You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૃથ્વી પર ત્રાટકેલી એ મહાકાય ઉલ્કા, જેને કારણે દરિયા ઊકળવા લાગ્યા
- લેેખક, જ્યૉર્જિના રેન્નાર્ડ
- પદ, બીબીસી વિજ્ઞાન સંવાદદાતા
2014માં પ્રથમ વખત શોધી કાઢવામાં આવેલી એક મહાકાય ઉલ્કા માનવ ઇતિહાસમાં સૌથી મોટી સુનામીનું કારણ બની હતી અને મહાસાગરો ઊકળી ઊઠ્યા હતા, એવું વિજ્ઞાનીઓએ જણાવ્યું છે.
ત્રણ અબજ વર્ષ પહેલાં આપણો ગ્રહ બાલ્યાવસ્થામાં હતો ત્યારે ડાયનોસોરનો નાશ કરનાર 200 ગણો મોટો સ્પેસ રોક પૃથ્વી પર ત્રાટક્યો હતો.
આ ઘટનાને સારી રીતે સમજવા માટે સ્લેમહેજરથી સજ્જ વિજ્ઞાનીઓએ ખડકના ટુકડા કાઢવા માટે દક્ષિણ આફ્રિકામાંની ઇમ્પેક્ટ સાઇટની મુલાકાત લીધી હતી.
વિજ્ઞાનીઓની ટીમને એવા પુરાવા પણ મળ્યા છે કે એસ્ટરૉઇડની વ્યાપક અસરને કારણે માત્ર પૃથ્વી પર વિનાશ થયો હતો એટલું જ નહીં, પરંતુ આદિમ જીવનને ખીલવામાં મદદ પણ મળી હતી.
હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને નવા અભ્યાસના મુખ્ય લેખક નડજા ડ્રાબોને કહ્યું હતું, “પૃથ્વીની રચના પછી પણ અવકાશમાં ઘણો કાટમાળ ઊડતો હતો અને પૃથ્વી સાથે અથડાઈ રહ્યો હતો તે આપણે જાણીએ છીએ.”
“હવે અમે એ શોધી કાઢ્યું છે કે તે પૈકીની કેટલીક વ્યાપક અસર પછીનું જીવન ખરેખર સ્થિતિસ્થાપક હતું અને વાસ્તવમાં વિકસ્યું તથા સમૃદ્ધ થયું હતું.”
એસટુ નામની તે ઉલ્કા સ્પેસ રોક કરતાં ઘણી મોટી હતી. સ્પેસ રોકથી આપણે સારી રીતે પરિચિત છીએ. 6.6 કરોડ વર્ષ પહેલાં જે ડાયનાસોરના લુપ્ત થવાનું કારણ બન્યો હતો તે સ્પેસ રોક લગભગ 10 કિલોમીટર પહોળો, લગભગ એવરેસ્ટની ઊંચાઈ જેટલો હતો.
બીજી તરફ એસટુ ઉલ્કા 40થી 60 કિલોમીટર પહોળી હતી અને તેનું દળ 50થી 200 ગણું વધારે હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૃથ્વી હજુ તેની પ્રારંભિક અવસ્થામાં હતી ત્યારે તે ત્રાટકી હતી અને તે ખૂબ જ અલગ દેખાતી હતી. તે પાણીની દુનિયા જેવી હતી. તેમાં થોડા ખંડો સમુદ્રમાંથી ચોંટેલા હતા. જીવન ખૂબ સરળ, એકકોષી સૂક્ષ્મજીવવાળું હતું.
ઇસ્ટર્સન બાર્બર્ટન ગ્રીનબેલ્ટ ઇમ્પેક્ટ સાઇટ પૃથ્વી પરની સૌથી જૂની સાઇટ્સમાંની એક છે, જેમાં ઉલ્કાના અવશેષો છે.
પ્રોફેસર ડેબ્રોને તેમના સાથીઓ જોડે ત્રણ વખત એ સ્થળની મુલાકાત લીધી હતી. તેઓ વાહનમાં શક્ય તેટલા દૂર ગયા હતા અને પછી પગપાળા પ્રવાસ કર્યો હતો.
તેમને હાથી અથવા ગેંડા જેવાં જંગલી પ્રાણીઓ તેમજ નૅશનલ પાર્કના શિકારીઓ સામે રક્ષણ આપવા માટે મશીનગનથી સજ્જ રક્ષકો પણ તેમની સાથે હતા.
ઇમ્પેક્ટમાં પાછળ છૂટી ગયેલા ગોળાકાર કણો અથવા ખડકોના નાના ટુકડાઓની શોધ તેમણે કરી હતી. સ્લેજહેમરનો ઉપયોગ કરીને તેમણે સેંકડો કિલોગ્રામ વજનનો ખડક ખોદી કાઢ્યો હતો અને તેને વિશ્લેષણ માટે પ્રયોગશાળામાં લઈ ગયા હતા.
સૌથી કિંમતી ટુકડાઓ પ્રોફેસર ડ્રેબોને તેમના પોતાના સામાનમાં પૅક કર્યા હતા.
તેમણે કહ્યું હતું, “તેમણે મને સિક્યૉરિટી ચેક પૉઇન્ટ પર અટકાવી હતી, પરંતુ મેં તેમને વિજ્ઞાન કેટલું આકર્ષક છે તેના વિશે પ્રવચન આપ્યું હતું. એ સાંભળીને તેઓ કંટાળી જતા હતા અને મને આગળ વધવાની છૂટ આપતા હતા.”
મુખ્ય શોધ
એસટુ ઉલ્કા ત્રાટકવાને કારણે પૃથ્વી પર થયેલી હિંસક અસરનું તેમણે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. ઉલ્કા ત્રાટકવાને કારણે 500 કિલોમીટરનો ખાડો પડી ગયો હતો અને ખડકો નાની કાંકરીમાં ફેરવાઈ ગયા હતા.
એ બધા આશ્ચર્યજનક રીતે ઊંચી ઝડપે બહાર નીકળ્યા હતા અને તેનાથી વિશ્વની પરિક્રમા કરતું વાદળ સર્જાયું હતું.
ડ્રેબોને કહ્યું હતું, “વર્ષાનાં વાદળોની કલ્પના કરો, પરંતુ અહીં પાણીનાં ટીપાંને બદલે આકાશમાંથી પીગળેલા ખડકોના ટુકડા પડતા હતા.”
એ જંગી સુનામી સમગ્ર ગ્રહ પર ફરી વળી હશે. સમુદ્રતળને ફાડી નાખ્યું હશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર આવ્યું હશે. તેની સરખામણીએ 2004માં હિંદ મહાસાગરમાં ત્રાટકેલી સુનામી નજીવી લાગે, એમ તેમણે જણાવ્યું હતું.
એ બધી ઊર્જાને કારણે ભારે માત્રામાં ગરમી પેદા થઈ હશે, જેના કારણે મહાસાગરો ઊકળ્યા હશે અને લાખો મીટર પાણીનું બાષ્પીભવન થયું હશે. તેનાથી હવાના તાપમાનમાં 100 ડિગ્રી સુધીનો વધારો પણ થયો હશે.
આકાશમાં અંધારું થઈ ગયું હશે અને તે ધૂળ તથા રજકણોથી ઘેરાઈ ગયું હશે. સૂર્યપ્રકાશ ગાઢ અંધકારમાં ન પ્રવેશી શકવાને કારણે જમીન અથવા છીછરા પાણીમાંનું પ્રકાશ એકીકરણ પર આધારિત જીવન નાશ પામ્યું હશે.
આ અસરો ભૂસ્તરશાસ્ત્રીઓએ અન્ય મોટી ઉલ્કાઓની અસરો વિશે જે શોધ્યું હતું અને એસટુની અસરો બાબતે જે શંકા હતી તેના જેવી જ હતી.
જોકે, ડ્રેબોન અને તેમની ટીમે એ પછી જે શોધ્યું તે વધારે આશ્ચર્યજનક હતું. ખડકોના પુરાવા દર્શાવે છે કે તે હિંસક વિક્ષેપને કારણે, સરળ જીવોને પોષણ આપતા ફોસ્ફરસ અને આયર્ન જેવા પોષકતત્ત્વોને હચમચાવી નાખ્યાં હતાં.
ડ્રેબોને કહ્યું હતું, “જીવન લચીલું હતું એટલું જ નહીં, પરંતુ ઝડપથી પૂર્વવત્ થયું હતું અને ખીલ્યું હતું.”
“આ તમે તમારા દાંતને રોજ સવારે બ્રશ કરો તેવી વાત છે. તેમાં 99.9 ટકા બૅક્ટેરિયા મરી જાય છે, પરંતુ પછીની રાતે એ બધા પાછા આવી જાય છે ને?”
નવાં તારણો સૂચવે છે કે જંગી અસર મોટા ખાતર જેવી હતી, જેણે જીવન માટે જરૂરી ફોસ્ફરસ જેવાં તત્ત્વોને સમગ્ર પૃથ્વીમાં મોકલ્યાં હતાં.
સમગ્ર પૃથ્વી પર ફરી વળેલી સુનામીને લીધે ઊંડાણમાંથી લોહયુક્ત પાણી બહાર આવ્યું હશે, જેનાથી પ્રારંભિક સૂક્ષ્મજીવોને વધારાની ઊર્જા મળી હશે.
ડ્રેબોનના જણાવ્યા મુજબ, આ તારણ વિજ્ઞાનીઓમાં વ્યાપક બનતા જતા એ દૃષ્ટિકોણને પુષ્ટ કરે છે કે પ્રારંભિક જીવનને પૃથ્વી પર તેના શરૂઆતનાં વર્ષોમાં ક્રમબદ્ધ ત્રાટકેલા ખડકોને લીધે સહાય મળી હતી.
તેમણે કહ્યું હતું, “તે ઇમ્પેક્ટ પછી પૃથ્વી પરના જીવન માટે બહુ જ અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ હોય અને તેને લીધે જીવનને ખીલવાની તક મળી હોય એવું લાગે છે.”
આ તારણો વિજ્ઞાન સામયિક પીએનએએસમાં પ્રકાશિત થયાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન