના હેઠળ ધાર્મિક અલ્પસંખ્યકો અને તેમની વકાલત કરનારા લોકોને નિશાન બનાવાયા છે.

મીડિયા મુદ્દે રિપોર્ટમાં શું કહેવાયું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રિપોર્ટમાં કહેવાયું કે જે પણ ન્યૂઝ આઉટલેટ કે એનજીઓએ ધાર્મિક અલ્પસંખ્યકો મુદ્દે વાત કરી છે, તેના પર એફસીઆરએ હેઠળ સખત વોચ રખાઈ છે.
તેમાં સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચ નામની એક એનજીઓના એફસીઆરએ લાઇસન્સને ફેબ્રુઆરી, 2023માં રદ કરવાનો ઉલ્લેખ છે.
રિપોર્ટ અનુસાર, આ એનજીઓ સામાજિક, ધાર્મિક અને જાતીયસ્તરે થઈ રહેલા ભેદભાવ પર રિપોર્ટ કરવાનું કામ કરે છે, પરંતુ ગૃહ મંત્રાલયે તેનું એફસીઆરએ લાઇસન્સ રદ કરી દીધું. તેમાં કહેવાયું કે 'આ રીતે અધિકારીઓએ ન્યૂઝક્લિકના પત્રકારોનાં ઘર અને ઑફિસો પર દરોડા પાડ્યા હતા. તેમાં તિસ્તા સેતલવાડ પણ સામેલ છે, જેમણે વર્ષ 2002માં ગુજરાતમાં થયેલાં રમખાણો સમયે મુસ્લિમવિરોધી હિંસા પર રિપોર્ટિંગ કર્યું હતું.'
'ઈસાઈઓ પર હુમલા વધ્યા'

ઇમેજ સ્રોત, Getty Images
રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં ભારતમાં બિનસરકારી સંગઠનોએ ઈસાઈઓ વિરુદ્ધ હિંસાની 687 ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં લોકોને ધર્માંતરણ કાયદા હેઠળ અટકાયતમાં રાખવામાં આવ્યા છે.
આ ઘટનાઓનાં કેટલાંક ઉદારણ પણ રિપોર્ટમાં અપાયાં છે. તેમાં કહેવાયું કે જાન્યુઆરી મહિનામાં છત્તીસગઢમાં એક હિન્દુ ભીડે ઈસાઈઓ પર હુમલો કર્યો અને ચર્ચમાં તોડફોડ કરી. આ સિવાય ભીડે લોકોને હિન્દુ ધર્મમાં કન્વર્ટ કરાવવાનો પ્રયાસ પણ કર્યો.
એટલું જ નહીં, પોતાનો ધર્મ ન ત્યાગનાર અંદાજે 30 લોકો સાથે મારઝૂડ કરાઈ અને એ જ મહિને બે ઈસાઈઓને અનુસૂચિત જાતિ અને આદિવાસીઓનું બળજબરી ધર્મપરિવર્તન કરાવવાના આરોપમાં અટકાયતમાં લીધા અને તેમને જામીન ન મળ્યા.
મણિપુર હિંસા

ઇમેજ સ્રોત, AFP
ધાર્મિક સ્વતંત્રતાવાળા આ રિપોર્ટમાં મણિપુર હિંસાનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટમાં કહેવાયું કે જૂન 2023માં મણિપુર રાજ્યમાં હિંસા થઈ, ત્યાર બાદ 500થી વધુ ચર્ચને તબાહ કરી દેવાયાં અને 70 હજાર લોકોને વિસ્થાપિત થવું પડ્યું.
રિપોર્ટ અનુસાર, આ હિંસા બદલ દેશના ગૃહમંત્રી અમિત શાહને મોટા પાયે ટીકાનો સામનો કરવો પડ્યો, જેમાં યુએનના વિશેષજ્ઞો પણ સામેલ હતા. તેમનું કહેવું હતું કે સમયસર કાર્યવાહી ન કરાઈ.
આ સિવાય મણિપુરમાં હિંસા દરમિયાન દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો.
રિપોર્ટમાં કહેવાયું કે સુપ્રીમ કોર્ટ ઑગસ્ટ મહિનામાં હિંસાની તપાસ માટે આગળ આવી અને તેણે કહ્યું કે રાજ્યમાં પોલીસ પરિસ્થિતિ પર પોતાનું નિયંત્રણ ગુમાવી ચૂકી છે.
કાશ્મીરનો ઉલ્લેખ

ઇમેજ સ્રોત, AFP
વર્ષ 2019માં કેન્દ્રની ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવી દીધી હતી, જે રાજ્યને કેટલાક વિશેષ અધિકાર આપતી હતી. સાથે જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું હતું.
રિપોર્ટમાં કહેવાયું કે ભારતની સરકારે કાશ્મીરી પત્રકારો, ધાર્મિક નેતાઓ અને માનવાધિકારોની વકાલત કરનારા લોકોની અટકાયત કરવાનું ચાલુ રાખ્યું છે.
રિપોર્ટમાં ઇરફાન મેહરાજની ધરપકડનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટ અનુસાર, તેમની માર્ચ મહિનામાં છેવાડાના લોકો પર રિપોર્ટ કરવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી.
ગાયના નામે હત્યા

રિપોર્ટમાં કહેવાયું કે વર્ષ 2023માં મુસલમાનો અને તેમનાં ધાર્મિક સ્થળો વિરુદ્ધ હિંસા સતત ચાલુ રહી છે.
'પોલીસની હાજરીમાં અનેક મસ્જિદો તોડાઈ. ગાયના નામે કથિત બચાવનારાએ પોલીસની હાજરીમાં મુસ્લિમોને નિશાન બનાવ્યા.'
રિપોર્ટ અનુસાર, હરિયાણાના મુસ્લિમ બહુલ નૂંહમાં હિન્દુઓની શોભયાત્રા બાદ જુલાઈ મહિનામાં હિંસા ભડકી, જેમાં ભાગ લેનારા લોકો તલવારો લઈને મુસ્લિમવિરોધી નારેબાજી કરી રહ્યા હતા.'
'આ દરમિયાન મસ્જિદને આગને હવાલે કરી દેવાઈ, જેમાં કમસે કમ સાત લોકોનાં મોત થયાં, તેમાં મોહમ્મદ હાફિઝ નામના એક ઇમામ પણ સામેલ હતા.'
રિપોર્ટમાં આ હિંસા માટે કથિત ગૌરક્ષક મોનુ માનેસરને જવાબદાર ઠેરવ્યા છે. તેમના પર જાન્યુઆરી મહિનામાં કથિત રીતે ગાયની તસ્કરી કરનાર બે મુસ્લિમ યુવકોને માર મારવાનો આરોપ છે.
તેમાં કહેવાયું કે મોનુ માનેસરને ભાજપનું સમર્થન મળ્યું હતું, તેઓ જાહેરમાં લોકોને શોભાયાત્રામાં સામેલ થવાની અપીલ કરતા હતા.
રિપોર્ટમાં એ ઘટના પણ ઉલ્લેખ છે, જ્યાં એક રેલવેમાં સુરક્ષાકર્મીએ ચાલતી ટ્રેનમાં મુસ્લિમ લોકોની હત્યા કરી નાખી હતી. તેના અનુસાર, આરોપીએ પીડિતોનાં નામ અને ધર્મ પૂછ્યાં અને પછી ત્રણ લોકોની હત્યા કરી નાખી.
નિજ્જરની હત્યા પર શું કહ્યું?

ઇમેજ સ્રોત, SIKH PA
રિપોર્ટમાં કહેવાયું કે વિદેશમાં રહેલા અલગઅલગ ધાર્મિક સમુદાયના લોકોને ભારતીય અધિકારીઓ દ્વારા નિશાન બનાવવાના મામલા પણ વધ્યા છે.
રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ શીખ ઍક્ટિવિસ્ટ હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય અધિકારીઓ સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
ત્યાર બાદ નવેમ્બર મહિનામાં અમેરિકામાં ગુરપતવંતસિંહ પન્નુને પણ મારવાનો પ્રયાસ કરાયો હતો.
ભારતે આ મામલે લગાવાયેલા તમામ આરોપોનો ઇન્કાર કર્યો હતો.
અગાઉ 2021માં અમેરિકન વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરનારા દેશો માટે 'કન્ટ્રીઝ ઑફ પર્ટિક્યુલર કન્સર્ન' એટલે કે સીપીસીની સૂચિ જાહેર કરી હતી.
ધાર્મિક આઝાદીનું આકલન કરનાર એક અમેરિકન પેનલ 'યુએસ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ'એ આ સૂચિમાં ભારતનું નામ પણ સામેલ કરવાનું સૂચન કર્યું હતું, તેમ છતાં બાઇડન પ્રશાસને ભારતનું નામ સૂચિમાં સામેલ કર્યું નહોતું.
આ સૂચિમાં પાકિસ્તાન, ચીન, તાલિબાન, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, એરિટ્રિયા, તાઝિકિસ્તાન, તુર્કેમેનસ્તાન અને મ્યાનમાર સહિત 10 દેશોને સામેલ કરાયા હતા.












