‘બૉમ્બ વાવાઝોડું’ જેના કારણે અમેરિકા પર 8 ટ્રિલિયન ગેલન પાણી વરસવાનો છે ખતરો

અમેરિકામાં આવતા અઠવાડિયે એક અતિશય ખતરનાક ‘બૉમ્બ વાવાઝોડું’ ત્રાટકી શકે છે. અમેરિકાના પશ્ચિમ કાંઠે ત્રાટકનાર આ ‘રાક્ષસી’ સિસ્ટમને કારણે અતિશય નુકસાનીની સંભાવના છે.

‘બૉમ્બ વાવાઝોડા’ને કારણે હરિકેન જેટલા ઘાતકી પવનો, વણથંભ્યો વરસાદ અને પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થવાની પણ સંભાવના છે.

જાણકારો આગાહી કરી રહ્યા છે કે તેના કારણે અમેરિકાના પશ્ચિમ કાંઠે આઠ ટ્રિલિયન ગેલન પાણી વરસે તેવી સંભાવના છે. તેના કારણે અનેક વિસ્તારોમાં ભયાનક ભૂસ્ખલન અને કાદવના પૂર આવવાની પણ શક્યતા છે.

તેની સાથે જ શ્રેણી-5ની એક શક્તિશાળી વાતાવરણીય નદીને કારણે પણ અતિશય ખરાબ હવામાન થઈ જાય તેવી આગાહી કરવામાં આવી છે.

વાતાવરણીય નદી એ એક સાંકડો અને લાંબો ભેજનો પટ્ટો છે જે પણ પશ્ચિમી કાંઠે જ સર્જાયો છે. જો તેની સાથે ‘બૉમ્બ વાવાઝોડું’ મિશ્ર થઈ જશે તો અતિશય ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

‘બૉમ્બ વાવાઝોડું’ શું છે?

બીબીસી વેધર પ્રમાણે, ‘બૉમ્બ વાવાઝોડું’ અથવા ‘વેધર બૉમ્બ’ એ ઍક્સ્પ્લોઝિવ સાયક્લોજેનેસિસ માટે વપરાતો અનધિકૃત શબ્દ છે. સાઇક્લોજેનેસિસનો સરળ અર્થ એ ‘લો-પ્રેશર એરિયાનું મજબૂત થવું અને તેનું વાવાઝોડામાં પરિવર્તન થવું’ એવો થાય છે.

એટલે કે ‘બૉમ્બ વાવાઝોડું’ ત્યારે બને છે જ્યારે લો-પ્રેશર સિસ્ટમ એ ‘બૉમ્બોજેનેસિસ’ની પ્રક્રિયામાંથી પસાર થાય છે.

આવું ત્યારે જ બને છે જ્યારે લો-પ્રેશર સિસ્ટમના મધ્યભાગમાં રહેલા દબાણમાં 24 કલાકમાં 24 મિલિબાર જેટલો ફેરફાર થાય, અને તેના કારણે ઘાતક પવનો એ સિસ્ટમની આસપાસ સર્જાય છે.

આ પ્રકારનાં વાવાઝોડાં ત્યારે સર્જાય છે જ્યારે ગરમ અને ભેજવાળી હવા એ ઠંડી આર્કટિકની હવા સાથે ટકરાય છે. જેના કારણે એક અસ્થિર મિશ્રણ સર્જાય છે જે વાવાઝોડાંના વિકાસમાં વધારો કરે છે અને તેને ગતિ આપે છે. તેના લીધે જ વૈજ્ઞાનિકોએ તેને ‘બૉમ્બ વાવાઝોડું’ એવું નામ આપ્યું. આમ, તેમણે તોફાનની તીવ્રતા અને બૉમ્બ વિસ્ફોટ વચ્ચે સરખામણી કરી.

આ પવનો એટલા ઘાતક હોય છે કે તે વૃક્ષોને મૂળસોતાં ઉખાડી નાખવા તથા બાંધકામને પણ નુકસાન પહોંચાડવા સક્ષમ હોય છે.

અને આ જ વાવાઝોડું એ વાતાવરણીય નદી સાથે મિશ્ર થઈ જવાની સંભાવના છે.

કેટલો મોટો ખતરો?

અમેરિકામાં આવતા સાત દિવસમાં આઠ ટ્રિલિયન ગેલન વરસાદ પડે તેવી સંભાવના છે.

અમેરિકાની નેશનલ વેધર સર્વિસ અનુસાર, આસપાસનાં રાજ્યો પણ તેનાથી આવનાર પૂરના પ્રકોપમાં સપડાય તેવી શક્યતા છે. ઑરેગનમાં 5 ટ્રિલિયન ગેલન અને વૉશિંગ્ટનમાં 3 ટ્રિલિયન ગેલન વરસાદ વરસવાની આગાહી છે.

અમેરિકાની કૅલિફોર્નિયા યુનિવર્સિટી, સાન ડિયાગોના વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે આ જળવાયુ-પરિવર્તનને કારણે સર્જાનારી વેધર સિસ્ટમ એ ‘ખતરનાક’ અને દૂરોગામી અસરો ધરાવતી હોઈ શકે છે.

ચેતવણી પ્રમાણે કાંઠાના વિસ્તારોમાં ધોવાણ અને પૂર, તથા શક્તિશાળી પવનો ફૂંકાશે. દક્ષિણ ઑરેગોન અને ઉત્તર કૅલિફૉર્નિયામાં તો 15 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાથે જ પહાડી વિસ્તારોમાં અતિશય બરફવર્ષાની પણ ચેતવણી છે. સત્તાવાળાઓએ લોકોને સાવધ રહેવાની, ચેતવણીઓ પર ધ્યાન આપવાની અને તત્કાળ આદેશોનું પાલન કરવાની સૂચના આપી છે.

જોકે, અમેરિકા માટે આ બૉમ્બ સાયક્લોન નવાં નથી.

ડિસેમ્બર, 2022માં જ મિડવેસ્ટ અને પૂર્વકાંઠે ન્યૂ યૉર્ક સહિતના વિસ્તારોમાં ‘ક્રિસમસ બૉમ્બ સાયક્લોન’ ત્રાટક્યું હતું.

તેના કારણે બર્ફીલા તોફાનો અને ઠંડા તાપમાને લોકોનું જીવન પ્રભાવિત કર્યું હતું તથા અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.

એ પહેલાં પણ ઑક્ટોબર, 2021 અને જાન્યુઆરી, 2018માં આ પ્રકારનાં તોફાનો આવી ચૂક્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.