You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૂર્યમાંથી નીકળેલા એક ટ્રિલિયન કિલોગ્રામના આગના ગોળા પર શોધ, ભારતના આદિત્ય એલ-1 મિશને સૂર્ય પર શું શોધ્યું
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ
ભારતીય વિજ્ઞાનીઓએ આદિત્ય એલ-1 મારફત મળેલાં ‘પહેલા મહત્ત્વનાં પરિણામ’ની જાણકારી આપી છે. આદિત્ય એલ-1 ભારતનું અંતરિક્ષમાં પહેલું સૌર મિશન છે.
ભારતીય વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, આ મિશન મારફત જે જાણકારી મળી છે તેની મદદથી પાવર ગ્રીડ અને કૉમ્યુનિકેશન સેટેલાઇટ્સને નુકસાનથી બચાવી શકાય છે.
તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં સૂર્ય પર કોઈ એવી ઘટના બને જેનાથી અંતરિક્ષ કે પૃથ્વી પરના કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોખમ સર્જાવાની આશંકા હોય તો આ મિશનમાં મળેલી જાણકારી વડે તેને બચાવી શકાય છે.
આદિત્ય એલ-1નાં સાત વૈજ્ઞાનિક ઉપકરણોમાંથી સૌથી મહત્ત્વના વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (વીઈએલસી)એ કેટલાક આંકડા એકઠા કર્યા છે.
તેની મદદથી વિજ્ઞાનીઓ કોરોનલ માસ ઇજેક્શન (સીએમઈ)ની શરૂઆતના સમયનું આકલન કરી શક્યા છે.
સીએમઈ વાસ્તવમાં સૂર્યના સૌથી બહારના પડ કોરોનામાંથી નીકળતા આગના જંગી ગોળા હોય છે.
સીએમઈનો અભ્યાસ જ ભારતના સૌપ્રથમ સોલર મિશનના સૌથી મહત્ત્વના ઉદ્દેશો પૈકીનો એક છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સના પ્રોફેસર આર. રમેશે કહ્યું હતું, “આગના આ ગોળાઓ ઊર્જા કણો વડે બનેલા હોય છે. તેનું વજન એક ટ્રિલિયન કિલોગ્રામ સુધીનું હોઈ શકે છે અને તેની ગતિ પ્રતિ સેકંડ 3,000 કિલોમીટર સુધીની હોઈ શકે છે. આ ગોળા કોઈ પણ દિશામાં જઈ શકે છે. એટલે કે પૃથ્વી તરફ પણ આવી શકે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીઈએલસીને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સે ડિઝાઈન કર્યું છે.
પ્રોફેસર આર. રમેશે કહ્યું હતું, “તમે કલ્પના કરો કે આગનો આ જંગી ગોળો આટલી ઝડપે પૃથ્વી તરફ આગળ વધે તો પૃથ્વીથી સૂર્ય સુધીનું 150 મિલિયન કિલોમીટરનું અંતર કાપતાં તેને માત્ર 15 કલાક થાય.”
પ્રોફેસર આર. રમેશ વીઈએલસીના મુખ્ય તપાસકર્તા છે. તેમણે ઍસ્ટ્રૉફિઝિકલ જર્નલ લેટર્સમાં સીએમઈ વિશે અભ્યાસ પત્ર પ્રકાશિત કર્યો છે. વાસ્તવમાં વીઈએલસીની સિસ્ટમે 6.38 વાગ્યે કોરોનલ ઇજેક્શનને શોધી કાઢ્યું હતું.
પૃથ્વી પર શું અસર?
પ્રોફેસર આર. રમેશના જણાવ્યા મુજબ, તે પૃથ્વીની તરફ ઉત્પન્ન થયો હતો, પરંતુ માત્ર અડધા કલાકમાં જ એ તેની દિશામાંથી ભટકી ગયો હતો અને કોઈ સૂર્યની પાછળ ચાલ્યો ગયો હતો. તે બહુ દૂર હતો એટલે પૃથ્વીના હવામાન પર તેની કોઈ અસર થઈ નથી.
જોકે, સૌર તોફાન, તેમાંથી નીકળતી જ્વાળા અને કોરોનલ માસ ઇજેક્શન પૃથ્વીની આબોહવાને નિયમિત રીતે અસર કરે છે.
તેની અસર અંતરિક્ષની મોસમ પર પણ થાય છે, જ્યાં લગભગ 7,800 સેટેલાઇટ્સ છે અને તે પૈકીના 50થી વધારે ભારતના છે.
સ્પેસ ડોટકૉમના જણાવ્યા મુજબ, તેને કારણે માનવજીવનને ખતરો હોવાની આશંકા બહુ ઓછી છે, પરંતુ તે પૃથ્વીને મૅગ્નેટિક ફિલ્ડ સાથે ટકરાય તો પૃથ્વી પર હલચલ વધી શકે છે.
તેનો સૌથી સુંદર પ્રભાવ ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં જોવા મળતી અરોરા લાઇટ્સ છે.
મજબૂત કોરોનલ માસ ઇજેક્શન થાય તો તેનો પ્રભાવ આકાશમાં વધારે પ્રકાશ સ્વરૂપે દેખાય છે. એવું મે અને ઑક્ટોબરમાં લંડન તથા ફ્રાન્સના આકાશમાં જોવા મળ્યું હતું.
જોકે, આવી ઘટનાઓનો પ્રભાવ અંતરિક્ષમાં બહુ જ ગંભીર હોય છે. કોરોનલ માસ ઇજેક્શન દરમિયાન બહાર આવેલા ચાર્જ્ડ પાર્ટિકલ્સ આસપાસના તમામ ઇલેક્ટ્રોનિક સેટેલાઇટ્સને ખરાબ કરી શકે છે.
એ પાવર ગ્રીડ્સને ઠપ્પ કરી શકે છે અને આબોહવા તથા કૉમ્યુનિકેશન સેટેલાઇટ્સને પણ પ્રભાવિત કરી શકે છે.
પ્રોફેસર આર. રમેશે કહ્યું હતું, “આજે આપણું જીવન સંપૂર્ણપણે કૉમ્યુનિકેશન સેટેલાઇટ્સ પર નિર્ભર છે અને સીએમઈને કારણે ઇન્ટરનેટ, ફોન લાઇન્સ તથા રેડિયો કૉમ્યુનિકેશન ઠપ્પ થઈ શકે છે. તેને કારણે અનેક સમસ્યા પણ સર્જાઈ શકે છે.”
સૌથી મોટું સૌર તોફાન
ઇતિહાસમાં નોંધાયેલું સૌથી શક્તિશાળી સૌર તોફાન 1859માં આવ્યું હતું. તેને કેરિંગટન ઇવેન્ટ કહેવામાં આવે છે.
એ દરમિયાન આકાશમાં સઘન અરોરલ લાઇટ્સ જોવા મળી હતી. એ કારણે સમગ્ર દુનિયામાં ટેલિગ્રાફ લાઇન્સ બંધ થઈ ગઈ હતી.
નાસાના વિજ્ઞાનીઓનું કહેવું છે કે એટલું જ મોટું સૌર તોફાન 2012માં પણ આવ્યું હતું અને પૃથ્વીની બહુ નજીકથી પસાર થયું હતું.
વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, 23 જુલાઈએ એક શક્તિશાળી કોરોનલ માસ ઇજેક્શન થયું હતું, જે પૃથ્વીની કક્ષાને સ્પર્શીને પસાર થયું હતું, પરંતુ “આપણે બહુ નસીબદાર હતા” કે એ તોફાન પૃથ્વી સાથે ટકરાવાને બદલે નાસાની સોલર ઓબ્ઝર્વેટરી સ્ટીરિયો-એ સાથે ટકરાયું હતું.
1989માં થયેલા એક કોરોનલ માસ ઇજેક્શનને કારણે ક્યૂબેકની પાવર ગ્રીડ નવ કલાક સુધી ઠપ્પ થઈ ગઈ હતી અને 60 લાખ લોકો વીજળીવિહોણા રહ્યા હતા.
2015ની ચોથી નવેમ્બરે સ્વીડન સહિતના યુરોપના કેટલાક દેશોમાં સૌર ગતિવિધિની અસર ઍર ટ્રાફિક કન્ટ્રોલ પર થઈ હતી. તેને કારણે કલાકો સુધી હવાઈ યાત્રા થંભી ગઈ હતી.
વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, સૂર્ય પર શું થઈ રહ્યું છે તે જોવામાં અને સૌર તોફાન કે કોરોનલ માસ ઇજેક્શન સંબંધી માહિતી મેળવવામાં આપણે સમર્થ થઈ જઈએ તો આપણે એ બાબતે પહેલાંથી જ ઍલર્ટ બહાર પાડી શકીએ, પાવર ગ્રીડ બંધ કરી શકીએ, જેથી તેનાથી થતા નુકસાનથી બચી શકાય.
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા, યુરોપિયન અંતરિક્ષ એજન્સી, જાપાન અને ચીન અંતરિક્ષમાં પોતાના સૌર મિશન મારફતે દાયકાઓથી સૂર્ય પર નજર રાખતા રહ્યા છે.
ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ એક વર્ષ પહેલાં જ પોતાનું પહેલું સૌર મિશન આદિત્ય-એલ વન લૉન્ચ કર્યું હતું. આ ભારતીય મિશનનું નામ સૂર્યના નામ પરથી રાખવામાં આવ્યું છે.
આદિત્ય-એલ વનની વિશેષતા
આદિત્ય-એલ વન અંતરિક્ષમાં એવી જગ્યાએ ગોઠવાયેલું છે, જ્યાંથી તે સૂર્ય પર સતત નજર રાખી શકે છે. એટલું જ નહીં, ગ્રહણ અને પ્રલય જેવી પરિસ્થિતિમાં પણ તે વૈજ્ઞાનિક અધ્યયન ચાલુ રાખી શકે છે.
પ્રોફેસર આર. રમેશે જણાવ્યું હતું કે આપણે પૃથ્વી પરથી સૂર્ય તરફ નજર કરીએ છીએ ત્યારે આપણને આગનો એક કેસરિયો ગોળો દેખાય છે, જે પ્રકાશમંડળ છે. તે સૂર્યની બહારની સપાટી એટલે કે તારાનો સૌથી વધુ ચમકતો હિસ્સો છે.
માત્ર સંપૂર્ણ ગ્રહણ દરમિયાન ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે ત્યારે આ પ્રકાશમંડળ ઢંકાઈ જાય છે. એ વખતે આપણને સૌર કોરોના જોવા મળે છે, જે સૂર્યની સૌથી બહારની સપાટી છે.
પ્રોફેસર આર. રમેશના જણાવ્યા અનુસાર, ભારતનો કોરોનાગ્રાફ, નાસા-ઈએસએની સંયુક્ત સૌર તથા હેલિયોસ્ફેરિક ઓબ્ઝર્વેટરીમાંના વર્તમાન કોરોનાગ્રાફની સરખામણીએ થોડો બહેતર છે.
તેમણે કહ્યું હતું, “આપણો આકાર એટલો મોટો છે કે તે ચંદ્રની ભૂમિકાની નકલ કરી શકે છે અને સૂર્યના પ્રકાશમંડળને કૃત્રિમ રીતે છૂપાવી શકે છે. તેથી આદિત્ય-એલ વન પાસે કોઈ અડચણ વિના 24 કલાક અને 365 દિવસ કોરોનાને નિહાળવાની તક સતત હોય છે.”
કોરોનાગ્રાફ ખાસ શા માટે?
નાસા-ઈએમએ મિશનના કોરોનાગ્રાફ બાબતે તેમણે જણાવ્યું હતું કે કોરોનાગ્રાફ મોટો હોવાનો હેતુ એ છે કે તે માત્ર પ્રકાશમંડળને જ નહીં, પરંતુ કોરોનાના હિસ્સાને પણ છુપાવી શકે છે.
તેથી કોરોના માસ ઇજેક્શન કોઈ છુપાયેલા વિસ્તારમાંથી થાય તો એ તે ઇજેક્શન જોઈ શકશે નહીં.
તેમણે કહ્યું હતું, “વીઈએલસી વડે આપણે કોરોનલ માસ ઇજેક્શનના વાસ્તવિક સમયનું અનુમાન કરી શકીએ છીએ, જેથી એ ક્યા સમયે શરૂ થયું છે અને ક્યા સમયે તેનો અંત થશે એ આપણને ખબર પડે.”
ભારત પાસે સૂર્યને નિહાળવા માટે ત્રણ ઓબ્ઝર્વેટરી છે. દક્ષિણમાં કોડાઇકેનાલમાં તથા ગૌરીબિદાનૂરમાં અને ઉત્તર-પશ્ચિમમાં ઉદયપુર ખાતે આવી ઓબ્ઝર્વેટરી આવેલી છે.
તેથી એ ઓબ્ઝર્વેટરી મારફત મળેલી માહિતીનો તાળો આદિત્ય-એલ વન પાસેથી મળેલી માહિતી સાથે મેળવીએ તો સૂર્ય વિશેની આપણની સમજને વધારે બહેતર બનાવી શકીએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન