શું કનૈયા કુમારે હનુમાન અને મહિલાઓનું અપમાન કર્યું? - ફૅક્ટ ચેક

બિહારની બેગુસરાય સીટ પરથી સીપીઆઈના ઉમેદવાર કનૈયા કુમારનો એક વીડિયો એ દાવા સાથે વાઇરલ થઈ રહ્યો છે કે તેમણે હિંદુઓના ભગવાન હનુમાન અને મહિલાઓનું અપમાન કર્યું છે.

25 સેકંડના વાઇરલ વીડિયોમાં કનૈયા કુમારને કથિત રીતે એ કહેતા સાંભળી શકાય છે કે "હનુમાનજી વર્કિંગ ક્લાસ દેવતા છે. ગમે ત્યારે તમને મળી જશે."

"બીજી વ્યક્તિની પત્ની છે, તેમનું અપહરણ થયું, લંકા સળગાવી દીધી. સુગ્રીવ રામના મિત્ર હતા, સુગ્રીવ માટે દગાખોરી કરવા માટે પણ તૈયાર થઈ ગયા રામ જી, મિત્રતા ખૂબ મોટી વસ્તુ છે."

ચોકીદાર સ્ક્વિંટી નામના એક ટ્વિટર યૂઝરે આ વીડિયો સાથે કૅપ્શન ટ્વીટ કર્યું, "હનુમાન બીજી વ્યક્તિનાં પત્નીનાં અપમાન બદલ લંકા સળગાવી આવ્યા- કનૈયા કુમાર."

આગળ લખ્યું, "આ ન માત્ર હિંદુ વિરોધી ટિપ્પણી છે, પણ મહિલાઓની વિરુદ્ધ પણ છે. આ એ લોકો છે જેઓ તે સમયે ખેલ જુએ છે, જ્યારે મહિલાઓ સાથે છેડતી થઈ રહી હોય છે."

ટ્વિટર પર શૅર કરવામાં આવેલા આ વીડિયોને 50 હજાર કરતાં વધારે વખત જોવામાં આવ્યો છે. તેને ફેસબુક અને અન્ય ટ્વિટર યૂઝર્સ દ્વારા હજારો વખત શૅર કરવામાં આવ્યો છે.

અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ દાવો ભ્રામક છે.

કનૈયા કુમારના 25 સેકંડના વીડિયોમાં સંભળાઈ રહેલા શબ્દો તેમના જ છે, પરંતુ તેને રજૂ ખોટા સંદર્ભ સાથે કરવામાં આવ્યા છે. લાંબા વીડિયોના અમુક ભાગને જ વાઇરલ ક્લિપમાં વાપરવામાં આવ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વીડિયોની સત્યતા શું છે?

વાઇરલ વીડિયો માત્ર 25 સેકંડનો છે અને તે ન્યૂઝ ઑફ બિહાર નામની યૂટ્યૂબ ચેનલ પર 30 માર્ચ 2018ના રોજ અપલોડ કરવામાં આવેલાં કનૈયા કુમારના ભાષણના એક ભાગમાંથી લેવામાં આવ્યો છે.

યૂટ્યૂબ પેજ અનુસાર કનૈયાએ ચંપારણના મોતિહારીમાં ભાષણ આપ્યું હતું. એ સમયે તેઓ CPI સાથે નજીકના સંબંધ ધરાવતા વિદ્યાર્થી સંગઠન ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશનના નેતા હતા.

લાંબી ક્લિપમાં જે વાત તેઓ કહી રહ્યા છે, તે કંઈક આ પ્રમાણે છે :

"ભગવાન હનુમાને બીજી વ્યક્તિનાં પત્ની માટે લંકા સળગાવી દીધી, પરંતુ એ જ ભગવાન હનુમાનના નામે આપણા પોતાના લોકોને સળગાવવામાં આવી રહ્યા છે."

"આપણો દેશ રામ પરંપરાનો દેશ છે, જ્યાં આપણે શબરીના એઠા ફળ ખાઈ લઈએ છીએ અને સાવકી માની ખુશી માટે આરામદાયક જીવન પણ છોડી દઈએ છીએ."

પોતાના ભાષણમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કનૈયા કહે છે, "યોગી જી ભગવા રંગના કપડાં પહેરીને જંગલમાંથી આવે છે અને હવે મુખ્યમંત્રીની ખુરશી ઇચ્છે છે."

"પછી એ દાવો કરે છે કે તેઓ રામ ભક્ત છે. ભગવાન રામ તો સિંહાસન છોડીને જંગલમાં જતા રહ્યા હતા. તો ઘણો તફાવત છે જે લોકોએ સમજવો જોઈએ."

હિંદુ અને મુસ્લિમોના વિભેદ પર વાત કરતા તેઓ કહે છે, "ભગવાન રામે મિત્રતાને પોતાના આદર્શો ઉપર માની હતી. પરંતુ આ લોકોએ તેમના નામ પર રેખાઓ ખેંચી લીધી છે."

એટલે ઍડિટ કરાયેલા વીડિયોના આધારે એ દાવો કરવો કે કનૈયા કુમારે ભગવાન અને મહિલાઓનું અપમાન કર્યું, તે સંપૂર્ણપણે ભ્રામક છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો