એમ.એફ. હુસૈનનું એ પેઇન્ટિંગ જે દાયકાઓ પછી મળી આવ્યું અને 118 કરોડમાં વેચાયું, સૌથી મોંઘી આ ભારતીય કલાકૃતિ કોણે ખરીદી?

    • લેેખક, જાન્હવી મૂળે
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય ચિત્રકાર એમ.એફ. હુસૈનના એક વીસરાઈ ગયેલા અને દાયકાઓ બાદ મળી આવેલા માસ્ટરપીસે ભારતીય કળા માટે ફરી કીર્તિમાન અંકિત કર્યો છે.

હુસૈનનું 14 ફૂટ પહોળું અનટાઇટલ્ડ ભીંતચિત્ર (ગ્રામ યાત્રા) બે સપ્તાહ પહેલાં ક્રિસ્ટીની હરાજીમાં 13.8 મિલિયન ડૉલર (10.6 મિલિયન પાઉન્ડ)ની અધધ કિંમતે વેચાયું. ભારતીય ચલણમાં આ કિંમત આશરે 119.19 કરોડ રૂપિયા થાય છે.

કિરણ નાદારે આ પેઇન્ટિંગ ખરીદ્યું છે. કિરણ નાદાર HCL ટૅક્નૉલૉજીઝના સ્થાપક શિવ નાદારનાં પત્ની છે. તેઓ એક કલા સંગ્રહકર્તા અને સામાજિક કાર્યકર્તા છે. આ પહેલી વખત છે જ્યારે કોઈ આધુનિક ભારતીય કલાકૃતિએ 10 મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી હોય.

આ સાથે તેણે અમૃતા શેરગિલના 2023માં 7.4 મિલિયન ડૉલરમાં વેચાયેલા 'ધી સ્ટોરી ટેલર' નામના સૌથી ઊંચી કિંમતે વેચાયેલા ભારતીય ચિત્ર તરીકેનો રેકૉર્ડ તોડી નાખ્યો.

આ વિશ્વભરમાં હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી ભારતીય કલાકૃતિ છે. તેથી આ ઘટના હાલમાં કલા જગતમાં ચર્ચાઈ રહી છે.

2011માં 95 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનારા હુસૈન ભારતીય ચિત્રકલા ક્ષેત્રમાં આધુનિકતાના પાયોનિયર હતા અને ભારતીય કલાકારોને તેઓ શાશ્વત પ્રેરણા પૂરી પાડતા રહ્યા. 2006માં દેવી-દેવતાઓનાં ચિત્રો બદલ કટ્ટરવાદી હિંદુ જૂથો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેઓ ભારત છોડી વિદેશ જઈને વસ્યા હતા.

વિક્રમો તોડનારા અને આશરે પાંચ દાયકા સુધી ઉપેક્ષિત અવસ્થામાં નૉર્વેની એક હૉસ્પિટલની દીવાલોની શોભા વધારતા રહેલા આ કળાસર્જનને હવે આધુનિક દક્ષિણ એશિયન કળાનું લાક્ષણિક સર્જન ગણવામાં આવે છે.

હુસૈનનાં લઘુચિત્રો અને ભારત

હુસૈને ખ્યાતિ મેળવી, તેના ઘણા સમય પહેલાં, 1954માં તેમણે 'ગ્રામયાત્રા' ચિત્ર બનાવ્યું હતું.

તેમનાં 13 લઘુચિત્રો ભારતના ગ્રામ્ય જીવનની આબેહૂબ ઝાંખી કરાવે છે અને ભારતીય લોક પરંપરાઓ તથા આધુનિક પ્રભાવોના હુસૈનનાં લાક્ષણિક સંયોજનનું પ્રતિબિંબ પાડે છે. લઘુચિત્રો એ ભારતની લઘુ ચિત્રકળાની પરંપરામાં કથાત્મક ચિત્રોની યાદ દેવડાવે છે, જેમાં નાનાં ચિત્રોમાં વાર્તાને વણી લેવામાં આવે છે.

ગ્રામ યાત્રામાં હુસૈને જીવંત અને માટીના રંગોનો ઉપયોગ કરીને 13 ફ્રેમ્સમાં પ્રાણ ફૂંકી દીધા છે. આ ચિત્રોમાં મહિલાઓને રસોઈ બનાવતી, બાળકોની સંભાળ લેતી, ગાડું ચલાવતી, વગેરે રોજીંદાં કામોમાં વ્યસ્ત દર્શાવાઈ છે.

એક ફ્રેમમાં એક ખેડૂત પછીની ફ્રેમમાં દર્શાવેલી જમીન પકડી રહ્યો હોય, એ રીતે પોતાનો હાથ લંબાવતો દર્શાવાયો છે, જે ભારતીય સમાજનાં ખેતીનાં મૂળ તરફ ઇશારો કરે છે.

ક્રિસ્ટીઝ ખાતે સાઉથ એશિયન મૉડર્ન ઍન્ડ કન્ટેમ્પરરી આર્ટના વડા નિષાદ અવારીના જણાવ્યા મુજબ, "જો તમે આધુનિક દક્ષિણ એશિયન કળાને પરિભાષિત કરનારું કોઈ એક કળાસર્જન શોધી રહ્યા હોવ, તો તે આ છે."

તેમણે ઉમેર્યું હતું કે, આ ચિત્ર એ પણ દર્શાવે છે કે, હુસૈન પર તેમના વિદેશ પ્રવાસો, ખાસ કરીને 1952ના તેમના ચીન પ્રવાસનો પ્રભાવ હતો. ચીનના પ્રવાસ દરમિયાન તેઓ શુ બેઈહોંગ જેવા કલાકારના કેલિગ્રાફિક બ્રશવર્કના પરિચયમાં આવ્યા, જેની ઝલક પેઇન્ટિંગના ભાવપૂર્ણ લસરકાઓમાં જોઈ શકાય છે.

ભારતની આઝાદી પછીનાં વર્ષોમાં તેમણે પેરિસ કે ન્યૂયૉર્કને બદલે ભારતનાં ગામડાંઓમાંથી પ્રેરણા શોધી, જે દેશનું હૃદય તેનાં ગ્રામીણ મૂળમાં વસે છે, એવી ગાંધીજીની માન્યતાનું પ્રતિબિંબ પાડે છે.

દિલ્હીથી નૉર્વે સુધીની સફર

હુસૈનનું જીવન ચરિત્ર લખનારા લેખક અખિલેશના જણાવ્યા પ્રમાણે, ભારતના સાંસ્કૃતિક ફલક સાથે ચિત્રકારના ગાઢ જોડાણે દેશ સ્વયંને કેવી રીતે જોતો હતો - "લોકો કેવી રીતે જીવે છે, તેમને શું ગમે છે તથા તેઓ શું વિચારે છે" - તેને આકાર આપવામાં મદદ કરી.

આ ઉપરાંત ચિત્રમાં હુસૈને વિકસાવેલી ક્યુબિસ્ટ શૈલીના પ્રારંભિક સંકેતો પણ દેખા દે છે - જેમાં ભૌમિતિક આકારો અને બૉલ્ડ લાઇન્સ ઊભરીને સામે આવે છે.

દિલ્હીથી ઑસ્લો સુધીની કળાકૃતિની સફર પણ જાણવા જેવી છે.

યુક્રેનના ડૉ. લિયોન એલિયાસ વોલોદાર્સ્કી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂએચઓ)ના મિશન પર ભારત આવ્યા હતા, તે સમયે 1954માં તેમણે માત્ર 295 ડૉલરમાં આ ચિત્ર ખરીદ્યું હતું.

કળાકૃતિને તેઓ નૉર્વે લઈ ગયા, એ પછી કળા વિશ્વની જાણ બહાર લગભગ અડધા સૈકા સુધી તે ઑસ્લો યુનિવર્સિટી હૉસ્પિટલની દીવાલોની શોભામાં અભિવૃદ્ધિ કરતી રહી.

ચિત્ર દાયકાઓ સુધી આ જ સ્થિતિમાં રહ્યું, એ પછી હુસૈનના અવસાનનાં બે વર્ષ પછી, 2013માં ઑક્શન હાઉસ ક્રિસ્ટીને તેના વિશે માહિતી આપવામાં આવી. ત્યાર બાદ રેકૉર્ડ બ્રેક વેચાણ પહેલાં વિશ્વભરમાં તેનાં પ્રદર્શનો યોજાયાં.

દિલ્હી આર્ટ ગૅલેરીના આશિષ આનંદનું માનવું છે કે, "ગ્રામ યાત્રાએ સર્જેલા વિક્રમ પછી હુસૈનના સમગ્ર કળા સર્જનનું મૂલ્ય ઊંચકાઈ જશે અને ભારતીય કળાને તેના સૌંદર્યાત્મક મૂલ્યથી આગળ વધીને એક ધરખમ નાણાંકીય અસ્કયામતની દૃષ્ટિથી જોવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.