દિલ્હી પોલીસ કર્મચારીએ નમાઝીને પાટુ માર્યા પછી શું થયું, શું છે સમગ્ર મામલો?: ગ્રાઉન્ડ રિપોર્ટ

નમાઝીને પાટું મારતી પોલીસ

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA

ઇમેજ કૅપ્શન, નમાઝીને પાટું મારતી પોલીસ
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીનો ઇન્દ્રલોક વિસ્તાર. સાંજના આશરે છ વાગ્યા હતા. મોટા ભાગના સ્થળો પર દિલ્હી પોલીસના જવાનો તૈનાત અને હાલમાં જ આવેલી બસમાંથી કેન્દ્રીય પોલીસ દળના જવાનો ઉતરી રહ્યા છે અને રસ્તાઓ પર તેમની સ્થિતિ સંભાળી રહ્યા છે.

મેટ્રો સ્ટેશનથી મક્કી મસ્જિદ તરફ જતા પહોળા રસ્તા પર યુવાનોનું એક ટોળું નારેબાજી કરતા આગળ વધ્યું. તેમાં મોટા ભાગે બાળકો અને યુવાનો છે, કેટલાક વૃદ્ધો પણ છે.

રહી રહીને 'અલ્લાહ હૂ અકબર'ના નારા સંભળાય છે. સાથે પોલીસ કર્મચારીનો ઘેરાવ કરતા જાય છે.

આ પ્રદર્શન કેટલાક સમય પછી પૂર્ણ થયું. જોકે મસ્જિદ પાસે ભીડ હતી.

ઇન્દ્રલોકની મક્કી મસ્જિદ બહાર રસ્તા પર નમાઝ પઢી રહેલા લોકોને પોલીસ કર્મચારી પાટું મારતો વીડિયો વાઇરલ થયાના કેટલાક સમયમાં જ ઇન્દ્રલોકમાં લોકો ભેગા થવા લાગ્યા હતા.

પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી રહેલી ભીડને હઠાવવા માટે પોલીસે બળપ્રયોગ પણ કર્યો.

શીશ ઝુકાવીને નમાઝ અદા કરી રહેલી એક વ્યક્તિને પાટું મારતો વીડિયો જેમ જેમ લોકો સુધી પહોંચ્યો, આક્રોશ વધતો ગયો. જોકે દિલ્હી પોલીસે આ ઘટનાની નોંધ લેતા સંબંધિત પોલી સકર્મચારીને સસ્પેન્ડ કરી દીધા.

મનોજકુમાર મીણા
ઇમેજ કૅપ્શન, મનોજકુમાર મીણા

દિલ્હી પોલીસના એક અધિકારીએ બીબીસીને કહ્યું, "આ ઘટનાને ગંભીરતાથી લેવાઈ છે. આ વિસ્તારમાં પોલીસદળ તહેનાત કરવા ઉપરાંત તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. ઘટનામાં સામેલ પોલીસ કર્મચારી સામે તરત જ પગલાં લેવાયાં છે."

પોલીસ કર્મચારીને પદ પરથી હટાવાયા છતાં પ્રદર્શનમાં સામેલ લોકોનો આક્રોશ યથાવત્ હતો.

પોતાને ભીમ આર્મી સાથે સંકળાયેલા હોવાનું જણાવતા એક યુવકે કહ્યું, "આ ઘટનાથી દેશના દરેક મુસ્લિમનું હૃદય આહત થયું છે. અમને એવો અહેસાસ કરાવાય છે કે અમે સમાજના બીજા વર્ગના માણસો છીએ. અમે બતાવી દઈશું કે આવું નથી."

પોલીસ કર્મચારીને બરતરફ કરાયા પછી વાતાવરણમાં શાંતિ

ઇન્દ્રલોકની મક્કી જામા મસ્જિદ
ઇમેજ કૅપ્શન, ઇન્દ્રલોકની મક્કી જામા મસ્જિદમાં સામાન્ય રીતે શુક્રવારની નમાઝ દરમિયાન ભીડ વધારે હોય છે

ઘટના પછી દિલ્હી પોલીસે આ વિસ્તારના લોકો અને ધર્મગુરુઓ સાથે ચર્ચા કરી અને શાંતિ જળવાયેલી રહેવાનું આશ્વાસન પણ આપ્યું.

સાંજ થતાં થતાં સ્થિતિ થાળે પડી અને મોટા ભાગના લોકો પોતાના ઘરે જતા રહ્યા. જોકે સુરક્ષાની દૃષ્ટિએ કેન્દ્રીય પોલીસદળ અને દિલ્હી પોલીસના જવાનો તહેનાત રહ્યા.

માથે ટોપી પહેરેલી એક લાંબી દાઢીવાળી વ્યક્તિએ જણાવ્યું, "મૌલાનાઓએ પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને બધાને ઘરે જવા કહી દેવાયું છે."

તો એક વૃદ્ધ વ્યક્તિ કહે છે, "દિલ્હી પોલીસે નમાઝીઓ પર ડંડા વરસાવી ખૂબ ખોટું કર્યું છે. તેની સામે જ અમે રસ્તા પર ઊતર્યા છીએ. માત્ર સસ્પેન્ડ કરવા એ પૂરતું નથી આવા લોકોને પોલીસ દળમાંથી હંમેશાં માટે હાંકી કાઢવા જોઈએ."

આશરે 60 વર્ષની ઉંમરના આ વૃદ્ધ કહે છે, "ઇન્દ્રલોકમાં ક્યારેય આવું થયું નથી."

શુક્રવારે મસ્જિદોમાં ભીડ વધારે હોય છે

ઇન્દ્રલોકની મક્કી જામા મસ્જિદ જ્યાં શુક્રવારે આ ઘટના બની હતી
ઇમેજ કૅપ્શન, ઇન્દ્રલોકની મક્કી જામા મસ્જિદ જ્યાં શુક્રવારે આ ઘટના બની હતી

ઉત્તર દિલ્હીમાં આવેલા ઇન્દ્રલોકમાં મુસ્લિમોની વસતી વધારે પ્રમાણમાં છે. અહીં આશરે 15,000 મુસ્લિમો રહે છે.

ઇન્દ્રલોકની મક્કી મસ્જિદ એક મોટી મસ્જિદ છે. એમાં કેટલાય હજાર લોકો એક સાથે નમાઝ અદા કરી શકે છે. અહીંથી આશરે ત્રણ સો મીટર દૂર અન્ય એક મોટી મસ્જિદ છે, જેને મહોમ્મદી મસ્જિદ કહેવાય છે.

જોકે બે મોટી મસ્જિદ હોવા છતાં શુક્રવારે નમાઝ અદા કરવા આવનારા લોકોની સંખ્યા મસ્જિદની ક્ષમતા કરતા વધારે હોય છે.

મહોમ્મદ ફય્યાદ
ઇમેજ કૅપ્શન, મહોમ્મદ ફય્યાદ

મહોમ્મદી મસ્જિદ પાસે અત્તરની દુકાન ચલાવતા મહમદ ફય્યાદ કહે છે, “હું 1976થી અહીં રહું છું. ઇન્દ્રલોકમાં 48 વર્ષથી રહું છું. આજ સુધી ક્યારેય આવું નથી થયું. આ પ્રકારની આ પહેલી ઘટના છે."

ફય્યાદ કહે છે, "અહીં ક્યારેય કલમ 144 નથી લાગી. બધા ધર્મના લોકો અહીં હળીમળીને રહે છે. અમે નવાઈ લાગે છે કે ઇન્દ્રલોકમાં આવી ઘટના બની ગઈ.”

મહમદ ફય્યાદે જીવનનો મોટો ભાગ અહીં વિતાવ્યો છે. તેઓ આ મસ્જિદમાં નમાઝ પઢતા રહ્યા છે.

ફય્યાદ કહે છે, “વસતી વધવા સામે મસ્જિદની ક્ષમતા પૂરતી નથી. શુક્રવારના દિવસે ભીડ વધારે હોવાથી બે જૂથમાં નમાઝ અદા કરવામાં આવે છે.”

ફય્યાદ મુજબ, મોટા ભાગે તો નમાઝ મસ્જિદ પરિસરમાં જ નમાઝ અદા થઈ જાય છે પરંતુ ક્યારેક બહારના નમાઝીઓને કારણે લોકો રસ્તા પર પણ નમાઝ પઢી લે છે.

તેમને દુ:ખ છે કે નમાઝ અદા કરતા નમાઝીને પાટું મારવામાં આવ્યું.

'ચૂંટણી અગાઉ સ્થિતિ વણસે નહીં'

ઇન્દ્રલોકની મસ્જિદ સમિતિ સાથે સંકળાયેલા લોકોએ આ ઘટના પર વાત કરવાનો ઇનકાર કર્યો.

જોકે અહીં હાજર સામાજિક કાર્યકર્તા નફીસ અહેમદ કહે છે કે ચૂંટણી સમયે આવી ઘટનાનો ઉપયોગ સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવા માટે થઈ શકે છે એટલે ચૂપ રહેવું વધારે સારું છે.

નફીસ કહે છે, "હાલ તો પોલીસે કાર્યવાહી કરી છે પરંતુ આગામી સમયમાં જો આવું કંઈ થાય છે તો અદાલતમાં પણ જવું પડી શકે છે."

ઇન્દ્રલોકમાં એક ચાની દુકાન પર સમૂહમાં ચર્ચા કરી રહેલા કેટલાક વૃદ્ધો કહે છે કે મુસ્લિમોએ ધીરજ રાખવી જોઈએ. આવી ઘટનાઓ પછી ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ.

એક વૃદ્ધ જણાવે છે, “જે પણ થયું તે ખૂબ ખોટું થયું પરંતુ એ પણ સમજવું જોઈએ કે આની પાછળ કોઈ હેતુ તો નહોતો ને? ચૂંટણીઓ આવી રહી છે, કંઈ પણ હોઈ શકે છે. લોકોએ ધીરજ અને સમજદારીથી કામ લેવું જોઈએ.”

યુવા મુસ્લિમોમાં આક્રોશ

પ્રદર્શકારી
ઇમેજ કૅપ્શન, ઘટના પછી ઇન્દ્રલોકમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા જોકે પોલીસના આશ્વાસન પછી તેઓ પાછા જતા રહ્યા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઘટના પછી ઇન્દ્રલોકમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા જોકે પોલીસના આશ્વાસન પછી તેઓ પાછા જતા રહ્યા.

જોકે કેટલાક યુવાનો આ ઘટનાને લઈને ખૂબ જ ગુસ્સામાં પણ હતા. તેઓ આ ઘટનાને પોતાની ધાર્મિક ઓળખ સાથે સાંકળીને જોઈ રહ્યા હતા.

આશરે 20 વર્ષના એક યુવક જણાવે છે, "આટલી હદની ગેરવર્તણૂક માત્ર મુસ્લિમ સાથે જ કરી શકાય છે. એક તરફ તંત્ર કાવડ લઈને જતા લોકો પર ફૂલો વરસાવે છે બીજી તરફ બંદગી કરી રહેલા નમાઝીને પાટું મારે છે. તમે જ કહો આને શું સમજવું."

ઇન્દ્રલોક એક શાંત વિસ્તાર છે. 2020માં સીએએ વિરુદ્ધ અહીં પ્રદર્શન થયાં હતાં. જોકે અહીં ક્યારેય કોમી હિંસા નથી થઈ.

દિલ્હી પોલીસના એક કર્મચારી જે ઇન્દ્રલોક પોલીસ સ્ટેશનમાં કામ કરતા હતા તેમણે તેમનું નામ ના જાહેર કરવાનું કહેતા જણાવ્યું, "અહીં ક્યારેય આવી સ્થિતિ નથી સર્જાઈ. જ્યારે હું અહીં તહેનાત હતો ત્યારે અમે મસ્જિદ સમિતિને શુક્રવારના દિવસે એકથી વધારે વાર નમાઝ પઢાવવાની અપીલ કરી હતી અને તેને માન્ય રાખવામાં આવી હતી."

આ પોલીસ કર્મચારી જણાવે છે, "સામાન્ય રીતે આ વિસ્તાર શાંતિપૂર્ણ રહ્યો છે. આજની ઘટના પછી લોકોમાં આક્રોશ હતો પણ સાંજ થતાં બધા લોકો પોતાના ઘરે જતા રહ્યા. હવે જુઓ, બધે જ શાંતિ છે."

ભારતના મુસ્લિમ આ ઘટનાને સતત વધી રહેલી નફરત અને ભેદભાવના પરિણામરૂપે જોઈ રહ્યા છે.

યુવા રાજનેતા અને ‘વૉલેન્ટિયર અગેઇન્સ્ટ હેટ’ના સંયોજક ડૉ. મેરાજ કહે છે, "જે રીતે દેશમાં નફરત ફેલાવાઈ રહી છે, આ તેનું પરિણામ છે. એક માણસ નમાઝ પઢી રહ્યો છે તેને મારવી એ ઘૃણાનું ઉદાહરણ છે."

તેઓ કહે છે, "મીડિયા અને સોશિયલ મીડિયાએ મુસ્લિમો વિરુદ્ધ એક વાતાવરણ બનાવ્યું છે, આ તેનું પરિણામ છે. બંધારણ દેશના તમામ નાગરિકોને સમાન હક આપે છે. એક બાજુ કાવડ યાત્રિકો પર ફૂલ વરસાવવામાં આવે છે. અને બીજી બાજુ મુસ્લિમને પાટું મારવામાં આવે છે. મુસ્લિમ દેશમાં રોજ જે ભેદભાવનો સામનો કરે છે આ તેનું ઉદાહરણ છે."

'વરદી પર ધબ્બા સમાન ઘટના'

દિલ્હી પોલીસનું વાહન
ઇમેજ કૅપ્શન, દિલ્હી પોલીસનું વાહન

ઘટના પછી આસપાસના જિલ્લામાં પોલીસકર્મીઓને ઇન્દ્રલોકમાં તહેનાત કર્યા હતા.

પોલીસ એક ધર્મનિરપેક્ષ દળ છે. આવામાં નમાઝ પઢી રહેલી વ્યક્તિને પાટું મારવાની આ ઘટના પછી દિલ્હી પોલીસની કાર્યશૈલી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી વિક્રમસિંહનું માનવું છે કે આ એક અત્યંત આપત્તિજનક ઘટના છે.

વિક્રમસિંહ કહે છે, "આ સંવેદનહીનતા સાથે સાથે તાલીમ અને સમગ્ર માર્ગદર્શનનો અભાવ દર્શાવે છે."

વિક્રમસિંહ કહે છે, "આ ઘટનાએ વરદીને ધબ્બો લગાવ્યો છે. આ બદનામીના ડાઘો આસાનીથી દૂર નહીં થાય. કહેવા માટે તો આ ઘટના માત્ર કેટલીક ક્ષણોની છે પરંતુ તેનાં પડઘો અને નકારાત્મકતા વર્ષો સુધી રહેશે."

દિલ્હી પોલીસે ઘટના પછી થોડાં જ કલાકોમાં સંબંધિત પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હતા અને તેમની સામે વિભાગીય તપાસ પણ શરૂ કરી દેવાઈ હતી.

વિક્રમસિંહ
ઇમેજ કૅપ્શન, વિક્રમસિંહ

જોકે વિક્રમસિંહનું માનવું છે કે આ સસ્પેન્શન પૂરતું નથી પરંતુ કેસ પણ નોંધાવો જોઈએ.

વિક્રમસિંહ કહે છે, "માત્ર સસ્પેન્શન પૂરતું નથી. આની સામે કેસ પણ નોંધાવો જોઈએ અને તેમને સેવામુક્ત કરી દેવા જોઈએ."

જોકે વિક્રમસિંહનું એમ પણ માનવું છે કે આ ઘટનામાં સામેલ પોલીસ કર્મચારીને પોલીસના બ્રાન્ડ ઍમ્બેસેડર તરીકે ના જોવા જોઈએ.

વિક્રમસિંહ કહે છે, "પોલીસ એક ધર્મનિરપેક્ષ સંગઠન છે. માનવતા અને સંવેદનશીલતા સાથે આવી સ્થિતિને થાળે પાડી શકાય છે. પોલીસે કોઈને લઘુમતી અને બહુમતીની દૃષ્ટિએ ના જોવા જોઈએ."

તેઓ કહે છે, "પોલીસનું કામ ના ફૂલો વરસાવવાનું છે ના નમાઝ પઢતા માણસને પાટું મારવાનું. પોલીસને બધાને જ એક સમાન દૃષ્ટિએ જોવાની તાલીમ અપાય છે. માત્ર એક વ્યક્તિને કારણે આખી પોલીસ ફોર્સ સામે સવાલો ઊભા ના કરી શકાય."

બીબીસી
બીબીસી