Eid al-Fitr - Ramadan : આખી દુનિયાના બધા મુસલમાનો એક જ દિવસે ઈદ કેમ નથી ઊજવતા?

ઇમેજ સ્રોત, Ani
રમઝાન મહિનો પૂરો થયા બાદ શનિવારે આખા દેશમાં ઈદનો તહેવાર ઊજવાઈ રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત દેશનાં અનેક શહેરોની મસ્જિદો અને મેદાનોમાં નમાઝ માટે મુસ્લિમો એકઠા થઈ રહ્યા છે.
ભારતમાં ઈદ આજે શનિવારે 22 એપ્રિલના રોજ ઊજવાઈ રહી છે.
તો સાઉદી અરેબિયામાં શુક્રવારે એટલે કે 21 એપ્રિલના રોજ ઈદ ઊજવાઈ.
સાઉદી પ્રેસ એજન્સીએ રૉયલ કોર્ટના હવાલાથી આ જાહેરાત કરી હતી. તો અફઘાનિસ્તાનમાં 21 એપ્રિલ શુક્રવારના રોજ ઈદ ઊજવાઈ.
એવામાં સવાલ એ થાય કે દુનિયાના બધા મુસલમાનો એક જ દિવસે ઈદ કેમ નથી ઊજવતા.
બીબીસી બાંગ્લાના સંવાદદાતા રકીબ હસનાત તેમના લેખમાં આ વાતને સમજાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશમાં ઇસ્લામિક ફાઉન્ડેશનની મૂન સમિતિ નક્કી કરે છે કે મુસ્લિમ સમુદાયના સૌથી મોટા તહેવાર ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કયા દિવસે થશે. સામાન્ય રીતે આ સમિતિ રમઝાનના 29મા દિવસે બપોરે બેઠક કરે છે અને ઈદ-ઉલ-ફિત્રનો દિવસ નક્કી કરે છે.
જો રમઝાનના 29મા દિવસે દેશમાં ક્યાંય પણ ચાંદ દેખાય છે તો ફાઉન્ડેશન તેના બીજા દિવસે ઈદની જાહેરાત કરે છે અને જો એવું ન થાય તો રમઝાનના 30 દિવસ પૂરા થયા પછી ઈદની ઉજવણી કરાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય રીતે સાઉદી અરેબિયામાં ઈદના એક દિવસ પછી બાંગ્લાદેશમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ સાઉદી અરેબિયા સાથે ઈદની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે ચાંદ દેખાવાને લઈને ચર્ચાઓ થાય છે.
બાંગ્લાદેશના જાણીતા ભૌતિકશાસ્ત્રી તેમજ ઇસ્લામ અને વિજ્ઞાનના લેખક ડૉ. શમસેર અલી કહે છે કે મુસ્લિમ દુનિયા ઇસ્લામના નિયમોનું પાલન કરીને એક જ દિવસે ઈદની ઉજવણી કરી શકે છે.
શમસેરના મતે, પોતાના જ દેશમાં ચાંદ જોવાનો કોઈ વાંધો નથી.
તેઓ કહે છે, "એવું નથી કે ચાંદ પોતાના જ દેશમાં જોવો જોઈએ. ઇમામ અબુ હનીફા અને પયગંબરે કહ્યું છે કે એક જ દિવસે રોજા રાખવા જોઈએ અને તોડવા જોઈએ. જ્યારે ચાંદ ઊગે છે ત્યારે ચંદ્રમાસ શરૂ થાય છે."
શમસેર અલી કહે છે કે મક્કા મુસલમાનો માટે પવિત્ર સ્થળ છે. જો ત્યાં ચાંદ દેખાય તો તેના આધારે મુસ્લિમ દેશોમાં ઈદની ઉજવણી કરવી જોઈએ. બે દેશો વચ્ચેના સમયમાં તફાવત એ મોટી સમસ્યા નથી.
આ સાથે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશન (OIC)એ એક જ દિવસે રોજા અને ઈદની ભલામણ કરી છે.
તેમ છતાં સાઉદી અરેબિયાના એક દિવસ પછી બાંગ્લાદેશમાં ઈદ ઉજવાય છે, કારણ કે નેશનલ મૂન સાઇટિંગ સમિતિનો તર્ક છે કે પયગંબર કહે છે કે ચાંદ જોયા પછી જ રોજા શરૂ થવા જોઈએ અને છોડવા જોઈએ.

અલગઅલગ તર્ક શા માટે?

ઇમેજ સ્રોત, Ani
ભૌગોલિક કારણોને લીધે બાંગ્લાદેશમાં આરબ દેશોના એક દિવસ પછી ચાંદ દેખાય છે. આરબ દેશોમાં ચાંદ બાંગ્લાદેશ પહેલાં દેખાઈ જાય છે.
જોકે, બાંગ્લાદેશથી સમયમાં આગળ મલેશિયા અને ઇન્ડોનેશિયા પણ આરબ દુનિયાની જેમ જ ઈદની ઉજવણી કરે છે. આફ્રિકાના કેટલાક મુસ્લિમ દેશો પણ આવું જ કરે છે.
ઢાકા યુનિવર્સિટીમાં અરબીના પ્રોફેસર ઝુબેર મહમદ અહસાનુલ હક કહે છે કે મુસ્લિમ નિયમો અનુસાર, જો કોઈ મુસ્લિમ દેશમાં ચાંદ જોવા મળી જાય તો એ બધા મુસલમાનોને લાગુ થશે.
દરેક આ વાત પર સહમતી દર્શાવે છે કે હિજરી વર્ષનો ચંદ્રમાસ નરી આંખે ચાંદ દેખાતાની સાથે જ શરૂ થાય છે. આ ઇસ્લામનો નિયમ છે.
આ કારણસર ઘણા ઇસ્લામિક ધાર્મિક નેતાઓ આજે પણ પોતપોતાના દેશમાં નરી આંખે ચાંદ જોવા પર ભરોસો રાખે છે.
કુશતિયા ઇસ્લામિક યુનિવર્સિટીમાં અલ-કુરાન અને ઇસ્લામિક સ્ટડીઝ વિભાગના પ્રોફેસર એએફએમ અકબર હુસૈન કહે છે કે તેમને એવું નથી લાગતું કે શરિયા બોર્ડની ભલામણ પર ઈદ નક્કી કરાય તો તેમાં કોઈને કોઈ શંકા હશે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું નક્કી થયેલું છે?

ઇમેજ સ્રોત, Getty Images
મે 2016માં તુર્કીની પહેલ પર ઇસ્તાંબુલમાં એક આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સનું આયોજન કરાયું હતું. તુર્કી, કતાર, જૉર્ડન, સાઉદી અરેબિયા, મલેશિયા, યુએઈ, મોરક્કો સમેત 50 દેશના ઇસ્લામિક સ્કૉલર અહીં ભેગા થયા હતા.
આ કૉન્ફરન્સને ઇન્ટરનેશનલ હિજરી કૅલેન્ડર યુનિયન કૉંગ્રેસના નામથી ઓળખવામાં આવે છે. આ કૉન્ફરન્સમાં હિજરી કૅલેન્ડરને લઈને દુનિયાભરમાં અલગઅલગ મુસ્લિમો વચ્ચે જે મતભેદ છે, તેને લઈને નિર્ણય લેવાયો હતો.
મોટા ભાગના લોકોનું કહેવું હતું કે દુનિયાભરના બધા મુસલમાનોને એક કૅલેન્ડરમાં સામેલ કરવા જોઈએ અને જો આવું થાય તો આખી મુસ્લિમ દુનિયામાં એક જ દિવસે ઈદ અને રોજાની શરૂઆત કરી શકાશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













