ChatGPT : મોબાઇલ ફોનમાં આ ઍપ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ChatGPT શું છે તેનાથી મોટા ભાગના લોકો વાકેફ હશે. અત્યાર સુધી આ આર્ટિફિશિયલ ટેક્નૉલોજી ઍપ્લિકેશન માત્ર કૉમ્પ્યુટર પર ઉપલબ્ધ હતી.
જોકે, આ ઍપની નિર્માતા કંપની 'ઓપનએઆઈ'એ 21 જુલાઈએ જાહેરાત કરી છે કે ChatGPTનું ઍન્ડ્રોઇડ વર્ઝન હવે ભારત, બાંગ્લાદેશ, અમેરિકા અને બ્રાઝિલમાં ઉપલબ્ધ છે.
કંપનીએ એમ પણ કહ્યું છે કે આગામી સપ્તાહોમાં અન્ય દેશોમાં પણ તેને લૉન્ચ કરવામાં આવશે.
'ઓપનએઆઈ'એ બે મહિના અગાઉ જ ઍપલના ગ્રાહકો માટે આ ઍપનું 'આઈઓએસ' વર્ઝન લૉન્ચ કર્યું હતું.
તમારા ઍન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કેવી રીતે કરી શકાશે ઇન્સ્ટૉલ?
ઍન્ડ્રોઇડ ફોન વાપરતા લોકો ગૂગલ પ્લે-સ્ટોર પરથી આ ઍપ્લિકેશનને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે.
આ માટે સૌથી પહેલાં પ્લે-સ્ટોર પર 'ChatGPT' ટાઇપ કરવું.
સર્ચ કરતા જો લોગોની બાજુમાં ChatGPT લખેલું આવે અને તેની નીચે OpenAI લખ્યું હોય તો એ સાચી ઍપ્લિકેશન છે. તમે એ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કર્યા પછી તમે જીમેઈલના ઇમેલ આઈડી વડે તેમાં લૉગ-ઈન કરી શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, Getty Images
શું ChatGPT બધા જ ઍન્ડ્રોઇડ ફોન પર ચાલશે?
આ ઍપ્લિકેશન ઍન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમની માર્શમૅલો વર્ઝન 6.0 અને તેનાથી ઉપરના સ્માર્ટફોન પર જ થઈ શકશે.
જો તમને તમારા ફોનની ઑપરેટિંગ સિસ્ટમ વિશે ખ્યાલ ન હોય તો એ ફોનના સૅટિંગ્સમાં 'અબાઉટ ફોન' ઑપ્શનમાં તપાસી શકાશે.
જો ફોનની ઑપરેટિંગ સિસ્ટમ ઉપરોક્ત વર્ઝન ધરાવતી નહીં હોય તો ChatGPT ડાઉનલોડ થઈ શકશે નહીં.

ઇમેજ સ્રોત, Getty Images
શું તમારો ડેટા સુરક્ષિત છે?
ChatGPTની નિર્માતા કંપની 'ઓપનએઆઈ' મુજબ, આ ઍપમાં યુઝર્સનો વિવિધ ડેટા એકત્ર કરવાની ક્ષમતા છે, સાથે જ તે લોકેશન પણ ટ્રેસ કરી શકે છે.
આ ઉપરાંત ફોનની વિવિધ માહિતી જેમ કે પ્રોસેસરના નામ સહિત સરનામું, ફોન-નંબર, ઈમેલ જેવી વપરાશકર્તાની વ્યક્તિગત માહિતી પણ એકત્ર કરી શકે છે.
જોકે, ઓપનએઆઈએ કહ્યું છે કે યુઝર્સની આ માહિતી ક્યારેય અન્ય કંપનીઓ સાથે શૅર કરવામાં આવતી નથી.
આ સિવાય કંપનીએ એમ પણ જણાવ્યું છે કે જો વપરાશકર્તાઓ પોતાનો ડેટા દૂર કરવા માગતા હોય તો એમ કરી શકે છે.

ChatGPT શું છે?
ChatGPT એ 'ઓપનએઆઈ' કંપની દ્વારા શરૂ કરાયેલ કૉમ્પ્યુટર સૉફ્ટવેર ઍપ્લિકેશન છે. તે કવિતાઓ, નિબંધો અને વાર્તાઓ લખવામાં સક્ષમ છે અને માણસની જેમ કૉમ્પ્યુટર-કોડ પણ લખી શકે છે.
ChatGPTમાં GPTનો અર્થ 'જનરેટિવ પ્રિ-ટ્રેઇન્ડ ટ્રાન્સફૉર્મર્સ' છે. આ ઍપ્લિકેશન કોઈ ચોક્કસ વિષયને લગતી વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતીનું સંકલન કરવા સક્ષમ છે.
આ ઍપ માત્ર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી સાથે જ જવાબ આપતી નથી, પરંતુ ઍપને જો કોઈ વિનંતી કરવામાં આવે તો એ ચોક્કસ ક્રિયા પણ કરે છે.
જો, ઍપને કરાયેલ પ્રશ્ન અંગે ઇન્ટરનેટ પર પૂરતી માહિતી ન હોય તો ChatGPT તેને સંપૂર્ણપણે જવાબ આપી શકશે નહીં.

ઇમેજ સ્રોત, Getty Images
ChatGPTની અન્ય વિશેષતાઓ કઈ છે?
ChatGPT ઍપ્લિકેશનમાં ટાઇપિંગ તેમજ વૉઇસ રૅકોર્ડિંગ વડે સર્ચ કરવાનો ઑપ્શન છે. સાથે જ તેમાં અગાઉથી રૅકોર્ડ કરાયેલ વાતચીત વડે સર્ચ કરવાનો અને ડેટા અપલોડ કરવાનો ઑપ્શન છે.
ChatGPTનો ઉપયોગ ઇન્ટરનેટ સર્ચના વિકલ્પ તરીકે કરાઈ રહ્યો છે. યુઝર્સ કોઈ પણ વિષયને લગતી વિગતો મેળવવા માટે પણ આ ઍપનો ઉપયોગ કરી રહ્યા છે.
યુઝર્સને કૉમ્પ્યુટર કોડિંગમાં પણ ChatGPT મદદરૂપ સાબિત થઈ શકે છે.

ઇમેજ સ્રોત, બીબીસી ગુજરાતી
ChatGPTની નિર્માતા કંપનીનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, GOOGLE PLAY STORE
'ઓપનએઆઈ'એ કહ્યું છે કે ગૂગલ પ્લે-સ્ટોર પરથી ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને યુઝર્સ વિવિધ સુવિધાઓનો લાભ લઈ શકે છે.
યુઝર્સ ChatGPT દ્વારા માત્ર પ્રશ્નોના જવાબ જ નહીં, પરંતુ સલાહ પણ મેળવી શકે છે.
કંપનીનું કહેવું છે કે ChatGPT સર્જનાત્મકતા વધારવા, વિવિધ વ્યવસાયોને સંબંધિત માહિતી એકત્ર કરવા અને વિવિધ વિષયો વિશે શીખવાની તકો આપે છે.














