You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભીંતે ચોંટાડેલું કેળું 52 કરોડમાં કેવી રીતે વેચાયું, પછી કોણ ખાઈ ગયું?
- લેેખક, ઍલેક્સ લૉફ્ટસ
- પદ, બીબીસી ન્યૂઝ
ચીનમાં જન્મેલા ક્રિપ્ટોકરન્સી આંત્રપ્રેન્યોરે ગત અઠવાડિયે 52 કરોડમાં કેળું ખરીદ્યું હતું અને ચર્ચામાં આવ્યા હતા.
ન્યૂ યૉર્કના સોથબી હરાજીઘરમાં યોજાયેલી હરાજીમાં મૉરિજીયો કૅટલનની આ કૃતિ ‘બનાના ડક્ટ ટૅપ્ડ ટુ અ વૉલ’ ને જસ્ટિન સન નામના ઉદ્યોગસાહસિકે ખરીદી લીધી હતી. હરાજીમાં તેમણે છ લોકોને પાછળ છોડ્યા હતા.
હવે આ કેળું ખરીદ્યા પછી તેમણે પોતે આપેલો વાયદો પાળ્યો છે.
તેમણે એક પત્રકાર પરિષદમાં કલાકૃતિ અને ક્રિપ્ટોકરન્સી વિશે વાત કરતી વખતે હૉંગ કૉંગમાં આ કેળું ખાઈ લીધું હતું.
દરેક પ્રદર્શન પહેલાં આ કેળાને નિયમિતપણે બદલવામાં આવતું હતું. હવે જસ્ટિન સને આ ડિસપ્લેમાં કેળાને કઈ રીતે નિયમિત બદલવું તેની ગાઇડ સાથે તેનો અધિકાર પણ ખરીદ્યો છે.
ઇટાલિયન કલાકાર મૌરિઝિયો કૅટેલે 2019માં આ બનાના આર્ટવર્ક બનાવ્યું હતું.
ન્યૂ યૉર્કના કોથબી હરાજીઘરની દીવાલ પર 'બનાના ડક્ટ ટૅપ્ડ ટુ અ વૉલ' નામના આ આર્ટવર્કમાં હરાજીઘરની દીવાલ પર ડક્ટ ટેપના સાદા ટુકડા સાથે કેળાને રાખવામાં આવતું હતું.
આ પહેલાં પણ બે લોકો આ કેળું ખાઈ ગયા હતા
જોકે, આ કેળું આ પહેલાં પણ બે વખત ખવાઈ ચૂક્યું છે. 2019માં એક પર્ફૉર્મન્સ આર્ટિસ્ટે અને 2023માં એક દક્ષિણ કોરિયાના વિદ્યાર્થીએ આ કેળું ખાઈ લીધું હતું. પરંતુ તેના માટે તેમણે કોઈ પૈસા આપ્યા ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જસ્ટિન સને કહ્યું હતું કે, “તેને પ્રેસ કૉન્ફરન્સમાં ખાવું એ પણ આ આર્ટવર્કના ઇતિહાસમાં નોંધાશે. જોકે, આ બીજાં કેળાં કરતાં મને સ્વાદમાં વધુ સારું લાગ્યું હતું.”
34 વર્ષીય સને કહ્યું હતું કે તેઓ આ કામથી ખૂબ પ્રભાવિત હતા. જોકે, તેમના મનમાં એવા સવાલો હતા કે શું આ કેળું સડી ગયેલું તો નહીં હોય ને?
ન્યૂ યૉર્ક ટાઇમ્સે તેના એક અહેવાલમાં નોંધ્યું છે કે જે દિવસે આ કેળું વિશ્વનું સૌથી મોંઘું ફળ બન્યું એ દિવસે 35 સેન્ટ(લગભગ 30 રૂપિયા)માં નવું કેળું ખરીદવામાં આવ્યું હતું.
એ ઇવેન્ટમાં હાજર રહેલી દરેક વ્યક્તિને કેળું અને ડક્ટ-ટૅપ એક યાદગીરી રૂપે આપવામાં આવ્યા હતા.
સને કહ્યું, “એ દિવસે દરેક લોકો પાસે ખાવા માટે કેળું હતું.”
કેળું ખરીદીને ખાઈ જનાર આ વ્યક્તિ કોણ છે?
જસ્ટિન સન એ ટ્રૉન બ્લૉકચેઇન નેટવર્ક ચલાવે છે જેમાં યુઝર્સ ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ કરે છે.
ક્રિપ્ટોકરન્સી એ ડિજિટલ કરન્સી છે જેનો બૅન્ક સાથે કોઈ સંબંધ હોતો નથી અને તેમાં અતિશય સુરક્ષિત ટ્રાન્ઝેક્શન કરવાની ક્ષમતા છે.
સને આ કલાકૃતિની સરખામણી એનએફટી સાથે કરી હતી.
‘નોન-ફંજિબલ ટૉકન્સ’ પણ ડિજિટલ કલાકૃતિના ટુકડા છે, જેનું લોકો દ્વારા જ મૂલ્ય નક્કી કરવામાં આવે છે, તેનું આંતરિક મૂલ્ય હોતું નથી.
એનએફટીનો કારોબાર તેમના મિસ્ટર સન જેવા પ્લૅટફૉર્મ પર કરવામાં આવી શકે છે.
ગત વર્ષે જ તેમના પર યુએસ સિક્યોરિટીઝ અને ઍક્સચેન્જ કમિશને આરોપ મૂક્યો હતો કે તેઓ રજિસ્ટર્ડ ન હોય તેવા સિક્યોરિટી ટોકન્સ વેચે છે. જોકે, જસ્ટિન સને તે આરોપોને નકાર્યા હતા અને હજુ એ કેસ ચાલી રહ્યો છે.
આ અઠવાડિયે જ જસ્ટિન સને જાહેરાત કરી હતી કે તેમણે એક ક્રિપ્ટો પ્રોજેક્ટમાં 30 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું હતું, આ પ્રોજેક્ટને અમેરિકાના નવા બનનારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન