You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિમમાનવનાં નિશાન મળ્યાંનો ભારતીય સેનાનો દાવો, પણ તેનું અસ્તિત્વ છે ખરું?
ભારતીય સેનાએ દાવો કર્યો છે કે પર્વતારોહણ અભિયાન ટીમને પહેલી વખત રહસ્યમય 'યેતી' એટલે કે હિમમાનવના પગનાં નિશાન મળ્યાં છે.
સેનાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર કેટલીક તસવીરો રજૂ કરવામાં આવી છે. આ તસવીરોમાં બરફ પર પગનાં નિશાન દેખાય છે.
એડીજીપીઆઈનું કહેવું છે કે મકાલુ બેઝ કૅમ્પમાં 9 એપ્રિલના રોજ ખેંચવામાં આવેલી તસવીરમાં દેખાતાં પગનાં નિશાન 32x15 ઇંચનાં છે.
સેનાના મતે, મકાલુ બારુણના નેશનલ પાર્કમાં આ હિમમાનવ અગાઉ પણ દેખાયા હતા.
સેનાએ શેર કરેલી આ તસવીરોની સોશિયલ મીડિયા પર ચર્ચા છે. કેટલાક લોકો આ તસવીરો પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને કેટલાક લોકો તેને ચૂંટણી સાથે જોડીને તેના પર કટાક્ષ કરી રહ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે ટ્વિટર પર લખ્યું, "ભાજપ ચોક્કસ એ અંગે વાત પર ચર્ચા કરી રહ્યો હશે કે હિમમાનવ મુદ્દાનો પોતાના ચૂંટણીપ્રચારમાં ઉપયોગ કરવો."
જોકે, મોટા ભાગના લોકો આ મુદ્દે કટાક્ષ અને મજાક કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રુદ્ર નામના ટ્વિટર યૂઝર લખે છે, "જરૂર આ હિમમાનવ મોદીજીને મત આપવા આવ્યા હશે."
@GabbarSingh હૅન્ડલ દ્વારા લખાયું છે કે સર, એક મંદિર બનાવવાની જરૂર છે.
ચોકીદાર મૃત્યુંજય શર્માએ સવાલ કર્યો છે કે આ તસવીરોમાં માત્ર એક પગનાં નિશાન કેમ છે?
આદર્શ રસ્તોગી લખે છે, "આવવાનું તો મોદીજીને હતું, આ ક્યાંથી આવી ગયા? એનું વૉટર આઈડી કાર્ડ ક્યાં છે?"
@iamtssh ટ્વીટ કર્યું છે, "એક પગ કેમ દેખાય છે, લાગે છે, યેતી લંગડી લેતો હતો, એટલે જ એનો બીજો પગ દેખાતો નથી."
તમે આ વાંચ્યું કે નહીં?
કોણ હોય છે આ રહસ્યમય હિમમાનવ?
તિબેટ અને નેપાળની લોકપ્રિય કાલ્પનિક કથાઓ અનુસાર, એશિયાના અંતરિયાળ પહાડી પ્રદેશોમાં દૈત્યાકાર વાનરો જેવા જીવ રહે છે, જેમને યેતી અથવા હિમમાનવ કહેવામાં આવે છે.
વર્ષોથી લોકો દ્વારા યેતીને જોયાના દાવા કરવામાં આવી રહ્યા છે.
વર્ષ 2013માં ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે હિમાલયના દંતકથા સમાન હિમમાનવ 'યેતી' ભૂરા રીંછની જ એક ઉપપ્રજાતિના હોઈ શકે છે.
આ રિસર્ચ ટીમના પ્રોફેસર સ્કાઇઝે બીબીસીને જણાવ્યું કે યેતીની દંતકથા પાછળ હકીકતમાં કોઈ જીવ હોઈ શકે છે.
તેમણે કહ્યું હતું, "હું માનું છું કે આ રીંછ જેને કોઈએ જીવિત જોયાં નથી, બની શકે કે તે હજુ પણ ક્યાંક હયાત હોય."
અમેરિકાના જીવવિજ્ઞાની શૉર્લટ લિંડક્વિસ્ટે પણ આ વિષય પર કામ કર્યું છે. તેમણે યેતીના અવશેષોનું ડિએનએ ટેસ્ટની મદદથી વિશ્લેષણ કર્યું હતું.
આ અવશેષોના નમૂનામાં તિબેટના હિમાલયના પ્રદેશોમાંથી હાથ, દાંત, હાથની ત્વચા, વાળ અને મળ મળ્યાં હતાં.
લિંડક્વિસ્ટે બીબીસીને જણાવ્યું, "તપાસ દરમિયાન ઉપલબ્ધ નવ નમૂનામાંથી એક નમૂનો કૂતરાનો નીકળ્યો છે, જ્યારે અન્ય એ જ વિસ્તારમાં રહેલા આઠ અલગ-અલગ પ્રજાતિનાં રીંછના છે. જેમ કે, એશિયાઈ કાળાં રીંછ, હિમાલય અને તિબેટનાં ભૂરાં રીંછ છે."
એક સંશોધકના મતે, "જે નમૂનાની મેં તપાસ કરી હતી તે 100 ટકા રીંછના છે."
શું ખરેખર કોઈ યેતી ફરે છે?
લિંડક્વિસ્ટે કહ્યું, "આ વિસ્તારમાં રીંછ અસુરક્ષિત છે અથવા તો તેમનું અસ્તિત્વ જોખમમાં છે, પરંતુ તેમના ઇતિહાસ વિશે કોઈ ખાસ જાણકારી ઉપલબ્ધ નથી."
નિષ્ણાતો માને છે કે આ અધ્યયન એ લોકોને નિરાશ કરી શકે જે યેતીની કથાઓમાં વિશ્વાસ કરે છે. પરંતુ કોઈએ નિરાશ થવું જોઈએ નહીં.
તેઓ કહે છે, "કેટલાક લોકો કહે છે કે મારો અભ્યાસ માત્ર અમુક નમૂનાઓ પર આધારિત છે, પરંતુ કેટલાક અવશેષો એવા પણ હોઈ શકે જેના પર હજુ કોઈ સંશોધનો થયાં નથી. શું ખબર, અત્યારે એશિયાના પહાડો પર ક્યાંક કોઈ વિચિત્ર પ્રાણી ફરતાં હોય."
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો