ટ્રમ્પે શા માટે ચીનથી આયાત થતાં સ્માર્ટફોન અને કમ્પ્યૂટરને નવી જકાતમાંથી મુક્તિ આપી?

    • લેેખક, મૅડલિન હાલપર્ટ
    • પદ, બીબીસી ન્યૂઝ, ન્યૂ યૉર્ક

અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ચીનથી થતી આયાતો ઉપર 125 % 'રેસિપ્રોકલ ટેરિફ' લાદ્યાં છે. જોકે, તેમાંથી સ્માર્ટફોન, કમ્પ્યૂટર તથા અન્ય કેટલાંક ઇલેક્ટ્રૉનિક ઉત્પાદનોને બાકાત કરી દેવામાં આવ્યાં છે.

યુએસ ક્સ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પેટ્રોલના અહેવાલ મુજબ, આ ઉત્પાદનોને ટ્રમ્પ દ્વારા મોટાભાગના દેશો ઉપર લાદવામાં આવેલા 10 %ના ગ્લોબલ ટેરિફ તથા ચીન ઉપર લાદવામાં આવેલી વ્યાપક આયાત જકાતમાંથી બાકાત રાખવામાં આવશે.

આ સિવાય સોલાર સેલ, મૅમરી કાર્ડ્સ તથા સેમિ-કંડક્ટરને પણ બાકાત રાખવામાં આવ્યાં છે. આ મુક્તિ તા. પાંચમી એપ્રિલ પશ્ચાદવર્તી અસરથી લાગુ થશે.

ટ્રમ્પ સરકારે ચીનની સામે આક્રમક વલણ દાખવ્યું છે, તેમાં આ પ્રથમ રાહત છે એટલે તેને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એક ટ્રેડ ઍનાલિસ્ટે આ નિર્ણયને 'ગૅમ ચેન્જર' ગણાવ્યો હતો.

શનિવારે મોડી સાંજે મિયામી જતી વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ માટેના વિશેષ વિમાન ઍરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આના વિશે વિસ્તૃત માહિતી આવતા અઠવાડિયાની શરૂઆતમાં આપશે. ટ્રમ્પે આવતા સપ્તાહે વધુ કેટલાંક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે જે દેશો ઉપર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યાં હતાં, તેને 90 દિવસ માટે મોકૂફ કરી દીધાં છે. આ દેશો અમેરિકા સાથે ટ્રેડ ડિલમાં આગળ વધે તથા વાટાઘાટો થઈ શકે તે માટે આ છૂટ આપવામાં આવી હતી.

જોકે, ચીનને આવી મુક્તિ નહોતી મળી. ચીન ઉપર ટ્રમ્પ સરકારે કુલ 145 ટકા ડ્યૂટી લાદી છે. ચીને પણ વળતી કાર્યવાહીમાં અમેરિકાથી આવતા સામાન ઉપર 84 ટકા જકાત નાખી છે.

નાટ્યાત્મક વળાંક લેતા ટ્રમ્પે કહ્યું હતું કે જે દેશોએ અમેરિકા ઉપર વળતા ટેરિફ નથી લાદ્યાં, તે દેશોમાંથી આવતા સામાન ઉપર માત્ર દસ ટકા જકાત લાગશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાની અનેક ટૅક કંપનીઓનું કહેવું હતું કે તેમનાં ઉત્પાદનોના ભાવોમાં અસામાન્ય વધારો થશે, કારણ કે મોટાભાગના ઇલેક્ટ્રૉનિક ઉત્પાદનો ચીનમાં બને છે.

ઍપલ, માઇક્રૉસૉફ્ટ તથા એનવીડિયા રાહતના શ્વાસ લેશે

વેડબૂશ સિક્યૉરિટીઝના હેડ ઑફ ટૅક્નૉલૉજી રિસર્ચ ડેન ઇવિસના કહેવા પ્રમાણે, "ટૅક રોકાણકારો માટે આ સ્થિતિ સ્વપ્નવત્ છે." તેમણે પોતાની ઍક્સ પોસ્ટમાં લખ્યું, "ચીનનાં ટેરિફ સંદર્ભે સ્માર્ટ ફોન અને ચીપને બાકાત કરવા એ ગૅમ ચેન્જર સાબિત થશે."

તેમના મતે ઍપ્પલ, એનવીડિયા અને માઇક્રૉસૉફ્ટ જેવા ટૅક જાયન્ટ માટે આ નિર્ણય રાહતજનક સાબિત થશે.

વ્હાઇટ હાઉસનું કહેવું છે કે કંપનીઓને અમેરિકામાં ઉત્પાદન શરૂ કરવા માટે વધુ સમય મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વ્હાઇટ હાઉસનાં પ્રેસ સૅક્રેટરી કૅરોલિન લૅવિટ્ટે નિવેદનમાં જણાવ્યું હતું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે સેમિ-કંડક્ટર, ચીપ્સ, સ્માર્ટફોન્સ અને લૅપટૉપ્સ જેવી જરૂરી ચીજવસ્તુઓનાં ઉત્પાદન માટે ચીનની ઉપર ભરોસો રાખી શકાય નહીં."

"રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્દેશ પર આ કંપનીઓ અમેરિકામાં વહેલાંમાં વહેલી તકે ઉત્પાદન શરૂ કરવા માટે પ્રયાસરત છે."

ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, ચીનની ઉપર ટેરિફના ઊંચા દર બરાબર છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેના સંબંધોનો હવાલો આપતા ટ્રમ્પે કહ્યું હતું, "મને લાગે છે કે સકારાત્મક પરિણામ આવશે."

જોકે, વ્હાઇટ હાઉસના પૉલિસી બાબતે ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ સ્ટિફન મિલરે તેમની ઍક્સ પોસ્ટમાં લખ્યું હતું, "ચીન ઉપર ફેન્ટાનિલ સંબંધિત 20 ટકા ટેરિફ લાદવામાં આવેલ. જે આ આ ઇલેક્ટ્રૉનિક ઉત્પાદનો ઉપર પણ લાગશે."

કેટલાક નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી હતી કે જો ટેરિફમાં થયેલી વૃદ્ધિ ગ્રાહકો ઉપર નાખવામાં આવી હોત, તો અમેરિકામાં આઈફોનના ભાવ ત્રણ ગણાં વધી ગયા હોત.

કાઉન્ટરપૉઇન્ટ રિસર્ચના અહેવાલ મુજબ, ઍપ્પલ માટે અમેરિકા સૌથી મોટું બજાર છે. જ્યાં તેના અડધોઅડધ સ્માર્ટફોન વેચાય છે. અહીં વેચાતા 80 ટકા આઈફોન અમેરિકામાં અને 20 ટકા આઈફોન ભારતમાં બને છે.

ઍપ્પલની જેમ સ્માર્ટફોન જાયન્ટ સેમસંગે પણ સ્માર્ટફોનનાં ઉત્પાદન માટે ચીન ઉપરની નિર્ભરતા ઘટાડી છે. તાજેતરનાં વર્ષો દરમિયાન ચીનના વિકલ્પ તરીકે ભારત અને વિયેતનામ ઊભરી રહ્યાં છે.

ટેરિફ વધતા તાજેતરના દિવસોમાં ઍપ્પલે તેના ભારત ખાતેના એકમમાં ઉત્પાદન વધારી દીધું હોવાના અહેવાલ આવ્યા હતા.

ટ્રમ્પ સરકારનું માનવું છે કે આ પ્રકારનાં ટેરિફને લીધે વૈશ્વિક વ્યાપાર વ્યવસ્થામાં પ્રવર્તમાન અન્યાય દૂર થશે. તેના કારણે અમેરિકામાં ફરીથી ફૅક્ટરીઓ ખુલશે અને રોજગારની તકોનું સર્જન થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.