એ દેશ, જે નાગરિકોને ગુપ્ત રીતે મૃત્યુદંડ આપી રહ્યો છે

એ દેશ જે નાગરિકોને ગુપ્ત રીતે મૃત્યુદંડ આપી રહ્યો છે
    • લેેખક, કેરોલાઈન હાવલે
    • પદ, બીબીસી ન્યૂઝ

સાઉદી અરેબિયાએ કેદીઓને મૃત્યુદંડની સજા, તેમના પરિવારજનોને અગાઉથી જાણ કર્યા વિના જ આપી હોવાનું કેટલાક કેદીઓના પરિવારજનોએ બીબીસીને જણાવ્યું હતું.

એક નવા અહેવાલ મુજબ, સાઉદી અરેબિયામાં ફાંસીની સજાનું પ્રમાણ 2015 પછી બમણું થઈ ગયું છે. રાજા સલમાન અને તેમના પુત્ર મોહમ્મદ બિન સલમાને 2015માં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં.

મુસ્તફા અલ-ખય્યાતને મૃત્યુદંડ આપવાનો છે તેની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી ન હતી. પરિવારજનોને હજુ સુધી મુસ્તફાનો મૃતદેહ સોંપવામાં આવ્યો નથી. તેમને ક્યાં દફનાવવામાં આવ્યા છે તેની પણ કોઈ માહિતી નથી. પરિવારજનો સાથે મુસ્તફાએ છેલ્લી વખત જેલમાંથી ફોન મારફત વાત કરી હતી. મુસ્તફાએ તેમનાં માતાને આ શબ્દો સાથે અલવિદા કહ્યું હતુઃ "ઓકે, હવે મારે જવું પડશે. તમે મજામાં છો એ જાણીને હું ખુશ થયો છું."

એ વખતે પરિવારજનોને ખ્યાલ ન હતો કે તેઓ મુસ્તફા સાથે છેલ્લી વખત વાત કરી રહ્યા છે.

લાઇન
  • સાઉદી અરેબિયામાં ફાંસીની સજાનું પ્રમાણ 2015 પછી બમણું થઈ ગયું છે. રાજા સલમાન અને તેમના પુત્ર મોહમ્મદ બિન સલમાને 2015માં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં.
  • મુસ્તફા અલ-ખય્યાતને મૃત્યુદંડ થવાની જાણ તેમના પરિવારજનોને નહોતી કરવામાં આવી, એટલું જ નહીં પરિવારજનોને હજુ સુધી મુસ્તફાનો મૃતદેહ સોંપાયો નથી કે તેમને ક્યાં દફનાવાયા છે તેની માહિતી પણ નથી અપાઈ.
  • 2022ની 12 માર્ચે 81 લોકોને ફાંસી આપવામાં આવી હતી અને મુસ્તફા એ પૈકીના એક હતા.
  • આધુનિક સાઉદી અરેબિયામાં સૌથી વધારે લોકોને એકસાથે ફાંસી આપવામાં આવી હોય તેવી તે પહેલી ઘટના હતી.
  • સાઉદી અરેબિયામાં આપવામાં આવતી મૃત્યુદંડના ઝીણવટભર્યા દસ્તાવેજીકરણના ભાગરૂપે રિપ્રાઈવ ગ્રુપે, યુરો-સાઉદી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ સાથે મળીને યાદી બનાવી છે અને આ યાદી સતત લાંબી થઈ રહી છે.
લાઇન

એક મહિના પછી મુસ્તફાનું મૃત્યુ થયું હતું. 2022ની 12 માર્ચે 81 લોકોને ફાંસી આપવામાં આવી હતી અને મુસ્તફા એ પૈકીના એક હતા. આધુનિક સાઉદી અરેબિયામાં સૌથી વધારે લોકોને એકસાથે ફાંસી આપવામાં આવી હોય તેવી તે પહેલી ઘટના હતી.

line

સતત વિસ્તરતી યાદી

એ દેશ જે નાગરિકોને ગુપ્ત રીતે મૃત્યુદંડ આપી રહ્યો છે

ઇમેજ સ્રોત, COURTESY AL-KHAYYAT FAMILY

ઇમેજ કૅપ્શન, મુસ્તફા

સાઉદી અરેબિયામાં આપવામાં આવતી મૃત્યુદંડના ઝીણવટભર્યા દસ્તાવેજીકરણના ભાગરૂપે રિપ્રાઈવ ગ્રુપે, યુરો-સાઉદી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ સાથે મળીને બનાવેલી યાદીમાં મુસ્તફાનું નામ સામેલ છે અને આ યાદી વધુને વધુ લાંબી થઈ રહી છે.

તેમના અભ્યાસ હેઠળ 2010થી એકત્ર કરવામાં આવેલી સામગ્રીમાંથી નીચે મુજબની માહિતી મળી છે.

  • કિંગ સલમાને 2015માં સત્તા સંભાળી અને તેમના પુત્ર સલમાનને મહત્ત્વના સરકારી પદ આપ્યાં પછી સાઉદી અરેબિયામાં મૃત્યુદંડના અમલનો દર લગભગ બમણો થઈ ગયો છે.
  • અસંતુષ્ટો તથા વિરોધીઓને શાંત કરવા માટે મૃત્યુદંડની સજાનો ઉપયોગ નિયમિત રીતે કરવામાં આવે છે. તે માનવાધિકારના આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. આ કાયદો જણાવે છે કે ગંભીર ગુનાઓમાં જ મૃત્યુદંડની સજા આપવી જોઈએ.
  • જૂજ કિસ્સામાં સગીર ગુનેગારોને મૃત્યુદંડની સજા આપવામાં આવતી હોવાના સાઉદી અરેબિયાના દાવા છતાં 2015 પછી ફાંસીની સજા કરવામાં આવી હોય એ પૈકીના કમસેકમ 11 લોકો, તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે બાળવયના હતા.
  • સાઉદીની જેલોમાં અત્યાચાર સર્વસામાન્ય બાબત છે અને તેમાંથી સગીર વયના પ્રતિવાદીઓ પણ બાકાત નથી.

સાઉદી અરેબિયામાં ગયા વર્ષે 147 લોકો પર ફાંસીની સજાના અમલનું દસ્તાવેજીકરણ રિપ્રાઈવે કર્યું હતું અને જણાવ્યું હતું કે આ સંખ્યા વધુ હોઈ શકે છે.

રિપ્રાઈવે એવું પણ નોંધ્યું હતું કે ઘરેલુ કામદારો અને નાના ડ્રગ ડીલર્સ સહિતના વિદેશી નાગરિકો સામે સાઉદી અરેબિયાએ મૃત્યુદંડની સજાનો છૂટથી ઉપયોગ કર્યો છે.

line

ચૂપચાપ ચાલતી કામગીરી

એ દેશ જે નાગરિકોને ગુપ્ત રીતે મૃત્યુદંડ આપી રહ્યો છે
ઇમેજ કૅપ્શન, મુસ્તફાના મોટા ભાઈ યાસીર

મુસ્તફાને મૃત્યુદંડ આપવામાં આવ્યાના એક વર્ષ પછી પણ સત્તાવાળાઓએ મુસ્તફાના પરિવારજનોને એ નથી જણાવ્યું કે મુસ્તફાને તથા અન્ય લોકોને કઈ રીતે મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. મુસ્તફાના મોટાભાઈ યાસીરે જણાવ્યું હતું કે પરિવારજનો માટે તો દુર્ઘટના છે.

યાસીરે કહ્યુ હતું કે "તેમને સારી રીતે દફનાવવામાં આવ્યા હશે કે પછી રણ કે દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હશે એ અમે જાણતા નથી."

યાસીરે આ બાબતે સૌપ્રથમવાર જાહેરમાં વાત કરી હતી. હવે તેઓ જર્મનીમાં રહે છે. ખુદની હાલત પણ ભાઈ જેવી જ થશે એવા ભયથી 2016માં સાઉદી અરેબિયામાંથી ભાગી છૂટેલા યાસીરને જર્મનીમાં રાજ્યાશ્રય આપવામાં આવ્યો છે.

યાસીર ભારપૂર્વક માને છે કે તેમના ભાઈ મુસ્તફા આનંદી, મિલનસાર અને લોકપ્રિય હતા. મુસ્તફા સાઉદી સરકાર સામેના શિયા લઘુમતી સમુદાયના દૈનિક વિરોધ પ્રદર્શનમાં છેક 2011થી ભાગ લેતા હતા. 2014માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

મુસ્તફાના મૃત્યુ પછી સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સલામતી અધિકારીઓની હત્યાના પ્રયાસ, બળાત્કાર, લૂંટ, આંદોલન, દુષ્પ્રચાર, અરાજકતા તેમજ શસ્ત્રો તથા ડ્રગની હેરાફેરી અને બૉમ્બ બનાવવા જેવા વિવિધ ગુનાઓના આરોપસર મૃત્યુદંડની સજા પામેલા અન્ય 30 ગુનેગારો સાથે મુસ્તફાને ફાંસી આપવામાં આવી હતી.

"તેમણે પુરાવા આપ્યા જ નથી. આ ભયંકર જુઠ્ઠાણું છે," એમ કહેતાં યાસીરે જણાવ્યું હતું કે તેમના ભાઈ સજા સામે અપીલનો પ્રયાસ કરતા હતા ત્યારે સત્તાવાળાઓએ તેમને અને અન્ય 80 લોકોને ફાંસી આપી દીધી હતી.

યાસીરે ઉમેર્યું હતું કે "સાઉદીના સત્તાવાળાઓએ તેમનો જીવ લઈ લીધો એટલું જ નહીં, પરંતુ ઈરાદાપૂર્વક તેમને કલંકિત કર્યા છે અને તેમણે જે ગુના કર્યા જ ન હતા તેનો આરોપ તેમના પર મૂક્યો છે."

line

મહત્તમ દમન

એ દેશ જે નાગરિકોને ગુપ્ત રીતે મૃત્યુદંડ આપી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

સત્તા પર આવ્યા પછી ક્રાઉન પ્રિન્સ તથા સાઉદી અરેબિયાના વાસ્તવિક શાસક મોહમ્મદ બિન સુલેમાને તેમના દેશના આધુનિક બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. 2018માં આપેલી એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમના દેશોનો મહત્ત્વનો સાથી તેમનો દેશ મૃત્યુદંડની સજાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાના પ્રયાસ કરી રહ્યો છે.

તેના પાંચ વર્ષ પછી પણ સાઉદી અરેબિયા મૃત્યુદંડની સૌથી વધુ સજા આપવામાં આવતી હોય એવા દેશો પૈકીનો એક બની રહ્યો છે.

રિપ્રાઈવના તંત્રી માયા ફોએ તેમની પૂર્વ લંડન ખાતેની ઓફિસમાંથી વાત કરતાં કહ્યું હતું કે "એમબીએસ તરીકે જાણીતા ક્રાઉન પ્રિન્સે, તેમણે જે વચન આપ્યું હતું તેનાથી તદ્દન ઊલટું કર્યું છે. લોકશાહી તરફી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા સંખ્યાબંધ લોકોને કરવામાં આવેલી સજાનો અમલ તેમની દેખરેખ હેઠળ થયો છે."

માયા ફોએ ઉમેર્યું હતું કે મૃત્યુદંડની સજા બાબતે સજ્જડ મૌન રાખવાની નીતિ છે. રિપ્રાઈવે જે કેસીસનો અભ્યાસ કર્યો હતો એ પૈકીના ઘણા કિસ્સામાં કેદીઓ, તેમને મૃત્યુદંડની સજા થઈ છે તે જાણતા ન હતા.

માયા ફોએ કહ્યું હતું કે "કેદીઓના સગા-સંબંધી પણ જાણતા ન હતા. આમ જેમની ધરપકડ કરવામાં આવી હતી એ લોકો સામે અદાલતી કાર્યવાહી કરવામાં આવી હતી, મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી અને એ સજાનો ગુપ્ત રીતે અમલ કરવામાં આવ્યો હતો."

દરેક કેસના "ક્રૂરતમ અને સૌથી દુઃખદાયક" પાસાં પૈકીના એક તરીકે સત્તાવાર માહિતીના અભાવની વાત કરતાં માયા ફોએ જણાવ્યુ હતું કે કેટલાક કેદીઓના પરિવારજનોને સોશિયલ મીડિયા મારફત ખબર પડી હતી કે તેમના સ્વજનને કરવામાં આવેલી સજાનો અમલ થઈ ગયો છે.

line

પારદર્શકતાનો અભાવ

એ દેશ જે નાગરિકોને ગુપ્ત રીતે મૃત્યુદંડ આપી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

સાઉદી અરેબિયામાં શિરચ્છેદ મૃત્યુદંડની સજાના પરંપરાગત અમલની મુખ્ય રીત છે. સજાનો અમલ ઘણી વખત જાહેરમાં કરવામાં આવે છે અને મૃતકોના નામ તથા તેમના પરના આરોપોની વિગત સરકારી વેબસાઈટ્સ પર પોસ્ટ કરવામાં આવે છે.

જોકે, માનવાધિકાર કર્મશીલો જણાવે છે કે મૃત્યુદંડની સજાનો ઉપયોગ વધારે અપારદર્શક બન્યો છે. મૃત્યુદંડની સજાનો અમલ કેવી રીતે કરવામાં આવે છે તે મોટાભાગના લોકો જાણતા નથી. એ માટે ફાયરિંગ સ્ક્વોડનો ઉપયોગ કરવામાં આવે છે એટલું તેઓ જરૂર જાણે છે.

બર્લિનસ્થિત યુરો-સાઉદી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સના ડિરેક્ટર અલી અદુબિસીએ કહ્યુ હતું કે "મૃત્યુદંડ દેશની કાયદાકીય વ્યવસ્થાનો એક હિસ્સો છે, જે મૂળભૂત રીતે અન્યાયી છે. ત્યાં કોઈ સ્વતંત્ર નાગરિક સંગઠન કે માનવાધિકાર જૂથ કામ કરી શકતું નથી. અમે ફાંસીના સજાના અમલ પરત્વે ધ્યાન નહીં દોરીએ તો ત્યાં લોકો ચૂપચાપ મરતા રહેશે."

હ્યુમન રાઈટ્સ વોચે જણાવ્યુ હતું કે ગયા માર્ચમાં ફાંસીના માચડે ચડેલા 81 પુરુષો પૈકીના 41 શિયા લઘુમતી સમાજના હતા. "સાઉદી અરેબિયાની ફોજદારી ન્યાય પ્રણાલીનો વ્યવસ્થિત દુરૂપયોગ સૂચવે છે કે તેમાં કોઈને ન્યાય મળવો શક્ય નથી."

કેદીઓ પર અત્યાચારના રિપોર્ટ્સ પણ પોતાને મળ્યા હોવાનું હ્યુમન રાઈટ્સ વોચે જણાવ્યું હતું.

line

કાયમ દુર્વ્યવહાર

એ દેશ જે નાગરિકોને ગુપ્ત રીતે મૃત્યુદંડ આપી રહ્યો છે

ઇમેજ સ્રોત, ZAINAB ABU AL-KHAIR

ઇમેજ કૅપ્શન, હુસૈન

મુસ્તફાની 2014માં ધરપકડ કરવામાં આવી એના બાર મહિના પછી યાસીર તેમને મળી શક્યા હતા અને ત્યાં જે જોયું તેનાથી તેમને આઘાત લાગ્યો હતો.

યાસીરે કહ્યું હતું કે "મુસ્તફા એક જ વર્ષથી જેલમાં હતા, તેમ છતાં તેઓ અમને આવકારવા જગ્યા પરથી ઊભા થઈ શક્યા ન હતા. તેમણે ઊભા થવાનો પ્રયાસ કર્યો કે તરત જ તેઓ ઢળી પડ્યા હતા. અમને તેમને તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અત્યાચારને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. અમને તેમના શરીર પર ઉઝરડા જોવા મળ્યા હતા. મુસ્તફાએ કહ્યું હતું કે તેમને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે."

અટકાયત હેઠળના એક અન્ય કેદીની બહેને પણ જણાવ્યુ હતું કે તેમના ભાઈ પર જોરદાર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

ઝૈનાબ અબુ અલ-ખૈરના ભાઈ હુસૈન 2014થી જેલમાં છે. ઝૈનાબે કહ્યું હતું કે "મારી ભાઈને ઊંધા લટકાવીને માર મારવામાં આવ્યો હતો. તેમની પાસે બળજબરીથી કરાવવામાં આવેલી કબૂલાત અદાલત સ્વીકારશે એવી મેં કલ્પના પણ કરી ન હતી."

સાઉદીના એક શ્રીમંત પરિવાર માટે ડ્રાઈવર તરીકે કામ કરતા હુસૈનની જોર્ડન-સાઉદી બોર્ડર પર કારમાં ડ્રગ્ઝ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ઝૈનાબ ભારપૂર્વક માને છે કે તે માદક પદાર્થો હુસૈનના નહોતા.

હુસૈનનો પરિવાર, તેમની ધરપકડ પછી ગુજરાન ચલાવવામાં કેટલી મુશ્કેલી અનુભવી રહ્યો છે તેની વાત કેનેડામાં રહેતાં ઝૈનાબે કરી હતી. હુસૈનનો પુત્ર અપંગ છે અને તેમની 14 વર્ષની દીકરીને લગ્ન માટે વેચી મારવામાં આવી હોવાની આશંકા છે.

એ દેશ જે નાગરિકોને ગુપ્ત રીતે મૃત્યુદંડ આપી રહ્યો છે

ઇમેજ સ્રોત, ZAINAB ABU AL-KHAIR

ઇમેજ કૅપ્શન, ઝૈનાબ અબુ અલ-ખૈર

ડ્રગ્ઝ સંબંધી ગુનાઓ માટે મૃત્યુદંડની સજાના અમલની બિનસત્તાવાર મોકૂફી પર નવેમ્બરમાં સાઉદી અરેબિયાએ પૂર્ણવિરામ મૂક્યું હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકાર વિભાગના હાઈ કમિશનરની ઓફિસે તે નિર્ણયને 'અત્યંત ખેદજનક' ગણાવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર, એ પછીના 15 દિવસમાં આવા ગુના સબબ 17 લોકોને ફાંસીની સજા કરવામાં આવી હતી.

ઝૈનાબે જણાવ્યુ હતું કે જેલમાં હુસૈનની કોટડીમાંથી અન્ય કેદીઓને બીજે લઈ જવાયા છે. તેઓ ક્યારેય પાછા ફરવાના નથી. હુસૈન અને ઝૈનાબ બન્ને ગભરાઈ ગયાં છે.

ઝૈનાબે કહ્યું હતું કે "હું તેમની વાત કરું છું ત્યારે પણ મારું દિલ જોરથી ધડકવા માંડે છે. હું આખો દિવસ તેમના જ વિચાર કરું છું અને રાતે મને દુઃસ્વપ્ન આવે છે. તેઓ તેમનું માથું કાપી નાખશે એ વિચાર જ ભયંકર છે."

ઝૈનાબે ઉમેર્યું હતું કે "તે કેટલું મુશ્કેલ છે તેની કલ્પના પણ ન કરી શકાય. ક્યારેક હું એકલી બેસીને રડતી રહું છું, રડતી જ રહું છું."

ગયા વર્ષે માર્ચમાં સાઉદી અરેબિયામાં 81 લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો તેના ચાર દિવસ પછી બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન બોરિસ જોનસન મોહમ્મદ બિન સલમાનને મળ્યા હતા. રશિયાથી ઇંધણની આયાત ઘટાડવા સામે બ્રિટનને વધારે ઓઈલ આપવાનું સમજાવવા જોન્સન એમબીએસને મળ્યા હતા.

ડાઉનિંગ સ્ટ્રીટમાંના વડાપ્રધાનના આવાસ પરથી ખાતરી આપવામાં આવી હતી કે બ્રિટને સાઉદી અરેબિયામાં માનવાધિકારની સમસ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

line

ચિંતાજનક રેકર્ડ

એ દેશ જે નાગરિકોને ગુપ્ત રીતે મૃત્યુદંડ આપી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

સત્તાનાં સૂત્રો સંભાળ્યા પછી એમબીએસે મહિલાઓને કાર ચલાવવાની છૂટ આપવા સહિતના સંખ્યાબંધ સામાજિક અને આર્થિક સુધારા કર્યા છે, પરંતુ તેની સાથે રાજકીય દમન પણ વધ્યું છે.

હ્યુમન રાઈટ્સ વોચ ઓર્ગેનાઈઝેશનના તાજા રિપોર્ટમાં સાઉદી અરેબિયાના માનવાધિકાર સંબંધી રેકોર્ડને 'નિંદનીય' ગણાવવામાં આવ્યો છે. તેની પ્રતિષ્ઠા પરના આ ડાઘને તેઓ સ્પોર્ટ્સ તથા મનોરંજન મારફત ધોવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બીબીસીએ સાઉદી સરકારનો પક્ષ જાણવા માટે સાઉદી હ્યુમન રાઈટ્સ કમિશનને ત્રણ ઇ મેઇલ મોકલ્યા હતા, પરંતુ તેનો પ્રત્યુત્તર મળ્યો ન હતો.

બીબીસીને મોકલેલા એક નિવેદનમાં લંડનસ્થિત સાઉદી એલચી કચેરીએ જણાવ્યુ હતું કે વિશ્વના બીજા દેશોમાં પણ મૃત્યુદંડ આપવામાં આવે છે અને ચોક્કસ પ્રકારના ગુનાઓ માટેની સજાનો પ્રત્યેક દેશનો પોતાનો માપદંડ હોય છે.

નિવેદનમાં જણાવ્યા મુજબ, "જેમ અમે અન્ય દેશોના, તેમના પોતાના કાયદા બનાવવાના અધિકારનો આદર કરીએ છીએ તેમ અન્ય દેશો પણ અમારી પોતાની ન્યાય તથા કાયદાકીય વ્યવસ્થાને આદર આપે તેવી અપેક્ષા રાખીએ છીએ."

જોકે, ક્રાઉન પ્રિન્સના શાસનકાળમાં ફાંસીની સજાના પ્રમાણમાં જોરદાર વધારો કેમ થયો છે અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન કરીને ફાંસીને સજા જે રીતે આપવામાં આવે છે એ બાબતે દૂતાવાસે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવાધિકારની હાઈ કમિશનરની ઓફિસે બીબીસીને કહ્યું હતું કે "સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજાના ઉપયોગ બાબતે અમે બહુ જ ચિંતિત છીએ."

"મામૂલી ગુનેગારોને તથા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ અત્યંત ગંભીર ગુનાની શ્રેણીમાં ન આવતા ગુનાઓ સહિતના કિસ્સાઓમાં કરવામાં આવતી ફાંસીની સજામાં અને તેના અમલમાં થયેલા વધારાથી અમે વિશેષ ચિંતિત છીએ," એમ આ એજન્સીએ જણાવ્યું હતું.

જેમના પ્રિયજનો જેલમાં છે એવા લોકો માટે આ અત્યંત કષ્ટદાયક સમય છે. હુસૈનનાં બહેન ફેમિલી ચેટ ગ્રુપમાં કાયમ સતર્ક રહે છે. તેમણે કહ્યું હતું કે "આ જીવન આવા તણાવનો સામનો કરવા માટેનું નથી. તેઓ જીવંત છે તેની ખાતરી અમારે રોજ સવારે અને રાતે કરવી પડે છે."

(પૂરક માહિતીઃ એલેનોર મોન્ટેગ)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન