દુનિયાભરના મુસલમાનોને એક કરવાનું એ સપનું જે અધૂરું રહી ગયું

અમ્માનથી તમે ધૂળિયા રસ્તે મુસાફરી કરો ત્યારે એવું શક્ય છે કે હિજાઝ રેલવે સ્ટેશન પર તમારું ધ્યાન ના પડે.

શહેરની વાંકીચૂંકી ગલીઓમાંથી પસાર થઈને તમારે ત્યાં પહોંચવું પડે. ભૂલભૂલૈયા જેવા આ માર્ગે શહેરના ઘણા ઐતિહાસિક કેન્દ્ર, પહાડો અને પ્રાચીન કિલ્લાઓ આવે છે.

રેલવે

ઇમેજ સ્રોત, AMANDA RUGGERI

ઇમેજ કૅપ્શન, હિજાઝ રેલવેનું નિર્માણ 1900માં ઉસ્માનિયા સલ્તનત (હાલમાં તુર્કી)ના સુલ્તાન અબ્દુલ હમીદ દ્વિતીયે કરાવ્યું હતું.

હિજાઝ રેલવે સ્ટેશન પહોંચવાનો આ રસ્તો પાંચેક કિલોમીટરનો છે, પણ જોર્ડનની રાજધાની અમ્માનમાં ટ્રાફિક ભારે હોય છે અને તેના કારણે આટલો માર્ગ કાપવામાં ઘણો સમય લાગી શકે છે.

રેલવે સ્ટેશન પર પથ્થરનો દ્વાર છે, તેમાં દાખલ થાવ ત્યારે તમને લાગે કે તમે જુદી જ દુનિયામાં પહોંચી ગયા છો. અહીં આજેય વરાળ એન્જિનથી ટ્રેનો ચાલે છે. એવી આશા રાખવામાં આવે છે કે આ રેલવે ટ્રેક મુસ્લિમ જગતને એક કરી શકે છે.

હિજાઝ રેલવેનું નિર્માણ 1900માં ઉસ્માનિયા સલ્તનત (હાલમાં તુર્કી)ના સુલ્તાન અબ્દુલ હમીદ દ્વિતીયે કરાવ્યું હતું. મક્કા સુધીની યાત્રા સરળ અને સુરક્ષિત થઈ જાય તે માટે આ રેલવે બનાવાઈ હતી.

દમિશ્કથી મદીના સુધીની પ્રથમ રેલવે લાઇન

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AMANDA RUGGERI

ઇમેજ કૅપ્શન, મક્કા સુધીની યાત્રા સરળ અને સુરક્ષિત થઈ જાય તે માટે આ રેલવે બનાવાઈ હતી.

આ રેલવે લાઇન નહોતી બની ત્યારે ઊંટોના કાફલા પર સવાર થઈને મહિનાઓ નહીં તોય કેટલાક અઠવાડિયાની સફર કરીને મક્કા સુધી પહોંચી શકાતું હતું.

દમિશ્કથી મદીના પહોંચવામાં ઓછામાં ઓછા 40 દિવસો લાગતા હતા. વચ્ચે રણમાંથી અને ઉજ્જડ પહાડોમાંથી પસાર થવું પડતું હતું, જેમાં જીવનું જોખમ રહેતું હતું.

રેલવે લાઇન બની તે પછી 40 દિવસની યાત્રા માત્ર પાંચ દિવસમાં પૂરી થવા લાગી હતી.

આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ રેલવે લાઇન દમિશ્કથી મદીના સુધીની હતી. ત્યાર બાદ રેલવે લાઇનને લંબાવીને ઉસ્માનિયા સલ્તનતની ઉત્તરની રાજધાની કુસ્તુંતુનિયા (આજનું ઇસ્તંબૂલ) સુધી પહોંચી હતી.

દક્ષિણમાં તેનો છેડો મક્કા સુધી લંબાવવાની યોજના હતી. પરંતુ ઇસ્લામ ધર્મ માટે આ રેલવે સ્ટેશનનું મહત્ત્વ માત્ર આટલા પૂરતું નથી.

તે વખતે આ એક જંગી યોજના તરીકે ગણવામાં આવી હતી અને તેના માટેના નાણાં માત્ર મુસ્લિમોના દાન પર અને ઉસ્માનિયા સલ્તનતની મહેસૂલી આવકમાંથી જ ઊભા કરવામાં આવ્યા હતા. તેમાં કોઈ વિદેશી મૂડીરોકાણ લેવામાં આવ્યું નહોતું.

તેના કારણે જ આજે આ રસ્તાને 'વકફ' માનવામાં આવે છે. એટલે કે બધા જ મુસ્લિમોની સામુહિક સંપત્તિ.

જોર્ડનમાં હિજાઝ રેલવેના ડિરેક્ટર જનરલ ઉઝ્મા નાલશિક કહે છે, ''આ કોઈ એક દેશની સંપત્તિ નથી, કોઈ વ્યક્તિની માલિકી નથી. આ દુનિયાભરના મુસ્લિમોની સંપત્તિ છે. આ એક મસ્જિદ સમાન છે અને તેને વેચી શકાય નહીં.'

તેઓ કહે છે, 'દુનિયાનો કોઈ પણ મુસ્લિમ, ઇન્ડોનેશિયા અને મલેશિયાનો મુસલમાન પણ આવીને દાવો કરી શકે કે આમાં મારો હિસ્સો છે.'

line

સામ્રાજ્ય તૂટી ગયું અને રેલવે લાઇનનું સપનું ખોરંભે

રેલવે

ઇમેજ સ્રોત, AMANDA RUGGERI

ઇમેજ કૅપ્શન, તેના માટેના નાણાં માત્ર મુસ્લિમોના દાન પર અને ઉસ્માનિયા સલ્તનતની મહેસૂલી આવકમાંથી જ ઊભા કરવામાં આવ્યા હતા. તેમાં કોઈ વિદેશી મૂડીરોકાણ લેવામાં આવ્યું નહોતું.

સુલ્તાન અબ્દુલ હમીદ દ્વિતીય મુસ્લિમ જગતને માત્ર ધાર્મિક રીતે એક કરવા નહોતા માગતા, પરંતુ તેમના માટે તેનો વ્યવહારુ ફાયદો પણ હતો.

રેલવેના નિર્માણના થોડા દાયકા પહેલાંના સમયમાં હરિફ સામ્રાજ્ય ઉસ્માનિયા સલ્તનતથી દૂર થવા લાગ્યા હતા.

ફ્રાંસે ટ્યુનીશિયા પર કબજો કરી લીધો હતો. અંગ્રેજોએ ઇજિપ્ત, રોમાનિયા, સર્બિયા પર હુમલો કર્યો હતો અને મોન્ટેનેગ્રોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી હતી.

ઉસ્માનિયા સલ્તનતના લોકોને એક જૂથ કરવા ઉપરાંત સુલ્તાને મુસ્લિમોને પણ એક કરવા હતા, પણ એવું થઈ શક્યું નહીં.

સન 1908માં પ્રથમ ટ્રેન દમિશ્કથી મદીના સુધી ચાલી હતી. તેના બીજા જ વર્ષે સત્તાપલટો થયો અને સુલ્તાનને ઉથલાવી નાખવામાં આવ્યા.

ઉસ્માનિયા સલ્તનત હવે માત્ર ભૂતકાળ બની ગઈ છે. સામ્રાજ્ય તૂટી ગયું અને તેની જગ્યાએ પાંચ દેશો બનેલા છે - તુર્કી, સીરિયા, જોર્ડન, ઇઝરાયલ અને સાઉદી અરેબિયા.

1914 સુધી દર વર્ષે ત્રણ લાખ પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, પરંતુ હિજાઝ રેલવેનું મહત્ત્વ માત્ર એક દાયકા સુધી જ રહ્યું હતું.

પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે તુર્કી સેનાએ આ રેલવે લાઇનનો ઉપયોગ કર્યો હતો.

આ જાણીને બ્રિટિશ અધિકારી (લૉરેન્સ ઑફ અરેબિયાનો ખિતાબ મેળવનારા) ટીઈ લૉરેન્સે બળવાખોર અરબ સૈનિકો સાથે તેના પર હુમલો કર્યો હતો.

યુદ્ધ પછી અંગ્રેજો અને ફ્રાંસનો કબજો પૂર્વ ભૂમધ્ય સાગરના લેવેન્ટ વિસ્તારમાં થઈ ગયો.

આ વિસ્તારમાં હરફર માટે આ રેલવે લાઇને ચાલુ રાખવાનું કામ તેમણે કર્યું. તે વખતે રેલવે લાઇનને નુકસાન થયું હતું, તેનું સમારકામ કરવામાં આવ્યું.

line

ઇતિહાસના વારસો અને આધુનિક જમાના સાથે તામેળનો પ્રશ્ન

રેલવે

ઇમેજ સ્રોત, THE TRAVEL SHOW

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલે 2016માં હાઇફાથી બેતશ્યાન સુધીની રેલવે લાઇન ફરીથી બનાવી છે.

જોકે આજે વરાળથી ચાલતા એન્જિનો અમ્માનના મુખ્ય રેલવે સ્ટેશને એમ જ ઊભા છે.

સંગ્રહાલયમાં રેલવે સાથે જોડાયેલી બીજી વસ્તુઓ પણ રાખવામાં આવી છે. જેમ કે જૂની ટિકિટો, નકશા, લાલટેન.

20મી સદીની એક બોગીને પણ સજાવટ કરીને ગોઠવવામાં આવી છે. તેની શાન જોઈને જૂના જમાનાની જાહોજલાલી યાદ આવી જાય.

આ રેલવે લાઇન બંધ થઈ ગઈ તે પછી વિદ્વાન શેખ અલી અતંતવીએ લખ્યું હતું કે 'હિજાઝ રેલવેની કહાણી એટલે વાસ્તવિક સંકટની કહાણી છે. લાઇન છે, સ્ટેશન છે, પણ કોઈ મુસાફર નથી.'

જોકે છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન આમાંની કેટલીક લાઇનોને ફરીથી ચાલુ કરવામાં આવી છે.

ઇઝરાયલે 2016માં હાઇફાથી બેતશ્યાન સુધીની રેલવે લાઇન ફરીથી બનાવી છે.

રેલવે

ઇમેજ સ્રોત, AMANDA RUGGERI

ઇમેજ કૅપ્શન, જોર્ડનમાં આ રેલવે લાઇનના બે હિસ્સા ચાલે છે.

2011 સુધી આ રેલવે લાઇન પર અમ્માનથી દમિશ્ક સુધી ટ્રેનો ચાલતી હતી. લોકોને બહુ પસંદ પડી ગઈ હતી અને લોકો કહેતા કે અમે વીકેન્ડમાં સીરિયા ફરી આવ્યા છીએ.

જોર્ડનમાં આ રેલવે લાઇનના બે હિસ્સા ચાલે છે.

ઉનાળામાં વરાળ એન્જિનથી ટ્રેન ચાલે છે અને મુખ્યત્વે પ્રવાસીઓ માટે હોય છે. રોમ ખીણ સુધીના રણમાંથી તે પસાર થાય છે. આ એ જ લાઇન છે જેના પર લૉરેન્સે હુમલો કર્યો હતો.

આ ઉપરાંત એક અઠવાડિક ટ્રેન ચાલે છે, જે અમ્માનથી અલ-જઝાહ સ્ટેશન સુધી જાય છે. સ્થાનિક લોકો મુસાફરીની મોજ માણવા તેમાં પ્રવાસ કરતા હોય છે.

line

માત્ર મનોરંજનનું સાધન?

રેલવે

ઇમેજ સ્રોત, AMANDA RUGGERI

ઇમેજ કૅપ્શન, કેટલીક ઐતિહાસિક જગ્યાએ ટ્રેકની બાજુમાં જ સડક બનેલી છે. તેમાં વાહનો પસાર થતા હોય ત્યારે સાથે સાથે ટ્રેન પણ દોડતી હોય.

એક શનિવારે સવારે અમ્માનના હિજાઝ રેલવે સ્ટેશને કેટલાય પરિવારો એકઠા થયા હતા. માથે ચમકદાર રંગોના સ્કાર્ફમાં મહિલાઓ સજ્જ હતી. તેમના હાથમાં બેગો હતી, જ્યારે બાળકો ફૂટબૉલ અને રમકડાં સાથે હતાં.

અમ્માનથી અલ-જઝાહ સુધીની મુસાફરી અમે પણ કરી રહ્યા હતા. 35 કિલોમીટરનો આ પ્રવાસ છે, જેમાં સાંકડા માર્ગ પરથી ટ્રેન પર પસાર થાય ત્યારે તેની સ્પીડ ઓછી કરીને માત્ર 15 કિમીની રાખવામાં આવે છે. આ રીતે બે કલાકે 35 કિલોમીટરની મુસાફરી પૂરી થાય છે.

જોકે શહેર છોડીને ટ્રેન બહાર નીકળે તે પછી તેની અસલ મજા આવે છે.

બાળકો હવે ખુશીથી બૂમો પાડવાં લાગે છે. એક બીજાના ડબ્બામાં દોડાદોડ કરતા રહે છે અને ટ્રેનની રેલિંગ પર લટકાની મજા પણ લે છે.

કેટલીક ઐતિહાસિક જગ્યાએ ટ્રેકની બાજુમાં જ સડક બનેલી છે. તેમાં વાહનો પસાર થતા હોય ત્યારે સાથે સાથે ટ્રેન પણ દોડતી હોય.

લોકો

ઇમેજ સ્રોત, AMANDA RUGGERI

ઇમેજ કૅપ્શન, લોકો માટે આ ટ્રેન મનોરંજનનું સાધન પણ છે

ટ્રેનમાં મોટા ભાગના મુસાફરો અમ્માનના હતા. તેમના માટે અમ્માનને જુદી રીતે જોવાનો આ અવસર હતો. કેટલાક લોકો સિરિયાના નિરાશ્રીતો હતા. તે લોકો આ બધાને મુસ્કાન સાથે જોતા રહેતા હતા.

આ બધા પ્રવાસીઓ માટે હિજાઝ રેલવને પ્રવાસ એક એડવેન્ચર જેવો હતો.

ટ્રેનના ડબ્બાઓમાં અંદર પાર્ટીનો માહોલ હતો. મહિલાઓ સાથે લાવેલા સ્પીકર જોરશોરથી ગીતો સાંભળતી હતી. એક ડબ્બામાંથી અમે પસાર થયા ત્યારે સ્ત્રીઓ ખુશીની નાચી રહી હતી. અમને જોઈને તોડી શરમાઈ ગઈ હતી.

બે કલાકે આ રીતે અલ-જઝાહ સ્ટેશને ટ્રેન પહોંચી તે પછી સૌ પ્રવાસીઓ જૈતુનના વૃક્ષોના છાંયડે બાંકડા પર ગોઠવાઈ ગયા. સાથે લાવેલા જગમાંથી ચા અને નાસ્તો કાઢીને સૌ ભોજનની મજા લેવા લાગ્યા.

કેટલાક લોકો હુક્કો લઈને આવ્યા હતા તેની મોજ માણવા લાગ્યા.

નવા જમાનામાં ઉપયોગી સાબિત થઈ શકે

લોકો

ઇમેજ સ્રોત, AMANDA RUGGERI

ઇમેજ કૅપ્શન, આ બંને શહેરોને જોડતી હિજાઝ રેલવે શરૂ કરવામાં આવે તો આવનજાવન આસાન થઈ શકે છે તેવો અભ્યાસ પણ કરવામાં આવ્યો છે.

આ રીતે આ જે આ ટ્રેન મનોરંજન, પર્યટન અને મોજમસ્તી માટે થાય છે. ઘણા આશા રાખે છે કે આ હિજાઝ રેલવે લાઇન ફરી ધમધમતી થાય અને તેનો એક જમાનો હતો તે પાછો આવે.

નાલશિક કહે છે કે કેટલાક વ્યવહારુ ફાયદા પણ આમાં છે. રોજ છ લાખ લોકો ઝરકાથી અમ્માનનો 30 કિલોમીટરનો પ્રવાસ કરે છે. તેમના માટે જાહેર પરિવહનની કોઈ વ્યવસ્થા નથી.

આ બંને શહેરોને જોડતી હિજાઝ રેલવે શરૂ કરવામાં આવે તો આવનજાવન આસાન થઈ શકે છે તેવો અભ્યાસ પણ કરવામાં આવ્યો છે.

નાલશિક કહે છે, 'એક હેતુ લોકોને હિજાઝ રેલવેના ઇતિહાસથી પરિચિત કરાવવાનો પણ છે. અહીંથી બહુ લોકો પસાર થાય છે, પણ તેમને ખબર નથી કે અહીં રેલવે સ્ટેશન છે. એક એવું સ્ટેશન, જે છેલ્લાં 110 વર્ષોથી આવેલું છે. મારી કોશિશ છે કે જોર્ડનના પર્યટનમાં આને સ્થાન મળે.'

રેલવે

ઇમેજ સ્રોત, THE TRAVEL SHOW

ઇમેજ કૅપ્શન, આ રેલવે લઇનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવાની પણ કોશિશ થઈ રહી છે.

આ રેલવે લઇનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવાની પણ કોશિશ થઈ રહી છે.

સાઉદી અરેબિયાએ 2015માં આ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. (જોકે જોર્ડનની જેમ સાઉદી અરેબિયાએ લાઇન પર ટ્રેનો ચાલુ કરી નથી. તેણે આ રેલવેનું એક સંગ્રહાલય બનાવ્યું છે અને આ રેલવેને ઐતિહાસિક વારસો માને છે).

એવી કલ્પના કરવી મુશ્કેલ છે કે ટ્રેનમાં સીરિયાથી લોકો સાઉદી અરેબિયા સુધી પહોંચે. જોકે હિજાઝ રેલવેના વારસાને જીવિત રાખવાના અને તેને ફરી ચાલુ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે કદાચ કોઈ દિવસ સફર શક્ય પણ બને.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો